૬ સપ્ટેમ્બર, સુરેશ જોષીની પુણ્યતિથિ. સાહિત્યકલા બાબતે સુરેશભાઈના કેટલાક પાયાના વિચારો મારાં મન્તવ્યો સહિત પુન:પ્રકાશિત કરું છું : (મારો મિત્રોને સદાગ્રહ છે કે આ લેખને પ્રેમથી વાંચો અને સમજો. એથી સુરેશ જોષી ઉપરાન્ત સાહિત્યકલાને એના તત્ત્વાર્થમાં સમજવાની પ્રેરણા મળશે, સંચિત સૂઝબૂઝનો વિકાસ થશે.)
સુરેશભાઈને મેં કલામર્મજ્ઞ કહ્યા છે. સાહિત્યકલાના કેટલાક મર્મ મારું માનવું છે કે આપણે ત્યાં એ પહેલાં એટલી સારી રીતે ન્હૉતા ખૂલ્યા. એને હું સુરેશભાઈના સાહિત્યકલાવિષયક પાયાના વિચારો કહું છું.
૧ :
જેમ કે, સાહિત્યને આપણે એક સાંસ્કૃતિક આવિષ્કાર કહેતા આવ્યા છીએ, બ્રૉડ સેન્સમાં એ સાચું છે પણ એથી કરીને સાહિત્યકલાની પોતાની વિશેષતા પર કશો પ્રકાશ નથી પડતો. આપણામાંના ઘણા સાહિત્યકારો અને અધ્યાપકો પણ ઍબરક્રૉમ્બી વગેરેના સાથમાં એમ જ કહેતા હતા કે સાહિત્ય જીવનનું પ્રતિબિમ્બ છે, રીફ્લૅક્શન છે, રીપ્રેઝન્ટેશન છે.
પણ એથી કરીને, જીવનની બિલકુલ જ નજીક રહીને લખવાનું ચાલ્યા કરેલું – ઇટ વૉઝ અ શૉર્ટ ઑફ કૉપિઇન્ગ, અ કાઇન્ડ ઑફ ટ્રાન્સલેશન ઑર રીપોર્તાજ.
સુરેશભાઈએ જ્યારે form-નો આગ્રહ આગળ કર્યો ત્યારે સાહિત્યકલા રૂપાન્તરણ છે, ટ્રાન્સફર્મેશન છે, એ હકીકત પર પ્રકાશ પડ્યો. સમજાયું કે જીવન તો સામગ્રી છે. એ પર કામ કરીને એને નવ્ય રૂપ આપવું એ કવિકર્મ છે. એમને માત્રરૂપવાદી કે આકારવાદી ગણનારાઓ આ મર્મને ન્હૉતા પામી શક્યા. (હજી પણ કેટલાકો નથી જ પામી શકતા.)
૨ :
ત્યારે બધું સાહિત્ય છેલ્લે તો, મનગમતા અને સરળતમ માનવતાવાદમાં ઠરતું હતું. સ્થિતસ્ય સમર્થનમ્. (આજે પણ બહુશ: એવું જ લખાય છે.) સાહિત્યકારનો ‘ના’ પાડનારી વ્યક્તિ તરીકેનો જે બેઝિક અને પ્રાઇમ રોલ છે એ પરથી ધ્યાન ઊઠી ગયેલું.
સુરેશભાઈની સાત્ત્વિક વિદ્રોહશીલ પ્રકૃતિ ખરી પણ એનાં મૂળ આમ સાહિત્યકારના જીવનકર્તવ્યમાં રોપાયેલાં છે. એ સંદર્ભમાં મને ગોવર્ધનરામે “સાક્ષરજીવન”-માં સાક્ષરનાં ધ્યેય વર્ણવ્યાં છે એની સહજ યાદ આવી જાય છે.
૩ :
એટલે, મારો પ્રશ્ન છે કે સાહિત્યકાર ઇતિ સિદ્ધમ્ કરીને બેસી જાય, ઇનામ-અવૉર્ડ મળ્યા પછી જીવનધ્યેય પાર પડી ગયું, એવો સંતોષ ધારણ કરે, એ શી રીતે ચાલી શકે? એથી આપણે ત્યાં એની એક મૂઠી-ઊંચેરા સારસ્વત તરીકેની છબિ ઊભી થાય છે. એ ‘ના’ પાડનારો નથી રહેતો, સંસ્કૃતિનો રખેવાળ ભાસે છે.
એથી એક બહુ જ વરવા સ્વરૂપની ઉચ્ચાવચતા – હાયરાર્કી – સૅટ થાય છે. એથી પ્રજા ડઘાઈ જાય છે અને વિભૂતિપૂજામાં સરી પડે છે. એથી પ્રજામાનસનો સાહિત્યપદાર્થ સાથે સમ્યક સમ્બન્ધ નથી રચાતો.
એક બીજું પરિણામ એ કે સ્થિતસ્ય સમર્થન થાય છે. સમાજ અને સંસ્કૃતિમાં સ્થિર થયેલાં મૂલ્યોની તપાસ નથી થતી.
એટલે તો એમણે પોતાના કથાસાહિત્યને મોટે ભાગે સમાજનિરપેક્ષ રાખ્યું છે,
એ-સોશ્યલ. એમનાં પાત્રો સ્ત્રી-પુરષ કે નર-નારી હોય છે, માનવીય અસ્તિત્વ રૂપે હોય છે. હું વિવરણ અને સમજૂતીઓ નહીં કરું, તમે સૌ મિત્રો સુજ્ઞ છો.
૪ :
આમ સાહિત્યકારનો ધર્મ એ છે કે એણે ઈનામ-અવૉર્ડ જેવી કહેવાતી સફળતાઓથી બચવું. સુરેશભાઈએ એ રીતે ઠરીઠામ થઇ જનારાની સફળતા માટે સાર્ત્રના શબ્દો વાપર્યા છે. એમ કે એ ‘ઍબ્સ્યૉલિટ ફેઇલ્યૉર ઑફ સક્સેસ’ છે!
બાબુએ, બાબુ સુથારે, સુ.જો.સા.ફો.-આયોજિત જન્મશતાબ્દીઉત્સવના ‘આત્મનેપદી’ ઍપિસોડમાં આ મુદ્દે બહુ વિસ્તારથી વાત કરેલી.
સુરેશભાઈનું તાત્પર્ય એ છે કે સંતોષ ધારણ કરીને સ્થગિત થઇ જવું ઠીક નથી, સાત્ત્વિક અસંતોષ ધારણ કરીને પ્રવહમાણ રહેવું જરૂરી છે. સુરેશભાઈના શબ્દો છે કે પોતે બધું સમતોલ કરવામાં નથી માનતા.
કેમ કે, એવું સંતુલન તો કૉમ્પ્લેસન્સિમાં – આત્મરતિમાં – પરિણમે અને આપણે એમ વિચારતા થઈ જઈએ કે ચાલો, હવે કશું ડામાડોળ નથી …, પણ, ડામાડોળ તો હોવું જોઈએ.
એમણે દાખલા ટાંક્યા છે કે,
— તે જમાનામાં પણ બ.ક.ઠા. અને ખબરદાર વગેરે સમકાલીન હોવાછતાં એકબીજાંના દૃષ્ટિબિન્દુઓની કડકમાં કડક ટીકા કરતા હતા.
— નાનાલાલને બ.ક.ઠા.એ સ્વીકાર્યા નથી અને પ્રેમાનંદનું રેપ્યુટેશન પણ એમણે ચૅલેન્જ કરેલું જ છે.
— રમણભાઈએ (નીલકંઠે) ગોવર્ધનરામની નવલકથાને ‘નવલકથા’ કહી નથી. પણ આ બધું બહાર નથી આવતું, વિષ્ણુપ્રસાદની પ્રશંસા બહાર આવે છે.
બાબુ સુથારે એ ચર્ચા પરથી સુરેશભાઈમાં ‘શોધ’ કેવી રીતે સૅટ થઇ છે એના પણ ઇશારા આપેલા.
સુરેશભાઈનો પ્રશ્ન જ એ છે કે આપણો સર્જક કશી શોધમાં વ્યસ્ત હોય છે ખરો …
શોધને હું સર્જન અને જીવન બન્નેને ઉપકારક એવા ક્રીએટિવ વૉલિશનની, સર્જકસંકલ્પની, શોધ ગણું છું. કશા એવા આકર્ષક લિટરરી ઇડિયમની શોધ ગણું છું.
જેમ કે, સર્રીયાલિસ્ટ પેઇન્ટિન્ગ; જેમ કે, ઍબ્સર્ડ થીએટર.
તેમ જ એને હું કશા આવકાર્ય દૃષ્ટાન્તની – ઍપિટોમની – પણ શોધ ગણું છું.
જેમ કે, રવીન્દ્રસંગીત. સંગીતકાર અનુસરણ કરી શકે. જેમ કે, માઇકલ જૅક્શન-પ્રણિત બ્રેક ડાન્સ. નૃત્યકાર અનુસરણ કરી શકે.
એટલું જ નહીં, એવાં દૃષ્ટાન્તો ક્રમે ક્રમે પ્રજાજીવનમાં ઑગળી જાય છે. લોક-સાહિત્યોનાં મૂળ એમાં જોવા મળે.
તમે જુઓ, “જનાન્તિકે” -ની નિબન્ધકલાએ એ કાળે આપણા નિબન્ધકારને સર્જક નિબન્ધનું ઘૅલું લગાડેલું, એટલે લગી કે કેટલાક દાખલાઓમાં ‘નિ’ એટલે કે વિચાર જ ભૂલાઇ ગયેલો!
—”જનાન્તિકે”-ને હું એમના તરફથી મળેલું એવું એક ઇડિયમ કે ઍપિટોમ ગણું છું – એક ઍક્ઝામ્પલ.
— “સરસ્વતીચન્દ્ર”-માં આકારનો પ્રશ્ન છેડીને, મારું મન્તવ્ય છે કે એમણે એ દાખલો બેસાડ્યો છે કે લૂઝ પ્રકાર ગણાઈ ગયેલી નવલકથામાં પણ આકારની ખેવના કરવી જ જોઈશે.
— મારું માનવું છે કે સાહિત્ય એના વિવેચકોથી નથી જીવતું, ઘણી વાર તો એ લોકો જ એના હત્યારા હોય છે. સાહિત્યને જીવતું રાખે છે, આસ્વાદકો. ઘણી વાર તો ગાંઠનું ગોપીચન્દન કરીને પણ તેઓ કૃતિના આત્માને ખોલી આપે છે. એમનું ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ એવું જ એક દૃષ્ટાન્ત છે.
— મેં થીસિસમાં એમની પૂરક પ્રવૃત્તિઓ પર એક અલગ પ્રકરણ કર્યું છે. એમાં સાહિત્યિક પત્રકારત્વ અને એમની અનુવાદ-પ્રવૃત્તિનું વિવરણ છે. “વિદેશિની” અને “પરકીયા”-નાં દૃષ્ટાન્તે, મને એમ પણ લાગે છે કે એમણે એમ પણ સૂચવ્યું છે કે કૃતિનું ‘સઘન વાચન’ અનુવાદ કરીએ ત્યારે જ થતું હોય છે. પોતાની ભાષાની મર્યાદાઓ અને ખૂબીઓની પણ ત્યારે જ ખબર પડે છે.
૫ :
આ શોધ-તત્ત્વ સુરેશભાઇમાં ‘પ્રક્રિયા’ રૂપે ઠર્યું છે. કેમ કે મારું મન્તવ્ય છે કે શોધમાત્ર માણસને પ્રક્રિયામાં દોરી જાય. પ્રક્રિયા માણસને ઠરવા ન દે. અનેક વસ્તુઓ સૂઝે, છેડા ન મળે. અન્તિમો – ઍક્સ્ટ્રીમ્સ – સતાવે. અન્તિમોથી તણાવ સરજાય, અન્તિમોને ઑગાળીને એનો પિણ્ડ બાંધવાનું કામ મુશ્કેલ બની રહે. પ્રક્રિયા સર્જકને એવા વિરોધાભાસ સૂઝાડે ને સત્યો વિરોધાભાસમાં દેખાય.
મેં થીસિસમાં આ ‘પૅરેડોક્સિકલ ટ્રુથ’-નો ક્યાંક નિર્દેશ કર્યાનું મને યાદ આવે છે. સુરેશભાઈની સૃષ્ટિની હું એને એક પાયાની સંરચના ગણું છું, બૅઝિક પૅટર્ન પણ કહી શકાય. એમની જાણ બહાર કેવા કેવા પૅરેડૉક્સ રચાયા છે, જુઓ,
— પ્રેમ અને મૃત્યુ અન્તિમો છે. “છિન્નપત્ર” પ્રેમની કથા છે, “મરણોત્તર” મૃત્યુની.
— આપણે આનન્દવર્ધન આદિ કાવ્યશાસ્ત્રીઓએ કરેલી કાવ્યમીમાંસાનો અર્ક સમજીને બેઠા’તા, પણ એમાં સુઝાન લૅન્ગર કે વાલેરી ઉમેરાય છે.
— ઍમ.એ.-માં અમારે “ક્રાઇમ ઍન્ડ પનિશમૅન્ટ” ભણવાનું હતું. અંગ્રેજી અનુવાદમાં, મોટું થોથું. ત્યારે મંજુલાલ મજમુદારની દીકરી શ્રદ્ધા અમારી સાથે ભણતી’તી. એણે મારી સાથે એમ રાખેલું કે એણે હંસા મહેતા લાઈબ્રેરીમાંથી ચૉપડીઓ લઈ આવવાની અને બદલામાં મારે એને મારી નોટ્સ આપવાની. પણ ‘ક્રાઇમ૦’ માટે મારી હિમ્મત મને ના પાડતી’તી.
મેં સુરેશભાઈ આગળ ફરિયાદ કરેલી – આવાં ભારે ભારે પુસ્તકો શું કામ મુકાય છે, તો કહે – ભારે છે એટલે જ મુકાય છે. એમણે એમ પણ કહેલું કે આમાં, ‘ક્રાઇમ’ અને ‘પનિશમૅન્ટ’-ના ચીલાચાલુ અર્થસંકેતો જ બદલાઈ ગયા છે. અને, પછીના જ ‘ક્ષિતિજ’-માં એમણે “ક્રાઇમ૦” પરનો પોતાનો સુન્દર લેખ પ્રકાશિત કરેલો. ગુરુ પાસેથી અમને મદદ મળી ગયેલી.
— મેં કહ્યું એમ મેધાવી ચિન્તક છે પણ સમગ્ર સર્જનમાં કલ્પનનિષ્ઠ છે.
— પ્રિય સાહિત્યકારો : રવીન્દ્રનાથ છે તો બૉદ્લેર પણ છે.
— વ્યાખ્યાનોની રૅન્જ જુઓ : ઍડમણ્ડ ઝાબે અને કર્ણ.
— કથાસાહિત્યમાં સામાન્યપણે ટૅમ્પોરલ નેરેટિવ હોય એમણે સ્પાસિયલ દાખલ કર્યું. દાખલો છે – ટૂંકીવાર્તામાં જક્સ્ટાપોઝિશનનો. સામાન્યપણે હિસ્ટરી હોય તેની સ્ટોરી થાય. એમણે “કથાચક્ર”-માં ભૂતકાળ અને વર્તમાનને સાથે સાથે ચલાવ્યા છે.
— ‘બે સૂરજમુખી’ ‘અને મરણ’ તથા ‘પદ્મા તને’ ટૂંકીવાર્તાઓમાં ફૅન્ટસીતત્ત્વ છે. તો ‘કપોલકલ્પિત’ અને ’રાક્ષસ’-માં પરીકથામાં હોય એ અદ્ભુત રસ છે.
— છેલ્લાં વર્ષોમાં, ફીનૉમિનોલૉજી તરફ વળ્યા એ અધૂરી યાત્રા ફૉર્માલિઝમ પછીની દિશા હતી.
++
સાહિત્યના ઇતિહાસને વિશેની એમની દૃષ્ટિ જુદી હતી. એ એમ માનતા કે સાહિત્યસ્વરૂપોના વિકાસને આધારે ઇતિહાસ લખાવા જોઈએ. હું કહું, જેમ કે, સર્જકતા જ્યારે, દાખલા તરીકે, ટૂંકીવાર્તા સાથે પાનું પાડે છે, ત્યારે ટૂંકીવાર્તા પ્રકાર તરીકે વિકસે છે.
++
ત્યારે ઉજો-સુજો જોડી બનાવાયેલી એમ નિરંજન-સુરેશ પણ બનાવાયેલી. આ બધું સુથારીકામ વધારે તો અમદાવાદમાં જ થયેલું. એક પ્રશસ્ત અમદાવાદી કવિ કહેતા – તમારી પાસે સુરેશ જોષી છે, તો અમારી પાસે નિરંજન છે.
મને એ સમયે પ્રબોધે (પરીખ) સરસ વાત કરી હતી : સુરેશ જોષી, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત, એ ત્રણેયને રવીન્દ્રનાથ ગમે અને એ દરેક પોતપોતાની રીતે અનુવાદ કે વ્યાખ્યાન કરે. પ્રબોધ કહે, એથી ગુજરાતને પોતાના રવીન્દ્રનાથ મળ્યા છે.
મને વળીને અહીં પેલું શોધ-તત્ત્વ યાદ આવે છે. રવીન્દ્રનાથ તો બરાબર પણ આપણા એ ત્રણેય સાહિત્યકારો કલાપદાર્થ શોધતા’તા ને ગુજરાતને તેનો પરિચય આપવા ચાહતા’તા. જયદેવના “ગીતગોવિન્દ”-નો અનુવાદ કરનાર રાજેન્દ્રભાઈ શું કરવા “ડિવાઇન કૉમેડી” -નો અનુવાદ કરે?
મારે સૂચવવું છે એમ કે પશ્ચિમનું કહો કે વિશ્વનું સાહિત્ય કહો, એનું એક ગુજરાતી થાણું સુરેશભાઈએ ઊભું કર્યું. ‘ઘરદીવડા શા ખોટા’ જેવા સીમિત ખયાલોથી મુક્ત થવા સૂચવ્યું અને વિશ્વસાહિત્યની ક્ષિતિજો બતાવી.
= = =
(6 Sep 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર