આ લેખ સાહિત્યકારમિત્રોના હિતમાં લખી રહ્યો છું. હું જે હિત સમજ્યો છું તેને અનુસરીને જાહેરમાં લખું નહીં, તો પ્રજ્ઞાપરાધ થાય.
આપણે ત્યાં થતાં સમસામયિક સમ્પાદનો બાબતે આ હું જે લખી રહ્યો છું એને કવિઓ વાર્તાકારો તેમ જ નિબન્ધકારો અને વિવેચકો બરાબર સમજે અને વિવેકપૂર્વક આવશ્યક ચર્ચા કરે, એમ વિનન્તી છે.
અહીં હું સામયિકોના સમ્પાદકો વિશે નથી લખી રહ્યો એ સ્પષ્ટ છે.
દાખલા તરીકે, કોઈ સમ્પાદકને એક મુદ્દો સૂઝ્યો છે. એમ કે ‘ટૂંકીવાર્તામાં એકમેવ અસર’ -નું તત્ત્વ આજકાલ લખાતી ટૂંકીવાર્તાઓના સર્જકોની કૃતિઓમાં કલાત્મક રીતે અનુભવાય છે. એ મુદ્દાને એ પોતાનો સમ્પાદકીય આશય ગણે અને એવી કૃતિઓનું સમ્પાદન હાથ ધરે, તો સૌ પહેલાં એણે શું કરવું જોઈએ? ક્રમશ: આ પ્રમાણે —
૧ : સૌ પહેલાં એણે પ્રકાશક નક્કી કરવો જોઈએ. પ્રકાશક સાથે, લિખિત કરાર કરવો જોઈએ; તેમાં, પુસ્તક ક્યારે પ્રકાશિત થશે, પુસ્તકનું મૂલ્ય શું હશે, કેટલી નકલો છપાશે, કર્તાને કેટલો પુરસ્કાર અપાશે, એને કેટલી નકલ અપાશે, વગેરે વીગતો જોડવી જોઈશે. પુરસ્કાર સમ્પાદકને પણ મળવો જોઈએ, કરારમાં એનો પણ નિર્દેશ હોવો જોઈશે.
૨ : ‘એકમેવ અસર’-નો સંદર્ભ ધરાવતા પોતાના એ સમ્પાદકીય આશયની પૂરી સ્પષ્ટતા સાથે એ સમ્પાદકે એ કૃતિઓના કર્તાઓને નિમન્ત્રણ આપવું જોઈએ અને પસંદ કરેલી કૃતિ માટે દરેક કર્તાની લિખિત સમ્મતિ માગવી જોઈએ. સમ્પાદકે પ્રકાશક સાથે થયેલા કરારની તમામ વીગતોથી કર્તાને અવગત કરવો જોઇએ.
૩ : સમ્પાદકીય આશય કે પસંદગી પામેલી કૃતિ કોઈ કર્તાને યોગ્ય ન લાગતાં હોય, તો તે વિશે તેની સાથે સમ્પાદકે જરૂરી વિચારવિમર્શ કરવો જોઈએ. એ પછી, જો બન્ને પક્ષે સર્વસમ્મતિ સધાય તો આગળ વધવું જોઈએ.
૪ : એ સર્વસમ્મતિ અનુસાર, સમ્પાદકે પ્રકાશકને તમામ કૃતિ-કર્તાની યાદી મોકલવી જોઈએ. પ્રકાશકે પણ કર્તાને વિધિસરનું નિમન્ત્રણ મોકલવું જોઇએ, અને તે નિમન્ત્રણ સાથે પ્રકાશકે પુસ્તક ક્યારે પ્રકાશિત થશે, પુસ્તકની કેટલી નકલો છપાશે, કર્તાને કેટલો પુરસ્કાર અપાશે, કેટલી નકલ અપાશે, વગેરે વીગતો જોડવી જોઈશે.
૫ : આ બધું થાય તેમ છતાં, કેટલીક ક્ષતિઓ થવાનો સંભવ છે. એ ક્ષતિઓ આ પ્રમાણે હોઈ શકે :
— નક્કી કરેલી સમયમર્યાદામાં પ્રકાશન ન થયું હોય.
— કર્તાને પુરસ્કાર કે નકલ ન મળ્યાં હોય.
— પુસ્તકમાં કોઈ કર્તાની કૃતિ ન છપાઇ હોય.
૬ : સંભવિત એવી કોઇપણ ક્ષતિ વખતે જવાબદાર કોણ? પ્રકાશક કે સમ્પાદક? આપણે ત્યાં સામાન્ય રીતે પ્રકાશકે કર્તા સાથે કરાર નથી કર્યો હોતો, તેથી જવાબદાર તો સમ્પાદક જ ગણાય. કર્તા સાથે સૌ પહેલો જોડાનાર સમ્પાદક છે. સમ્પાદકીય આશય એ બન્નેને જોડનારી કડી છે. એ હકીકત સૂચવે છે કે સમ્પાદક વ્યવહારુ તેમ જ નૈતિક ધોરણે કર્તા સાથે પૂરેપૂરો બંધાયેલો છે.
૭ : એ સંજોગોમાં, સમ્પાદકે જાહેર કરવું જોઈએ કે આવાં કારણોસર મૉડું થયું છે, કહેવું જોઈએ કે અમુક સમયે, પુસ્તક પ્રકાશિત થઈ જશે. પુરસ્કાર કે નકલ ન મળ્યાં હોય તો સમ્પાદકે પ્રકાશકને કહેવું જોઈશે. કોઈની કૃતિ ન છપાઈ હોય તો પ્રકાશકે તેમ જ સમ્પાદકે ક્ષમાપૂર્વક કહેવું જોઈશે કે પુનર્મુદ્રણ થશે તેમાં ઉમેરી લઈશું.
આ ૭ કલમો અનુસાર થનારું સમ્પાદન-પ્રકાશન આદર્શ ગણાય.
પરન્તુ, આપણે ત્યાં આજકાલ, છેલ્લા દાયકા દરમ્યાન, સામાન્યપણે બને છે શું તે જાણવા જેવું છે.
અ : સમ્પાદકો કર્તાને આશયની સ્પષ્ટતા જવલ્લે જ કરે છે. વિધિવત પૂર્વસમ્મતિ નથી માગતા. ફોન કરી એટલું જ કહે છે – સમ્પાદનમાં તમારી વાર્તા લીધી છે, કાવ્ય લીધું છે, નિબન્ધ લીધો છે. કર્તાને સમ્પાદકની પસંદગી યોગ્ય ન લાગે, તો પોતાનો નિર્ણય બદલતા નથી, બહાનું બતાવે છે કે બધું પ્રેસમાં પ્હૉંચી ગયું છે. કોઈ કોઈ સમ્પાદકો તો એમ કહી દે છે કે કંઈપણ પ્રકાશકને પૂછો, મને નહીં. આ કારણે કહેવું પડે છે કે સમ્પાદકો પોતાને સમજે છે શું. તેઓ સાહિત્યસંસારમાંથી યથેચ્છ ચીજો ઉપાડી જાય અને કર્તાને સહાય કરવાને બદલે ઉપર હાથ રાખી મોટાઇ દાખવે?
બ : પસંદગી પામેલ કેટલાક કર્તાઓ પણ હરખના માર્યા કશું જ પૂછતા નથી, ફુલાયા કરે છે.
ક : પુસ્તક નક્કી સમયે આવે નહીં, પુરસ્કાર કે નકલ મળે નહીં, ત્યારે કર્તા ઊંચોનીચો થાય છે ખરો, પણ પેલો ફુલારો એને ટાઢો પાડી દે છે.
ડ : પોતાની કૃતિ સમ્પાદકે સ્વીકારેલી છતાં ન આવી હોય, તો, પેલા ફુલારામાં કાણું પડે છે, ને કર્તા ધૂંઆપૂંવા થવા માંડે છે.
ઈ : મેં મારી દીર્ઘ કારકિર્દી દરમ્યાન જોયું છે કે આપણે ત્યાંની સમ્પાદનવિષયક દરેક ચર્ચામાં, એક જ મુદ્દો ટિપાય છે કે – આનું કેમ લીધું ને તેનું કેમ ન લીધું. સમ્પાદકીય આશય વિશે ભાગ્યે જ પૃચ્છા થાય છે, સમ્પાદકીય લેખ કે નૉંધમાં તો કોઈ નજરેય નથી નાખતું. કર્તા એટલી નજર નાખી લે છે કે લેખમાં પોતાનું નામ છે કે નહીં, નૉંધમાં વખાણ છે કે કેમ.
આજકાલ આપણે ત્યાં પુસ્તકો ડિઝિટાઇઝ્ડ થવા માંડ્યાં છે તેથી સમ્પાદનો કે અન્ય પ્રકાશનો માટે નવેસર વિચારવું જરૂરી બને છે.
એ વિશે, હવે પછી.
(01/07/24: A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર