વાંચન થાળ
બીજલ પ્રકાશન, ૧૦૩, યોગી સૃષ્ટિ એપાર્ટમેન્ટ, ઐશ્વર્ય ફ્લેટ્સ સામે, વહાણવટી માતાના મંદિર પાસે, ઓઢવપુરા રોડ, ઈલોરા પાર્ક, વડોદરા-૩૯૦ ૦૨૩.
શાહીનું ટીપું (કાવ્યસંગ્રહ) – રમણીક સોમેશ્વર, પ્ર.આ. ૨૦૧૦, ડેમી, પૃ.૧૨૭, કિં. રૂ. ૧૩૦.
રમણીક સોમેશ્વર (૧૯૫૧) આપણા ખ્યાત કવિઓમાંના એક છે. ‘તમે ઉકેલો ભેદ’ (૧૯૯૬) જેવા કાવ્યસંગ્રહ પછી તેઓ સાતત્યપૂર્વક લખતા, વાંચતા, વિચારતા રહ્યા છે. તેઓ ‘જળગીત’ જેવો અનુવાદ આપે કે લા.ઠા. સાથેનો પત્રસંવાદ રચે. ‘પત્ર-લાભ’ (૨૦૧૬) એ બધું ઝીણી નજરે જોવા-પામવાનું વાચકને ગમે એવું હોય છે. ‘શાહીનું ટીપું’ (૨૦૧૯) જેવા સંગ્રહની રચના જુઓ :
ચણીબોર મેં જોયાં
વગડે
લાલલાલ
સૂરજની સામે
ઝઝૂમતાં એ
સૂરજ :
જાણે ચણીબોર કો
અટવાયેલું ઝાડી વચ્ચે (પૃ. ૪૨)
આ રચનામાં ચણીબોર અને સૂર્ય સામસામાં ને એક થઈ જતાંનો કવિ અનુભવ રચે છે. અછાંદસમાં અનિયમિત લયનાં આવર્તનો જ નહીં, ક્યારેક એક એક શબ્દનાં પગથિયાં રચીને ટૂંકા પદવિન્યાસથી અસિદ્ધ લયને કવિ કારગત બનાવતો હોય છે. અહીં વગડે મેં ચણીબોર જોયાં એમ કહેવાને બદલે ચણીબોરને કવિએ આગળ કર્યાં છે કેમ કે કાવ્યનું કેન્દ્ર ચણીબોર આસપાસની લીલા છે. આથી ‘ચણીબોર મેં જોયાં’ જેવા છુપાયેલા પ્રશ્નાર્થનો ઉત્તર ‘વગડે’ એમ આપીને ચણીબોર સાથેનો મુકાબલો કવિએ રચ્યો છે. ચણીબોરને સૂરજની સામે ઝઝૂમતાં કલ્પીને સૂરજ જ જાણે ઝાડી વચ્ચે અટવાયેલું ચણીબોરની કલ્પના અવકાશનો વિસ્તાર સાધી આપનાર બને છે, તો અંગૂઠે તર્જની ટેકવી લખોટીની જેમ-થી શરૂ થતા કાવ્યમાં બાળરમત સાથે કવિએ કાવ્યલીલા મૂકી છે.
કવિ પેલી મોઈદાંડિયાથી રમાતી રમતમાં આવતી ગબીનો સંકેત રચીને ઉત્તમ કવિતા માટે ભાવિ તાકે છે તો આ ગબીને જ. ગબી ભલે દૂર દૂર થતી જાય પણ કવિ સમાધાન કરતો નથી. એક વેળાએ તો એ ગબીમાં પોતે રચેલા શબ્દને મૂકી આપશે જ, એ કવિ-પુરુષાર્થ પણ પાછળ ઢંકાયેલો આવે છે. અહીં ઘણી ટૂંકી રચનાઓ કવિએ આપી છે પણ એ રચનાઓમાં તાજગીસભર કલ્પના છે. ‘પહાડ’ જેવી રચનામાં શબ્દની કરકસર ધ્યાન ખેંચે એવી છે. ‘વરસે ને ઝીલી લે પહાડો. ઝીલે ને વહાવી દે’ (પૃ.૩૭). એમ કહેતાં કહેતાં કવિ લથબથ ખીણોને સ્મરે છે, પરંતુ આ સઘળું થયા પછી કવિ ‘પહાડ સદાયે કોરા’ કહીને જે ચમત્કાર સર્જે છે એ આસ્વાદ્ય બની રહે છે.
કવિ પતંગિયાંનાં જે કેટલાંક દૃશ્યો આપે છે એમાં પણ ભરપૂર કવિકર્મ દેખા દે છે. પતંગિયું જ્યાં કવિના ખભા પર આવીને જરા બેઠું કે સમુદ્રો હિલોળે ચઢ્યા ! પતંગિયું આ પરાગરજ લઈ ચાલ્યું, આખું જંગલ એની પાંખે … જેવી રચનાઓમાં પ્રકૃતિ સાથે ભળી જતું પરમ સ્વરૂપ આપણે અનુભવી શકીએ. કવિએ પ્રકૃતિનાં પરિમાણો જેમ કે રણ, દરિયા કાંઠે સૂર્યાસ્ત, બપોરને જે વૈવિધ્યથી ને નોખી ભાતે જોયાં છે એ ભાવકને માટે એક આનંદનો પર્યાય બની રહે એમ છે. ‘બિલાડીનું બચ્ચું’ જેવી રચના ઘણી પ્રભાવક છે. હેમીંગ્વેની ‘કેટ ઈન ધ રેઈન’ યાદ આવી જાય. ‘એ ખોતરે છે એના ઝીણા નખથી ખૂણામાં પડેલું અંધારું કે ક્યારેક ચાટે છે જીભથી અહીંતહીં ઢોળાયેલી ચાંદની’(પૃ.૭૪)માં જે કલ્પન છે એ સ્મરણમાં રહી જાય એવું છે. દાદી, માતાનાં કાવ્યો પણ એવાં જ માતબર બન્યાં છે. આ કવિની કવિતામાં પ્રગટ થતાં આવતાં ભાવસભર ચિત્રાંકનો, પ્રકૃતિને સૂક્ષ્મતાથી જોવાની દૃષ્ટિ, અનાગતને પામવાની ઝંખના, ભાષાને પ્રયોજવાનું કૌશલ અને નવતર આ સંગ્રહને કેવળ સર્જન દિશા તરફ સ્થિર કરી રાખવાને બદલે ચોપાસથી જોવા માણવાની તક રચે છે. ‘શાહીનું ટીપું’ કોરા કાગળમાં જ રહી પડવાને બદલે છેક આપણા હૈયા લગી રેલાય છે.
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 23