પુરુષના હાથમાં સત્તા વધારે, એટલો સ્ત્રીના મનમાં ડર વધારે અને જેટલો ડર વધુ એટલો સત્તાનો દુરુપયોગ વધે
નલિયાની ઘટનાથી બળાત્કાર અંગે ફરી એક વાર ચર્ચા ઊઠી છે. ઘટનાક્રમ જોઈએ તો પીડિતાએ હિંમત ભેગી કરીને એફ.આઈ.આર. કરીને કહ્યું છે કે તેની પર સામૂહિક બળાત્કાર થયો હતો. મુખ્ય આરોપીની ગેસ એજન્સીમાં તે નોકરી કરતી હતી. આરોપ મુજબ, ગઈ દિવાળી ટાણે તેને પૈસાની જરૂર ઊભી થતાં તેને ઘરે આવીને પૈસા લઈ જવા કહેવામાં આવ્યું. એ જ્યારે આરોપીના ઘરે ગઈ, ત્યારે તેને કેફી પીણું પાઈ તેની પર એકથી વધુ પુરુષોએ બળાત્કાર કર્યો. જેનો તેમણે વીડિયો પણ ઉતાર્યો, જે થકી તેઓ પીડિતાને બ્લેકમેલ કરતાં રહ્યા. અવારનવાર એની પર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાત્રો બળાત્કાર કરતાં રહ્યાં.
આ સિલસિલો દોઢ વર્ષથી ચાલુ હતો. પીડિતાએ કુલ નવ વ્યક્તિ સામે આક્ષેપ કર્યા છે અને બીજી ઘણી છોકરીઓ પણ આ ટુકડીનો શિકાર બની હોવાનું કહ્યું છે. આ કાંડના મુખ્ય આરોપી ભા.જ.પ.ના અબડાસા તાલુકાના ઓ.બી.સી. સેલના કન્વિનર છે અને અન્ય આરોપીઓ પક્ષમાં અલગ અલગ હોદ્દા ધરાવે કે પછી સામાન્ય સભ્ય છે. આ આરોપ ખૂબ ગંભીર હોઈ તાત્કાલિક ઊંડી તપાસ માગે છે, કારણ કે ઘણી છોકરીઓ આ જાળમાં ફસાઈ હોય તેવી ધારણા છે અને સામે આરોપીઓ વગદાર માણસો છે.
સુઆયોજિત રીતે થતાં સ્ત્રીનાં શારીરિક શોષણની ઘટના નવી નથી. આવી ઘટનાને ઉઘાડી પાડવા લોકોએ, ખાસ કરીને સ્ત્રી સંગઠનોએ શેરીઓમાં આવીને સંઘર્ષ કર્યો છે. નવા કડક કાયદા પણ બન્યા છે, છતાં આવી ઘટના વારંવાર બનતી રહે છે. પાત્રો બદલાયાં કરે પણ ગુનેગાર પુરુષની સ્ત્રી પ્રત્યેની માનસિકતા અને મગજમાં ભરાયેલી સર્વોપરિતાની ભાવના એની એ જ રહે છે. આસારામ આશ્રમમાં મહિલા ભક્તો સાથે થયેલાં કરતૂતોમાં તેમ જ પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીનાં જાતીય શોષણ જેવી તાજેતરની ઘટનામાં પણ આ જ વાત પ્રતિબિંબિત થાય છે.
બળાત્કાર કોઈ ક્ષણિક આવેગનું પરિણામ નથી. મોટે ભાગે એ સભાનતાપૂર્વક આચરાયેલો ગુનો હોય છે. એમાં મગજમાં ભરાયેલા સત્તાના મદની મોટી ભૂમિકા હોય છે. તે ગુનેગારના મનમાં પૈસા, રાજકીય પહોંચ, જ્ઞાતિ, વર્ણ કે ધર્મની સામાજિક ઓળખમાંથી ઊભા થતાં વર્ચસ્વમાંથી જન્મે છે. આમ તો પુરુષ હોવાની ઓળખ જ વર્ચસ્વ જમાવવા માટે પૂરતી છે. ભાગ્યે જ કોઈ કિસ્સામાં બળાત્કારીએ પોતાના જાતીય આવેગો પર સંયમ ગુમાવી દીધો હોવાથી ઘટના બની હોય છે. નલિયાના કિસ્સામાં આરોપી પીડિતાનો બૉસ હતો. જરૂરતમંદ પીડિતાને પૈસા ધીરી શકે એ આર્થિક ક્ષમતાવાળો અને તેમાં ય સત્તાધારી રાજકીય પક્ષના મહત્ત્વના હોદ્દા પર આરૂઢ હતો. વળી, હાથવગી થયેલી મોબાઇલ ટેક્નોલોજીએ ગમે તે ક્ષણે ફોટા પાડવાનું અને વીડિયો ઉતારવાનું સહેલું કરી દીધું છે, જે બળાત્કારીઓના હાથમાં બ્લેકમેલ કરવાની તાકાત ઉમેરે છે.
સત્તાનો વિકૃત દુરુપયોગ કરવા માટે સત્તાનું આટલું સંયોજન પૂરતું છે. જેટલી પુરુષના હાથમાં સત્તા વધારે, એટલો સ્ત્રીના મનમાં ડર વધારે અને જેટલો ડર વધારે એટલો સત્તાનો દુરુપયોગ વધારે. મોટા ભાગના કિસ્સામાં ભયવશ સ્ત્રી હથિયાર હેઠાં મૂકી દેતી હોય છે, જેનાથી બળાત્કારીનો આત્મવિશ્વાસ અને તાકાત વધે છે. વિશ્વભરનાં નારીવાદી સંગઠનો આ સમજી ચૂક્યાં છે અને ભારપૂર્વક કહી રહ્યાં છે કે જો ભવિષ્યમાં સ્ત્રી સામેની જાતીય હિંસા ઘટાડવી હશે તો આજે ખૂલીને બોલવું પડશે.
જો કે, બોલવું એટલું સહેલું નથી. આત્મસન્માનનાં લીરેલીરાં ઉડાડતી પરિસ્થિતિમાં સ્ત્રી લડી લેવાનું પસંદ ન કરે એ સમજી શકાય એવું છે, કારણકે લડાઈ અનેક મોરચે આપવાની હોય છે. તેમાં કાનૂની લડાઈનો ક્રમ તો સૌથી છેલ્લો આવે. સૌથી પહેલાં જાત સાથે લડવાનું. બળાત્કાર એક હિંસક ઘટના છે જેમાંથી જન્મતી હતાશામાં, પોતાની સાથે આવું બની શકે એ સ્વીકારવું સહેલું નથી. સાથે સાથે કુટુંબીજનો તેમ જ સમાજની કૂથલી સામે તો લડવાનું જ હોય.
આ બધાં વિઘ્નોને પસાર કરીને જો પીડિતા ફરિયાદ નોંધાવવાનું નક્કી કરે ત્યારે શરૂ થાય નવો સંઘર્ષ. પોલીસ સ્ટેશનના ધક્કા, પોલીસનો અસંવેદનશીલ અભિગમ, વકીલોની તગડી ફીના ખર્ચા, પુરાવા ભેગા કરવાની ભાંજગડ, ફરીને ફરી તાજા થતા ઘા અને કેસ શરૂ થયા પછી કોર્ટમાં પડતી તારીખ પર તારીખ. કાયદા અને ન્યાયની વ્યવસ્થામાં પણ મોટે ભાગે સંવેદનશીલતાનો અભાવ હોય છે, કારણ કે એને નિભાવનારા લોકો પણ આજ સમાજમાંથી આવે છે.
બળાત્કાર અને જાતીય શોષણની કોઈ ઘટના સામે આવે ત્યારે હજુ પણ પીડિતાનાં ચરિત્રની ચર્ચા પહેલી ઉપડે છે. એના ચરિત્રમાં નાનોસરખો ડાઘો પણ ના ચાલે. પીડિતાના ભૂતકાળને એની સાથે થયેલી જાતીય દુર્ઘટનાથી છૂટી પાડતાં આપણે ક્યારે શીખીશું? નલિયાના કેસમાં પણ પીડિતાનાં અંગત જીવનની સાચી-ખોટી વિગતો મારી-મચડીને રજૂ થઈ રહી છે, જેની કથિત ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. પીડિતાને હતોત્સાહી કરવાની આ જૂની ચાલ હજુ પણ કામ કરે છે.
આ બધાં વિઘ્નો છતાં નલિયાની પીડિતાએ જે હિંમત દાખવીને ગુનેગારો સામે મોરચો માંડ્યો છે એ કાબિલે તારીફ છે. વિરોધપક્ષ તેમ જ મીડિયા તરફથી દબાણ ઊભું થતાં કચ્છ પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ માટે ખાસ સમિતિની રચના પણ કરી છે જે આવકારદાયક છે. સમિતિ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરે અને પીડિતાને સમયસર યોગ્ય ન્યાય મળે એવી આશા રાખીએ. આ સાથે સ્ત્રીને સેક્સ ઓબ્જેક્ટ ગણવાની માનસિકતાને ઝંઝોડવાની પણ જરૂર છે, કારણ કે તે બળાત્કાર પાછળનું મુખ્ય કારણ છે.
સ્ત્રી એટલે ઉપભોગનું સાધન. અલબત્ત, બધા પુરુષો બળાત્કારી નથી જ હોતા, પણ કેટલા પુરુષો પ્રામાણિકતાથી કહી શકશે કે તેઓ સ્ત્રીને ઉપભોગની ‘વસ્તુ’ નથી ગણતા? શું એવા પુરુષો પણ નથી કે તેઓ પોતે ભલે બળાત્કારી ન હોય, પણ અન્ય બળાત્કારી પુરુષ સામે વાંધો પણ ન હોય? જો સજાનો ભય ન હોય તો તેઓને પણ કદાચ મોકો ઝડપી લેવાનો વિચાર આવી જાય? સ્ત્રીને સેક્સ ઓબ્જેક્ટ તરીકે રજૂ કરતી ફિલ્મો કે મેગેઝિન જોવામાં તેમને આનંદ આવતો હોય? સ્ત્રી પર પોતાનું વર્ચસ્વ જમાવવાના વિચારથી તેઓ ઉત્તેજિત થતા હોય? કદાચ પોતાના જાતીય જીવનમાં પણ એવો જ અભિગમ રાખતા હોય? સૌ જાણીએ છીએ કે આ પ્રશ્નોના પ્રામાણિકપૂર્વકના જવાબ મળે તો એ માહિતી આખા સમાજને વિચલિત કરનારી હશે. મોજશોખ માટેની ‘ચીજ-વસ્તુઓ’ની યાદીમાં સ્ત્રી અને શરાબને જોડે મુલવતા અભિગમને સમાજમાંથી નહીં બદલીએ ત્યાં સુધી સ્ત્રી પર થતી રહેતી જાતીય હિંસાને કઈ રીતે અટકાવીશું?
e.mail : nehakabir00@gmail.com
સૌજન્ય : ‘વિષચક્ર’, “દિવ્ય ભાસ્કર”, 24 ફેબ્રુઆરી 2017