
સુમન શાહ
‘એ.આઈ.’-ને ગ્રાન્ડ નૅરેટિવ ગણો કે ન ગણો, એથી જે ભાવિ વિશ્વ સરજાશે, એના ચાલકો અને નિયામકો ત્રણ વર્ગમાંથી હશે, ‘એ.આઈ.’-રીસર્ચર્સનો વર્ગ, ટૅક્નોક્રેટ્સનો વર્ગ અને બ્યુરોક્રેટ્સનો વર્ગ.
એ ત્રણ વર્ગના માંધાતાઓનાં લટિયાં એકબીજામાં ગૂંચવાયેલાં રહેશે અને એમાં જે વ્યક્તિમત્તાઓ પ્રભાવક હશે તે લાંબા ગાળા લગી ટકી રહેશે. વળી, એમને દુનિયાના ધનપતિઓ ધન આપતા રહેશે. પરિણામે, અન્લાઇક ઇમ્પિરિયાલિઝમ – ભિન્નસ્વરૂપ સામ્રાજ્યવાદ – અને તેને સુદૃઢ કરનારું એક વૈશ્વિક રાજકારણ આપોઆપ ઊભું થશે; જેનો ઉદય, આમ તો થઈ જ ગયો છે. એની આગળ કુટીલતમ રાષ્ટ્રોનું કે ખૂંખાર મીડિયાનું કંઈ નીપજશે નહીં. રાષ્ટ્રીયતાનું અને રાષ્ટ્રપ્રેમ કે દેશ-પ્રદેશનાં તળ મૂલ્યોનું મહત્ત્વ પણ નામશેષ થઈ જશે. અલબત્ત, પૃથ્વી પરના સરેરાશ મનુષ્ય પાસે માહિતી રૂપી જ્ઞાનરાશિ જરૂર હશે, અને એ તેનાં સુખ-દુ:ખ ભોગવતો હશે.
એક નકરું સુખ મને ગઈ કાલે જ સાંપડ્યું. મને ‘ભગવાન’ રામનાં દર્શન થયાં, બોલો ! મહાવૃત્તાન્ત ‘એ.આઈ.’-એ મહાકાવ્ય “રામાયણ”-ના નાયક રામને સંસૃજિત કરીને વિશ્વ માટે સુલભ કરી આપ્યા છે. રામાયણની ટેક્સ્ટ, વિવિધ દૃશ્ય-શ્રાવ્ય ડેટા, મશીન-લર્નિન્ગ વગેરે સામગ્રીથી સરજાયેલી, અને, ફરતી ફરતી મારા લગી આવેલી રામની છબી મનભાવન છે. જરૂર જોશો.
‘એઆઈ‘-સંસૃજિત રામ.
આ સંદર્ભમાં, ‘એ.આઈ.’-નાં બે પરોક્ષ પરિણામોનો નિર્દેશ કરવો મને જરૂરી લાગે છે, એક છે, લિબરાલિઝમ – ઉદારમતવાદ – (જુઓ લેખ 17 ) અને બીજું છે, ગ્લોબલિઝેશન – વૈશ્વિકીકરણ.
લિબરાલિઝમ, સરકારોની દખલગીરી અને નિયમન વિનાનાં ફ્રી માર્કેટ્સનો આગ્રહ આગળ કરે છે. લિબરાલિઝમ માણસને પણ એના હક્કો બાબતે મુક્ત ગણે છે. એટલે, ફ્રી માર્કેટને ફ્રી કસ્ટમર આરામથી મળી રહે છે. યુ.ઍસ. જેવાં કૅપિટાલિસ્ટ માર્કેટ્સ બધી પ્રોડક્ટ્સ કસ્ટમરની માનસિકતાને કેન્દ્રમાં રાખીને બનાવે છે અને કશીપણ રોકટોક વગર એને એની મરજી મુજબની ખરીદી કરવા દે છે. એવું લાગે, પોતાના ગ્રાહક માટે કેટલું સરસ કરે છે ! પણ એ દેખાતું નથી કે કેટલું સરસ પોતા માટે કર્યા પછી કરે છે !
લિબરાલિઝમના પ્રસારને કારણે એક વર્ચસ્વી ગ્લોબલ ઇકોનૉમિકલ સિસ્ટમ ઊભી થઈ છે. સાથોસાથ, ‘એ.આઈ.’-ને કારણે કૉમ્યુનિકેશન-ટૅક્નોલૉજિ અને ટ્રાન્સ્પોર્ટેશન ઘણાં વિકસ્યાં છે, જેથી ગ્લોબલિઝેશનની પ્રક્રિયાને ખાસ્સો વેગ મળ્યો છે. પરિણામ એ આવ્યું છે કે જુદા જુદા દેશો વચ્ચે અંદર અંદરનાં જોડાણો વિક્સ્યાં છે અને તેથી તે દેશોની ઇકોનૉમીઝ પણ એકબીજાં સાથે બરાબર સંકળાઈ છે. વેપાર વૈશ્વિક બન્યો છે કેમ કે આખું વિશ્વ હવે બજાર છે.
પણ આજે ગુજરાતી સાહિત્યની દશા અને દિશા ભ્રાન્ત છે. વિવિધ પ્રકારનાં આવશ્યક પોષણને અભાવે એ તનુતુચ્છ થઈ ગયું છે. એ અનેક દિશાએથી કપાઇ ગયું છે —
વેદોપનિષદો, બ્રાહ્મણગ્રન્થો, અદ્વૈત-સિદ્ધાન્ત કે ષડ્ દર્શનો – સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, અને વેદાન્ત, એ વૈદિક જ્ઞાનનાં છ દર્શનો, વગેરે પ્રાચીન ભારતીય દર્શનપરમ્પરાનો આપણને પ્રગાઢ પરિચય હતો. આપણને બૌદ્ધ, જૈન, શિખ કે ખ્રિસ્તી ધર્મની પરમ્પરાઓનો પણ એટલો જ સારો પરિચય હતો. આપણે સૉક્રેટિસ પ્લેટો ઍરિસ્ટોટલથી માંડીને સાર્ત્રના અસ્તિત્વવાદ સુધીની પાશ્ચાત્ય ફિલસૂફીથી ઠીક ઠીક વાકેફ હતા. આ બધાંને વિશેના પૂર્વસૂરીઓના શ્રમસાધિત પ્રયાસોનાં ફળ ગ્રન્થો રૂપે આપણાં ગ્રન્થગારોમાં છે, પણ કૅદ છે.
શૅલિ, કીટ્સ, બાયરન, વર્ડ્ઝવર્થ કે શેક્સપીયરના અંગ્રેજી સાહિત્યવિશ્વ સાથે કશો નાતો રહ્યો નથી. તેમાંના કેટલાયની કૃતિઓનું ગુજરાતીમાં થયેલું અનુવાદસાહિત્ય વીસરાઈ ગયું છે, કેમ કે એ કોઈની વાત કરવાની ગરજ નથી રહી. ગુજરાતી સાહિત્યના આધુનિક યુગમાં, પશ્ચિમના અને વિશ્વના સાહિત્ય લગી સંભવેલો ગુણસમૃદ્ધ ક્ષિતિજવિસ્તાર નામશેષ રહી ગયો છે. એ દાયકાઓમાં આપણે ચિત્ર સંગીત વગેરે લલિતકલાઓ અને ફિલ્મ સાથે સન્ધાન સાધી શકેલા; એની વાતો પણ છૂટી પડીને દૂર ચાલી ગઈ છે.
અને, આપણો સાહિત્યવિચાર તો જુઓ, એકલો છે ! સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પ્લૅટો ઍરિસ્ટોટલથી માંડીને ‘નવ્યવિવેચન’ યુનિવર્સિટીઓમાં શીખવાય છે, પણ વિદ્યાર્થીની તેમ જ અમુક કક્ષાના અધ્યાપકોની દયા ખાઈને, નાના નાના મુદ્દાઓમાં. વિદેશોમાં વિવેચન તો સંરચનાવાદ, અનુ-આધુનિકતાવાદ, દેરિદા, ફૂકો કે બાદિયુ લગી પ્હૉંચીને કેટલું તો બદલાઇ ગયું છે. આજે આપણે ત્યાં સમ્યક વિવેચનવિચાર કે સૌના ચિત્તમાં રણકે એવો ‘ક્રિટિકલ બઝવર્ડ’ પણ શોધ્યો નથી જડતો. અવલોકનો છીછરાં પુસ્તકોનાં થાય છે, અનુત્તમને કોઈ અડી શકતું પણ નથી, કેમ કે આપણી પાસે હિમ્મતવાન અને બળવાન વિવેચનાને વરેલા સાહસિકો નથી.
ઉન્નતભ્રૂ દુરારાધ્ય વિવેચક એક જમાનામાં આપણે ત્યાં ગૌરવશાળી ચીજ હતી, હવે દયાળુ સુસાધ્યની બોલબાલા છે. એક સમય હતો જ્યારે સુજ્ઞ વિવેચકની સાત્ત્વિક ધાક હતી અને તેના તરફથી થનારાં વિધાનોની રાહ જોવાતી’તી. આજે કલાસૌન્દર્યની ઓળખ જ નથી પડતી, સસ્તી કારીગરી વખણાય છે. રસાનન્દનું સ્થાન વાહવાહીએ લીધું છે. એ નથી વિચારાતું કે કૃતિને કયા સહૃદયી ભાવકો મળ્યા, ‘લાઇક્સ’-ની સંખ્યાથી ખુશ રહેવાય છે.
કવિતાવિચાર અછાન્દસમાં કે એની સ્પર્ધામાં ગઝલમાં અને બહુ બહુ તો કલ્પન પ્રતીકની સમજણ આસપાસ ચકરાયા કરે છે. મોટાભાગનાં કાવ્યો લાગણીઓ અને ઊર્મિલતાના ઝીણાં ઝીણાં કુંડાળામાં ફર્યા કરે છે. સર્જકકલ્પના અને તરંગતુક્કા વચ્ચેનો ભેદ ભુંસાઈ ગયો છે.
નવલકથા જ્યારે પણ લખાય છે, લઢણને લીધે લખાય છે. ટૂંકીવાર્તાઓ, ચોપાસ જે દેખાય છે તેના ભાષામાં કરેલા અનુવાદો છે ! આજના કથાસાહિત્યને નથી ઝાઝી લેવાદેવા મનોવિજ્ઞાન સાથે કે નથી કશી નિસબત સમાજવિજ્ઞાન સાથે.
રાજનીતિ અને રાજકારણ જોડે તો આપણા સાહિત્યવિચારને સ્નાનસૂતકનો ય સમ્બન્ધ નથી.
આપણી માતૃભાષાની માતા કહેવાતી સંસ્કૃત ભાષાના સાહિત્યની આજે ઝાઝી વાત નથી થતી. કાલિદાસ ભવભૂતિ માઘ બાણ કે શ્રીહર્ષની શબ્દસૃષ્ટિઓનાં રસપાન વિના મને તો સર્જનાત્મક શબ્દનો વિચાર પણ નથી આવતો !
હું તો પાણિનીના વ્યાકરણને તેમ જ ભરતથી માંડીને વિશ્વનાથ સુધી પાંગરેલા રસાદિ સમ્પ્રદાયોથી સિદ્ધ સંસ્કૃત કાવ્યશાસ્ત્રને ગ્રાન્ડ નૅરેટિવ્ઝનો દરજ્જો આપું છું. બેશક, એ બન્ને મહા વૃત્તાન્તો છે. એને એમ ન ગણો તો પણ એ મહાન વિચારધારાઓ છે, જેમાં મહાવૃતાન્તનાં અનેક લક્ષણો છે; ખાસ એ કે એ બન્ને સર્વગ્રાહી છે, સમ્પૂર્ણ છે. એ બન્ને વિચારધારાઓએ વ્યાકરણક્ષેત્રની અને કાવ્યકલાના સિદ્ધાન્તક્ષેત્રની સર્વાંગ વાસ્તવિકતાને પૂરેપૂરી જ્ઞાનગોચર કરી આપી છે.
આ દૃષ્ટિદોર અનુસાર, દલપત-નર્મદથી પ્રારમ્ભાયેલા સમગ્ર ગુજરાતી સાહિત્યને પણ સાગમટે હું એક ગ્રાન્ડ નૅરેટિવ ગણું છું. સુધારક યુગ, પણ્ડિત યુગ, ગાંધી યુગ અને આધુનિક યુગ મારી નજરમાં એમાંથી પ્રગટેલાં સ્મૉલ નૅરેટિવ્ઝ છે.
દલપત-નર્મદથી પ્રારમ્ભાયેલા આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યની શબ્દશ્રીની આ સ્થિતિ છે.
જેમનું દેશભરમાં નામ છે, એવી જે વાયકા છે, તેઓ ઘણા શિકાર કરીને બરાબર આરોગીને સંતુષ્ટ બૂઢા વનરાજની જેમ પોતાની બૉડમાં ઊંઘી ગયા છે, મને તેઓ પ્રેમપૂર્વક યાદ છે.
સાહિત્યનાં આપણાં અધ્યયન-અધ્યાપનને હું ભૂલ્યો નથી, પણ આ બાબતમાંથી હું એમને બાદ રાખું છું કેમ કે એમની શક્તિઓનો સૅમિસ્ટરોમાં અને ‘પરીક્ષા’ કહેવાતી પ્રવૃત્તિઓમાં, પ્રજા અને સરકારના હિતમાં ખરચ થઇ રહ્યો છે.
શતાબ્દીઓ દશાબ્દીઓ કે દિવન્ગતોની જન્મજયન્તીઓ ઉજવાય છે એ કાર્યક્રમોમાં મને ઇતિહાસને યાદ કરવાની આપણી ઇચ્છા જરૂર દેખાય છે, તેમછતાં, એને હું પિતૃતર્પણ માટેનાં સામયિક ઉજવણાં ગણું છું, કેમ કે તે દિવસ પૂરતી આછાપાતળી વાતો કરી લેવાથી પૂર્વકાલીન સિદ્ધ-પ્રસિદ્ધોનાં સત સાથે સમકાલીનોનો પાકો અનુબન્ધ ઊભો થઈ જશે, એવો મને વિશ્વાસ નથી પડતો.
અલબત્ત, મને સાહિત્યકલાના ખરા સર્જકોમાં અને એનું શિક્ષણ આપતા કેટલાક દાઝીલા અધ્યાપકોની નિષ્ઠામાં પૂરો વિશ્વાસ છે, પણ એમની કુલ સંખ્યા નાની છે, અને તેઓ સામેવ્હૅણ તરી રહ્યા છે …
મારી આ વાત સ્મૃતિલોપની છે; વ્યક્તિઓના કે વ્યક્તિજૂથોના નહીં, પણ સાહિત્યશબ્દને વરેલા સારસ્વતોની કારકિર્દીમાં થયેલા સ્મૃતિલોપની છે. આપણે જેને ‘સાહિત્યિક સંસ્કૃતિ’ એવું બિરુદ આપ્યું છે એને લૂણો લાગ્યો છે, એની છે મારી આ વાત.
અને એ તો વિચારો કે આ ધસમસતી અને પ્રગતિભૂખી દુનિયામાં આપણા ગુજરાતી સાહિત્યનું સ્થાન શું છે. આપણા ગુજરાતી ચન્દ્રકોની, આપણા નેશનલ ઍવૉર્ડ્સની ‘ધાતુ’ શી છે? એનાં તેજ અને પ્રભાવની તો વાત જ અસ્થાને છે. એકબીજાને પૂછી લો કે – એ કોણ આપે છે? – કોને આપે છે?
સંસારના અન્ય સંવિભાગોથી સાવ છેટી પડી ગયેલી અને પ્રજાના વાચનરસના સાથ વિનાની આ મન્દપ્રાણ લેખનપ્રવૃત્તિને આધુનિક સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન મનોરુગણ્તા કહે છે, અને ક્રમશ: પ્રાણઘાતક લેખે છે.
સાહિત્યજ્ઞાન અને તેથી જીવનબોધ વિનાનું આપણું આજનું સાહિત્ય, માત્ર નામનું છે. એક તરફ છે, ‘એ.આઈ.’-થી રચાઇ રહેલું વિશ્વ અને બીજી તરફ છે, આપણી આ સ્થિતિ. બન્ને વિકસી રહ્યાં છે ! એટલે બન્ને વચ્ચે મને જ્ઞાનપરક મોટી ખાઈ – કૉગ્નિશનલ રિફ્ટ – વિસ્તરતી દેખાઇ રહી છે. ઇતિહાસ કહે છે કે જ્ઞાન વિશે જે પ્રજાઓની જીવન જીવવાની રીતરસમો ઉદાસીનતા અને પ્રમાદમાં ગ્રસ્ત રહે છે એમનો કાળક્રમે વિલય થાય છે.
સાહિત્ય જો લીલા છે, ક્રીડા છે, ખેલ કે રમત છે, તો સ્વીકારો કે આપણે એ જ જૂની રમતો રમી રહ્યા છીએ, અને આજકાલ તો એના નિયમોને ય અભરાઇએ ચડાવી બેઠા છીએ. આ નરી ટેવવશ રમાતી રમતોથી ક્યારે છૂટીશું? સ્વીકારો કે આપણી વચ્ચે હાલ નર્મદ જેવો કોઈ યુગપ્રવર્તક સાહિત્યકાર નથી, જેને આજની પરિભાષામાં ‘ગ્રેટ ગેમચેન્જર’ કહી શકીએ.
નર્મદ.
એટલે, આ લેખશ્રેણીના સર્વસારથી મારામાં એક આશા જનમી છે, એ કે એક નવ્ય નર્મદ અવતરે. જુઓ, નર્મદ પહેલો અર્વાચીન જન હતો જે મધ્યકાલીન વાતાવરણમાંથી છૂટીને સાહિત્યને છાજે એવા શબ્દની શોધમાં લાગી ગયેલો. એ નર્મદની માનસિકતાના પુનર્જન્મની આજે મને સખત જરૂરત વરતાય છે. હૅઝલિટ વગેરે પર-ભાષાના લેખકો લગી વિસ્તરી ગયેલી એની તીવ્ર જિજ્ઞાસાના પુનર્જાગરણની મને ‘એ.આઈ.’-આવિષ્કારો માટે જરૂરત વરતાય છે. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે વ્યાકરણ અને નર્મકોશ રચનારી એની ખાંખત અને સ્વભાષાને માટેની એની પ્રીતિની મને ‘એ.આઈ.’-ડેટાસૅટ્સ અને ઑલ્ગોરીધમ્સ માટે જરૂરત વરતાય છે.
હું એક એવા ભાવિ ગુજરાતી સાહિત્યકારની કલ્પના કરું છું જેની પાસે નર્મદનું ‘ચલો જીતવા જંગ’-ની ધગશ તેમ જ ‘વીર સત્ય ને રસિક ટેકીપણા’-થી અધિકૃત, ખુદ્દાર, વ્યક્તિત્વ હોય. એક એવો જાગ્રત માણસ જે ‘એ.આઈ.’ સમેતનાં સર્વ આધુનિક ગ્રાન્ડ નૅરેટિવ્ઝથી વાકેફ હોય અને એથી પ્રગટેલા યુગસ્પન્દનનો જેના હૃદયમાં નિત્ય ધબકાર હોય, અને જેનું વિશ્વદર્શન જરાજીર્ણ પરમ્પરાના ધાવણથી છૂટીને વિશ્વમાં સરજાયેલી નૂતન વાસ્તવિકતાને ઉઘાડી આંખે નીરખતું હોય, અને એ જન, બસ, એ દુનિયાના ચૉકમાં નીસરી પડ્યો હોય …
(લેખશ્રેણી સમ્પૂર્ણ)
= = =
(10/19/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર