રાજકપૂરની ઓળખ ‘મેરા નામ જોકર’ છે તેમ દેવ આનંદની ઓળખ ‘ગાઈડ’ છે. આ ફિલ્મ વિદેશી પ્રેક્ષકો માટે અંગ્રેજી વર્ઝન પણ બન્યું હોય એવી દુર્લભ ફિલ્મોમાંની એક છે. બેફિકર ગાઈડ, રોમેન્ટિક પ્રેમી, મુત્સદી મેનેજર, છકેલો શ્રીમંત, અસલામત અપરાધી, ભટકતો આશ્રયહીન મુસાફર અને સાધુ – આથી વધુ સબળ, આકર્ષક અને વૈવિધ્યપૂર્ણ ભૂમિકા દેવ આનંદને આ પહેલા કે પછી કદી મળી નથી અને તેણે એને એટલી સુંદર રીતે જીવી બતાવી છે કે આજે પણ એની તાજગી અનુભવાય …
‘દેવ સા’બે એમની ફિલ્મ માટે મને રોલ ઓફર કર્યો છે પણ એમની ફિલ્મો નિષ્ફળ તો જાય છે, શું કરવું?’ સાલ 2004. બોમન ઈરાનીએ નાસીરુદ્દીન શાહને ફોન પર પૂછ્યું. નસીરે તરત કહ્યું, ‘ચૂપચાપ રોલ સ્વીકારી લે. ફિલ્મ સફળ થાય કે નિષ્ફળ, તને જિંદગી આખી ફક્ર રહેશે કે મેં દેવ સા’બની સાથે કામ કર્યું છે.’ આજે પણ બોમન ઈરાની ઉત્સ્ફૂર્ત, તરોતાજા અને કામ અને જીવનને સ્ટાઈલથી ચાહતા દેવ આનંદ સાથેના પોતાના અનુભવને બહુ ગૌરવથી યાદ કરે છે.
26 સપ્ટેમ્બરથી દેવ આનંદનું શતાબ્દીવર્ષ શરૂ થશે. ફિલ્મ ઇતિહાસમાં દેવ આનંદ અને ‘ગાઈડ’ એક ઇન્સ્ટિટ્યૂશન છે. 60 વર્ષની કારકિર્દીમાં દેવ આનંદે 100થી વધારે ફિલ્મો કરી, જેમાં 35 નવકેતનની હતી અને એમાંની 17નું તેણે દિગ્દર્શન પણ કરેલું.
રાજકપૂરની ઓળખ ‘મેરા નામ જોકર’ છે તેમ દેવ આનંદની ઓળખ ‘ગાઈડ’ છે. ‘ગાઈડ’ જેના પરથી બની હતી એ આર.કે. નારાયણની ક્લાસિક અંગ્રેજી નવલકથા ‘ધ ગાઈડ’ 1958માં પ્રગટ થઈ. 1960માં તેને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો અને તેની 100થી વધારે આવૃત્તિઓ થઈ. તેમની અન્ય નવલક્થાઓની જેમ આ નવલકથા પણ માલગૂડીમાં જ આકાર લે છે અને કથાનો નાયક રેલવે રાજુ તરીકે ઓળખાય છે. આ નિષ્ફિકર અને કાબેલ ગાઈડ(દેવ આનંદ)ને એક દિવસ આર્કિયોલોજિસ્ટ માર્કો (કિશોર સાહૂ) અને એની પત્ની રોઝી (વહીદા રહેમાન) ક્લાયન્ટ તરીકે મળે છે. માર્કો અને રોઝીનું લગ્નજીવન ખૂબ ખરાબ છે, રોઝી બે વખત આત્મહત્યાનો પ્રયત્ન કરે છે અને રાજુ બંને વખત એને બચાવે છે એટલું જ નહીં, તેને પ્રેમ, રક્ષણ, આશ્રય આપે છે અને સફળ નૃત્યાંગના બનાવે છે; પણ પોતે શરાબ, સંપત્તિ અને જુગારમાં ખોવાતો જાય છે. બંને વચ્ચે અંતર પડતું જાય છે. માર્કોને રોઝીથી દૂર રાખવાના પ્રયત્નોમાં રાજુના હાથે ફૉર્જરીનો ગુનો થાય છે ને એ જેલમાં જાય છે. છૂટ્યા બાદ નિરુદ્દેશ ભ્રમણ કરતા રાજુને નસીબ દુષ્કાળપીડિત ગામમાં લઈ આવે છે – ‘આદમી યહાં જાના ચાહતા હૈ પર કિસ્મત ઉસકે કાન પકડકર વહાં લે જાતી હૈ’ સ્વામીના સ્વાંગમાં ગામનો પ્રેમ પામતો રાજુ ઊર્ધ્વીકૃત થાય છે અને વરસાદ માટે ઉપવાસ કરે છે. ‘આપને વિશ્વાસ છે કે વરસાદ આવશે?’ એવા ફિરંગી રિપૉર્ટરના પ્રશ્નના જબાબમાં એ કહે છે, ‘આ લોકો એવું માને છે અને હું આ લોકોને માનું છું.’ ફિલ્મના અંતે એક બાજુ વરસાદ આવે છે અને બીજી બાજુ જીવનની ફિલોસોફિકલ પ્રતીતિ પામી ગયેલો રાજુ મૃત્યુ પામે છે. પુસ્તક કરતાં ફિલ્મની ક્લાઈમેક્સ જુદી છે. મૈં…મૈં…સિર્ફ મૈં’ ગોલ્ડીનો આઈડિયા હતો. આજે પણ એ સાંભળતાં રુંવાડાં ઊભાં થાય. નાયકનું મૃત્યુ થતું હોવા છતાં અંત સુખદ છે.
‘ગાઈડ’ વિદેશી પ્રેક્ષકો માટે અંગ્રેજી વર્ઝન પણ બન્યું હોય એવી દુર્લભ ફિલ્મોમાંની એક છે. બેફિકર ગાઈડ, રોમેન્ટિક પ્રેમી, રોઝીનો મુત્સદી મેનેજર, છકેલો શ્રીમંત, અસલામત અપરાધી, ભટકતો આશ્રયહીન મુસાફર અને સાધુ – આથી વધુ સબળ, આકર્ષક અને વૈવિધ્યપૂર્ણ ભૂમિકા દેવ આનંદને આ પહેલા કે પછી કદી મળી નથી અને તેણે એને એટલી સુંદર રીતે જીવી બતાવી છે કે આજે પણ એની તાજગી અનુભવાય. જો કે આર.કે. નારાયણને ફિલ્મ માટે કરાયેલા ઘણાં ફેરફાર ગમ્યા નહોતા. એક મુલાકાતમાં તેમણે ‘મિસગાઈડેડ ગાઈડ’ એવા શબ્દો વાપરેલા.
દેવ આનંદે ફિલ્મ બનાવવા માટે આ નવલકથા પર પસંદગી ઉતારી અને તેનું ફલક જોતાં તેને અંગ્રેજીમાં પણ બનાવવાનું નક્કી કર્યું. અંગ્રેજી સંસ્કરણની પટકથા પુલિત્ઝર વિજેતા પર્લ બકે લખી હતી. બંને સંસ્કરણ એકસાથે જ રિલિઝ થવાના હતા, પણ ટાડ ડેનિલેવેસ્કી અને વિજય આનંદ આ બંને નિર્દેશકો વચ્ચે કથા બાબતે મતભેદ હતા. વિજય આનંદે સ્ક્રીપ્ટ ફરીથી લખી અને હિંદી ‘ગાઈડ’ થોડા મહિના મોડી આવી.
અંગ્રેજી ‘ગાઈડ’ ન્યૂયૉર્કમાં રિલિઝ થઈ અને સદંતર નિષ્ફળ રહી. એમાં ભારતનું ચિત્રણ અર્ધનગ્ન-ભૂખ્યા લોકો, ભીડભર્યા ઉત્સવો અને સર્પો-મદારીઓના દેશ તરીકે હતું, ઉપરાંત રોઝી અને રાજુ વ્યભિચારીઓ લાગે તેવાં દૃશ્યો મૂક્યાં હતાં. અંગ્રેજી ગાઈડ ફ્લૉપ જવાને લીધે હિંદી ગાઈડને કોઈ વિતરકો હાથ લગાવવા તૈયાર ન હતા, માંડ વિતરક મળ્યા અને ફિલ્મ રિલિઝ થઈ. સામાન્ય ફિલ્મ કરતાં અલગ પાત્રો, કથા અને અંત જોઈ પ્રિમિયર વખતે તો કોઈ વિજય આનંદની પીઠ થાબડવા ગયું નહોતું, પણ ફિલ્મ રિલિઝ થઈ અને શરૂઆતમાં ઠંડો આવકાર છતાં પછીથી સફળ થઈ, વખત જતાં આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલોમાં ગઈ, ઑસ્કારમાં એન્ટ્રી પામી અને કલ્ટ ફિલ્મ ગણાઈ. એની પાછળ દેવ આનંદનો અભિનય, વહીદા રહેમાનનાં નૃત્યો, શૈલેન્દ્રનાં ગીતો, ફલી મિસ્ત્રીની સિનેમેટોગ્રાફી તો ખરાં જ પણ સૌથી વધારે વિજય આનંદનાં સંવાદ-પટકથા-દિગ્દર્શન અને ગીતોનું એણે કરેલું ફિલ્માંકન ઉપરાંત એસ.ડી. બર્મનનાં અદ્દભુત સંગીતનો સિંહફાળો હતો. એસ.ડી. ત્યારે બીમાર હતા. વિજય આનંદે સંગીતકાર બદલવાને બદલે તેઓ સ્વસ્થ થાય એની રાહ જોઈ, જે ફળી. ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’, ‘પિયા તોસે નૈના લાગે રે’, ‘દિન ઢલ જાયે’, ‘તેરે મેરે સપને’ અને ‘ગાતા રહે મેરા દિલ’ – ‘સૈયાં બેઈમાન’ અને ‘ક્યા સે ક્યા હો ગયા’ એક સિક્વન્સમાં આપી વિજય આનંદે કઠોર વાસ્તવને સંમોહક શૈલીમાં કંડાર્યું છે.
‘તૂને તો સબકો રાહ બતાઈ, તૂ અપની મંઝિલ ક્યોં ભૂલા
સુલઝા કે રાજા, ઔરોં કી ઉલ્ઝન, ક્યોં કચ્ચે ધાગે મેં ઝૂલા
ક્યોં નાચે સપેરા, મુસાફિર, જાયેગા કહાં’
– રાજુની જિંદગીનું આવું અચૂક વર્ણન છતાં આ અંતરો ફિલ્મમાં કેમ નહીં લેવાયો હોય?
મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્ર કો ધૂએં મેં ઉડાતા ચલા ગયા’ ‘હમ દોનોં’નું આ ગીત દેવ આનંદની જિંદગીની ફિલોસોફીને બખૂબી રજૂ કરે છે. પોતાની આત્મકથા ‘રોમાન્સિંગ વિથ લાઇફ’માં દેવઆનંદે લખ્યું છે : ‘કેપ્ટન આનંદની જિંદગી વિશેની ફિલોસોફી લોકોને સ્પર્શી ગઈ છે – ગમ ઔર ખુશી મેં ફર્ક ના મહેસૂસ હો જહાં, મૈં દિલ કો ઉસ મકામ પે લાતા ગયા ગયા’ દેવ આનંદ જીવનભર આવા મસ્તમૌલા જ રહ્યા. સુપરસ્ટાર તરીકેની ગગનચુંબી સફળતા હોય કે નિષ્ફળ ફિલ્મોની વણઝાર – દેવ આનંદના નવા વિષયો, નવા સ્ટાર સાથે ફિલ્મો બનાવવાના ઝિંદાદિલ ઉત્સાહમાં કદી ઓટ આવી નહીં. કહેતા, ‘ફિલ્મ્સ આર માય એક્સપેન્સિવ હૉબી’.
નવાસવા આઝાદ થયેલાં ભારતના યુવાનોને દેવ આનંદે સ્ટાઇલિશ બનાવ્યા. ચેક્સવાળા, ખૂલતી બાંયના શર્ટ, કાળો કોટ, હેટ, કોલરનાં બટન બંધ રાખવાની સ્ટાઇલ, આડાઅવળા ડાન્સ, ઝડપથી સંવાદો બોલવાની શૈલી, ગળામાં વિવિધ પ્રકારના સ્કાર્ફ …. ભારતનો ગ્રેગરી પેક કહેવાતો હતો દેવ આનંદ. કેરી ગ્રાન્ટની છાંટ પણ ક્યાંક દેખાતી હતી. રોમેન્ટિક, મશ્કરા, દિલદાર પ્રેમી તરીકે એ જામતો. ખભાના મિજાગરા ઢીલા હોય એ રીતે હાથ હલાવવાની સ્ટાઇલની વિવેચકો ટીકા કરતા પણ યુવાનો એ રીતે હાથ લટકાવવાની નકલ કરતા. જીવનના નવ દાયકા સુધી દેવ આનંદ અડગ, અજેય, અડીખમ, સદાબહાર રહ્યા. સુરૈયા હોય કે ઝીનત અમાન – દિલ ભરીને ચાહે અને આઘાત ખમી-ખંખેરીને આગળ વધે. – ‘જો મિલ ગયા ઉસીકો મુકદ્દર સમજ લિયા, જો ખો ગયા મૈં ઉસકો ભુલાતા ચલા ગયા’ ‘રોમાન્સિંગ વિથ લાઇફ’નું સમાપન કરતાં દેવ આનંદે લખ્યું છે, ‘ગાતા રહે મેરા દિલ … મારું દિલ, હંમેશાં ગાતું રહ્યું છે. લાઈફ ઈઝ સો બ્યૂટિફૂલ …’
‘ગાઈડ’ ફિલ્મ પર પુસ્તક લખાયું છે, ‘ગાઈડ, ધ ફિલ્મ : પર્સ્પેક્ટિવ્ઝ’. 2000ના દાયકામાં ‘ગાઈડ’ની રિમેક બનાવવાની પ્રપોઝલ દેવ આનંદે સખત શબ્દોમાં નકારી કાઢી હતી. ખરું જ છે, માસ્ટરપીસ એક જ વાર બને છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 સપ્ટેમ્બર 2023