ગોપીને જાણે પહેલી વાર પોતાની જાત સામે જોવાની ફુરસદ મળી, તે એણે એની બહેનીને કહ્યું, ‘હું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું … તેમછતાં, એ ‘મારામાં શું દીઠું ?’ રચનામાં, આત્મસ્તુતિનો નહીં પણ કૃષ્ણસ્તુતિનો જ પ્રકાર ઊપસ્યો છે.
કૃષ્ણ આગળ પોતાની કોઇ વિસાત નથી તેની એને જાણ છે. એટલે સરસાઇનો પ્રશ્ન નથી પણ વાત જુદી છે. એ રીતે કે ‘વારે વારે સામું જુએ … વગર બોલાવ્યો વ્હાલો બેડલું ચડાવે … વઢું ને તરછોડું તો ય રીસ ન લાવે … દૂરથી દેખીને મને દોડ્યો આવે દોટે … પોતાની માળા કાઢી પહેરાવે મારી કોટે … એકલડી દેખી ત્યાં મુને પાવલેરે લાગે … રંક થઇને કાંઇ કાંઇ મારી પાસે માગે … જ્યાં જ્યાં જાતી ત્યાં ત્યાં એ આડો આવી ઢૂંકે … બહેની દયાનો પ્રીતમ મારો કેડો નવ મૂકે …’
વગેરે બધી ઘેઘૂર રમણાથી ગોપી મૂંઝાઇ મરી છે. એ બધી લીલાનું રહસ્ય શું? ક્યાં? રહસ્ય પોતામાં તો નથી, કેમ કે પોતામાં દેખવા સરખું કંઇ નથી તેની એને જાણ છે. એટલે ‘હું શું જાણું’ કહીને વિમાસ્યા કરે છે, તો, મુજમાં શું દીઠું પૂછીને કૃષ્ણની પ્રકાર પ્રકારની હરકતો જણાવે છે. પરન્તુ એમ પરોક્ષપણે અને સરવાળે તો કૃષ્ણપ્રેમનો જ મહિમા આગળ કરે છે, કૃષ્ણના જ ગૌરવનું ગાણું ગાય છે.
કવિની ગોપીનો સઘળો આત્મભાવ છેલ્લે આ રીતે કૃષ્ણમાં જઇ ઠરે છે. એના એવા ઠરણમાં એની ભક્તિની અવધિ આવી રહે છે. પોતે સમગ્રતયા કૃષ્ણમાં લય-વિલય પામી રહે એ એની જીવન-આકાંક્ષા છે. ખરેખર તો એ નિષ્ઠાએ કરીને એ અનન્યાશ્રયી છે. પરન્તુ તે સાથે તે કૃષ્ણને ય એવા જ જોવા ઝંખે છે.
એ ઝંખના ન તોષાતાં, ગોપીમાં દ્વેષ, રોષ કે ચીડ પ્રગટે છે. ‘હવે હું નહીં બોલું’-માં, સખીને કહે છે : ‘હાવાં હું સખી ! નહીં બોલું રે નંદકુંવરની સંગે …’, કેમ કે, ‘મુને ‘શશીવદની’ કહી છે રે ત્યારની દાઝ લાગી છે અંગે.’ શશીવદની એટલે તો ચન્દ્રના જેવા મુખવાળી. પણ એ વખાણ માનુનીને ખપ્યાં નહીં. એણે તર્ક કર્યો કે ‘ચંદ્રબિંબમાં લાંછન છે, વળી રાહુ ગળે ખટ માસે રે; પક્ષે વધે ને પક્ષે ઘટે, કળાપૂરણ નિત્ય તે નવ પ્રકાશે’ – એવા શશી સાથે પોતાને સરખાવાય શી રીતે? મને શશીવદની ભલે કહે છે, બાકી, મારા લગી પૂગવાનો શ્રમ પણ શું કામ લે?
કેમ કે, ‘શશીમુખ સરખું સુખ’, તો એમની પાસે જ છે! – એમના ‘વામ ચરણમાં ઇંદુ અચળ છે, શીદ રહે અન્યની આશે?’ એટલે કહી દીધું ‘કોટિ પ્રકારે હું નહીં આવું એવા પુરુષની અડાસે.’ જો કે દેખાઇ આવે છે કે આ રીસમાં એટલું બધું બળ નથી.
આવું જ એક રૂસણું આ, કે ‘શ્યામ રંગ સમીપે ન જાવું, મારે શ્યામ રંગ સમીપે ન જાવું …’ કૃષ્ણ એને કપટી લાગ્યા હશે. તે સમજી લીધું કે, ‘જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું.’ એટલે, એવી વસ્તુઓની યાદી બનાવી : કસ્તૂરીકેરી બિંદી, કાજળ, કોકિલાનો શબ્દ, શકુન ગણાતી કાગવાણી, નીલાંબર, કાળી કંચુકી, જમનાનાં નીર, મરકતમણિ, મેઘ, જાંબુ-વ્યંતાક .. .એકેયને પોતે અડશે નહીં કે અપનાવે નહીં. પણ આ ‘નીમ’ તો મુખે લીધેલો, મનનો એને કશો સહકાર હતો નહીં! એટલે કબૂલે છે કે ‘દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે ‘પલક ના નિભાવું’!
આમ, કોઇપણ પ્રકારે કરાર નથી વળતો એટલે દયારામની ગોપી અનેક રચનાઓમાં આપણને જાતભાતની રીતે સાચી કે ખોટી પણ છંછેડાયેલી જોવા મળે છે. કૃષ્ણ અન્ય નારીઓ વિશે, અરે કુબ્જા જેવી કુબ્જા વિશે ઢળે, એ એનાથી વેઠાતું નથી. કૃષ્ણની વાંસળી જેવી નિર્જીવ ચીજ પણ એને વૅરણ લાગે છે, શૉક્ય લાગે છે. પોતે ખોટી એટલા માટે કે નિયમ, ટેક, રૂસણું કે રોષ પણ છેવટે તો કૃષ્ણને પામવાને માટેનાં એણે ઘડી કાઢેલાં નિમિત્ત હતાં!
ઇર્ષા અને રોષની મારી, ‘રંગીલા! રંગભેર ક્યાં રમી આવ્યા? લાલ! કોની માળા ચોરી લાવ્યા? – રંગીલા!’ એમ પૂછે છે, છતાં એ કરડાકી ખાસ ટકી શકી નથી : ‘તમારી વાટ હું નિતનિત જોતી, મુખડું જોઇ મન મ્હોતી, હવે મુને શીદ મૂકો છો રોતી ? … વ્હાલા મૂકો બાળપણાનો ચાળો, તમ વીણ બીજો પદારથ ઠાલો, હવે મુને અંગહૃદય શીદ બાળો ?’ અને એણે પેટછૂટી વાત કરી દીધી : ‘મારે મ્હોલે પધારોને વનમાળી !’ એની જાણ બહાર એનો રોષ વિનન્તીવચનમાં ફેરવાઇ ગયો. અને પરિણામ? અતિ સુન્દર આવ્યું : ‘વાયક સુણી પ્રભુ થાય પરસન, ઉલટ્યું અબળા ઉપર મન, દયાના પ્રભુએ દીધું આલિંગન …’
‘નાડ જુઓ’ રચના પણ આવા એક સુખદાયી અન્તને વર્ણવે છે. તીવ્ર વિરહવેદના અનુભવતી ગોપીને સંજોગે કૃષ્ણ મળી ગયા હોય છે. એટલે પોતાની અવસ્થા અંગે એ એમને જ પૂછે છે, ‘મારા તનમાં કંઇ ચેટક કે કંઇ રોગ? કેમ ગળે છે મારી જાતડી જી? … વ્હાલા! એ મુને ન્હોતો પહેલો રોગ, હવડાં પ્રગટ્યો દિન દસબારમાં જી … નિદ્રા ના’વે, ભાવે નહીં કંઇ ભોગ, ક્યહું પડે નહિ કળ મનવિચારમાં જી … તેમાં એક અચરજ સૂણજો આજ, મુજને તો કાંઇ કારણ ના જડે જી … નાડ જુઓ કે નયણે પારખો જી … સુઘડશિરોમણિ છો તમે રસિયારાય! મારા સમ જો ના ભાખો જી’.
ગોપીનાં એવાં વચન સાંભળીને સુન્દરશ્યામે ‘કર સાહી નાડી જોઇ નારીતણી જી …’ પરિણામે, એની કેવીક દેહદશા થઇ? ‘કૃષ્ણ અડ્યે કર પ્રગટ્યો પૂરણ કામ … થયું રોમાંચિત, થરથર કંપે કાય … અતિ આતુર મનમુખથી નવ કહેવાય – સમઝી અંક ભરી અલબેલડે જી … ઇચ્છ્યું સુખ આપ્યું, અધરામૃત પાન રસિયે, કાંઇ મણા રાખી નહીં જી … દયાપ્રીતમે આપ્યું જીવતદાન વ્રેહવેદના નાસી ગઇ કહીં જી!’
આપણા ધ્યાનમાં તરત આવે છે કે રચના ‘જી-જી’-ના ગરજાળ લહેકાથી કેવી તો સરસ રચાઇ આવી છે.
‘પનઘટ પર’, ‘મુજને અડશો મા!’ કે ‘ડહાપણ રાખો જી!’ જેવી રચનાઓમાં, કૃષ્ણ અને ગોપી વચ્ચેના નાના-મોટા ખટમધુર સંવાદોની ભાત જોવા મળે છે. ‘પનઘટ પર’ નાનકડી રચના છે, ‘મારા વહાલાજી હો’ ટેકથી સમ્પન્ન થયેલી છે. કાંઠે ઊભેલા ક્હાનજીને ગોપી વીનવે કે ‘ભાઇ મને ઘડૂલો ચડાવ’. ક્હાનજી ભારે મશ્કરીમાં કહે કે ‘હું તુંને ઘડૂલો ચડાવું રે લોલ, થાય મારા ઘર કેરી નાર’, ને ગોપી એને રોકડું પરખાવે કે ‘તુજ સરખા ગોવાળિયા રે લોલ, તે તો મારા બાપના ગુલામ’, અને ક્હાનજી એવો જ ઉત્તર વાળે કે ‘તુજસરખી ગોવાલણી રે લોલ, તે તો મારા પગની પેજાર.’
બન્નેની વાણી મોંફાટ અને તોછડી લાગે. છતાં રચનાને જો એના ‘રે લોલ’-ના લહેકા સાથે ગાવામાં આવે તો એની પાછળનો બેયનો અલ્લડ મિજાજ, વળી, એકમેકના પ્રેમની પરસ્પરને કાયમથી મળેલી ઘોર પ્રતીતિ, વગેરે આન્તરસત્યોનો અહેસાસ થાય.
(ક્રમશ:)
(18 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર