માનવીએ સમાજની રચના કરી એ પછી સ્થાપિત હિતોએ સમાજનો કબજો લઈ લીધો. માનવી તેમાં વિલીન થતો ગયો. વિલીન નહીં, શરણે થઈ ગયો. આ શરણાગતિનો ઇતિહાસ ઓછામાં ઓછો ત્રણ–ચાર હજાર વરસનો હશે.
ઇન્ડિયા ગઠબંધને ૧૪ ટી.વી. એન્કરોના કાર્યક્રમોમાં પોતાના પ્રવક્તાઓને મોકલવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ચાર ટી.વી. ચેનલ સહિત ૧૪ એન્કરોનાં નામ પણ જાહેર કરવામાં આવ્યાં છે. દેખતી રીતે આ નિર્ણય સામે વ્યાપક પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એ એન્કરો અને બી.જે.પી.ના નેતાઓ આને લોકતંત્ર પરના હુમલા તરીકે ઓળખાવી રહ્યા છે. એન.ડી.ટી.વી. ચેનલ ગૌતમ અદાણીએ ખરીદી એ પહેલાં લોકતંત્રના પ્રહરીઓ એન.ડી.ટી.વી. પર બી.જે.પી.ના પ્રવક્તાઓને નહોતા મોકલતા. કેમેરાની સાક્ષીએ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક મુલાકાત લેનાર કરણ થાપરના કાર્યક્રમોમાં નહીં જવાનો આદેશ આપવામાં આવ્યો છે, એ કોણ નથી જાણતું? ત્યારે તેમને લોકતંત્રની યાદ નહોતી આવી.
જે ચેનલો અને એન્કરોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે એ ગોદી મીડિયા તરીકે ઓળખાય છે અને ગોદી મીડિયાના ચરિત્રથી આખો દેશ પરિચિત છે. રવીશ કુમારે ગોદીમીડિયા શબ્દપ્રયોગ પહેલીવાર વાપર્યો હતો અને હવે એ દેશભરમાં પ્રચલિત થયો છે. તેઓ કોણ છે, તેઓ શું કરે છે, કઈ રીતે કરે છે, કોના માટે કરે છે, શા માટે કરે છે, તેઓ કેમ બચતા રહે છે, કોણ બચાવે છે, સર્વોચ્ચ અદાલતની વારંવારની ટિપ્પણી અને ચેતવણીની કેમ કોઈ અસર નથી થતી એ બધું જ તમે જાણો છે.
અંગ્રેજીમાં ગોદી મીડિયા લેપડોગ (ખોળામાં બેઠેલું કુરકુરિયું) તરીકે ઓળખાય છે. આનો અર્થ એ થયો કે આ બીમારીથી આખું જગત પીડાય છે. આખા જગતમાં ડાહ્યા જનો સમાજને લાગેલા આ ગ્રહણથી કેમ છૂટવું એની જદ્દોજહદ કરી રહ્યા છે. અહીં પણ નાગરિક સમાજે હસ્તક્ષેપ કરવાનું શરૂ કર્યું છે. બ્રિટનમાં નાગરિક સમાજે ‘સ્ટોપ ફન્ડિંગ હેટ’ નામે જીહાદ શરૂ કરી છે. તેઓ કોર્પોરેટ કંપનીઓને અને બીજાઓને સલાહ આપે છે અને હાથ જોડીને સમજાવે છે કે સમાજમાં નફરત ફેલાવાનરાઓને સમાજમાં તિરાડો પાડનારાઓને વિજ્ઞાપન આપવાનું બંધ કરો. નફરત ફેલાવનારાં અખબારો, સામયિકો, ટી.વી. ચેનલો વગેરેને વાંચીને, જોઇને, તેમાં લખીને કે ચર્ચમાં ભાગ લઈને, વિજ્ઞાપન આપીને તેનું પોષણ કરવાનું બંધ કરો. બ્રિટનમાં ધીરે ધીરે તેની અસર જોવા મળી રહી છે. આ સિવાય ફેક્ટચેકર અને મેઈનસ્ટીમ મીડિયાના વિકલ્પે ડીજીટલ મીડિયા શરૂ થયાં છે.
અહીં સવાલ ઉપસ્થિત થાય છે કે શા માટે આ વૈશ્વિક ચિંતાનો વિષય છે? શા માટે આને સમાજને લાગેલા ગ્રહણ તરીકે ઓળખાવવામાં આવે છે? શા માટે ભારતમાં સર્વોચ્ચ અદાલતે વારંવાર આની સામે ચેતવણી આપવી પડે છે અને ચિંતા વ્યક્ત કરવી પડે છે અને સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે એ પછી પણ શા માટે તેની સામે કોઈ કારવાઈ કરવામાં આવતી નથી? શા માટે મીડિયાનું નિયમન કરનારા કાયદા, કાયદાઓનું પાલન કરનારાઓ અને નિયમન કરનારી જે તે સંસ્થાઓ કાં તો કાંઈ કરતા નથી અથવા કરી શકતા નથી? કોણ બચાવે છે? માટે તો નાગરિક સમાજે અહીં પણ મેદાનમાં ઉતરવું પડ્યું છે. કાયદાઓ અને નિયમન કરનારી સંસ્થાઓ અસરકારક નથી એટલે બે હાથ જોડીને કરવામાં આવતી સમજાવટ અસરકારક બને એ માટે પ્રયાસ કરવો પડે છે.
જો આ જે તે રાજકીય પક્ષોની હારજીતની રમત હોત અને માત્ર એટલા જ હેતુસર મીડિયાનો ઉપયોગ કરવામાં આવતો હોત તો તે મોટી ચિંતાનો વિષય ન બનત. ભૂતકાળમાં રાજકીય પક્ષો મીડિયાનો ઉપયોગ કરતા જ હતા. આ કોઈ નવી વાત નથી. પણ અત્યારે જે રીતે અને જે સ્વરૂપમાં મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે એ ચિંતાનો વિષય છે. માટે એને સમાજને લાગેલા ગ્રહણ તરીકે ઓળખાવવામાં આવે છે અને દુનિયાભરમાં અદાલતોને, દૂરનું વિચારી શકનારા ચિંતકોને અને સમાજ માટે સરોકાર ધરાવનારાઓને ઊહાપોહ કરવાની જરૂર પડી છે. બીજા શબ્દોમાં કહીએ તો મીડિયાનો ઉપયોગ માત્ર સત્તા અને ચૂંટણીકીય હારજીત પૂરતો નથી કરવામાં આવી રહ્યો, પણ રમત ઘણી મોટી છે. જે દેશોમાં ચૂંટણીઓ નથી થતી અને જો થાય છે તો દેખાવ પૂરતી થાય છે એવા દેશોમાં પણ ગોદી મીડિયાને પાળવામાં આવી રહ્યા છે. જે ગોદમાં બેસવા તૈયાર નથી તેવા મીડિયાને સતાવવામાં આવે છે.
શા માટે? કઈ એવી મોટી રમત છે એ જાણવાનો અહીં આ કોલમમાં પ્રયાસ કરવામાં આવશે. ફોટોગ્રાફીની ભાષામાં વાઈડ એન્ગલમાં એ રમતનાં સ્વરૂપને રજૂ કરવાનો ઈરાદો છે.
માનવીએ સમાજની રચના કરી એ પછી તેણે ધીરે ધીરે પોતાને સમાજમાં વિલીન કરવાનું શરૂ કર્યું હતું. એમાં તેને સમૂહની શક્તિનો અને એ શક્તિ દ્વારા સલામતીનો અનુભવ થતો હતો. એમાંથી સમૂહનું નિયમન કરનારી સંસ્થાઓ વિકસી જેમાં રાજ્યથી લઈને પરિવાર સુધીનો સમાવેશ થાય છે. ધીરે ધીરે બન્યું એવું કે એ સંસ્થાઓ સાથે સ્થાપિત હિતો વિકસ્યાં. બને ત્યાં સુધી સમાજ પરનું પ્રભુત્વ હાથમાંથી ન જવું જોઈએ. બને ત્યાં સુધી પ્રભુત્વ મારા હાથમાં રહેવું જોઈએ, મારા પછી મારાં સંતાનોના હાથમાં રહેવું જોઈએ, મારા ખાનદાનના કે ચોક્કસ કૂળના કે વંશના હાથમાં રહેવું જોઈએ, વગેરે. તેમણે પોતાનું પ્રભુત્વ કે સત્તા ટકાવી રાખવા અનેક પ્રકારની રમતો પ્રયોજી. ચોક્કસ પરિવાર, કૂળ, વંશ કે જ્ઞાતિ પ્રભુત્વ એટલા માટે ધરાવે છે કે તેને ભગવાને પસંદ કર્યા છે. બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી જન્મ્યા છે એમ કહેવાય છે ને! ઈશ્વરના વરદાન પછી આવે છે શ્રેષ્ઠતા. પવિત્ર લોહી, શ્રેષ્ઠ કૂળ, શ્રેષ્ઠ ધર્મ કે સંપ્રદાય. એ પછી ભવ્ય ઇતિહાસ. એવો ઇતિહાસ કે કોઈ એ પરિવાર, વંશ, જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય કે આજકાલ હવે રાષ્ટ્ર કે ભૂમિની બરાબરી ન કરી શકે. આખો ઇતિહાસ તેમણે જ લખ્યો હોય અને મનઘડંત હોય. ભવ્ય ઇતિહાસ પછી આવે ભય. જો સમાજનું (પરિવાર, જ્ઞાતિ, પેટા–જ્ઞાતિ, વંશ, ધર્મ, સંપ્રદાય, રાષ્ટ્ર કે પ્રદેશ આધારિત) અંગ બનીને નહીં રહો અને એકલા ચાલવાનું દુસ્સાહસ કરશો તો તમારી સુરક્ષાની જવાબદારી અમારી નહીં. જુઓ સામે દુશ્મનો સંગઠીત છે.
પરિણામે સમાજની રચના કરનારો માનવી સમાજમાં વિલીન થવા લાગ્યો તે ત્યાં સુધી કે તેણે સ્વતંત્ર રીતે વિચારવાનું જ છોડી દીધું. ખાસ લોકો તેના એટલે કે અદના માનવીનાં હિતમાં વિચારે, ખાસ લોકો તેના વતી નિર્ણય લે, ખાસ લોકો “બીજાઓ”થી તેને બચાવે, ખાસ લોકો તેને માટેની મર્યાદાઓ નક્કી કરે, ખાસ લોકો સમાજના, ધર્મના કે રાષ્ટ્રના “વ્યાપક હિત”માં તેને ચોક્કસ રીતે પ્રેરિત કરે, ખાસ લોકો “વ્યાપક હિત”માં તેની બલી ચડાવે અને આજકાલના યુગમાં તો હવે ખાસ લોકો તેણે ઉત્પાદિત કરેલી ચીજનું બજારમાં મૂલ્ય નક્કી કરે. બધું જ “વ્યાપક હિત”માં. અંગત હિત વિષે અદના માનવીએ તો વિચારવાનું પણ નહીં અને જે વિચારે તેને ધર્મદ્રોહીથી લઈને દેશદ્રોહી સુધીનાં લેબલ લગાડી શકાય.
ટૂંકમાં માનવીએ સમાજની રચના કરી એ પછી સ્થાપિત હિતોએ સમાજનો કબજો લઈ લીધો અને માનવી તેમાં વિલીન થતો ગયો. વિલીન પણ નહીં, શરણે થઈ ગયો. વ્યક્તિની શરણાગતીનો ઇતિહાસ ઓછામાં ઓછો ત્રણ-ચાર હજાર વરસનો હશે. બધું જ નિયમસર, ધોરણસર, શાસ્ત્રોક્ત રીતે, ધર્મમર્યાદામાં, પરંપરા મુજબ ચાલતું હતું. ક્યાં ય કશો અવાજ કે ઊંહકારો નહોતો. કોઈ લાઈન તોડતું નહોતું.
એમાં એક દિવસ એવું બન્યું કે યુરોપમાં સમયે કરવટ બદલી. શું બન્યું એની વાત હવે પછી.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 24 સપ્ટેમ્બર 2023