ખરેખર તો આ અમેરિકાના સમાચાર છે. પણ આજકાલ દશા એ છે કે અમેરિકા છીંક ખાય છે, અને દુનિયા આખી પોતાનું નાક લૂછે છે.
૨૦૧૭ના જાન્યુઆરીમાં ત્રણ બનાવ બન્યા. ૧૯મી જાન્યુઆરીએ ગુરુવારે પ્રેસિડન્ટ ઓબામાનો વ્હાઈટ હાઉસમાં છેલ્લો દિવસ હતો. બીજે દિવસે લાખો લોકોની હાજરીમાં, નવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ થઈ અને તેને બીજે દિવસે, શનિવારે લાખો સ્ત્રીઓ ઊમટી પડી ટ્રમ્પ સાહેબનો વિરોધ કરવા. હું પૂછું છું કે આ બધી બહેનો વોટિંગને દિવસે ક્યાં હતી ? જો હિલેરીને વોટ આપ્યો હોત, તો આજે હિલેરીબહેન ગાદી પર હોત; અને ગોરી પ્રજા – પુરુષો − દેખાવો કરવા નીકળી પડી હોત.
હવે આ દેખાવો કરવામાં એકલી સ્ત્રીઓ નહોતી. તેમાં મુસ્લિમો, આફ્રિકન અમેરિકનો (કાળા અમેરિકનો) અને બીજા ઈમિગ્રંટસ્ પણ જોડાયાં હતાં. વાત એમ છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પે પોતાના ચૂંટણી ઢંઢેરામાં દરેક લઘુમતિના લોકોને ગભરાવ્યા છે. આ સ્ત્રીઓના વિરોધમાં પણ વજૂદ છે. જો ટ્રમ્પસાહેબ ભવિષ્યમાં સ્ત્રીઓના હકની સામે કોઈક પગલાં લેવા નીકળે, એના પહેલાં જ ટ્રમ્પસાહેબને વોરનિંગ આપી હોય તો સારું. ખાસ કરીને એબોર્સનના પ્રશ્નને લઈને આ પ્રદર્શનો થયા. અમેરિકન બહેનોને સહકાર આપવા લંડન, પેરીસ ને બર્લિનમાં પણ ત્યાંની સ્ત્રીઓએ દેખાવો કર્યાં.
વરસો પહેલાં અમેરિકામાં સ્ત્રીઓનાં એબોર્સન ગેરકાયદેસર હતાં. ત્યારે બરાબર ૪૪ વરસ પહેલાં સેરાહ વેડિમ્ગ્ટન નામની ૨૬ વરસની લોયરે નોરમા મક્રોવી નામની સ્ત્રીનો કેસ લડીને સુપ્રિમ કોર્ટમાં એબોર્સનનો કેસ જીતી ગઈ, અને તે દિવસથી અમેરિકામાં એબોર્સન કાયદેસર બન્યાં. આ કેસ ‘રો વિ. વેડ”ના નામથી પ્રખ્યાત થયો.
હવે સુપ્રિમ કોર્ટમાં નવ જજ હોય છે. હાલ ડેમોક્રેટીક જજ બહુમતિમાં છે. જે એબોર્સનમાં માને છે. મતલબ કે તેઓ “પ્રો–ચોઈસ”માં માને છે. એટલે એબોર્સન કરાવવું કે નહીં તેનો નિર્ણય તે સ્ત્રી કરી શકે છે. જ્યારે ટ્રમ્પ સાહેબ એબોર્સનમાં માનતા નથી. તેમનો ક્રિશ્ચિયન ધર્મ એબોર્સનમાં માનતો નથી. એટલે તેમને સૌથી વધારે વોટ ક્રિશ્ચિયનોના મળ્યા છે. ટ્રરમ્પસાહેબ સુપ્રિમ કોર્ટમાં પોતાના વિચારોને ટેકો આપનારા જજ ને બેસાડવાની વાતો કરે છે. અને સુપ્રિમ કોર્ટની મદદથી તેને ગેરકાયદેસર બનાવવા માંગે છે. જે અમેરિકન સ્ત્રીઓને મંજૂર નથી. તેમનું કહેવું છે કે એબોર્સન કરાવવું કે ન કરાવવું એ નિર્ણય સ્ત્રીની ચોઈસ પર રહેવા દો.
બીજું કે ટ્રમ્પસાહેબ સ્ત્રીઓને હલકા–મવાલીઓ વાપરે તેવા શબ્દોથી નવાજે છે. એક જેન્ટલમેન જેવી ભાષા નથી વાપરતા.( હું જાણું છું કે આ વાતની સ્ત્રીઓને ઈલેક્સન પહેલાં ખબર હતી. તેમ છતાં હિલેરીબહેન હારી ગયાં.) બીજી બાજુ, ઓબામા પોતે લોયર હતા. પ્રોફેસર હતા. અને લેખક હતા. તેથી તેમની ભાષા પણ શિષ્ટ હતી. જ્યારે આ બિઝનેસમેન પોતાની વાત ખરી કરવા ગમે તેમ બોલે છે. ઈનાગ્યુરેશનમાં પણ મુઠ્ઠી ઉગામી ઉગામીને બોલતા હતા.
દેખાવોમાં મુસ્લિમો પણ હતા. હવે આ મુસ્લિમો ધર્મચુસ્ત પ્રજા છે. જ્યારે ટ્રમ્પસાહેબને જીતાડનાર મુખ્યત્વે ગોરા ક્રિશ્ચિયનો છે. તેઓ પણ રૂઢિચુસ્ત છે તેમને મુસ્લિમ સ્ત્રીઓનાં બુરખા કે માથે બંધાતાં હિજાબ ગમતાં નથી. એટલું જ નહીં પણ પોતાની નોકરીમાં મુસ્લિમોને દિવસમાં પાંચ વાર નમાઝનો સમય ફાળવવો ગોરા સુપરવાઈઝરને અઘરો લાગે છે. તે ઓછું હોય તેમ જગતના બધા આતંકના હુમલામાં મુસ્લિમોના હાથ છે, એમ ટ્રમ્પ અને તેમના ટેકેદાર ગોરાઓ માને છે. એટલે હવે ગામે ગામ રહેતા ગોરા પુરુષો મુસ્લિમોને રંજાડે છે.
મુસ્લિમો એટલે બ્રાઉન ચામડીવાળી પ્રજા. એટલે તેમાં ભારતીય કોમ પણ આવી જાય. એટલે આ દેખાવોમાં ભારતીયો અને મેક્સિકનો પણ જોડાયા હતા. ઓબામાએ બે વરસમાં ૧૦,૦૦૦ સીરિયન રિફ્યુજીને લેવાનું વચન આપ્યું હતું, તેને ગાદી પર બેઠા પછી ત્રીજે દિવસે ટૃમ્પસાહેબે ફતવો બહાર પાડયો કે મિડલ ઈસ્ટના, સીરિયા, ઈરાક, ઈરાન, સોમાલિયા, સુદાન વગેરે દેશોના નિરાશ્રિતો – રિફ્યુજીને અમેરિકામાં પ્રવેશવા દેવામાં નહીં આવે. એટલું જ નહીં, પણ બીજા દેશોના નવા ઈમિગ્રંટસને પણ ખૂબ ચકાસણી પછી લેવામાં આવશે. ‘મેક અમેરિકા સેફ અગેઈન”.
આ બધી વાતોથી ને બધા ઈમિગ્રંટ્સ ગભરાઈને દેખાવો કરવામાં જોડાયા છે. હજુ તો રાજ્યાભિષેકને અઠવાડિયું થયું છે, અને જાહેર કરી દીધું કે ગેરકાયદેસર ઘુસી આવેલા ઈમિગ્રંટ્સને પકડી પકડીને કાઢી મુકાશે.
હવે આ વાત કયા અમેરિકનને ન ગમે? ગોરા કે કાળા બધા ટ્રમ્પસાહેબને ટેકો આપવા દોડ્યા છે. પરંતુ તેમને ભાન નથી કે ઈમિગ્રંટ્સ સિવાય આ દેશ એક દિવસ ન ટકે. (પણ આ વાત ગેરકાયદેસર ઈમિગ્રંટ્સનીછે.) વસ્તુ એમ છે કે રિપબ્લિકનો કહે છે કે આ ગેરકાયદેસર ઈમિગ્રંટ્સને રોકવા ડેમોક્રેટ્સે (ઓબામા–હિલેરીની પાર્ટી ) તેમણે ચૂંટણી પહેલાં અમેરિકા અને મેક્સિકો વચ્ચેની બોર્ડર પર દિવાલ બાંધવાની વાત કરી છે.
તો તે માટે પણ તેમણે પહેલા અઠવાડિયામાં તે વાત ચાલુ કરી દીધી છે. હવે જોવાનું એ છે કે દિવાલ ક્યારે બંધાશે. હકીકત એ છે કે ટ્રમ્પસાહેબ દિવાલ બાંધશે તો મેક્સિકનો સુરંગ બાંધશે. ઈમિગ્રંટ્સની આટલી બધી વાતો પછી નવાઈની વાત એ છે કે ભારતીય મા બાપને ત્યાં જન્મેલા નમ્રતા રંધવા – નિકી હેલી – જે સાઉથ કેરોલીનાનાં ગવર્નર હતાં તેને, એક સ્ત્રીને, ટ્રમ્પ સાહેબે પોતાની કેબિનેટમાં લઈ અને યુનાઈટેડ નેશન્સમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા મોકલ્યાં.
બીજી બાજુ પ્રેસિડન્ટ ઓબામાએ તેમના છેલ્લા દિવસે, ૩૩૫ કેદીઓને છોડી મુક્યા. આખો દિવસ કામ કરીને ડ્રગ્ઝ–હેરોઈન વેચવાવાળા અને ઉપયોગ કરવાવાળા પકડાયેલા ગુનેગારોના કેસ તેમણે પોતે તપાસીને પોતાની સત્તા વાપરી જે લોકો વરસોથી જેલમાં હતા. તેમની સજા પૂરી થઈ ગણીને જવા દીધા હતા.
હાલ, ટ્રમ્પસાહેબ દેશને કઈ દિશામાં લઈ જાય છે તે કોઈ કહી ન શકે. હા. તેમ છતાં ભારતને માટે તે એક મિત્ર સાબિત થઈ શકે. કારણ કે આપણા મોદીસાહેબ તેમને ગમે છે. અને મોદીસાહેબને ફોન કરે છે. અને મોદીજી તેમને પોલિટીક્સનાં લેશન આપે છે.
કદાચ ટ્રમ્પસાહેબે મોદીજીની વાત શીખી લીધી છે. “મેક અમેરિકા – બાય અમેરિકન.” –
૧લી ફેબ્રુઆરી ૨૦૧૭
(“ગુજરાત મિત્ર”માં આવતી લેખકની ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ કોલમ)
E mail- harnishjani5@gmail.com