જૂનનું છેલ્લું અઠવાડિયું હજુ હમણે જ પસાર થયું. 25-26 જૂન, 1975થી માર્ચ 1977નો ગાળો આ લખનાર જેવા ઘણાને સારુ આઝાદીની લડાઈ નહીં લડી શક્યાના વસવસા સામે બીજી આઝાદીની લડાઈમાં જોડાઈ શક્યાની આનંદલાગણીનો પણ હશે.
એ દિવસો સાંભરે છે ત્યારે આજે લગભગ પાંચ દાયકાને અંતરે પણ કંઈક રોમહર્ષણ અનુભવાય છે. એ વાસંતી સંઘર્ષ દિવસોની યાદ લઈને આવતા સાહિત્યમાં વળી વળીને અવગાહન કરવાનુંયે મન થઈ આવે છે. છેલ્લાં વર્ષોમાં આ સંદર્ભે આવેલી નવી કિતાબ જ્ઞાનપ્રકાશ કૃત ‘ઈમરજન્સી ક્રોનિકલ્સ’ છે. વાતનો ઉઘાડ કરતાં જ્ઞાનપ્રકાશે જે પાત્રોનો પ્રવેશ કરાવ્યો છે એમાં એક પાત્ર પ્રબીર પુરકાયસ્થનું છે. કટોકટીકાળના કુખ્યાત પોલીસ અફસરો પૈકી એક, ભીંડર, જે.એન.યુ. કેમ્પસ પર ગયા હતા કોઈની શોધમાં અને એને બદલે એક ભળતીસળતી હસ્તી, આપણો પ્રબીર પુરકાયસ્થ, એને ધરાર ઝાલી લાવ્યા … જે ખાનાપૂર્તિ થઈ તે ખરી.
જ્ઞાનપ્રકાશની આ કિતાબ પ્રગટ થઈ તે પછીનો ઘટનાક્રમ પણ દેખીતો રસિક જો કે વસ્તુત: સૂચક ને ચિંતાજનક છે. હમણેના ગાળામાં આઝાદમિજાજ કામગીરી વાસ્તે ઠીક ઉભરેલ ‘ન્યૂસક્લિક’ સાથે સંકળાયેલ પુરકાયસ્થ સંદિગ્ધ આરોપોસર મોદી સરકારની તવાઈનો ભોગ બનેલ છે … પોતે કટોકટી સામે લડ્યાનો ચીપિયો પછાડતાં મોદી ભા.જ.પ. કદી થાકતો નથી, પણ અઘોષિત કટોકટીરાજ એની સ્થાયી ઓળખ બનવા લાગેલ છે.
આ બધું લક્ષમાં આવે ત્યારે આઝાદીની બીજી લડાઈ જેવા પ્રયોગો કવચિત્ ખાલી ખાલી ખખડતાં નહીં તો પણ કંઈક ખોડંગાતા, લથડાતા અનુભવાય છે. અલબત્ત, આ લાગણીનું પર્યવસાન નિરાશામાં નથી થતું. લડાઈ ચાલુ છે, ચાલુ રાખવાની છે એવી સમજમાં એથી નિખાર આવે છે અને સંકલ્પ ઓર સિંચાય પણ છે.
લખતાં લખતાં કટોકટીવાળા કોલામાંથી તારકુંડવાળું પુસ્તક લેવા ઊભો થયો ને સહસા હાથમાં આવ્યું ગૌરકિશોર ઘોષનું – લેટ મી હેવ માઈ સે. શું કરીશું ગુજરાતી એનું? છૂટ લઈને કહું તો મારે કહેવું છે તે મને કહેવા દો. કટોકટી સામે લડી જાણનાર અને જયપ્રકાશના આંદોલનમાં એક સાથે સહભાગી ને સમીક્ષક બેઉ બની રહેનાર વિરલ બૌદ્ધિક ગૌરકિશોરના આ પુસ્તકની પ્રસ્તાવના તારકુંડેએ લખી છે. અને હા, કિસ્સો બિલકુલ ત્રિવેણી તીર્થ શો છે – ગૌરકિશોર ઘોષની કિતાબ, તારકુંડેની પ્રસ્તાવના અને મૂળે ચંદ્રકાન્ત દરુ પર ઘોષ તરફથી ભેટ, સાઈન્ડ કોપી!
કેવાં વ્યક્તિત્વ હતાં આપણી વચ્ચે ત્યારે … જ્યુડિશિયરીમાં ઊંચી પાયરીએ બડકમદારી કરતા હોત એવા તારકુંડે સુપ્રીમ કોર્ટમાં વકાલત કરવાનો રાહ લીધો જેથી જાહેર હિતના, ખાસ તો નાગરિક સ્વાતંત્ર્યના પ્રશ્નો વણસમર્થ્યા ન રહે. દરુ સ્કૂલમાં શિક્ષક. વકીલી ભણતર લીધું ને બંધારણીય પાસામાં એક પ્રતિભા લેખે ઉભર્યા. ગુજરાત કટોકટીમાં સ્વાધીનતાનો ટાપુ બની રહ્યું એ જે.પી. જનતા મોરચાનો વિશેષ હતો – પણ ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ના કેસો દેશ આખામાં સેન્સરશિપ સામે દીપશિખા શા બની રહ્યા તે તો દરુ હોય નહીં ને બને નહીં.
આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે જેવી કટોકટી જાહેર થઈ ને અખબારી સમાચારો અંગે સેન્સરસંહિતા આવી ત્યારે તારકુંડે અને દરુએ મળીને એક નોંધ કરી હતી કે આ મર્યાદામાં રહીને પણ લોકતરફી શું શું પ્રગટ કરી શકાય છે. પણ મોટા ભાગનાં છાપાંએ અડવાણીના યાદગાર શબ્દોમાં ‘વેંત નમવાનું કહ્યું ને તમે ઘૂંટણિયે પડી ગયા’ જેવી ભૂમિકા ત્યારે સ્વીકારી લીધી હતી. છેલ્લા દસકાની ‘અઘોષિત કટોકટી’ વળી એક જુદો જ કિસ્સો છે.
પણ આ દરુ ને તારકુંડે તમે જુઓ. જનતા રાજ્યારોહણ પછી એમણે કોઈ સરકારી દાપાદરમાયાની દરકાર ન કરી. દરુની પ્રતિભા જોતાં હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ જજ લગીનો દોમ દોમ રસ્તો ખુલ્લો હતો. એમણે સામી દરખાસ્તે ના પાડી. મેં એમને કહ્યું કે તમે ત્યાં ચોક્કસ ભૂમિકા ભજવી શક્યા હોત. ‘પણ લોક સારુ અદાલતમાં સીધી લડત આપી ન શકું, એનું શું?’ એમ કહી એમણે હળવેકથી ટમકું મેલ્યું, ‘જજસાહેબ થઈએ તે પછી ઓછા કંઈ રસ્તા વચ્ચે ઊભા રહી દોસ્તો સાથે મકાઈભુટ્ટો ખઈ શકવાના હતા!’
તારકુંડેને આંધ્રનું ગવર્નરું કૂટવાનું સત્તાવાર તેડું આવ્યું. એમણે ન સ્વીકાર્યું ને કહ્યું કે લોકમોઝાર છીએ તે ઠીક છે … અને પછી જુઓ, કવિન્યાય! આંધ્રમાં રાજકીય ગેરરીતિઓ સબબ ઉચ્ચ કક્ષાના તપાસ મિશન પર એ ગયા હતા.
થાય છે, વાતમાંથી વાત નીકળી જ છે તો તારકુંડે વિશે બે શબ્દો વધારે લખું? જોગાનુજોગ, આજે ત્રીજી જુલાઈએ એમનો જન્મદિવસ પણ છે. આપણી વચ્ચે હોત તો એ બરાબર 115ના હોત. મહારાષ્ટ્રમાં સાસવડના અસ્પૃશ્યતા વિરોધી બ્રાહ્મણ પરિવારમાં આખા મુંબઈ ઈલાકામાં (ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, સિંધ) એ મેટ્રિકમાં પહેલા આવેલા. લંડનથી બેરિસ્ટર થઈને આવ્યા પણ સ્વરાજસંગ્રામના સાદે એમને એક પા કૃષિમાં રસ લેતા કર્યા તો બીજી પા કાઁગ્રેસ સમાજવાદી પક્ષમાં સક્રિય બનાવ્યા. એમની વિચારયાત્રા એમને એશિયા-અમેરિકા-યુરોપ-રશિયામાં ક્રાંતિકારી સંધાન થકી સમુત્ક્રાન્ત રોયવિચારમાં (રેડિકલ હ્યુમેનિઝમ કહેતાં મૂળગામી માનવવાદમાં) ખેંચી ગઈ અને સ્વાતંત્ર્ય કોઈ સુખવસ્તુ વિભાવના નથી પણ વ્યક્તિમાત્રના સર્વાંગી વિકાસની શરત છે એવી નીતરી સમજે એ લાંગર્યા. જયપ્રકાશ સાથેના એમના સંધાને એમને એક તબક્કે દેશમાં નાગરિક સ્વાતંત્ર્ય ચળવળની પિતૃપ્રતિમા શી ઓળખ આપી.
આ બધાનું મનોવિશ્વ જોતાં ભા.જ.પ. શાસન પરત્વે એમનો સંઘર્ષભાવ દુર્નિવાર જણાય છે : કાઁગ્રેસ સહિતનો વિપક્ષ આ ધોરણે જાતમાં ઝાંખતો રહેશે તો તે એમના ને દેશના લાભમાં હશે.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 જુલાઈ 2024