મારો અનુભવ રહ્યો છે કે રિલ્કેનાં કાવ્યો સરળ નથી એમ એમનું ગદ્ય પણ સરળ નથી, સંકુલ છે, કેમ કે રિલ્કે નારીકેલપાક રીતિના છતાં અનનુકરણીય શબ્દસ્વામી છે.
જર્મનમાંથી અંગ્રેજીમાં થયેલા એમની કૃતિઓના અનેક અનુવાદોમાં આ હકીકતની પ્રતીતિ થાય છે. એટલે રિલ્કેને ગુજરાતીમાં મૂકતાં ખૂબ કાળજી લેવી પડે છે. એમના એક ફકરા પાછળ કલાકો આપવા પડે છે.
તેથી એમના શબ્દ વિશે પ્રામાણિક રહેવા જતાં અને આમ જ ભૂલો થવાનો સંભવ રહે છે. ભાવાનુવાદ જ કરું છું છતાં રિલ્કે કઠિન ભાસે તો એ કાઠિન્યનો આનન્દ લેવાની ટેવ પાડીએ.
રિલ્કેના એ ચિત્રકારમિત્ર રુડોલ્ફે આલેખેલું ચિત્ર
એમનો એ ભગ્નહૃદયી મિત્ર રુડોલ્ફ એની પ્રેમિકાને માફ કરવા માટેના સંઘર્ષને ટકાવી રહેલો, તેનાં ચાર અઠવાડિયાં પછી રિલ્કે એને એ બન્નેના સમ્બન્ધની ઘડીમાં ચાલુ ને બંધ વળી ઘડીમાં બંધ ને ચાલુ એવી દર્દનાક સ્થિતિસ્થાપકતા વિરુદ્ધ ચેતવણી આપે છે. ચેતવણી એ કે પ્રાપ્તિ અને હાનિની ટૂંકજીવી મરમ્મત તો થઈ જશે પણ પરસ્પરના દૂઝતા વ્રણ, ઘા, દૂઝતા જ રહેશે.
કહે છે —
બન્ને જણાં જો પોતાના પ્રામાણિક સંઘર્ષ દરમ્યાન એકમેકની ઘૃણા કરવામાં ન ફસાય, યોજના બનાવે કે નથી જ ફસાવું, અને ઝઘડ્યાં કે ટાઢાં પડ્યાં ને એમના આવેગોની ધારો ઘસાઈ, વળી, તીક્ષ્ણ પણ થઈ, ત્યારે તેઓ જો હળવાં રહ્યાં હોત, નમનીય રહ્યાં હોત, બલકે તમામ ક્રિયા-પ્રતિક્રિયા પરત્વે, લૅણાદેણી બાબતે, પરિવર્તનશીલ રહ્યાં હોત કે કંઈ નહીં તો એકબીજા સાથે મિત્રભાવે માનવીય રહ્યાં હોત, તો છૂટા પડવા માટેનો એમનો નિર્ણય મહાવિપદા અને સંત્રાસનો સંકેત ન આપી શકત.
ક્રમશ:
(Feb 28, 23 : A’vad )
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર