નવરાત્રિ ચાલે છે ને માતાજીને નામે ગરબા પણ ગવાય છે. એટલું સારું છે કે ગરબા કરનારા નકલી નથી, પણ તેઓ હોજરીમાં જે નાખીને આવે છે તે નકલી હોઈ શકે છે. એનું આશ્ચર્ય જ છે કે કળિયુગમાં માતાજી પણ નકલી પ્રસાદ ગ્રહણ કરી લે છે. તે વગર અંબાજીમાં હજારો કિલો નકલી મોહનથાળ ખપી જાય ને ભક્તો તે ખુશી ખુશી ઝાપટી પણ જાય એવું બને ખરું? આ પ્રસાદ પાછો મફત નથી મળતો. એ અસલી નોટોથી મળે છે. નોટો અસલી, પણ મોહનથાળ નકલી. આ લોકો માતાજીને નકલી ઘી ખવડાવીને છેતરી શકતા હોય, તો ભક્તોને તો ભેળસેળિયું ઘી ખવડાવીને ખપાવી નથી દેતા એ માટે તેમનો ઉપકાર જ માનવો જોઈએ. કમાલ તો એ છે કે મોહનથાળ માટે આવેલું ઘી અમૂલને નામે ખપાવાયું. ટૂંકમાં, નામીને બદનામ કરવાની ય કોઈને નાનમ ન લાગી. જો કે, પ્રસાદના મોહનથાળમાં હજારો કિલો ભેળસેળિયું ઘી ખપી ગયાં પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી. તેણે ફટાફટ મોહિની કેટેરર્સનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો ને કર્ણાટકનાં વિશ્વ વિખ્યાત અક્ષયપાત્ર ફાઉન્ડેશન(ટચ સ્ટોન ફાઉન્ડેશન)ને કોન્ટ્રાક્ટ આપી પણ દીધો. એ પણ ઠીક ન લાગે તો વળી કોન્ટ્રાકટર બદલાય એમ બને ! આમ પણ આપણે ત્યાં કોન્ટ્રાક્ટરોની કમી નથી એટલે ખરોખોટો પ્રસાદ તો ભક્તોને મળશે જ એવી ખાતરી છે.
આમ તો વર્ષોથી બધાંમાં ભેળસેળ કે ગોલમાલ ચાલતી જ આવી છે, પણ એક વાર કોઈ ઝડપાય છે કે તંત્રો એકદમ જ ઊંઘમાંથી બેઠાં થઈ જાય છે અને ઠેર ઠેર રોડા-દરોડા પાડવા લાગે છે, તો અસલી ઘી કેમ પારખવું એનું પ્રશિક્ષણ પણ મીડિયા આપવા લાગે છે. આમ તો અગાઉ પણ દૂધ-ઘી નકલી વેચાયું જ છે, પણ મોહનથાળે ઘણાંનાં થાળાં ઊંધાં મરાવ્યાં છે તે પણ ખરું. બેચાર દિવસ પર જ જામનગરથી 35 કિલો નકલી ઘી ઝડપાયું. એ અગાઉ પણ 10મી ઓક્ટોબરે ત્યાંથી જ 528 કિલો નકલી ઘી પકડાયેલું. ગયા ઓગસ્ટમાં ગીર સોમનાથમાંથી નકલી ઘી બનાવવાની બે ફેક્ટરીઓ ઝડપાઇ હતી, તો જુલાઈમાં ઉનામાંથી નકલી ઘીના 50 ડબ્બા પકડાયા હતા. જુલાઈમાં જ કચ્છમાંથી અસલી ઘીને નામે નકલી ઘી 300ની આસપાસ વેચાયું. આમાં પછી સુરતનું વરાછા બાકી શું કામ રહે? તેણે પણ નકલી ઘી ખપાવ્યું જ ! જુલાઈમાં જ ઓલપાડમાં નકલી ઘીનું કારખાનું ઝડપાયું, તો કામરેજ પણ કૈં જાય એવું નથી. એણે પણ નકલી ઘીનું કારખાનું જાન્યુઆરીમાં જ નાખેલું, પણ નસીબ વાંકું તે ભોપાળું બહાર આવી ગયું. સૌરાષ્ટ્ર ચોખ્ખા ઘી-દૂધ માટે જાણીતું ગણાય, ત્યાં પણ હવે નકલી ઘીનો ધીકતો ધંધો ચાલે છે. આમાં ગુજરાતનાં શહેરો એકબીજાની નકલ કરવાની સ્પર્ધામાં હોય તેમ વધુ મોટા આંકડા સાથે પ્રગટ થતાં રહે છે.
મંગળવારના જ સમાચાર છે કે અમદાવાદમાંથી 6 લાખ કિલોગ્રામ નકલી ચીઝ અને બટરનો જથ્થો મ્યુનિસિપલ ફૂડ વિભાગે જપ્ત કર્યો. આ ઉપરાંત પીરાણામાં 1,300 કિલો જેટલો ગાયના ઘીનો એક્સપાયરી ડેટવાળો જથ્થો પકડાયો. ફૂડ વિભાગે જથ્થો નાશ કરાવીને 25 હજારનો દંડ પણ કર્યો. લાખો રૂપિયાની નકલી ચીજ વસ્તુઓ પકડાય ને દંડ 25 હજારનો થાય તો એ તો દરિયામાં ખસખસ જેવું છે. અઢારમી ઓક્ટોબરે વાડીલાલ અને પદ્માવતી સ્ટોરેજમાંથી માવા-બટરનો પોણા બે કરોડનો, સિત્તેર હજાર કિલોનો જથ્થો અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશને સ્થગિત કર્યો. ગાંધીનગરમાંથી 17મીએ ફાસ્ટફૂડની દુકાનમાંથી 10 કિલો અખાદ્ય મન્ચૂરિયન, નૂડલ્સ, બટરનો જથ્થો પકડાયો. આ તો પકડાયું તેની માહિતી છે, ન પકડાયું હોય એવું તો કેટલું ય હશે ! અમદાવાદમાં જ પાણી અને અખાદ્ય પદાર્થોને કારણે ઝાડા-ઊલટી- ટાઇફોઇડ- કમળાનો ફેલાવો વધ્યો છે તે ખાતર પર દિવેલ તો ખરું જ !
આ બધું તો દૂધની બનાવટમાં ઝડપાયું, પણ વાત એટલી જ નથી. નવરાત્રિ દરમિયાન વડોદરાનાં અલકાપુરીમાં પાન-મસાલાનાં ગલ્લામાંથી ઈ-સિગારેટનાં 202 પેકેટ સાથે સંચાલકની ધરપકડ થઈ. ત્રણેક દિવસ પર જ રાજકોટમાં નશીલી ચોકલેટોનું વેચાણ પાનનાં ગલ્લાઓ પર થયાના સમાચાર છે. આમ તો ડ્રગ્સનું હબ હવે ગુજરાત ગણાય છે, ત્યાં સ્કૂલો નજીક નશીલી ચોકલેટો વેચાવા લાગી છે, એટલે કુમળી વયથી જ બાળકો નશીલી વસ્તુઓથી ટેવાઇ જાય તેવો મનસૂબો સરકારે રાખ્યો હોય તો નવાઈ નહીં ! બધાં જ વંઠેલ છે તો બાળકો પણ બાકાત શું કામ રહે? આપણે કેવું રાજ્ય બનવા જઇ રહ્યાં છીએ, તેનો આ નમૂનો માત્ર છે. આપણી ફૂડ હેબિટ્સ અનેક રીતે જોખમી છે. પેટ જાણે ડસ્ટબિન હોય તેમ ચીઝબટરવાળો ઓઈલી ખોરાક તહેવારોમાં મોડી રાત્રે પધરાવીએ છીએ ને તેથી તો હાર્ટ એટેકને જ આમંત્રણ આપવા જેવું થાય છે. ડોક્ટરોએ અડધી રાત્રે હેવી ડાયટ હાર્ટ એટેકનું કારણ બની શકે છે એવી ચેતવણી આપી છે, પણ યુવાનોને રાત્રે હેવી ડાયટ સિવાય બીજું ખાસ કૈં ખપતું નથી.
અત્યારની સ્થિતિ એવી છે કે કુટેવ, ટેવમાં અને નકલી, અસલીમાં ખપે છે. વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતાં રાજકોટમાં DEOએ કસરત, દોડનું પ્રમાણ ઘટાડવા આચાર્યોને સૂચના આપવી પડી છે. એક સમય હતો જ્યારે કસરતને પ્રોત્સાહન અપાતું, હવે કસરત ઘટાડવાની સૂચનાઓ અપાય છે. આમ તો સંગીત ધીમું કે મધુર પણ સારું હોઈ શકે છે, પણ એવું હવે ખાસ મનાતું નથી. બધું ભવ્ય, મોટું ને કાન ફાડી નાખે એવું જ ખપે છે ને ઉપરથી મીડિયા તેને ચગાવે છે. સરસાણામાં G9નાં પ્રચંડ સાઉન્ડે સુરત ધ્રુજાવ્યું, તેમાં તો મોટી ધાડ મારી હોય તેમ સૌથી મોટી અને ગજબ સિસ્ટમ ગણાવીને મીડિયાએ આરતી ઉતારી. મીડિયા જ કંટ્રોલ કરવાને બદલે લોકોને ચગાવે તો એ ફાટીને ધુમાડે જાય તો નવાઈ નથી. અમદાવાદમાં ‘ખાઉધરા’ ગરબા પણ થાય છે, જેમાં ખેલૈયાઓ ખાય છે ને ગાય છે. આને રમઝટ કહેવાય કે જમઘટ તે તો નથી ખબર, પણ આ તકલાદી ખાનારાઓનું તકવાદી સાહસ હોય એમ વધારે લાગે છે.
એક તરફ વિકાસ વિકાસની જાહેરાતો થતી રહે છે, પણ જે ચિત્ર સામે આવે છે તે તો રકાસ રકાસનું વધુ છે. લાગે છે તો એવું કે આખું રાજ્ય દંભી અને નકલી જિંદગીનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. ગુજરાતમાં ઘી દૂધની નદીઓ વહેતી હોય તેમ નકલી ઘી ઉત્તરથી દક્ષિણ ગુજરાતમાં ખૂણે ખૂણે વહી રહ્યું છે. એક જૂઠાણું સો વખત બોલવામાં આવે તો એ જ પછી સાચું લાગવા માંડે છે, બિલકુલ એ જ રીતે ચારે તરફથી નકલી જ માથે મરાયા કરે તો એ જ પછી અસલી લાગવા માંડે છે. ખાદ્ય સામગ્રીની બાબતે અત્યારે સ્થિતિ તો બદથી બદતર છે. એક તરફ ભવ્ય જિંદગીનો એવો દેખાડો થતો રહે છે, જેમાં અનેક ક્ષેત્રે રાજ્યે હરણફાળ ભરી હોય તેવું ઠસાવાય છે ને બીજી તરફ કેવળ અશુદ્ધિ, છેતરપિંડી અને નકલ રોજિંદી જિંદગીમાં લોહીની જગ્યાએ વહેતી દેખાય છે. આનાં પરિણામો તરત તો ન દેખાય, પણ આશંકા, અસલામતી અને અનારોગ્યનો શિકાર અનેક પેઢીઓ થઈ રહી હોવાનું સ્પષ્ટ દેખાય છે. તંત્રો કામ તો કરે છે, પણ પરિણામો થોડા દરોડાથી આગળ જતાં નથી. એ કમનસીબી છે કે એક દુર્ઘટના પછી બીજી ઘટના બને જ નહીં એવી ખાતરી રાજ્યનાં વહીવટમાંથી મળતી નથી. ક્યાંક થોડીક નોટો ઘટનાઓને રફેદફે કરી નાખે છે તો ક્યાંક કૈં જ ન બન્યું હોય એવું નિસ્પૃહી વલણ પણ તંત્રો દાખવી શકે છે.
સરવાળે જે ચિત્ર દેશનું કે રાજ્યનું ઉપસે છે એમાં વિશ્વસનીયતા સતત દાવ પર લાગતી દેખાય છે. તંત્રોની ભ્રષ્ટતા તો છે જ, પણ પ્રજાની નિષ્ઠુરતા પણ ઓછી જવાબદાર નથી. નકલી ચીજ વસ્તુઓ સરકાર બનાવતી નથી. નકલી ઘી કે નશીલી ચોકલેટો એક છેડેથી બીજે છેડે જાય છે તે આમ તો પ્રજાની ખોટી કમાણીની જ ચાડી ખાય છે. લોકોની જિંદગી જોડે રમીને બધાંએ જ રાતોરાત કમાઈ લેવું છે ને તે પણ હકનું નહીં, હરામનું. કોઈના સર્વનાશને ભોગે, પોતાનું કલ્યાણ થાય એ સિવાય કોઈનો કોઈ સ્વાર્થ નથી. આ નિસ્વાર્થીપણું પૂર્ણપણે ઘાતક છે. દહેશત જેવો એક પ્રશ્ન સતત થાય છે કે સંવેદના, માણસાઈ, માનવતા જેવું પ્રગટ થાય એવું ક્યાં ય કૈં બચ્યું છે કે કેમ?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ઑક્ટોબર 2023