: ૧ :
હું ૧૯૯૨થી અમેરિકા આવ-જા કરું છું, થોડું રહું, પાછો ફરું. એથી મને ત્યાં વસેલા ગુજરાતીઓનો ઠીક ઠીક અનુભવ મળેલો છે. ૩૨ વર્ષ થયાં. અમેરિકામાં કોઈ કોઈ માબાપો મળે તો ક્હૅ – અમારી બેબીને ગુજરાતી નથી આવડતું, પણ અંગ્રેજી ફટાફટ બોલે છે; અમારો બાબો ગુજરાતીમાં થોડુંક બોલે પણ તરત અંગ્રેજીમાં આવી જાય છે. અમારો દીકરો ગ્રેજ્યુએટ થયો પણ આપણા ધરમનું કંઈ જ જાણતો નથી, જિસસમાં માને છે, પણ એને શ્રીકૃષ્ણ કે શ્રીરામની કશી જ ખબર નથી. શું કરી શકાય? હું તેઓને જે-તે જવાબો અને સમજણ આપતો.
એક વાર યુનિવર્સિટી ઑફ પૅન્સેલ્વેનિયામાં પન્ના નાયકે મારું વ્યાખ્યાન રાખેલું, વિષય હતો, ‘ધ ઇમ્પૉર્ટન્સ ઑફ લર્નિન્ગ મધર ટન્ગ ગુજરાતી’. માતૃભાષા ગુજરાતી ભણવાની અગત્ય અને એના મહિમાની વાત મારે અંગ્રેજીમાં કરવાની હતી ! કેવું સુખદ વૈચિત્ર્ય !
૨૦૧૨માં, મેં વિદેશ વસતાં એ માબાપોની ચિન્તાને દૂર કરવા એક પ્રકલ્પ વિચાર્યો હતો, જેનું નામ રાખેલું ‘બા-ની ભાષા, મારી ભાષા’. એ અન્વયે કક્કો, બારાખડી; વાક્યરચના; શબ્દભંડોળ; વર્તમાન ભૂત ભવિષ્ય એમ ૩ કાળ અને તેના ‘ચાલુ’ અને ‘પૂર્ણ’ પેટા પ્રકારો વગેરે મળીને ૯ કાળ; એ બધાં વિશે હું ઑનલાઇન ક્લાસિસ લેવાનો હતો. મારા મિત્ર અતુલ રાવલે ૧,૨૦૦ માબાપોને ઇમેઇલ કરેલા, માંડ ૧૨ તરફથી ઉત્તર મળેલા ! મારો ઉત્સાહ ભાંગીને ભૂકો થઈ ગયેલો.
ગુજરાતમાં, ગુજરાતી સરળતાથી બોલાય લખાય વંચાય, પણ શુદ્ધ બોલાય, યોગ્ય લખાય કે સરખું વંચાય એમ થાય છે ખરું? પ્રાથમિક અને માધ્યમિકના શિક્ષકો તો ‘ના’ પાડશે. કૉલેજમાં મુખ્ય વિષય ગુજરાતી ભણાવતી મારી એક વિદ્યાર્થિની-અધ્યાપકે મને કહેલું : સર, મારે સૌ પહેલાં એ લોકોને કક્કો શીખવવો પડે છે, બ્લૅકબૉર્ડ પર લખીને.
આમ, શુદ્ધ ગુજરાતી, માતૃભાષા ગુજરાતી, એક સળગતો સવાલ છે, મોટી સમસ્યા છે.
: ૨ :
આ વીગતો આપીને હું એમ પૂછવા માગું છું કે માતૃભાષાની આપણને ગરજ છે ખરી? કેટલી? એને વિશેની આપણી સાચી માનસિકતા શું છે? એટલી જ કે મૅડિસિનનું ભણીને ડૉક્ટર થવા નીકળેલાને ખપ પૂરતું આવડી જાય તો ચાલે. બેબી લૉ-નું ભણીને ઍડવૉકેટ થવાની છે, એને વ્યવસાયમાં કામ લાગે એટલું આવડી જાય તો ચાલે. આ માનસિકતા વિશે પૂરી ગમ્ભીરતાથી વિચારીએ તો આ સમસ્યાનો ઉકેલ કદાચ મળી આવે.
: ૩ :
માતૃભાષા એટલે ‘મધર ટન્ગ’ અને અંગ્રેજી વગેરે ‘અધર ટન્ગ’. બન્ને વચ્ચેનો ફર્ક આ છે : માના ધાવણથી મોટું થતું બાળક અને ધાવણ વિના બૉટલમિલ્કથી મોટું થતું બાળક તેમ જ બન્નેના મિશ્રણથી મોટું થતું બાળક. ફર્ક સમજાઈ જશે.
: ૪ :
ગુજરાતીની માતૃ ગણો તો તે છે સંસ્કૃત, અને સંસ્કૃતની માતૃ ગણો તો, છેક ‘ઇન્ડો-યુરોપીયન ફૅમિલી ઑફ લૅન્ગ્વેજીસ’ લગી જવું પડે. હું કહેવા માગું છું કે ગુજરાતી કે સંસ્કૃત ભાષાઓ પારિવારિક સમ્બન્ધે વિકસી છે. ઇન્ડો-ઇરાનિયન, ઇન્ડો-આર્યન વગેરે વચગાળાના તબક્કા છે, જેમાં, એક ‘જરમેનિક બ્રાન્ચ’ છે, જેમાં અંગ્રેજી પણ આવી જાય છે.
Indo-European Family of Languages —
ગુજરાતીનો સંસ્કૃત સાથેનો પારિવારિક સમ્બન્ધ સ્પષ્ટ છે. સંસ્કૃતમાં -‘વન્દે’ કે ‘વન્દે માતરમ્’ હોય તો ‘વન્દે’-માં પુરુષ, કાળ, વચન બધું આવી જાય છે. એનો ગુજરાતીમાં અનુવાદ છે – હું માતાને વન્દન કરું છું. જુઓ, વાક્ય વિશ્લેષણાત્મક બની ગયું, ‘કરવું’ અને ‘હોવું’ એમ બબ્બે ક્રિયાવાચી પ્રયોગો પણ ઉમેરાઇ ગયા. સંસ્કૃતના કેટલા બધા શબ્દો આપણે વાપરીએ છીએ, જેને તત્સમ કહેવાય છે, યાદ કરો – સર્પ – ધ્યાન – કુમુદ – સરસ્વતી – પંકજ – મધુર – સુસ્મિતા – ઐશ્વર્યા – દીપિકા, વગેરે. અંગ્રેજીનો વિચાર કરીએ : ફાધર – ફાડર – પિટર – પિતર – પિતૃ. મધર – માતૃ – મા – અમ્મા – મૉમ – બા. ડોર – દ્વાર, સમિતિ – કમિટિ, ઇન્વેશન્શન – અન્વેષણ. વગેરે. તત્સમ પરથી તદ્ભવ વિકસ્યા છે, જેમ કે, ‘સર્પ’નું ‘સાપ’. ‘કર્મ’નું ‘કામ’.
ભાષાઓના પારિવારિક સમ્બન્ધોની માહિતી હમેશાં રસપ્રદ હોય છે. એ જાણવાથી ભાષા માટે પ્રેમ થવા માંડે છે.
: ૫ :
માતૃભાષાને સાચવવા શું સાચવવું અનિવાર્ય છે?
ભાષાવિજ્ઞાનના નિયમો અને સિદ્ધાન્તોને તેમ જ તેમની વચ્ચેના ભેદો તેમ જ વિદ્વાનોના મતભેદોને બાજુએ રાખીને કેટલાંક વ્યવહારુ સૂચનો કરું :
૧ : શબ્દપસંદગીમાં સાવધાન રહેવું – નિરીક્ષક, પરીક્ષક, સમીક્ષક ક્યારે વપરાય? પિતા બાપા પપ્પા ક્યારે પ્રયોજવા?
૨ : જોડણી અને લિપિ બાબતે ધ્યાન આપવું – આપણે ‘સમ્બન્ધ’ બોલીએ છીએ, લખીએ છીએ, સંબંધ. વિવૃત / સંવૃતના બધા ભેદ સાચવવા : ગૉળ-ગોળ, કૉઠું-કોઠી, ડેડ -ડૅડ
૩ : વાક્યરચનાની શુદ્ધિ જાળવવી. કર્તા કર્મ ક્રિયાપદ, એ ગુજરાતી વાક્યાન્વય છે. ‘રમેશ નિશાળે જાય છે’. ‘નિશાળે રમેશ જાય છે’. ‘જાય છે રમેશ નિશાળે’ પણ ‘નિશાળે છે જાય રમેશ’ – નહીં ચાલે.
૪ : સાદાં વાક્યો, સંયુક્ત વાક્યો, વગેરેની રચનાઓને વશ રહેવું.
એક પ્રશ્ન થશે કે ભાષાની સાચવણી માટે, વ્યવહારમાં ભાષા બોલાય છે એ સ્વરૂપને વશ રહેવું? કે શબ્દકોશમાં અને વ્યાકરણમાં છે એને વશ રહેવું? આમાં મતભેદો છે.
પણ સાદું સમજી રાખીએ કે જોડણી, બોલાય છે તેને અનુસરે છે. લિપિ, જોડણીને અનુસરે છે. વ્યાકરણ, બોલાય છે એમાંથી નિયમો તારવે છે અને એ નિયમો ભાષકોએ સાચવવાના હોય છે. એ બધું સચવાય એટલે અર્થ કે વાક્યાર્થ સચવાય છે જેને આપણે શુદ્ધ ભાષા કહીએ છીએ, અથવા ભાષાશુદ્ધિ કહીએ છીએ, એ સચવાય છે.
: ૬ :
પણ આપણી આસપાસ ‘મમ મમ-થી કામ, ટપ ટપથી નહીં’-માં માનનારાઓની વસતી મોટી છે. એની પાછળ છે, વ્યક્તિની સ્વતન્ત્રતાને માન આપતો ઉદારમતવાદ અને એ બન્નેને માન આપતો માનવતાવાદ. એ સઘળાની પાછળ છે બજારવાદ અને વૈશ્વિક રાજકારણ. મમ મમ-વાળાઓ સ્વાર્થી ગ્રાહકો જેવા છે. ગમે તે લે અને ગમ્મે તે લે ! વળી, – પેલું શું ક્હૅવાય? – જવા દો શબ્દ નથી મળતો … એમ યોગ્ય શબ્દ માટે ફાંફાં મારતા હોય છે, અને કહેતા હોય છે – મારી વાત સમજી ગયા ને? … પણ ઊંધુંછતું સમજાય છે એટલે કહે છે – હું તમને એમ કહેવા ન્હૉતો માંગતો, યાર…એ પ્રકારે, કારણ વગરનો ભાષાચાર ચાલે છે, જેને સાદી ગુજરાતીમાં ‘જીભાજોડી’ કહેવાય.
: ૭ :
માતૃભાષા મરી રહી છે? આ એક અફવા છે અથવા અરધું કે અરધાથી અરધું સત્ય છે. ખરી વાત એ છે કે ભાષાને વિશેની નિસબત ઘસાઈ રહી છે કેમ કે જરૂરત રહી નથી કે ઓછી થવા માંડી છે. પણ એ કયા ગુજરાતીઓ છે જેમની નિસબત ઘસાઈ રહી છે? કયા ગુજરાતીઓ છે જેમને જરૂરત રહી નથી? 2022-ના અંદાજ પ્રમાણે ગુજરાતની વસતી 7.06 કરોડથી વધારે હશે. એમાં, જેમને જરૂરત નથી લાગતી એ ગુજરાતીઓ મધ્યમ કે ઉપલા મધ્યમ વર્ગના છે અને એમની સંખ્યાનો આંકડો તુલનાએ નાનો છે.
એ લોકો પોતાનાં સન્તાનોને અંગ્રેજી શીખવવા માગે છે, જેથી વિદેશે પ્હૉંચી જવાય અને ધનવાન થઈ જવાય. ઉપરાન્ત, એ લોકોને આજના ટૅક્નોક્રેટ જમાના સાથે તાલમેલ કરવો છે. આ મનોવલણ ખોટું નથી પણ એ માટે માતૃભાષાને ભૂલી જવી એ સાવ જ ખોટું છે. અલબત્ત, કેટલીક વિદ્યાશાખાઓ માટે અંગ્રેજી અનિવાર્ય છે, બાકી જ્ઞાન સ્વભાષામાં જ મળે. મારા બન્ને દીકરા માધ્યમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા હતા, ને ઇજનેર તેમ જ આર્કિટેક્ટ થયા હતા અને એમણે વિદેશે કારકિર્દી બનાવી છે.
: ૮ :
નિસબત ઘસાઈ રહી છે કે જરૂરત ઓછી થવા માંડી છે એને કયાં પરિબળો વેગ આપી રહ્યાં છે? :
૧ : ઉચ્ચ મધ્યમ વર્ગનાં માબાપો – જેઓ ગામડેથી શહેર આવ્યાં છે, બે પૈસા કમાયા છે, ચાર પૈસા માટે સન્તાનોને વિદેશ મોકલવા માગે છે, મેં કહ્યું એમ, સમાજનો મધ્યમ કે ઉપલો મધ્યમ વર્ગ.
૨ : નિયન્ત્રણ નથી રહ્યાં. સરકારે નવી શિક્ષણનીતિમાં ગુજરાતી ભાષાનો સમુચિત મહિમા તાક્યો છે. પરન્તુ અંગ્રેજી માધ્યમની શાળાઓ પર સરકારનું કેટલું ધ્યાન છે એ પ્રશ્ન છે. જે શાળાઓમાં અંગ્રેજી ભાષા માધ્યમ રૂપે પ્રયોજાય છે એની કશી સમીક્ષા નથી થતી. એ શિક્ષકોનું અંગ્રેજી કેવું હોય છે તેની ભાગ્યે જ કોઈને ખબર પડે છે. મારા ઘરની સામે જ શાળા છે. બાળકો અને તેમને લેવા-મૂકવા આવતાં માબાપોનાં દૃશ્યો મને પ્રસન્ન કરે છે. પરન્તુ મને ચિન્તા થાય છે કે અંગ્રેજી માધ્યમથી વિદ્યાર્થી શું પામતો હશે. એ તો એ જ જાણતો હશે અને વિદેશ ગયા પછી વધારે જાણવાનો !
૩ : શિક્ષણ પોતે જ માનવીય વૃત્તિઓનાં સંસ્કરણની વ્યવસ્થા છે. માણસને એ કેળવે છે, એટલે કેળવણી કહેવાય છે. સા વિદ્યા યા વિમુક્તયે. મુક્તિ અપાવે તે વિદ્યા અથવા વિદ્યા મુક્તિ અપાવે છે. હા, પણ હવે જુદી રીતે. કેમ કે હવે વિદ્યાથી નહીં વિદ્યાસ્થાનેથી મુક્તિ મળી જાય છે. મેં સાંભળ્યું છે કે કોઈ કોઈ કૉલેજોમાં ‘ભૂતિયા’ વિદ્યાર્થીઓ હોય છે ! શિક્ષક પણ વિદ્યાર્થીને મુક્ત રહેવા દે છે કેમ કે એને પણ મુક્ત રહેવું છે. શિક્ષક બધું ચલાવી લે છે કેમ કે ન ચલાવવું એને પાલવતું નથી, કેમ કે એને પણ ચાલવું હોય છે. વિદ્યાર્થીને હવે નાપાસ કરવાનું અઘરું થઈ ગયું છે.
૪ : સાહિત્યકારો શબ્દના બંદા કે શબ્દસ્વામી કહેવાય, તેઓ પણ બેફિકર થવા માંડ્યા છે. લખાણોમાં ભૂલો કરે છે. વ્યાખ્યાનોમાં અશુદ્ધ ઉચ્ચારો કરે છે, અને બેચારને જ ખબર પડે છે કે શું અશુદ્ધ છે. આ વસ્તુ ઍક્સપોઝર માગી લે છે. ઍક્સપોઝર એટલે ઉઘાડ, પરિસ્થતિ વિશે ખુલ્લા, સભાન થવાયું હોય, અનુભવાયું હોય કે ગંદકી ક્યાં છે. ગંદકી દેખાય જ નહીં તો ચોખ્ખું ક્યાં કરે?
: ૯ :
ઉપાય શુ છે? કશો નહીં ! ચાલવા દો, કેમ કે, ગુમાવવાનું શું છે? ના, સમજદારોએ બેસી ન કહેવું. આ વિષમ કાળે સત્યો દર્શાવવાં એ કર્તવ્ય છે, વિદ્વદ ધર્મ છે.
૧ : જેઓ આ સમજે છે એમણે માતૃભાષા સાચવવી. ચોપાસ ભાષિક અનાચાર છે પણ સમજદારોએ તો સદાચરણ કરી બતાવવું. હું ‘સુભાષ શાહ’ બોલું એમાં ગુજરાતી ભાષાના ત્રણેય ‘સ’ આવી જાય છે. જેનું એ નામ છે એ વ્યક્તિ, સૌ પહેલાં, પોતાના નામનો સાચો ઉચ્ચાર શીખશે અને પછી તો જે લોકો એના નામનો ખોટો ઉચ્ચાર કરશે, તેનો વાંધો લેશે. વાંધો લેવાયો એ લોકો પણ વાંધા લેવા માંડશે. એમ સુધારાનો વિકાસ થશે.
૨ : સુધારાની શરૂઆત ઘરથી થવી જોઇએ : સુભાષ શાહ કુટુમ્બમાં નક્કી કરશે કે મંગળવારે એકપણ શબ્દ પરભાષાનો ન આવે એમ વાતચીત કરીશું. બુધવાર શુદ્ધ ઉચ્ચાર માટે રાખશે. ગુરુવાર ગોવર્ધનરામ, ગાંધીજી, ઉમાશંકર કે સુરેશ જોષીના સાહિત્યના વાચન માટે રાખશે. શુક્રવાર શબ્દઘડતર અને શબ્દસૌન્દર્યના પરિચય અને અનુભવ માટે રાખશે : કહેશે કે તાપ પ્રતાપ સંતાપ પરિતાપ કેવી રીતે ઘડાયા છે તે સમજો, તેમની વચ્ચેના ફર્ક સમજો અને વાપરી બતાવો. એ જ રીતે, નિરીક્ષા પરીક્ષા સમીક્ષા; મહારાજ અને મા’રાજ; પણ્ડિત અને મહા પણ્ડિત; યાત્રા અને મહા યાત્રા.
કેટલાંક વાક્યો અમસ્તાં જ સુન્દર હોય છે – આપનું નામ જાણી શકું? આપનું શુભ નામ જાણી શકું? જાણી શકું કે આપ ક્યાંથી આવો છો? કયા નગરની પ્રજાને વિરહિત કરી રહ્યા છો? સુખમાં છો? ઉત્તર – સુખી તો છું. ભાષા જ માણસને માણસ સાથે જોડે છે. શનિવારે સુભાષભાઇ સ્પૅલિન્ગ બી, વક્તૃત્વ સ્પર્ધા, વગરે કાર્યક્રમો જોવા-સાંભળવાનું રાખશે. પત્નીને કહેશે – તું જોડણીકોશ વાંચવાની ટેવ પાડ.
મેં મિત્રોને કહેવાનું ચાલુ રાખ્યું છે : થૅન્કસને બદલે ‘સારું લાગ્યું’ કહો. સૉરીને બદલે, ‘દિલગીર છું’ કહો. વૅલકમને સ્થાને, ‘આવકાર્ય કહો’. પ્રયત્ન કરી જોજો, સારું લાગશે.
: ૧૦ :
છેવટે તો વ્યક્તિગત બાબત છે. સુધારાની શરૂઆત ઘરથી બરાબર, પણ વ્યક્તિથી થવી જોઈશે. કેમ કે ભાષા આત્મગૌરવની વસ્તુ છે. મારી શુદ્ધ ભાષાથી મને ગૌરવનો અનુભવ થાય છે. હું મને પોતાને જ સુન્દર લાગું છું. પણ વ્યક્તિ આત્મરતિમાં અટવાયેલી રહેતી હોય તો કહે કે – મારું કામ ને જીવન બરાબ્બર ચાલે છે; સુમન શાહ, તમને શું તકલીફ છે? તો એને ન પ્હૉંચાય. સવાલ, મેં કહ્યું એમ ઍક્સપોઝરનો છે, ગંદકીને વિશેની સમજણ આવી જવી જોઈએ. ઘણાઓને જાહેરમાં નાકમાં આંગળી ખોસીને ગૂંગું શોધવાની, ઓડકાર કે બગાસાં ખાવાની કે નખ કરડવાની ટેવ હોય છે. સામો માણસ અશુદ્ધ ઉચ્ચારો કરે તો આપણને સૂગ થવી જોઈએ. ખોટી વાક્યરચનાઓ જોઈને આપણને ચીડ થવી જોઇએ. વગર કારણે વચ્ચે અંગ્રેજી શબ્દો સરકાવતો હોય તો આપણને ગુસ્સો આવવો જોઈએ. એનું અંગ્રેજી ખોટું હોય તો ઑર ગુસ્સો આવવો જોઈએ.
: ૧૧ :
સાહિત્ય, ભાષામાં લખાય છે એ આપણે જાણીએ છીએ. એથી સાહિત્યિક સૌન્દર્યનો, કલાનુભવનો કે રસાનુભવનો આનન્દ મળે છે એ જાણીએ છીએ, પણ આપણી ભાષા અશુદ્ધ હશે તો એ વાત બહુ દૂરની લાગશે. ભાષા અશુદ્ધ હશે તો સાહિત્યમાં પ્રવેશ નહીં મળે, મળી ગયો હશે પણ સાચકલી મજા નહીં આવે. ભાષા અશુદ્ધ હશે તો સાહિત્યસર્જન પણ નહીં કરી શકાય. ગઝલ લખવી હશે પણ રસપ્રદ રદીફ-કાફિયા જડશે નહીં. કુંભાર મૅલી માટીમાંથી કોડિયાં, ઘડો કે ભોટવો નથી બનાવી શકતો. કાંકરા ઢેખાળા કે ઘાસવાળી માટી હોય તો ન ચાલે, નકામી છે.
શું જીવનમાં કે સાહિત્યમાં ભાષા શુદ્ધ હોવી જોઈએ એ પહેલી શરત છે.
વિશ્વમાં પંકાયેલા મોટાભાગના સાહિત્યકારોએ માતૃભાષામાં લખ્યું છે, તે પછી તેમની કૃતિઓના અનુવાદ થયા છે. “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”-ના ૪૬ ભાષામાં અનુવાદ થયા છે, પણ એના સર્જક માર્ક્વેઝને ગ્રેગરી રબાસાએ અંગ્રેજીમાં કરેલો અનુવાદ ખૂબ ગમેલો કેમ કે રબાસા સ્પૅનિશ અને અંગ્રેજી બન્ને ભાષાને એના શુદ્ધ રૂપમાં જાણતા હતા.
બસ !
= = =
(Feb 22, 24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર