
મનસુખભાઈ સલ્લા
મારા સાહિત્યિક ઘડતરમાં મારી શિક્ષણ સંસ્થાઓએ મોટો ભાગ ભજવ્યો છે. ખડસલી(મારી માધ્યમિક શાળા)એ મને સાહિત્યપ્રીતિ આપી. અમે આખા મુનશી, ર.વ. દેસાઈ કે શરદબાબુને વાંચતાં. લોકભારતી સણોસરામાં મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ મો. ભટ્ટ, ન.પ્ર. બુચ, ઇસ્માઇલભાઈ નાગોરી વગેરેએ સાહિત્યનો જીવનસંદર્ભ વ્યાપક કર્યો. ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપકો ચંદ્રકાન્ત શેઠ, રઘુવીર ચૌધરી, કનુભાઈ જાની, મોહનભાઈ પટેલ, વિનોદ અધ્વર્યુએ સાહિત્યનાં મૂલ્યાંકનનાં ધોરણો સ્પષ્ટ કર્યાં. ગદ્યનું સૌન્દર્ય અને સામર્થ્ય શીખવાડ્યાં. અમદાવાદ નિવાસમાં અમે કુમાર કાર્યાલયમાં બુધસભામાં ચાલતા જતા. ગુજરાત યુનિવર્સિટી ભાષાભવનમાં ઉમાશંકર જોશી ‘નાનાલાલ મધુકોષ’ ભણાવતા તેમાં અમે વિદ્યાર્થી બનતા. અમદાવાદમાં કોઈ પણ સેમિનાર, વર્કશોપ કે વ્યાખ્યાન અમે ચૂકતા નહિ. ગૂજરાત વિદ્યાપીઠનું સમૃદ્ધ પુસ્તકાલય અમારું ખરું આશ્રયસ્થાન બન્યું.
ખડસલીમાં નિબંધલેખન શરૂ થયું, લોકભારતીમાં વાર્તાલેખન. પરંતુ પૂરતી ગંભીરતા નહોતી. હું આચાર્ય થયો તેથી લોકભારતીના વહીવટીતંત્રને ખૂબ લાભ થયો, પરંતુ લખાયું ઘણું ઓછું. એક ઘટનાએ મને લખવા માટે તીવ્ર ધક્કો આપ્યો. ગુજરાતી સાહિત્ય અકાદમીએ મને ચારિત્ર્ય-સાહિત્યનાં ૫૮ પુસ્તકો પુરસ્કાર માટે નિર્ણય કરવા મોકલી આપ્યાં. વચ્ચે વીસેક દિવસ હતા. મને કહેવાયેલું કે ‘બધું વાંચવાની જરૂર નથી.’ પરંતુ મેં એમ.એ.ની પરીક્ષાની ગંભીરતાથી બધું વાંચ્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે જેમને ગદ્યની ખબર નથી, ચરિત્રસાહિત્યની શિસ્તની ખબર નથી, વ્યક્તિત્વને મૂલવવાના આધારોની સ્પષ્ટતા નથી તેવા લોકોએ પાંચમું કે સાતમું પુસ્તક પ્રગટ કર્યું હતું. મને લાગ્યું કે હું આમના કરતાં તો સારી રીતે લખી શકું તેમ હતો. મારા શરૂઆતના ચરિત્રનિબંધો ‘નવનીત સમર્પણ’માં પ્રગટ થયા હતા. ‘અલીભાઈ કલીવાલા’નું ચરિત્ર ખાસું સ્વીકાર પામ્યું, વખણાયું.
ભાવકોના પ્રતિભાવો લેખક માટે પ્રોત્સાહક જરૂર બને છે. રાજકોટમાં સાહિત્ય પરિષદના અધિવેશન વખતે ‘નવનીત સમર્પણ’ના સંપાદક ઘનશ્યામ દેસાઈ મળ્યા. મને કહે, ‘તમે લખવાનું ચાલુ રાખજો. મહાનગરમાં વસનારાંને ખબર જ નથી કે દૂરના ખૂણામાં આવા ઝવેરાતવાળા માણસો હોય છે.’ ઉમાશંકર જોશીના નિમંત્રણથી મેં ‘પ્રતિભા અને પ્રતિભાવ’ વિશેષાંક માટે હસમુખ પાઠકના દીર્ઘકાવ્ય ‘અન્તઘડીએ અજામિલ’ વિશે આસ્વાદ લખ્યો. પછી તેમણે ચંદ્રકાન્ત શેઠને કહેલું કે, ‘આ સંગ્રહમાં જે પાંચેક ઉત્તમ આસ્વાદો છે તેમાંનો એક મનસુખ સલ્લાનો છે.’ મારે માટે મોટા એવોર્ડથી પણ મોટો આ પ્રતિભાવ હતો.
મારું ખરું લેખન નિવૃત્તિ પછી અમદાવાદ નિવાસ વખતે શરૂ થયું. મેં લોકભારતીના મારા કેળવણી-અનુભવો ‘અનુભવની એરણ પર’ એ નામે પ્રગટ કર્યા. લોકભારતી અને મારી કામગીરીનું, જીવનમૂલ્યો અને લોકભારતીની સમ્બંધભાતનું પ્રતિનિધિરૂપ એ પુસ્તક બની ગયું. એની પાંચ જેટલી આવૃત્તિ થઈ. પછી કેળવણી ચિંતનનાં બે પુસ્તકો પ્રગટ થયાં : ‘માણસાઈની કેળવણી’ અને ‘પાયો અને પુનર્રચના’. પ્રારંભે મારી કામગીરી શિક્ષણની જ વધુ હતી. શિક્ષણ વિષે જ લખાયું. કદાચ એથી કેળવણીકાર તરીકે મારી જેટલી સ્વીકૃતિ થઈ તેટલી સર્જક તરીકે ન મળી. ‘નર્મદ ચંદ્રક’ પછી મારી સાહિત્યકાર તરીકે વધુ નોંધ લેવાઈ. મેં ૧૮ જેટલી વાર્તાઓ લખી છે, એક પુસ્તક થાય એટલા વિવેચનના લેખો લખ્યા છે. એક પુસ્તક થાય તેટલા ભાષા, સાહિત્ય અને સર્જકો વિષેના લેખો છે. પણ મારા વિશેની વ્યાપક છાપ કેળવણીકાર તરીકેની જ રહી છે.
ચરિત્ર નિબંધોનો મેં ઊંડાણથી અભ્યાસ કર્યો છે. એ વ્યક્તિ-પરિચય નથી, જીવનઘટનાઓનો સરવાળો નથી, પરંતુ વ્યક્તિત્વની ખુશબો હોય છે. તેમાં બે મોટાં ભયસ્થાનો છે : (૧) અતિશયોક્તિ (૨) કશુંક કલ્પીને ઉમેરવું. આ અંગે હું જાગ્રત રહ્યો છું. મારો રસ વ્યક્તિના વિકાસને સમજવાનો રહ્યો છે. વ્યક્તિ આઈસબર્ગ જેવી હોય છે. પ્રગટ કરતાં અપ્રગટ વધારે હોય. વ્યક્તિનાં મૂળિયાંને પોષણ મળ્યું હોય એ પ્રમાણે વ્યક્તિ વિકસે છે. એટલે વ્યક્તિનાં મૂળિયાંને તપાસવાનો મારો ઉપક્રમ હોય છે. વળી હોદ્દો, સંપત્તિ કે માનસન્માન કરતાં ય માણસ તરીકે તે કેવો ને કેટલો વિકસ્યો એ મારો રસનો વિષય હોય છે.
મને મનુષ્યના ઉધાર પાસાને ઊપસાવવાનું આકર્ષણ નથી થતું. એને બદલે સારપમાં તેમના ઉમેરણ તરફ મારું ધ્યાન વધુ રહ્યું છે. એટલે સાવ સાધારણ વ્યક્તિમાં પણ જીવતરની ઝવેરાત જોઈ તો મારી કલમ પ્રવૃત્ત થઈ છે. એમાંથી ‘જીવતર નામે અજવાળું’ અને ‘તુલસીક્યારાના દીવા’ એ બે સંગ્રહો પ્રકાશિત થયા છે. (‘જીવી જાણ્યું જેણે’ એવો ચરિત્રનિબંધોનો સંગ્રહ હવે પ્રગટ થશે.) સંજય ભાવેએ એનું વિશદ અને ઝીણવટભર્યું અવલોકન કર્યું છે એનો મને આનંદ છે. મારું મહત્ત્વનું પ્રદાન ચરિત્ર નિબંધોમાં ગણાશે એમ જોઉં છું.
મારા જે પુસ્તક માટે મને વિશેષ અપેક્ષા હતી તે ‘હૈયે પગલાં તાજાં’ પુસ્તકની લગભગ નોંધ નથી લેવાઈ. ભારતમાં તૈયાર થતા અને અમેરિકામાં છપાતા ‘ગુજરાત ટાઇમ્સ’માં તેનાં પ્રકરણો છપાતાં હતાં. તેની દેશ-વિદેશના અનેક વાચકોએ ખાસ નોંધ લીધી હતી. અનેકને તેમાં પોતાના બાળપણનું પ્રતિબિંબ દેખાયું હતું.
તેમાં મારા ગામનાં મારા બાળપણનાં તેર વર્ષનાં સંવેદનો વ્યક્ત થયાં છે. ગ્રામજીવન, પ્રકૃતિ, સંબંધમાધુર્ય, ગ્રામજીવનની ખાટીમીઠી સ્મૃતિઓ અકૃત્રિમ રીતે અને લલિત-મનોહર ગદ્યમાં પ્રગટ થઈ છે. સાચું કહું તો એ ભાવચિત્રો છે, એનું ગદ્ય અનાયાસ અવતર્યું છે. રતિલાલ બોરીસાગર અને રઘુવીર ચૌધરીએ આ પુસ્તકની નોંધ લીધી છે. આ પુસ્તકને હું મારું મહત્ત્વનું લેખન ગણું છું.
છેલ્લાં ત્રણ વર્ષમાં મારી ભીતર એક નવું પ્રગટીકરણ શરૂ થયું છે. ‘કુમાર’ના તંત્રી પ્રફુલ્લ રાવલે આમંત્રણ આપ્યું અને લલિત નિબંધો લખવાનું શરૂ થયું. લલિત નિબંધ સ્વરૂપ ને આવું ગદ્ય મારા માટે નવું જ વહેણ છે. અનાયાસ જ ચિત્ત આ દિશામાં વળ્યું છે. મારા માટે આ વિસ્મયનો અનુભવ છે. ચંદ્રકાન્ત શેઠ છેલ્લે વાંચી ન શકતા. તેમણે વંદનાબહેન પાસે મારો લલિત નિબંધ ‘અદીઠ અણસારા’ વંચાવીને સાંભળ્યો. પછી મને ફોન કર્યો કે ‘તમારી સર્જકતાનો આ નવો ઉન્મેષ છે. લખતા રહેજો.’ પ્રફુલ્લ રાવલને લખાણ છાપવું ન હોય તો કુશળ રીતે ના પાડતા આવડે છે. તેમણે મને આખું વર્ષ લખવાનું કહ્યું. અને ‘વાદળની માયા’ નિબંધ માટે કહ્યું કે, ‘કાકાસાહેબના ગોત્રનો આ સરસ નિબંધ છે.’ મેં જોયું કે મને આમાં નિર્બંધ અવકાશ મળે છે તે મારી મોટી અનુકૂળતા છે. માનું છું કે મારી સર્જનયાત્રાનો આ નવો પડાવ છે. મને આનંદ છે.
હવે પછી કેન્સરગ્રસ્તની નવલકથા લખવાનું મનમાં છે, દર્શક વિષે નિરાંતજીવે લખવાનું છે, બીજા પ્રોજેક્ટ પૂરા કરવાના છે, અને બાકી વર્ષો ઓછાં છે. ઘર, આરોગ્ય અને પરિસ્થિતિ મુજબ બધું ચાલશે.
શબ્દ સાથે કામ પાડીએ ત્યારે જાતને વધુ ઓળખતાં, સમજતાં થઈએ છીએ. વળી કેટલાંક ભાવચિત્રો એવાં હોય છે જે સાતમા પાતાળે દટાયાં હોય છે. પરંતુ એ આકસ્મિક રીતે અવતાર ધારણ કરી લે છે. અને શબ્દરૂપ આપતાં જાણે મોક્ષ પામ્યા હોઈએ એવો અનુભવ થાય છે. ખંડ દ્વારા જાણે આપણી અખંડ તરફ ગતિ થાય છે.
લેખન પૂરતું કહી શકું કે મારી કોઈ સાથે હરીફાઈ નથી. અંદરનું વહેણ ચાલુ રહેશે ત્યાં સુધી લખાશે. પરંતુ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી એવું અનેક વાર બન્યું છે કે હું માત્ર લહિયો બની ગયો હોઉં. સળંગ ઊતરતું રહેતું હોય એવું પણ બન્યું છે. વચ્ચેનાં રોકાણો ફરી પેન પકડતાં હટી ગયાં હોય અને તાંતણો ફરી જોડાઈ ગયો હોય.
લેખન આખરે તો જીવનને સમજવા માટે અને પ્રગટ કરવા માટે હોય છે. સિંહાસન ઉપર તો જીવન જ છે. બીજી અનેક રીતોની જેમ શબ્દ દ્વારા જીવન પ્રગટ થાય છે. એવો ‘સર્જક શબ્દ’ પામવો એ દરેક સર્જકની ઉપાસના હોય છે. મારી પણ એ જ ઉપાસના રહી છે. વળી લેખન માટે મેં કદી પ્રાપ્તકર્તવ્યની ઉપેક્ષા કરી નથી. લોકભારતીનું કાર્ય કે નિવૃત્તિ પછીની અમદાવાદની પ્રવૃત્તિઓને અડચણરૂપ નથી ગણી. ઊલટું મારા કાર્યે મારી સંવેદનાને વાજબી દૃષ્ટિ આપી છે.
હું નિસંકોચ કહી શકું કે કર્મ અને લેખન મારાં પૂરતાં પૂરક થયાં છે. એટલે નારાયણ દેસાઈએ ‘અનુભવની એરણે’ પરની પ્રસ્તાવનમાં નોંધ્યું છે કે ‘એમાં શબ્દનો આડંબર નથી, પણ સચ્ચાઈની શોભા છે. અતિશયોક્તિ નથી, પણ ચોટડુક ઉક્તિ છે. મનસુખભાઈનું કામ, તેમની વિચારયાત્રા અને તેમના લેખનને છૂટાં પાડી શકાય તેમ નથી.’ આ યથાર્થ અવલોકન છે. જીવનદેવતાના અર્ધ્યમાં મેં સાહિત્યકૃતિઓ દ્વારા થોડાં પુષ્પો ધર્યાં છે એ મારી મોટી પ્રાપ્તિ છે.
રઘુવીરભાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં મને એમ.એ.માં દાખલ કરાવવાથી લઈને આજ સુધી મારા સદ્ભાવી વડીલ રહ્યા છે. ‘જીવતર નામે અજવાળું’ને તેમણે સૌથી પહેલું પોંખ્યું હતું. તેમનો આભારી છું. મારા પરિવારની અને અનેક વડીલ-મિત્રોની મને હૂંફ મળી છે. એ સૌનો ઓશિંગણ છું. દર્શક ફાઉન્ડેશને આ નિમિત્તે મારા લેખનકાર્યનાં મૂલ્યાંકનની તક ઊભી કરી તે માટે આપ સૌ હાજર રહ્યા તે માટે આભારી છું.
(સાભાર : “કુમાર”)
(દર્શક ફાઉન્ડેશન તરફથી ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદમાં યોજાયેલ સર્જકસત્ર : મનસુખ સલ્લાનાં પ્રતિભાવ-વક્તવ્ય, સંવર્ધિત કરીને.)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2025; પૃ. 18-19 તેમ જ 17