(મારા મિત્રના સૌજન્યથી એમણે મોકલેલ આ વાર્તા વાચકો સમક્ષ પ્રસ્તુત છે)
ઉત્તમ આચાર્ય અને મગધના મહામંત્રી વિષ્ણુગુપ્ત ચાણક્યે મગધના રાજપુત્ર ચંદ્રગુપ્ત મૌર્યના નેતૃત્વમાં રાષ્ટ્રભક્તિનું અભિયાન આદર્યું. વિદ્યાર્થીઓ અને જનસમાજને દેશ પરના ભય અંગે જાગૃત કર્યા. સર્વત્ર દેશભક્તિ જગાડીને મગધના વિસ્તૃત બળવાન રાજ્યનું નિર્માણ કર્યું.
એકવાર મગધમાં કડકડતી ઠંડી પડી અને પ્રજાજનો આ કારમી ઠંડીમાં પૂરતા રક્ષણના અભાવે મૃત્યુ પામવા લાગ્યા, આથી પ્રજાવત્સલ રાજા ચંદ્રગુપ્ત અતિ વ્યથિત બની ગયા. આ સમયે મહામંત્રી ચાણક્યએ સમગ્ર રાજ્યમાં ઘોષણા કરી કે રાજ્યની પ્રત્યેક સંપન્ન વ્યક્તિ એક એક ધાબળો આપી જાય, જે કારમી ઠંડીથી થરથરતા નિર્ધન લોકોને આપવામાં આવશે.
મગધના પ્રજાજનોએ આ ઘોષણા સાંભળી અને રાજ્યની પ્રત્યેક સુખી વ્યક્તિ ધાબળો આપવા લાગી. મહામંત્રી ચાણક્યના ઘર આગળ ધાબળાઓનો ઢગલો થઇ ગયો. આવે સમયે એક ચોરને ધાબળા ચોરવાની ઈચ્છા જાગી અને તેથી એ લપાતો છુપાતો અકિંચનની જેમ રહેતા મહામંત્રી ચાણક્યની ઝૂંપડીએ પહોંચ્યો. એણે ઝૂંપડીમાં નજર કરી તો ખ્યાલ આવ્યો કે મહામંત્રી ચાણક્ય કડકડતી ઠંડીમાં ફાટેલો ધાબળો ઓઢીને ધ્રુજતા બેઠા હતા. બરાબર એ સમયે મહામંત્રી ચાણક્યની મુલાકાતે એક વિદેશી રાજદૂત આવ્યો. એને પારાવાર આશ્ચર્ય થયું કે બહાર ધાબળાઓનો ઢગ ખડકાયો છે, કેટલા ય સરસ મજાના ધાબળાઓ છે, છતાં ય ઠંડી સામે વિશેષ રક્ષણ આપે નહીં તેવો ધાબળો ઓઢીને મહામંત્રી શા માટે ટાઢે ધ્રુજતા બેઠા છે? આ અંગે રાજદૂતે જિજ્ઞાસા પ્રગટ કરી તો મહામંત્રીએ હસતાં હસતાં કહ્યું, “મહાશય, તમે જે ધાબળાની વાત કરો છો તે તો પ્રજાના ધાબળા છે. એના પર માત્ર પ્રજાનો અધિકાર છે. એનો ઉપયોગ તેઓ જ કરી શકે. અન્ય કોઈ નહીં.”
મહામંત્રી ચાણક્યનો આ ઉત્તર સાંભળીને વિદેશી રાજદૂતને પારાવાર આશ્ચર્ય થયું અને ઝૂંપડી પાસે છુપાઈને આ વાર્તાલાપ સાંભળતો ચોર આશ્ચર્યચકિત થયો. એ મનોમન વિચારવા લાગ્યો કે પોતે કેવો ચોર કે જે ગરીબો માટેના ધાબળા ચોરવાનો વિચાર કરે છે અને બીજી બાજુ આ મહામંત્રી, કે જે ગરીબ પ્રજા માટે સ્વયં આટલું બધું કષ્ટ ઉઠાવે છે!
ચોર મહા આમાત્ય ચાણક્ય પાસે આવ્યો અને એમની ક્ષમા માગી. એમના પ્રજાપ્રેમને વંદન કરીને એણે ચોરી નહીં કરવાનો સંકલ્પ કર્યો.
આ વાર્તા ચાણક્ય જેવા રાજનીતિમાં પારંગત એવા ઉચ્ચપદાધિકારી કેવા પ્રજાવત્સલ હતા તેની પ્રતીતિ કરાવે છે. તે ઉપરાંત આ કહાની બીજી અનેક બાબતો તરફ આપણું ધ્યાન આકર્ષિત કરી જાય છે. નોંધનીય વાત એ છે કે તે સમયે દેશભક્તિને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓ અને જનસમાજને દેશ પરના ભય અંગે જાગૃત કરવાનું ઉચિત મનાયેલું. આજની માફક કેટલાક નારાઓ બોલવા કે અન્ય કોમની હકાલપટ્ટી કરવાની હિલચાલ કરવી અથવા શહેરના માર્ગો, રેલવે સ્ટેશનો કે વિમાન મથકોના પુન: નામાભિકરણ કરવાથી દેશાભિમાન સાબિત થાય તેવું નહોતું મનાતું.
રાજા ચંદ્રગુપ્ત તેની પ્રજાના સુખ-દુઃખથી પૂરતા વાકેફ રહેતા હોવા જોઈએ એટલું જ નહીં પણ કુદરતી સંયોગોને કારણે લોકોને વેઠવી પડતી આપત્તિથી પોતે વ્યથિત થાય એવા સંવેદનશીલ પણ હતા. આજના યુગમાં કયા દેશનો વહીવટી વડો પોતાના નાગરિકો વિષે આવી બાબતોથી માહિતગાર હોય છે? અને જો તેમને આવી ગતિવિધિઓની બાતમી આપવામાં આવે તો દેશના આપત્કાલિન ભંડોળમાંથી અમુક રકમ ફાળવી દેવાનો હુકમ અપાય અને જાહેર સમાચાર માધ્યમોના રસાલા સાથે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ મેળવે એ સર્વ સામાન્ય શિરસ્તો છે. જોવાનું એ છે કે પ્રજાને પડતાં કષ્ટની વ્યથા રાજાને થાય છે અને તેનો ઉકેલ તેના મહામંત્રી શોધે છે. બંને રાજકર્તાઓમાં કેવું સામંજસ્ય હશે?
હજુ એક વધુ આનંદ પમાડે તેવી હરકત પ્રજાજનોએ કરી અને તે છે, પ્રત્યેક સુખી વ્યક્તિ સ્વેચ્છાએ ઘર દીઠ એક એક ધાબળાનું દાન આપી ગઈ. ભારતમાં ધનિકો આવી હાકલ પડે તો શું કરે છે તે જાણીએ છીએ. હા, અલબત્ત કુદરતી આફત વેળાએ સ્વૈચ્છીક સામાજિક સંગઠનો પુષ્કળ દાન એકઠું કરી શકે છે, પરંતુ એ તમામ જરૂરિયાતની વસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને પહોંચે જ છે તેવું ખાતરીપૂર્વક કહી શકાય તેમ છે? પેલા ચોરની માફક કેટલાક લોકો એકાદ બે ધાબળા ચોરી લે અને સરવાળે કઠિન પરિસ્થિતિનો ભોગ બનેલાઓ મદદ મળશે તેની રાહ જોયા જ કરે એવું ક્યાં નથી બનતું?
ચાણક્યની પ્રમાણિકતા કેવી? પોતે ફાટેલો ધાબળો ઓઢીને થર થર કાંપતા રહ્યા, પરંતુ ધનિક લોકો પાસેથી લીધેલ દાન પર માત્ર અને માત્ર પ્રજાનો જ અધિકાર છે એ નીતિને દ્રઢતાથી વળગી રહ્યા. તેમણે ન તો પોતે અપાયેલ દાનનો સ્વ અર્થે ઉપયોગ કર્યો, ન તો પોતાના કુટુંબ કે અન્ય અધિકારીઓને તેમાંથી લાભ અપાવ્યો. આજે આવા પ્રામાણિક નિ:સ્વાર્થી અને નીતિવાન સરકારી અધિકારીઓ હોય તો કોઈને કશી ફરિયાદ કરવા પણું રહે જ નહીં.
હવે જોવાનું એ છે કે ચાણક્યનો તો ગુણધર્મ જ હતો પ્રજાને વાસ્તે સેવા કરવાનો અને તેમાંથી અનધિકાર લાભ ન મેળવવાનો. તેઓ કોઈ પ્રચાર કરવા, ફોટા પડાવવા કે પોતાના વિરોધીઓને પ્રભાવિત કરવા દેખાવ નહોતા કરતા. તેમ પેલા રાજદૂતને ખાસ બોલાવીને પત્રકારો સમક્ષ પોતાને અગાઉથી નક્કી કરીને આ પ્રશ્નો પૂછવા માટે ડાબે હાથે નાણું પણ નહોતું ચુકવવામાં આવ્યું. અને જુઓ તો ખરા, પેલો ચોર છાનાછપના તેમનું વિધાન સાંભળી ગયો તેમાં તેનું કેવું હૃદય પરિવર્તન થઇ ગયું! મહામંત્રી અને રાજા આવા પ્રજાવત્સલ અને નીતિવાન હોય તો રાજ્યમાં રહેતા ચોર, ઠગ કે ભલભલા ગુનેગારોના દિલ પણ સાચે માર્ગે વળી જાય. એ ચોરને ચોરી કરવાની જરૂર જ ન લાગી એટલું જ નહીં, તેણે કદી ચોરી ન કરવાનો સંકલ્પ લીધો અને તે પણ સ્વંય પ્રેરણાથી.
ભારતને આવા પ્રજાહિતને લક્ષ્યમાં લઈને રાજય સંચાલન કરનારા વડા પ્રધાન, મંત્રીઓ અને લોકસભાના સભ્યો મળે અને બદદાનત ધરાવતા ચોર-લૂંટારુઓ, આવા આગેવાનોના જીવનમાંથી પ્રેરણા લઈને સન્માર્ગે વળે તેવી ઈશ્વરને પ્રાર્થના.
e.mail : 71abuch@gmail.com