
સુમન શાહ
મારું ચાલે તો મારાં કેટલાંક પ્રકાશિત પુસ્તકોના કેટલાક અંશને eraser હેઠળ મૂકું, એટલે કે, સાવ ભૂંસી ન નાખું પણ છૅંકેલા દેખાય એવા રાખું. તાત્પર્ય, એ પછી સુધારાવધારા કરું ને એ માટે જરૂરી પુનર્લેખન કરું. પણ એ મનીષા એક અસંભાવ્ય શક્યતા લાગે છે.
તેમછતાં, ૧૯૯૭-થી મારા “ખેવના” સામયિકના 55-મા અંકથી ફ્રૅન્ચ ફિલસૂફ Jacques Derrida (1930 – 2004) વિશે “દેરિદા : કેટલાક સૂચિતાર્થો” લેખમાળા કરેલી, એનું પુનર્લેખન કરવા ચાહું છું. એમાં કરેલી વાતો પ્રાથમિક કક્ષાની હતી. આશય એ હતો કે એ સામગ્રીનો યથાશક્ય વિનિયોગ કરીને એક પુસ્તિકા કરીશ. વરસો લગી એ આશય ચરિતાર્થ ન થયો, પણ મને થાય છે કે એ આશયને આકારવાનું શુભ મુહૂર્ત હવે આવી ગયું છે.
++
જો કે, દેરિદાની ફિલસૂફીની સદ્ સમીક્ષાને સ્થાને ઉત્તરોત્તર થતી રહેલી એની અણસમજભરી ટીકાઓને મારે પહેલી ધ્યાનમાં લેવી જોઈશે.
++
મને ત્રણેક સદ્ સમીક્ષાઓ યાદ આવે છે, સાર રૂપે રજૂ કરું :
૧
જર્મન ફિલસૂફ Hans-Georg Gadamerને (1900-2012)) દેરિદાનો અર્થઘટન વિશેનો અભિગમ માન્ય ન્હૉતો. તેઓ અર્થઘટનશાસ્ત્રવિદ હતા. એમના મતે ટૅક્સ્ટના અર્થઘટન માટે તેનો ઐતિહાસિક સંદર્ભ અને અર્થઘટનકારની એ ટૅક્સ્ટને ગ્રહણ કરવાની સજ્જતા – એ બે પરિમાણોને ધ્યાનમાં લેવાં અનિવાર્ય ગણાય. દેરિદાના વિઘટન-વિચારમાં એની બહુશ: અવગણના થઈ છે. ગાડામેર અનુસાર કહીએ તો એમ કહેવું જોઈએ કે ટૅક્સ્ટ્સનાં અર્થઘટનમાં ઐતિહાસિક સંદર્ભ અને બે ક્ષિતિજોના ફ્યુઝનનું મહત્ત્વ છે. એમની એ વિભાવના છે, Historical context and the fusion of horaizons.
એક ક્ષિતિજ તે અર્થટનકારનો પરિપ્રેક્ષ્ય અને બીજી તે ટેક્સ્ટનો અથવા ટૅક્સ્ટ-સર્જનના ઐતિહાસિક સંદર્ભનો પરિપ્રેક્ષ્ય, બન્નેનું ફ્યુઝન, એટલે કે, અથડામણ, પરિણામદાયી સાયુજ્ય. બીજા શબ્દોમાં, કૃતિ, કર્તાનો સર્જન પાછળનો આશય, ઐતિહાસિક-સાંસ્કૃતિક સંદર્ભો, કૃતિનો સહજ – inherent – અર્થ અને એ બધા સાથે અર્થઘટનકારની દૃષ્ટિભંગિનું સાયુજ્ય અર્થઘટન માટે અનિવાર્ય છે.
પણ દેરિદા ગાડામેરના દૃષ્ટિબિન્દુને પડકારતાં કહે છે કે ટૅક્સ્ટ્સના અનેક અર્થ થઈ શકે છે, સંજ્ઞાઓની લીલા – play -ને કારણે અર્થ બદલાતા હોય છે, વિલમ્બિત થતા હોય છે અને અર્થઘટન તો અન્તહીન પ્રક્રિયા છે. horizons અને સંજ્ઞાઓનો play બન્ને વચ્ચેના ભેદના ધૃવ છે.
૧૯૮૧-માં પૅરીસમાં સોર્બોનમાં યોજાયેલી “Text and Interpretation” પરિષદમાં બન્ને મહાનુભાવો વચ્ચે ઉગ્ર ચર્ચા થયેલી, જે The Gadamer-Derrida debate નામથી પ્રસિદ્ધ છે.
(સંદર્ભ : “Dialogue and Deconstruction: The Gadamer-Derrida Debate”, 1989 edited by Diane P. Michelfelder and Richard E. Palmer : વ્યાપક સંદર્ભ : Gadamer and Derrida, in “The Gadamerian Mind” C E Evink, 2021)
૨
બ્રિટિશ ફિલસૂફ Michael Dummett (1925-2011) દેરિદાએ ભાષિક અર્થ માટે અપનાવેલા સંકેતશીલ સિદ્ધાન્તને અનુચિત લેખે છે. દેરિદા સંજ્ઞાઓને પ્રવહમાણ અને સંદિગ્ધ ગણે છે એ કારણે તો ભાષિક અર્થ બાબતે ગેરસમજો ઊભી થવાની! ખરેખર તો, એની ભૂમિકા તર્ક અને સત્ય હોવી ઘટે છે, નહીં કે માત્ર સંજ્ઞાઓ. સંજ્ઞાઓ અને વિશ્વના સમ્બન્ધને દેરિદા કોયડો ગણે છે એ પણ એમને યોગ્ય નથી લાગ્યું.
(સંદર્ભ : “The Origins of Analytical Philosophy”, 1996, જેમાં એમણે ઍનાલિટિકલ ફિલસૂફી અને દેરિદા સમેતની સંકેતશીલ પરમ્પરાની સમીક્ષા કરી છે.)
૩
અમેરિકન ફિલસૂફ John Searle: (1932- ) દેરિદાએ અર્થને અસ્થિર અને તેથી વિઘટનને પાત્ર ગણ્યો એ વિચારને માન્ય નથી ગણતા, કેમ કે એથી ખરી સમજ અને સંક્રમણની શક્યતા અળપાઈ જાય છે. એમનું મન્તવ્ય હતું કે ભાષા-અન્તર્ગત અર્થને વસ્તુલક્ષી ધૉરણે પામી શકાય છે. એમની ફરિયાદ એ હતી કે દેરિદા ટૅક્સ્ટના વસ્તુલક્ષી અર્થઘટનની શક્યતાની ઉપેક્ષા કરે છે.
(સંદર્ભ : J. L. Austin-ના speech acts સિદ્ધાન્ત વિશે દેરિદાએ ‘Signature Event Context’ -માં ચર્ચા કરેલી. એ સંદર્ભમાં સર્લ અને દેરિદા વચ્ચે ચર્ચા થયેલી એ સંદર્ભ છે. વ્યાપ્ત સંદર્ભ : “Reiterating the Differences: A Reply to Derrida”, John R. Searl 1977)
++

જાક્સ દેરિદા
આ ત્રણેય ફિલસૂફ અને દેરિદા વચ્ચે સવિશેષ ભેદ તો બે ફિલસૂફીઓ વચ્ચેનો ભેદ છે. મિકાયલ દુપેટ અને જોહ્ન સર્લ Analytic ફિલસૂફ છે, ગાડામેર અને દેરિદા પણ Continental ફિલસૂફ છે, છતાં બન્નેના અભિગમ વચ્ચે ફર્ક છે.
Analytic અને Continental philosophy પશ્ચિમની અર્વાચીન ફિલસૂફીની બે સ્પષ્ટપણે જુદી પરમ્પરાઓ છે.
આમ તો, બન્ને પરમ્પરાના ફિલસૂફો ઑન્ટોલૉજિ અને મૅટાફિઝિક્સ સાથે પાનું પાડે છે. બન્ને પરમ્પરાના ફિલસૂફો ભાષા અને અર્થની શોધમાં લાગેલા હોય છે. ઍનાલિટિક ફિલસૂફો તર્ક અને દલીલો વડે મૅટાફીઝિક્સ સાથે જોડાતા હોય છે. એથી વિરોધમાં, કૉન્ટિનેન્ટલ ફિલસૂફો એ જ બાબતોને અસ્તિત્વવાદી કે ફીનૉમિનૉલોજિકલ માળખાંમાં જોતા હોય છે. બન્ને પરમ્પરાઓ ઓવરલૅપ થયા કરતી હોય છે, એકબીજાને સ્પર્શતી હોય છે, તેમછતાં, બન્નેના સ્વરૂપમાં ખાસ્સો ફર્ક છે.
ઍનાલિટિક ફિલસૂફોનું ધ્યાનકેન્દ્ર એ છે કે ફિલસૂફીના કોયડાનું સ્વરૂપ જાણવું. એ આ ફિલસૂફીનો પ્રધાન હેતુ છે. એ હેતુસિદ્ધિ માટે ભાષા અને તર્કસંગત વિશ્લેષણને તેઓ અનિવાર્ય ગણે છે, કેમ કે એથી વાત વિશદ અને ચૉકક્સ બને છે. આ ફિલસૂફીનાં મુખ્ય વિષયવસ્તુ છે – ભાષાની, ચિત્તની, ફિલસૂફીઓ, જ્ઞાનમીમાંસા, અને તર્ક. એમનો અભિગમ પૂર્ણતયા વિજ્ઞાનીય છે. ફિલસૂફીપરક શોધ-સંશોધન માટે તેઓ વિજ્ઞાનીય પદ્ધતિનો એટલે કે નિરીક્ષણ, પ્રયોગ અને પ્રત્યક્ષ અનુભવથી સાંપડેલી માહિતીને – dataને – પુરાવો ગણે છે, જેને Empirical evidence કહેવાય છે; પ્રતિજ્ઞા – hypotheses – કે હાથ પરના સિદ્ધાન્તના ખણ્ડન-મણ્ડનમાં એની નિર્ણાયક ભૂમિકા હોય છે. ફિઝિક્સ, મૅડિસિન કે મનોવિજ્ઞાન ક્ષેત્રે એનો વિનિયોગ કારગત પુરવાર થયો છે. આ ફિલસૂફોમાં અચૂક લેવાં પડે એવાં નામ છે, બર્ટ્રાન્ડ રસેલ, લુડવિગ વિટ્ગેન્સ્ટાઇન, કાર્લ પોપર, ડેવિડ લૂઇસ, જી.ઇ. મૂર, રુડોલ્ફ કાર્નેપ.
કૉન્ટિનેન્લ ફિલસૂફોનું ધ્યાનકેન્દ્ર એ છે કે ઐતિહાસિક સંદર્ભો અને સમયાન્તરે થતા વિચારોનો વિકાસને તપાસવો. આ ફિલસૂફીનાં વિષયવસ્તુક્ષેત્રો સર્વસામાન્ય છે : ફિનૉમિનોલૉજિ, અસ્તિત્વવાદ, વિઘટન, વિવેચન-સિદ્ધાન્તો, આધુનિકતાવાદ અને મૂડીવાદની સમીક્ષા. તેઓ અવારનવાર સાહિત્ય, કલાઓ અને સંસ્કૃતિનું સાયુજ્ય રચતા હોય છે અને એથી પ્રાપ્ત પદ્ધતિઓ કે રીતો પ્રયોજે છે —
જેમ કે, ફિનૉમિનોલૉજિની રીત, ફિનૉમિનોલૉજિ ચેતના અને આત્મલક્ષી અનુભવોને તપાસે છે; અસ્તિત્વવાદની રીત, અસ્તિત્વવાદ માનવીય સ્વાતન્ત્ર્ય, સત્ત્વ અને અસ્તિત્વ તેમ જ અર્થને વિશેની મથામણ જેવા મુદ્દા હાથ ધરે છે; સંરચનાવાદની રીત, સંરચનાવાદ હમેશાં ભાષા અને સંસ્કૃતિ અન્તર્ગત રહેલી સંરચનાઓ તપાસે છે; અનુસંરચનાવાદની રીત, અનુ-સંરચનાવાદ સુસ્થાપિત સંરચનાઓ અને અર્થો તપાસે છે. આ ફિલસૂફોમાં અચૂક લેવાં પડે એવાં નામ છે, માર્ટિન હાઇડેગર, ઝાં-પૉલ સાર્ત્ર, મિશેલ ફૂકો, અને ઝાક દેરિદા.
++
દેરિદા-ફિલસૂફીની અણસમજભરી અનેક ટીકાઓ થઈ છે. કેટલીક ટીકાઓ વેબ સાઇટ્સ પર, કેટલીક ચર્ચાના પ્લૅટફૉર્મ્સ પર, કેટલીક સામયિકોમાં, ઉપલબ્ધ છે. એ ટીકાકારો ઉપયોગીતાવાદીઓ છે. એમનું કહેવું એમ છે કે દેરિદા-ફિલસૂફી ઉપકારક નથી, એના અનુસરણથી લાભ નથી થયા પણ દુષ્પરિણામો આવ્યાં છે. કહેવાવા લાગ્યું કે દેરિદાના વિઘટનશીલ વિચારોના પ્રભાવે કરીને અંગ્રેજી-ભાષી વિસ્તારોમાં અને સવિશેષે માનવવિદ્યાઓમાં અતાર્કિકતાનું વાવાઝોડું ફૂંકાયું છે. એ ટીકાઓમાંની કેટલીક મારા કેટલાક પ્રતિભાવ સહિત રજૂ કરું :
Robert Bernasconi (1950 – ) યુનિવર્સિટી ઑફ મેમ્ફિસમાં ફિલસૂફીના પ્રોફેસર છે. એમણે હાઇડેગર, ગાડામેર, લેવિનાસ વિશે લખ્યું છે. પણ એમણે દેરિદાની વિઘટન-ફિલસૂફીના ઉપયોગના મુદ્દાને આગળ કર્યો છે. તેઓ માને છે કે એ ફિલસૂફી ટૅક્સ્ટના વિશ્લેષણ માટે ખૂબ ઉપયોગી છે, પણ રાજકારણીય અને નીતિવિષયક કોયડાઓના ઉકેલ પરત્વે પાછી પડી જાય છે, દાખલા તરીકે, રેસિઝમ અને સામાજિક ન્યાયના કોયડાઓ પરત્વે.
સમકાલીન સંસ્કૃતિ અને કેળવણીક્ષેત્રના સમીક્ષક, એમરિ યુનિવર્સિટીમાં પ્રોફેસર ઇમેરિટસ Mark Bauerlein (1959 – ) વિઘટન વગેરે અનુ-આધુનિક સિદ્ધાન્તો વિશે સંશય વ્યક્ત કરે છે. એમનું મન્તવ્ય છે કે આ સિદ્ધાન્તો વસ્તુલક્ષી વિશ્લેષણને બાજુએ મૂકીને અંગત ભૂમિકાનાં અર્થઘટનોને આગળ કરે છે. એમની પણ એ જ દલીલ છે કે એથી ઍકેડેમિક સ્ટાન્ડર્ડ્ઝ અને બૌદ્ધિક શૌર્યનો હ્રાસ થયો છે.
પરન્તુ બીજા બે ટીકાકારો મને અક્ષમ્ય લાગે છે :
એક છે, સંસ્કૃતિ-સમીક્ષક અમેરિકન વિદુષી Camille Paglia (1947 – ) કહે છે કે દેરિદાના અનુ-આધુનિકતાના સિદ્ધાન્તોએ બુદ્ધિમત્તા અને વિવેકપૂત વિચારના પતનને વેગ આપ્યો છે. એથી અમેરિકન academia પર, કેળવણીક્ષેત્ર પર, નકારાત્મક પ્રભાવ પડ્યો છે. માનવવિદ્યાઓના અધ્યેતાઓ એકોએક બાબતનું વિઘટન કરવા લાગ્યા છે. દેરિદામાં verbal formulas-નો ભાર છે અને તેથી વાચકને perennial defeatism-નો અનુભવ થાય છે. એમણે dense અને jargon-heavy ભાષા પ્રયોજી છે. દેરિદા અઘરા દુર્બોધ અને અગ્રાહ્ય છે. પૅગ્લિયા એટલે સુધી કહે છે કે દેરિદાની ફિલસૂફી outmoded અને valueless છે – જૂનવાણી અને મૂલ્યહીન!
વળી ઉમેરે છે છે કે એમાં ઐતિહાસિક સંદર્ભનો આગ્રહ નથી, એમાં મનોવિજ્ઞાનીય દૃષ્ટિનો પણ અભાવ છે. એને કારણે વિશ્લેષણનાં તર્કસંગત અને પરમ્પરાગત સ્વરૂપોની મહત્તા ઘટી ગઈ છે. જો કે આ બધું ૧૯૯૧-માં પૅગ્લિયાએ અનુ-સંરચનાવાદ અને ઝાક લકાં, મિશેલ ફૂકો વગરે નૉંધપાત્ર હસ્તીઓની વિસ્તૃત ટીકાના અનુલક્ષમાં કહ્યું છે, પણ જે કહ્યું છે એ અતિ જૂઠું અને અશોભનીય છે. એમણે એટલે સુધી કહેલું કે દેરિદા, લકાં, અને ફૂકો fossilized reactionaries છે – અશ્મિકૃત પ્રતિક્રિયાવાદીઓ છે. એટલું જ નહીં, કહેલું કે તેઓ perfect prophets for the weak, anxious academic personality — આતુરતા, ચિન્તા અને સંશયથી ગ્રસ્ત નબળા કેળવણીકારોના પયગમ્બરો છે.
(સંદર્ભ : an op-ed for The New York Times in 1991 તેમ જ “Sex, Art, and American Culture”, Camille Paglia, 1992)
પૅગ્લિયા બુદ્ધિમત્તા અને વિવેકપૂત વિચારના પતનનો મુદ્દો ઉછાળે છે, એ એમની અણસમજનું પરિણામ છે. દેરિદાની છે એવી કોઈપણ ક્રાન્તિકારી વિચારસૃષ્ટિ સુસ્થિર પરિપાટીને ઉથલાવે, એ એની સુચિન્તિત અવધારણા અનુસારનું જ પરિણામ હોય છે. academia પર વિઘટનના નકારાત્મક પ્રભાવને, ખરેખર તો હકારાત્મક વિનિયોગને, પણ એવું જ અવધારિત પરિણામ કહેવાય. વાસ્તવિક વાત એ છે કે અમેરિકાને આ બધું કરવા-કહેવા દેરિદા ન્હૉતા ગયા!
પૅગ્લિયા ભૂલી જાય છે કે ચૉક્કસ પ્રસંગે વિશિષ્ટ અર્થ નીપજાવવા શાસ્ત્રમાં લાઘવયુક્ત શબ્દગુચ્છ વારંવાર પ્રયોજવા પડે છે. એથી સંક્રમણ સરળ બને અસ્ખલિત રહે છે. ‘ઉપરાન્ત’, ‘પછી’, ‘જેમ કે’, ‘કહો કે’, ‘તાત્પર્ય એ કે’, ‘સમજવાનું એ છે કે’ વગરેને સામાન્યત: verbal formulas કહેવાય. શાસ્ત્રમાં એ દોષ નથી પરન્તુ આવશ્યકતા છે. બીજું, કોઈ લેખન સમજવામાં પડકારરૂપ હોય અને તેથી વાચક કંટાળે, વારંવાર કંટાળે, નાસીપાસ થઈને ભાગી જાય, લેખન એને પ્રયત્નસાધ્ય ન લાગે બલકે કોયડો લાગે, ત્યારે કહેવાય કે એ લેખન perennial defeatism ઊભું કરે છે, એમ જરૂર કહેવાય. પણ એ તો વાચકની સજ્જતા કે પાત્રતાનો મામલો છે, નહીં કે તે લેખકનો! અને દેરિદા જેવા ફિલસૂફનાં લેખન વાચકને હંફાવે નહીં તો જ નવાઈ! એ અર્થમાં દેરિદા ઝટ ઊકલી શકે નહીં એવો કોયડો જરૂર છે. ત્રીજું, દેરિદાએ dense અને jargon-heavy ભાષા પ્રયોજી છે કેમ કે પોતાનાં સૂક્ષ્મ ધ્યર્થો માટે પ્રયોજવી પડી છે. જે વાચકને દેરિદા અઘરા દુર્બોધ અને અગ્રાહ્ય લાગ્યા હોય એ તે વાચકની ગ્રહણશક્તિનો મુદ્દા છે. હજારો વાચકોને દેરિદા દુર્બોધ હોવાછતાં ગ્રાહ્ય લાગ્યા છે, તેને શું કહીશું?
બીજા અક્ષમ્ય ટીકાકાર છે, કૅનેડિયન મનોવિજ્ઞાની Jordan Peterson (1962 -). તેઓ પૅગ્લિયાના જેવું જ કહે છે કે દેરિદાના વિઘટનશીલ સિદ્ધાન્તોથી સૈદ્ધાન્તિક વિકાસ થયો એ ખરું પણ એ સિદ્ધાન્તોના ભક્ત અધ્યેતાઓએ એ પર એટલું બધું કામ કર્યું, એ સિદ્ધાન્તોને એટલાં બધાં સ્થાનોએ લાગુ પાડ્યા, કે ન વાંચી કે ન સમજી શકાય એવાં એ પુસ્તકોનો એક મોટો ડુંગર ઊભો થયો! કેમ કે સાપેક્ષતાના વિનિયોગને કારણે અર્થઘટનોની જંજાળ ઊભી થતી હોય છે.
કહે છે, discorse અને theory વિશેનાં એ પુસ્તકોએ પરોક્ષપણે અતાર્કિકતાનો મહિમા કર્યો જેને પરિણામે સાહિત્ય, ઇતિહાસ, સમાજવિદ્યાઓ કે રાજનીતિના તર્કપુર:સરનાં અધ્યયનો રહ્યાં જ નહીં અથવા બાજુએ મુકાઈ ગયાં. ખાસ તો વિદ્યાજગતમાં સર્વસામાન્ય ગણાય એ તાર્કિક ધોરણોનું ધોવાણ થઈ ગયું. વસ્તુલક્ષી સત્ય અને તર્કસંગત પરામર્શની શક્યતાઓ ઘટી ગઈ. એમણે વિધાન કર્યું છે કે Derrida and Foucault are smart, so their theories are hard to untangle ! વિધાન જ ચતુરાઈભર્યું છે !
પીટરસન એમ પણ જણાવે છે કે દેરિદાએ સાપેક્ષતા-સિદ્ધાન્તને મહત્તા આપી છે અને વસ્તુલક્ષી સત્યની અવગણના કરી છે, જેને કારણે ઓળખનું રાજકારણ – identity politics – અને ભોગ બનેલાંઓની ચળવળને – victimhood culture -ને બળ મળ્યું છે. વિઘટનને કારણે વિદ્યાજગતમાં, ખાસ તો ડાબેરીઓમાં, અનુ-આધુનિક પ્રતિબુદ્ધિવાદ ઊભો થયો છે. અલબત્ત, આ બધું એમણે અનુ-આધુનિકતાવાદની પોતાની વ્યાપક સમીક્ષા સંદર્ભે કહ્યું છે.
(સંદર્ભ : એમની jordanbpeterson વેબ પર લેખ, “Postmodernism: definition and critique…’)
વિઘટનને કારણે વિદ્યાજગતમાં, ખાસ તો ડાબેરીઓમાં, અનુ-આધુનિક પ્રતિબુદ્ધિવાદ ઊભો થયો, પીટરસનની એ માન્યતાને Lachian R Dale બરાબર કહે છે, પણ તરત ઉમેરે છે કે પીટરસનના મગજમાં જે વિઘટન છે એ vulgar kind-નું છે. રાજકીય હેતુઓ અર્થે એમણે વિઘટનને સરળીકરણથી વિકૃત કરી નાખ્યું છે.
(સંદર્ભ : “Analyzing Jordan Peterson’s argument against political correctness and postmodernism” by Lachian R Dale, published on The Big Smoke website on June 27, 2018.)
પીટરસન દેરિદાની relativiity-ની, સાપેક્ષતાની, વિભાવનાને એના સમ્યક અર્થમાં સમજી શક્યા નથી. પોતાની ફિલસૂફીપરક શોધ અર્થે, ખાસ તો વિઘટન સંદર્ભે, દેરિદાએ સાપેક્ષતાની ચર્ચા કરતાં જણાવ્યું છે કે સાપેક્ષતા એવું કંઈ સુસ્થિર કેન્દ્ર નથી જેના આધારે વિચારોને ગતિમન્ત રાખી શકાય. આઈન્સ્ટાઈનના constant વિભાવ સંદર્ભે દેરિદા એમના એ સુખ્યાત વિધાનમાં કહે છે કે constant હમેશાં constant હોતું નથી, બલકે, variability હોય છે, એ એક Jeu (ફ્રૅન્ચ શબ્દ છે) એટલે કે play હોય છે. પરિણામે એને સંદર્ભ-બિન્દુ ન ગણાય. પોતાના આ મન્તવ્ય અનુસાર દેરિદાએ અર્થોને પ્રવહમાણ, પરિવર્તનીય અને વિલમ્બિત ગણ્યા છે.
(વ્યાપક સંદર્ભ : સામયિક “Postmodern Culture”, Sep, 21, 2023).
(ક્રમશ:)
(11FebUSA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર