દમાદમ મસ્ત કલંદર : સૂફી ધમાલ પર સલાફીની સનક
ગુજરાતમાં ‘ધમાલ’નો અર્થ મારામારી થાય છે. મસ્તીમાં પણ ધમાલ શબ્દ તો છે જ, પરંતુ વર્ષોથી આપણે કોમી દંગલ થાય તેના માટે ધમાલ શબ્દ વાપરીએ છીએ. ધમાલના મૂળ અર્થમાં લડાઇ કે ખૂના-મરકી નથી, અને છતાં ય આ શબ્દ હંગામા કે હુલ્લડ સાથે જોડાઇ ગયો છે તેની પાછળ ભાષાની વિકૃતિ નથી, પણ વિસંગતિ છે. સુસંગત અર્થમાં ધમાલ શબ્દ સંસ્કૃત ‘ધમ’ ધાતુ પરથી આવે છે, જેનો અર્થ થાય છે ભડકવું, જોરથી ફૂંક મારવી, બવંડર, ઘુમાવ, ચક્કર કે ભમરિયું. ધમાચકડી, ધૂમધામ અને ધમાધમ શબ્દો પણ ‘ધમ’ ધાતુ પરથી આવે છે.
શિવપુત્ર કાર્તિકેયના એક અનુચર ગણનું નામ ‘ધમધમ’ અને માતાનું નામ ‘ધમધમા’ છે. બંનેની ઉત્પત્તિ પાર્વતીના ક્રોધથી થઈ છે. ક્રોધમાં ઊર્જા અને બળનો ભાવ છે. ભૌતિક વિજ્ઞાનમાં ઊર્જાનું સ્વરૂપ ઘુમાવદાર છે. ધમાલ-મસ્તીમાં મસ્તીનો અર્થ બેસૂધ થઈને, ઝૂમતાં-ઝૂમતાં નાચવું તે છે. તન અને મનની ઊર્જા જ્યારે અગનજ્વાળાની જેમ ચક્કરદાર થઈને ‘નૃત્ય’ કરે ત્યારે એને ‘ધમાલ’ કહે છે. એ અર્થમાં ધમાલ શબ્દમાં ગહેરા ભાવાવેશનો ભાવ છે. ધમાલનો નિકટતમ પર્યાયવાચી શબ્દ આવેશ, ઉન્માદ કે સનક છે.
ગત 16મી તારીખે પાકિસ્તાનના સિંધ પ્રદેશના સહેવાન કસબા સ્થિત સૂફી સંત લાલ શાહબાજ કલંદરની દરગાહમાં સૂફી ધમાલ ચાલતી હતી ત્યારે જ ઇસ્લામિક સ્ટેટના આતંકીએ આત્મઘાતી હુમલો કર્યો અને એ ‘ધમાલ’માં 70થી અધિક જીવ ગયા, 150થી અધિક જખ્મી થયા. આ એ જ સૂફી સંતની દરગાહ છે, જેના સન્માનમાં અમીર ખુસરોએ (1253-1325) ‘ઓ લાલ મેરી પત્ત રખીયો બલા ઝુલે લાલણ, સિન્ધડી દા, સેવન દા સખી શાહબાજ કલંદર, દમાદમ મસ્ત કલંદર, અલી દમ-દમ દે અંદર’ ગીત લખ્યું હતું, જે ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનમાં આજે પણ એટલું જ લોકપ્રિય છે.
પાકિસ્તાનમાં છેલ્લા એક દાયકામાં સૂફી દરગાહો અને લીડરો ઉપરના હુમલાઓ પૈકી આ હુમલો સૌથી મોટો હતો. પાકિસ્તાને 2009થી ઇસ્લામની અતિવાદી સોચનો પ્રતિકાર કરવા સૂફી પરંપરાની સંયમિત સોચનો પ્રચાર શરૂ કર્યો છે, અને ત્યારથી લઇને પંજાબમાં બાબા ફરીદની દરગાહ અને સખી સરવારની દરગાહ, લાહોરની દાતા દરબારની દરગાહ અને બલૂચિસ્તાનમાં શેખ તાકી બાબાની દરગાહ આતંકી ‘ધમાલ’નો ભોગ બની ચૂકી છે. 2014માં ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના ડેરા ઇસ્માઇલ ખાન પ્રાંતના સૂફી નેતા ફકીર જમશેદની બૉમ્બ ફોડીને હત્યા કરવામાં આવી હતી.
ભારતમાં (અને વિશ્વમાં) બહુ બધા લોકોને પાકિસ્તાનમાં ધાર્મિક અને ભક્તિનાં સ્થળો પર થતા આતંકી હુમલા સમજમાં આવતા નથી. હકીકતમાં છેલ્લા એક દસકાથી પૂરા વિશ્વમાં ઇસ્લામમાં ગુમનામીનું સંકટ ગહેરાયું છે. જેને આઝાદ જીવનશૈલી કહે છે, તેવી પશ્ચિમની સભ્યતાની અસર પૂરા સંસારમાં એટલી પ્રબળ અને પ્રલોભક છે કે ઇસ્લામિક સમાજને પોતાની પહેચાન ભૂંસાઇ જવાની બીક ઘર કરી ગઇ છે, અને એટલે જ અફઘાનિસ્તાનમાં અલ કાયદા, પાકિસ્તાનમાં તાલિબાન, સોમાલિયામાં અલ શબાબ, નાઇજિરિયામાં બોકો હરમ અને ઇરાક-સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ જેવાં અતિવાદી જૂથોએ પશ્ચિમી દેશો જ નહીં, ઇસ્લામિક દેશોની અંદર પશ્ચિમી સભ્યતાનાં પ્રતીક જેવા વિચારો, પરંપરાને પણ ખતમ કરવાનું શરૂ કર્યું છે. સૂફી આવું જ એક પ્રતીક છે.
મુસ્લિમ રૂઢિવાદીઓ સૂફી મુસ્લિમ ભક્તોને બિન-ઇસ્લામિક ગણે છે, કારણ કે સૂફી પરંપરામાં સંતોની વ્યક્તિપૂજા થાય છે, અને નૃત્ય-સંગીત (જેમાંથી ધમાલ એક પ્રકાર છે) કરવામાં આવે છે.
ભારતીય ઉપમહાદ્વીપમાં સૂફી પરંપરાના કરોડો અનુયાયીઓ છે. પાકિસ્તાનમાં એની તાદાદ અતિવાદી તાલિબાની મુસ્લિમો કરતાં પણ વધુ છે. 1970 સુધી પાકિસ્તાની સમાજ અને રાજનીતિમાં સૂફી (જેને સાદી ભાષામાં સુન્ની પણ ગણાય છે) વર્ગનો દબદબો હતો, પરંતુ પાકિસ્તાનીઓ ધંધા-રોજગાર માટે મધ્ય-પૂર્વમાં ગયા અને ત્યાંથી સલાફી ઇસ્લામ(એટલે કે વિશુદ્ધ, અસલ અને અધિપતિ ઇસ્લામ)નો ખયાલ લઇને આવ્યા.
પાકિસ્તાને કટ્ટર અને રૂઢિવાદી ઇસ્લામમાં પોતાનો ચહેરો જોયો, તેનું કારણ એ પણ ખરું કે પાકિસ્તાનનો જન્મ જ ‘હિન્દુ ભારત’ના વિરોધમાં થયો હતો. સૂફી પરંપરાનો એક મોટો ઇતિહાસ ભારતમાં પણ છે, એ પાકિસ્તાનની નવી પેઢીને કઠે તે સ્વાભાવિક છે. ઇન ફેક્ટ, સૂફીવાદ ઉપર હિન્દુવાદની વ્યાપક અસર છે, એવું બહુમતી કટ્ટર મુસ્લિમો માને છે. જેવી રીતે મધ્યકાલીન ભારતમાં હિન્દુ ભક્તિ પરંપરા શરૂ થઈ હતી, તેવી જ રીતે મુસલમાનોમાં પ્રેમ-ભક્તિના આધાર પર સૂફીવાદનો ઉદય થયો હતો. સૂફીના અર્થને લઇને મતમતાંતર છે. કેટલાક વિદ્વાનો કહે છે કે સૂફી શબ્દ સફામાંથી આવે છે, જેનો અર્થ પવિત્ર એવો થાય છે.
કેટલાક અભ્યાસુઓ કહે છે સૂફી શબ્દની ઉત્પત્તિ ગ્રીક સોફિયાથી થઈ છે, જેનો અર્થ જ્ઞાન થાય છે. દાખલા તરીકે અંગ્રેજી ફિલોસોફી એટલે જ્ઞાન(સોફી)નો પ્રેમ (ફિલો). એ સમયના (અને આજે પણ) પ્રસિદ્ધ સૂફી સંતોમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી (અજમેર), ખ્વાજા કુતબુદ્દીન (દિલ્હી), સંત ફરીદ (દિલ્હી) અને નિજામુદ્દીન ઓલિયા (દિલ્હી) પ્રમુખ છે. આ પરંપરાના જાણીતા કવિ-ચિંતકોમાં રુમી, બુલ્લેશાહ, અમીર ખુશરો, ઓમર ખૈયામ અને કબીરનો સમાવેશ થાય છે.
સૂફી પરંપરામાં જે ધમાલ નૃત્ય અથવા દરવેશ નૃત્ય કહે છે, તેની શરૂઆત 13મી સદીના પર્શિયન કવિ રુમીએ શરૂ કરી હતી. જમણો હાથ આકાશ તરફ અને ડાબો હાથ પૃથ્વી તરફ રાખીને ગોળ-ગોળ ઘુમવાની પાછળ અહમનો ત્યાગ કરીને ઈશ્વરમાં લીન થઈ જવાનો ભાવ છે. ધમાલ આવું જ તંદ્રા-નૃત્ય છે, અને સેહવાન શરીફની લાલ શાહબાજ દરગાહ ઉપર એ રોજ સાંજે પેશ કરવામાં આવે છે. આ લાલ શાહબાજ કલંદર રુમીના જ સમકાલીન હતા, અને પશ્તો, ફારસી, તુર્કીશ, અરબી, સિંધી અને સંસ્કૃત ભાષાના જાણકાર હતા.
અમીર ખુશરોએ કલંદરની ભક્તિમાં જે કવિતા (કવ્વાલી) લખી હતી, એ સૂફી ધમાલનું સર્વોત્તમ સ્વરૂપ છે. દમા દમ મસ્ત કલંદર જેને નૂરજહાં, નુસરત ફતેહ અલી ખાન, આબિદા પરવીન, સાબરી બંધુ, રેશ્મા, રુના લૈલા અને જુનૂન જેવાં ગાયકોનો સ્વર મળ્યો છે. એ ગાતી વખતે માણસ સૂધ-બૂધ (અહમ્) ગુમાવી દે છે, અને પરમ તત્ત્વ સાથે મિલનનો અહેસાસ કરે છે. એ એક એવી ધમાલ છે, જેમાં માણસ બૃહમાંડીય ઊર્જા-નાચમાં વિલીન થઇ જાય છે. એ ભક્ત અને ભગવાનનું બુનિયાદી મિલન છે. જેમ બ્રહ્માંડની ઊર્જા ક્યારે ય અટકતી નથી તેમ કલંદરની દરગાહ પર પણ આ ધમાલ અટકતી નથી.
16મી તારીખે આત્મઘાતી બોમ્બરે લોહી રેડ્યું તે પછી બીજા જ દિવસથી ત્યાં ધમાલ પાછી ચાલુ થઈ ગઈ. આ અવિરત ધમાલ જ ધર્મની સમન્વયતા સાબિત કરે છે, પછી ચાહે એ શિવજીનું તાંડવ નૃત્ય હોય કે પછી સૂફી દરવેશનું રક્સે-ધમાર હોય. ઇસ્લામિક સ્ટેટનો એ હુમલો દરગાહ પર ન હતો, પરંતુ એક એવી દુનિયાદારી પર હતો જે માનવતાને ટુકડાઓમાં, વર્ગમાં વહેંચતી નથી. પાકિસ્તાનમાં આ સર્વગ્રાહી સૂફી દુનિયાદારી સલાફીના એકાંતિક હઠાગ્રહથી ભયમાં આવી પડી છે એ હકીકત આપણને એ સૂફી દુનિયાદારીને બચાવવા માટે ખબરદાર કરે છે, અને પેલા કલંદર ગીતમાં અમીર ખુશરોએ લખ્યું હતું તેમ, ‘ઓ પીર, પૂરે હિન્દુસ્તાન ઔર સિંધ મેં તેરી મહાનતા ગુંજે, સાથ મેં તેરી મજાર કે બડે બડે ઘંટે કી આવાજ ફૈલે … દમાદમ મસ્ત કલંદર.’
સૌજન્ય : “બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્નડે ભાસ્કર”, 26 ફેબ્રુઆરી 2017