
રવીન્દ્ર પારેખ
ઘરનું ખાઈને કંટાળ્યા હોઇએ ને હોટેલવાળો કહે કે અહીં ઘર જેવું ખાવાનું મળે છે, તો મગજ જાય કે નહીં? આમ તો હોતું જ નથી, પણ ઘણાંને ગુમાવવા જેટલું મગજ તો મળી જ રહે છે. પતિ મગજ ગુમાવી શકે એટલે જ એને પત્ની આપી હોય છે ને પત્ની ફૂટેલાં નસીબનું રડી શકે એટલે પતિ કરમે ચોંટેલો હોય છે. પત્નીઓ ઘણી વાર જમે છે ખરી, પણ રાંધે છે પાર્ટ ટાઈમ જ ! હવે તે રસોડામાં બફાતી નથી. બધું જ સ્માર્ટ થઈ ગયું છે, તો તે પણ પાછળ શું કામ રહે? તે ય રોજનાં ઠોબલાં ઉતારીને કંટાળતી હોય છે, એટલે હવે આખું ખાનદાન લઈને તે ખાનપાન બહાર જ પતાવતી હોય છે. તેને પણ હવે હોટેલનું ખાવાનું ભાવતું થયું છે. એક જમાનામાં ઘરડાં ઘરનું ખાવાનો આગ્રહ રાખતાં, પણ હવે ઘરડાં જ ઘરડાં ઘરમાં પાર્સલ થયાં હોવાને લીધે એમની દખલ રહી નથી. એક જમાનામાં ઘરડાં ગાડાં વાળતાં, હવે ગાંડા વાળતાં હોય તો નવાઈ નહીં
હોટેલનું સુખ એ છે કે હવે જોઈતું ખાવાનું મેનુમાં જ દેખાઈ જતું હોય છે, એટલે પતિને ખર્ચે ને પત્નીને જોખમે કુટુંબ મનફાવે તેમ હોજરી ભરી લે છે. અત્યારે તો શનિ-રવિ જ બહાર ખાવાનું ચાલે છે, પણ બહાર જમવામાં હવે ફાઇવ ડેઝ વીક થાય એમ બને. શું છે કે હોસ્પિટલો બહાર છે તો ખાવાનું પણ બહાર થાય તેમાં કશું ખોટું નથી. હોટેલવાળાઓને એને લીધે જવાબદારીઓ વધી છે. ઘણાંનું અને ઘણું બધું રાંધવાનું એને થાય છે, એટલે હોસ્પિટલોની જેમ જ હોટેલો પણ ચોવીસ કલાક ચાલવી જોઈએ એવી માંગણીઓ ઊઠી છે. હવે સ્વાદ અને જથ્થો મુખ્ય છે અને ચોખ્ખાઈ ગૌણ છે. ચોખ્ખું કોઈને જ પરવડતું નથી, એટલે તેમાં બીજું ત્રીજું કૈં નાખવું જ પડે છે. એમ થાય તો ફૂડ ઈન્સ્પેકટરો તેને ભેળસેળ કહીને વગોવે છે એ બરાબર નથી.
ચોખ્ખું દૂધ તો હવે ગાય જ નથી આપતી, તો ડેરી ક્યાંથી આપવાની હતી? વારુ, ગાય ચોખ્ખી હોય તો પણ, દૂધ ચોખ્ખું હોતું નથી. દેશી ઘી દેશમાં મળે એટલે દેશી ગણાય, બાકી પામોલિન મેળવ્યા વગર ઘી ‘શુદ્ધ’ થતું નથી. ‘‘શુદ્ધ’ દેશી ઘીની દુકાન’માં શું શુદ્ધ હોય તે કલ્પી શકાય એમ છે. આજકાલ પનીરનો ઉપાડ વધુ છે, એને લીધે સ્ટાર્ચનો ઉપાડ પણ વધ્યો છે. તે એટલે કે એ ઉમેરવાથી પનીર ‘શુદ્ધ’ થાય છે. માખણમાં જ ‘માખ’ છે, તો એ કાઢી લઈએ તો સિલકમાં ‘ણ’ ફેણનો જ રહે કે બીજું કૈં? ઢોસા કે ભાજી બટરમાં કરાવીએ એટલે બટર જ આવે એની ગેરંટી નથી. એ તો લેબોરેટરીમાં ચેક થાય તો ખબર પડે કે બટર છે કે મટર ને એટલી રાહ જોઈએ તો ઢોસો, ડોસો જ થઈ જાય એમાં શંકા નહીં !
જો કે, છાપાં, ટી.વી., બીવી આપણને સતત ચેતવતાં રહે છે ને આપણે ‘ચેતતાં’ પણ રહીએ છીએ, પણ સાદી વાત એટલી છે કે ઘરમાં કૈં શુદ્ધ કે ચોખ્ખું ન આવી જાય એની કાળજી રાખવાની રહે જ છે. હવે ચોખ્ખું ખાવાથી ઘણાંનું પેટ બગડે છે. ખેતરમાં જંતુનાશક દવાઓ એટલી છંટાય છે કે શાકભાજી ધોવાં છતાં ય આપણું ‘ધોવાણ’ અટકતું નથી. ઘણીવાર તો એવું થાય છે કે જંતુનાશકો આપણાં પર છાંટીને જ જમવા બેસવું જોઈએ જેથી હોજરી ચોખ્ખી રહે. ડોકટરો પણ વગર ફીએ એટલું તો કહે જ છે કે બધું ધોઈ-જોઈને ખાવ, પણ એમ બધું ચકાસવાનું હોય તો ઘરમાં રસોડાને બદલે લેબોરેટરી નાખવી પડે. આમ તો ફૂડ ઈન્સ્પેકટરો જે દુકાનોમાંથી કૈં નથી મળતું, ત્યાંથી નમૂનાઓ લઈને લેબોરેટરીઓમાં મોકલી આપે છે. એનો રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો ઘણા ગ્રાહકો એમની હોજરીનો રિપોર્ટ કઢાવવા હોસ્પિટલોમાં ગોઠવાઈ ગયા હોય છે. આજની ઘારીના નમૂનાઓની તપાસ થઈ રહે ત્યાં સુધીમાં કેટલી ય ઘારીઓ ખપી જાય છે ને સાહેબોને ‘ચંદની પડવો’ થતો રહે છે.
હવે હળદર પીળી એટલે પણ છે કે તે પીળી માટીમાંથી બને છે. ખરું તો એ છે કે ધાણાજીરુ હવે લાકડાના છોલ વગર સ્વાદ પકડતું નથી. આપણે એટલા સમજદાર છીએ કે તાંબામાં સોનું નથી ભેળવતાં, પણ સોનામાં તાંબું ઉમેરીએ છીએ. પામોલિનમાં ઘી નથી ઉમેરતાં, પણ ઘીમાં પામોલિન ભેળવીએ છીએ. ઈંટમાં મરચાંની ભૂકી નાખીએ તો ઘર તીખું થઈ જાય, એટલે મરચાંમાં ઈંટની ભૂકી ઉમેરીએ છીએ જેથી તીખાશ ઘટે. એ ન ઘટે તો પણ, માણસ ઘટે એની કાળજી તો રાખવી જ જોઈએ, કારણ કે હવે જીવને જીવાતથી પરિચિત કરવાની કોશિશો ચાલે છે. અત્યારે તો આ બધું પ્રાયોગિક ધોરણે ચાલે છે, પણ સમય જતાં યૌગિક ધોરણે ચાલે એમ બને. મૂળ હેતુ તો માણસની ઇમ્યુનિટી વધારવાનો છે. એ સાથે જ વેજ-નોનવેજ એવા ભેદ મટાડવાનો પણ છે. એક તરફ આપણે બધું સમાન કરવામાં માનતા હોઈએ, ત્યાં વેજ-નોનવેજ, મરચું-ઈંટ, ઘી-પામોલિન, હળદર-માટી એવા ભેદ રાખવાનો અર્થ નથી, એટલે જ કદાચ વેફરમાંથી મરેલો દેડકો નીકળે છે. એ તો સારું છે કે મરેલો નીકળે છે, કાલ ઊઠીને જીવતો નીકળે તો તેની પણ તૈયારી રાખવાની રહે.
શું છે કે આપણને ઘરના ‘ડોસા’ ફાવતા નથી, એટલે ઢોસા બહારથી મંગાવીએ છીએ કે બહાર જઈને ખાઈએ છીએ. બહારનો લાભ એ છે કે વાસણો આપણે ધોવાં પડતાં નથી. બહાર તે ધોવાય કે ન ધોવાય એ આપણો વિષય નથી. બીજું, કે ઘરમાં ઉંદર ફરતાં હોય તો પણ તે સંભારમાં પડવાનું જોખમ ન લે. એ સાહસ તો બહારનાં ઉંદરો જ કરવાના ને એનો લાભ આપણને ગ્રાહકોને મળતો હોય છે. આપણને કૈં પણ ખાવાની છોછ ન રહે એટલે જુદાં જુદાં જીવજંતુઓ વડે સરપ્રાઈઝ આપવામાં આવે છે ને એની વધારાની કોઈ પ્રાઇસ લેવામાં આવતી નથી એ ઉપકાર જ છે કંપનીઓનો.
તમે ચવાણું લાવો ને પેકેટમાંથી ગરોળી નીકળે તો મોઢું મચકોડતાં પહેલાં એટલું જરૂર વિચારો કે કેટલી મહેનતે પેકેટમાં ગરોળી ઘૂસાડાઈ હશે ને એ ન ભૂલો કે એ લાભ કૈં બધા કસ્ટમરોને મળતો નથી. એવા વીરલા તો વિરલ જ ! આ વીરત્વ બદલ ગૌરવ અનુભવવાને બદલે તમે કંપનીને વીરગતિ અપાવવા નીકળો તો એનો માણસ સામેથી તમને જ ચોંટે કે એમ ગરોળી ઘૂસાડવાનું સસ્તું નથી, એ તો તમે જ કંપનીને બદનામ કરવા ખેલ પાડ્યો છે ને પછી કંપની તમારા પર દાવો ઠોકે તો ટાંટિયાં ભાર ઝીલે એમ છે? તમે ફૂડ વિભાગને કમ્પ્લેઇન કરો ને એ તપાસ પણ કરે ને એમાં ગરોળી નપાસ થઈ એવું શોધી પણ કાઢે કે કંપનીને સીલ મારી દેવાય તો પણ, એક ગરોળીએ શહીદી વહોરી એ અંગે તમારે કૈં કહેવાનું નથી?
એટલું સમજી લો કે બહારનું ખાવા-પીવાનું આ રીતે જ બને છે. ઉપકાર માનો કે આ બધું તમને એકસ્ટ્રા ચાર્જ વગર મળે છે. ખમણ સાથે ચટણી કોઈ મફત આપે, પણ કોઈ જીવાત ન આપે. એ નસીબ વગર ન મળે. જરા તો વિચારો કે ઓનલાઈન આઇસક્રીમ કોન મંગાવો ને એમાંથી કોઇની આંગળી નીકળી આવે તો એ નસીબ વગર શક્ય છે? બીજાને નહીં ને તમને જ કેમ આંગળી મળી? ને તમે આંગળી આપતાં પહોંચું પકડો તો આઇસક્રીમવાળો તમારી જ આંગળી મરડે કે એ આંગળી સાથે આખો એક કારીગર હતો, તે ક્યાં છે? તો, લોહીનું પાણી એનું નહીં, તમારું થશે. સમજો કે આ બધી સરપ્રાઈઝ ગિફ્ટ છે. કોઇની થાળીમાંથી સાપ નીકળે કે કોઈને જીવતો કોબ્રા પાર્સલ થાય તે ગમ્મત નથી. એ રિસ્કી છે, પણ સરપ્રાઈઝ છે એ ન ભૂલો. ચોકલેટ સિરપમાં ઉંદર ઉતારવાનું સહેલું નથી. હજારો ફૂટની ઊંચાઈએ ઊડતાં વિમાનમાં તમને ભોજન પીરસાય અને એ મોંમાં મૂકતાં બ્લેડ ચવાવા લાગે તો ઉપરવાળાનો ઉપકાર જ માનવાનો રહે કે બ્લેડ તૂટી, પણ ડાચું અકબંધ રહ્યું. એવી જ રીતે કોલ્ડ ડ્રિંકની બોટલ મોઢે માંડતાં ખબર પડે કે અંદર કાનખજૂરો છે કે માઝાની બોટલમાં મંકોડો હલે છે, તો એનો આનંદ લો કે આટઆટલું વીતવા છતાં સહીસલામત છો. કૈંક તો છે જે બહારનું આટલું ઝાપટવા છતાં ઘરમાં લાવે છે, તમને –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 જુલાઈ 2024