‘લાપતા લેડીઝ’ જોઈ. ગમવી જોઈએ તેથી વધુ ગમી. હમણાં જે થોડી સારી ફિલ્મો જોવાનું બન્યું, તેમાં આમિર ખાન પ્રોડક્શન્સની ‘લાપતા લેડીઝ’નો સહેલાઈથી સમાવેશ થઈ શકે.
જાન્યુઆરી, 2001ના અંતમાં દીપકનાં લગ્ન ફૂલકુમારી સાથે થાય છે. માનતા પૂરી કરવા દીપક અને ફૂલ રોકાઈ જાય છે ને તેના ઘરવાળા ગામ તરફ નીકળી આવે છે. માથે ઘૂમટો તાણેલી ફૂલને ઠોકર વાગે છે, તો સંબંધી સ્ત્રી બહુ સૂચક રીતે કહે છે – એક વાર માથે ઘૂંઘટ લીધો, પછી આગળ નહીં, નીચે જોઈને ચાલવાનું. ફૂલ, દીપક સાથે પ્લેટફોર્મ નથી એવાં સ્ટેશનેથી ટ્રેનમાં પ્રવેશે છે. ડબ્બામાં લાલ ઘૂંઘટમાં ત્રણ દુલ્હન છે. એક મહિલા દીપકને પૂછે છે – દહેજમાં કૈં લીધું ખરું? મારાવાળાને તો દોઢ લાખ મળ્યા. દીપક કૈં બોલતો નથી, તો પેલી બીજાના કાનમાં બબડે છે – છોકરામાં કોઈ ખામી હશે. રાત્રે ‘મૂર્તિ’ સ્ટેશને દીપક ચમકીને જાગે છે ને ફૂલને જગાડીને પ્લેટફોર્મ પર ઊતરે છે. અહીંથી છેલ્લી બસ પકડવાની છે. નવોઢા જરા અચકાય છે, પણ પછી દીપકની સાથે થઈ જાય છે. ગામનું ઘર દીકરા-વહુનાં સ્વાગતમાં લાગે છે. વહુને ચાંદલો કરવા સાસુ ઘૂંઘટ ઉઠાવવાનું કહે છે. વહુ તેમ કરે છે ને સાસુના હાથમાંથી થાળી નીચે પડે છે. દીકરો બીજા કોઇની પત્નીને ઊંચકી લાવ્યો છે. બધા વહુને ટોકે છે – તને પણ ખબર ન પડી? તે કહે છે – ઘૂંઘટમાંથી તો નીચે દેખાય, બૂટ દેખાય. ઘરની ડોશી કહે છે – બૂટ પરથી ઓળખતે ! વહુ કહે છે – પતિ નવો, બૂટ નવા, કેવી રીતે ઓળખતે? નવોઢાને નામ પુછાય છે, તો તેનું સાચું નામ જયા ન કહેતાં, પુષ્પા રાની કહે છે.
આ તરફ ફૂલ પતીલા સ્ટેશને ઊતરે છે, તો પતિ જડતો નથી. જયાનો પતિ પ્રદીપ શોધે છે તો તે મળતી નથી, પણ તેને સંતોષ છે કે જયા મળે કે ન મળે, દહેજ ને ફટફટિયું તો મળી ગયું છે. સાસુને ચિંતા વહુની નહીં, તેટલી તેને 15 તોલા સોનું ચડાવેલું તેની છે. દીપકને બે કામ આવી પડે છે. ફૂલને શોધવાનું ને પુષ્પા રાનીને તેને ઠેકાણે પહોંચાડવાનું. વાત પોલીસમાં પહોંચે છે. હાથ પર જયા નામનું ટેટૂ છે, તે પોલીસને ખબર પડશે તો તેના પતિ પાસે પહોંચાડશે એ બીકે તે જયાનું શ્રેયા કરે છે ને પોલીસ ઇન્સ્પેકટર શ્યામ મનોહરને નામ પુષ્પા જ કહે છે. કહેવાતાં સાસરામાં પણ તેની હિલચાલ ભેદી છે. તેણે પ્રદીપને પરણવું જ ન હતું, કારણ તે 800 વિદ્યાર્થીઓમાં પહેલી આવી હતી, તેણે ખેતી વિદ્યામાં નિપુણ થવું હતું, પણ મા માનતી નથી ને મરવાની ધમકી આપીને પ્રદીપને પરણાવી દે છે. પ્રદીપની પહેલી પત્ની સંતાન ન થવાથી સળગી ગઈ હતી કે સળગાવી દેવાઈ હતી, તે ખબર નથી. તે પ્રદીપને ઇચ્છતી નથી, પણ મન મારીને પરણે છે ને પ્રદીપને બદલે દીપકને પનારે પડે છે. દીપક, ફૂલની શોધમાં ને યાદમાં કરમાઈ રહ્યો છે. ઘરમાં દીપકની ભાભી છે. તેનો પતિ શહેરમાં નોકરી કરે છે. ભાભી પતિનું નામ દેતી નથી. ભાભીને જયા કહે છે કે શ્રવણકુમાર જેવું સરસ નામ છે તો ‘એજી, ઓજી’ શું કરવાનું? દીપકનો દાદો ત્રીસ વર્ષ કલકત્તામાં ‘જાગતે રહો’ ની ટહેલ નાખવામાં એવો ખર્ચાયો છે કે નિવૃત્ત થયા પછી પણ સૂરજમુખી ગામના ઘરમાં સૂચક રીતે બોલતો રહે છે, ’જાગતે રહો !’ ભાભી જોડે વાત કરનારું કોઈ નથી, તેને જયાનો સાથ મળતાં સારું લાગે છે. તેની સાસુ પણ, આ ઘરમાં બધાંની પસંદગીની વસ્તુઓ રાંધવામાં જ એટલી ખપી છે કે પોતાની પસંદગી શી હતી એ જ યાદ નથી આવતું. જયા સમજાવે છે કે ઘરમાં સાસુ, વહુ, જેઠાણી હોય છે, પણ મુશ્કેલી એ છે કે તેમની વચ્ચે મૈત્રી નથી હોતી. ભાભીને ચિત્રો દોરતાં આવડે છે, પણ તેની તેને જ પરવા નથી. જયા સમજાવે છે-આ કળા છે. ભાભી કહે છે – એ તો એમને એમ આવડી જાય. જયાનો જવાબ છે – એમને એમ આવડતી હોત તો બધાંને આવડતેને ! ભાભી પાસે ફૂલનો ચહેરો ચિતરાવી, એનું પોસ્ટર જયા બધે મોકલે છે, પરિણામે વાત ફૂલ સુધી પહોંચે છે ને એ દીપકને મળવા ટ્રેઈનમાં નીકળી પડે છે …
એ નીકળી પડે છે એ પહેલાં પતીલા સ્ટેશન પર જ ઘરડી મંજુ સાથે રેલવે સ્ટોલ પર કામે લાગે છે. ફૂલ તેને પૂછે છે કે તેનું કોઈ નથી? મંજુ કહે છે – પતિ, સંતાન બધું હતું, પણ તેની જ કમાણી ખાઈને શરાબી પતિ મારતો હતો ને કહેતો હતો કે જે પ્રેમ કરે તે મારે પણ ! એક વાર મંજુ પણ પ્રેમ કરી લે છે, મારીને. ત્યારથી તે એકલી છે. ફૂલ કલાકંદ બનાવે છે ને બધાંને તે બહુ પસંદ પડે છે, તે મંજુને ચાખવાનું કહે છે, તો કહે છે – જિંદગીમાં એવું કૈં થયું નથી કે મોં મીઠું કરવું પડે. મીઠાઇ વેચવાથી આવક વધતાં મંજુ તેને 100 રૂપિયા આપે છે. એ તેની પહેલી કમાણી છે ને તે ઉમંગથી છેડે બાંધે છે. તે લગ્નનાં કપડાં નથી બદલતી કે પ્લેટફોર્મની બહાર પણ નથી જતી, એ ભરોસે કે પતિ શોધતો અહીં જ આવશે. મંજુ, ફૂલને એને પિયર જવાનું કહી ચૂકી છે, પણ તેને શીખવાયું છે કે સારા ઘરની વહુ પતિ સાથે જ પિયર જાય. ‘સારા ઘરની’ જાણીને મંજુ સંભળાવે છે – જે સલમાન ખાનને ઘરે તેનો નોકર કદી જવાનો નથી, તેનું સરનામું તેને યાદ છે, પણ જે ઘરે ફૂલ આખી જિંદગી કાઢવાની છે, એ સાસરાનું ઠેકાણું તેને યાદ નથી. આ બધું બહુ સૂચક છે. વહુ નીચું જોઈને ચાલે એટલે ઘૂમટો તાણવાનો – એમ કરીને ઓળખ ઢાંકવાની, પતિનું નામ ન દેવાય, ક્યાં પરણાવાય છે એની પૂરી માહિતી ન અપાય, પત્ની સળગી ગઈ હોય, એવા બીજવરને દીકરી પરણાવવાનો વાંધો ન હોય, આગળ ભણવું હોય તે હોંશિયાર દીકરીને ભણવા ન દેવાય – આ બધું જ તો થાય છે સારા ઘરની છોકરીઓ જોડે અને વિચિત્ર તો એ છે કે આવું બધું સ્ત્રી જ સ્ત્રીને શીખવે છે …
વાત એટલી વધે છે કે ચોરીના મામલામાં જયાની ધરપકડ થાય છે, પણ તેણે આગળ ભણવા આ બધું કર્યું છે તેના પુરાવા મળતા તે નિર્દોષ છૂટે છે, ત્યાં તેનો પતિ ભાળ મળતાં તેને લેવા પોલીસ સ્ટેશને આવે છે. જયાએ તેની સાથે જવું નથી ને તે સગીર હોવાથી ઇન્સ્પેકટર પણ તેને પતિ સાથે જવા ફરજ પાડી શકતો નથી. એની મદદથી જ જયા તેનું સપનું પૂરું કરવા દહેરાદૂન જવા નીકળે છે. ઇન્સ્પેકટર તેનાં ઉજ્જવળ ભવિષ્ય સંદર્ભે હવાલદાર દુબેને કહે છે કે આ છોકરી ઘણે દૂર જશે. દુબે કહે છે, હા, સાહેબ ! દહેરાદૂન 800 કિલોમીટર તો હશે. ઇન્સ્પેકટર શ્યામ બહુ સૂચક રીતે હસે છે. ..
સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી સશક્તિકરણ સૂત્રો, પ્રવચનો ને એન.જી.ઓ.ઝ પૂરતું સીમિત નથી. ગામડામાં તો એ હવા ખાસ પહોંચી જ નથી. કોઈ સૂત્રો, પ્રવચનો વગર સ્ત્રીને ગામડામાં સહજ મોકળાશ કેવી રીતે ઊભી થઈ શકે એની વાત જરા પણ મુખર થયા વગર ‘લાપતા લેડીઝ’ કરે છે. મૂળ વાર્તા વિપ્લવ ગોસ્વામીની, તેના સ્ક્રીનપ્લે ને સંવાદો લખ્યા છે સ્નેહા દેસાઇએ. સંવાદો કેટલા સોંસરા ને સૂચક છે તે અગાઉ આપેલાં ઉદાહરણો પરથી પણ પરખાશે. એ સાથે જ ભાષા-બોલીની એટલી કાળજી લેવાઈ છે કે તે જે તે દેશ-પ્રદેશનું સબળ પ્રતિનિધિત્વ કરી શકે. આખી ફિલ્મને દિગ્દર્શક કિરણ રાવે જે રીતે સમજ અને સંયમથી સ્વસ્થ ગતિ આપી છે તેને માટે અઢળક અભિનંદનો આપવાં ઘટે. એકે એક પાસા પર દિગ્દર્શકની છાપ ફિલ્મમાં અનુભવાય છે. જે રીતે કિરણે કલાકારો પાસેથી કામ લીધું છે તે કાબિલે તારીફ છે. બધા કલાકારોને મોડર્ન લૂકમાં પણ જોયા. એમને ફિલ્મોમાં જોયા તો એવું લાગ્યું કે એ જ એમનું જીવન છે ને ફિલ્મની બહાર જીવે છે એ એમનો અભિનય છે. ફિલ્મમાં બતાવાયેલું ગામડું, તેનાં રેલવે સ્ટેશનો, તેનો ટી સ્ટોલ, તેનાં ખેતરો, તેનાં અંધારિયાં ઘરો, ઘરનાં રીત-રિવાજો, તેની ધૂળિયા સડકો … એટલાં જીવંત છે કે પ્રેક્ષકોને ખરેખર ગામડામાં હોવાની અનુભૂતિ થાય છે.
રવિ કિસન બહુ જ મંજાયેલો અભિનેતા છે તે તેણે ઇન્સ્પેકટર શ્યામ મનોહરની ભૂમિકા કરીને ફરી એકવાર સાબિત કરી દીધું છે. તે એટલો ઘડાયેલો ઇન્સ્પેકટર પ્રસ્તુત કરે છે કે પાનનાં ડૂચા સાથે કેમ બોલવું, ચોકીમાં કોની સાથે કેમ વર્તવું તે, તે બરાબર જાણે છે. આવા જમાનાના ખાધેલ ઇન્સ્પેકટરને છેલ્લે, પ્રદીપના પંજામાંથી પોતાને છોડાવી મુક્ત કરવા બદલ જયા પોતાનાં ઘરેણાં ખુશીથી આપી દે છે તો એ પરત આપતાં કહે છે કે ખૂબ ભણજે, ત્યારે એ ચરિત્રને એક નોખું પરિમાણ પ્રાપ્ત થાય છે. પુષ્પા રાની / જયા તરીકે પ્રતિભા રત્ના ભાવ વૈવિધ્યમાં મોખરે રહે છે. તે ભેદી રીતે વર્તે છે ત્યારે કે બીજાનાં હિતમાં તે ભૂંડી બનતી હોય ત્યારે કે નવોઢા તરીકે પહેલીવાર ઘૂંઘટ ઉઠાવી ચહેરો પ્રગટ કરે છે ત્યારે કે પોલીસ ચોકીમાં શિક્ષિત હોવા છતાં ઘૂંઘટમાં જ ફોટો પડાવવાનો આગ્રહ રાખે કે અભણ વ્યક્તિ તરીકે અંગૂઠો મારે ત્યારે તે સતત સાચી લાગે છે. દીપક તરીકે સ્પર્શ શ્રીવાસ્તવ નવા અભિનેતા તરીકે એકદમ સાહજિક અભિનય કરે છે. ભૂલથી બીજાની પત્ની લઈ આવ્યો છે ને પોતાની પત્ની ભૂલી આવ્યો છે એનો આઘાત તેણે બરાબર પ્રગટ કર્યો છે, એ સાથે જ ફૂલની ચિંતામાં ને વિરહમાં તેની ઉદાસી સ્પર્શી જાય છે. ફૂલને તે ‘આઈ લવ યૂ’ કહે છે, તે વખતના તેના હાવભાવ નોંધનીય છે. ફૂલ તરીકે નિતાંશી ગોયેલે ભૂમિકામાં જીવ રેડી દીધો છે. તે એટલી માસૂમ, નિર્દોષ અને તાજગીપૂર્ણ છે કે ગામડામાં આવી ‘બાલિકા બધૂ’ હોવાનું આશ્ચર્ય થાય. છાયા કદમે પીઢ અને પીડિત, પણ બહારથી સ્વસ્થ દેખાતી મંજુને તંતોતંત પ્રગટ કરી છે.
ફોટોગ્રાફી વિકાસ નૌલખાની છે. તે એટલી અસરકારક છે કે નાનામાં નાનું દૃશ્ય પણ સ્પર્શ્યા વગર ન રહે. રામ સંપથનું ગ્રામ સંસ્કૃતિને ઉજાગર કરતું ભાવવાહી સંગીત ફિલ્મનું જમા પાસું છે. ગીતો સ્વાનંદ કિરકિરે, પ્રશાંત પાંડે અને દિવ્યનિધિ શર્માના છે. ગીતો કથાને રોકતાં આવતાં નથી, તે કથાની સાથે વહે છે. ‘સોના મહાપાત્રનું ‘બેડા પાર’ કે સુખવિન્દર સિંઘનું ‘અરે બહુત જ્યાદા શેડી હૈ, બહુત સયાની લેડી હૈ …’ માર્મિક અને રમતિયાળ રીતે ગવાય છે, તો અરિજિત સિંહનું ‘ઓ સજની રે, કૈસે કટે દિન રાત ..’ વિરહી ભાવોને પ્રગટ કરતું ગીત કરુણ મધુર રીતે ગવાયું છે. શ્રેયા ઘોષાલે ’ધીમે ધીમે ચલે પુરવૈયા ..’ હૃદયસ્પર્શી રીતે ગાયું છે.
ટૂંકમાં, સાવ નવા વિષય પર, નવાં વાતાવરણમાં, નવા કલાકારો સાથેની આ નવીનક્કોર ફિલ્મ છે, પણ તે શિખાઉ નથી, તે બોજ વધારનારી નથી, પણ એકદમ ઘડાયેલી ને તાજગીપૂર્ણ ફિલ્મ છે. તે વિચારે છે ને વિચારતા પણ કરે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 મે 2024