ગણતરીના કલાકોમાં ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં નીચે ઉતરી ગયા
શાણા માણસો એટલે કે જેમને ડહાપણની ભેટ હોય તે હંમેશાં એમ કહે કે માણસની પ્રગતિ જેટલી ઝડપથી થાય એટલી જ ઝડપથી એની અધોગતિ પણ થાય. સડસડાટ ઉપર ચઢેલા ભફાંગ દઇને પડે અને એમણે પોતે ધાર્યુ હોય તેના કરતાં પહેલા પડે. ગૌતમ અદાણીને કદાચ આ ખબર નહીં હોય. છેલ્લા કેટલાક વખતથી ગૌતમ અદાણી એશિયાના અને વિશ્વના સૌથી ધનિકોની રેસમાં મોટા માથાઓને પાછળ રાખીને સડસડાટ આગળ વધી રહ્યા હતા. એમાં

ચિરંતના ભટ્ટ
યુ.એસ. શોર્ટ સેલર હિન્ડનબર્ગ જે એક ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મે અદાણી ગ્રૂપના સ્ટોક મેન્યુપલેશન (ચેડાં) પર રિપોર્ટ રજૂ કરીને તેમને સવાલ કર્યા. આમ તો ગૌમત અદાણીને એમ હશે જ કે આપણે જો વિશ્વના સૌથી ધનિક માણસ બનવાના માર્ગે હોઇએ તો આ બધું તો થવાનું પણ યુ.એસ.એ.ના ન્યુ યોર્ક સ્થિત શોર્ટ સેલર હિન્ડનબર્ગના રિપોર્ટે તેમના આ સપનાંને પત્તાનાં મહેલની માફક વિખેરી નાખ્યું. હિન્ડનબર્ગે આવા રિપોર્ટ પહેલાં બીજી કંપનીઝના પણ બનાવ્યા છે. વળી અદાણી જૂથના એવા બિઝનેસિઝ પણ છે જેના પરફોર્મન્સ સારા છે અને તે તેના બિઝનેસિઝ અને સર્વિસિઝના દેવા ભરપાઇ કરવા સક્ષમ છે, પણ અહીં સવાલ એ છે કે અપારદર્શક કોર્પોરેટ વર્કિંગમાં ખોટી રીતે શૅરને આસમાને પહોંચાડાયો અને કોઇએ તેની પર સવાલ પણ ન કર્યો.
હિન્ડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યો અને અદાણી ગ્રૂપના શૅરનો ભાગ ગગડ્યો. 66 બિલિયન ડૉલર્સનું નુકસાન થયું અને અદાણીની નેટ વર્થ પણ હતી ન હતી થઇ ગઇ. ગણતરીના કલાકોમાં ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં પણ નીચે ઉતરી ગયા. 20 હજાર કરોડની ફોલો ઓન પબ્લિક ઑફર(FPO)માં રોકાણકારોએ રોકેલા પૈસા પાછા આપવાની બુધવારની મોડી રાતની અદાણી જૂથની જાહેરાત કોર્પોરેટ વિશ્વની ઐતિહાસિક ઘટના જ કહેવાય. અદાણી જૂથે માર્કેટની અસ્થિરતા અને સંવેદનશીલતાને પગલે FPO રદ્દ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું. વળી એમ પણ ઉમેર્યું કે આમ કરવું તેમને નૈતિક રીતે યોગ્ય લાગ્યું જો કે આ શૅરના મુદ્દે તેમની ભાવિ યોજનાઓમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો.
અબુ ધાબીના ફંડ્ઝ અને અન્ય ભારતીય કરોડપતિઓની મદદથી ભંડોળ એકઠું કરીને જે યોજનાને સફળ બનાવાઇ હતી સફળતાના બીજા જ દિવસે 28 ટકાનો ફટકો ન ઝીલી શકી. હિન્ડનબર્ગે તો તેના રિપોર્ટમાં અદાણીને કોર્પોરેટના ઇતિહાસની સૌથી મોટી છેતરપિંડી કરનાર જૂથમાં ખપાવ્યું છે. જો કે હિન્ડનબર્ગ ગ્રૂપે આ પ્રકારના રિપોર્ટ પહેલા બીજી કંપનીઓ માટે પણ જાહેર કર્યા છે કારણ કે આ કરવું તેમનું કામ છે.
અત્યાર સુધી નરેન્દ્ર મોદી સાથેની ઘનિષ્ઠતાને કારણે અવાર-નવાર સમાચારોમાં ઝળકેલા ગૌતમ અદાણીને રાજકીય ફેવર્સ પણ મળી છે જે તે સ્વીકારતા નથી. રોકાણકારોથી માંડીને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સની મદદ અદાણી ગ્રૂપને હંમેશાં મળી છે. બોર્ડરલેસ મની – એટલે ગોલ્બલ પેમેન્ટ સોલ્યુશન જેનાથી પૈસા ફેરવવા સાવ સહેલા થઇ જાય કારણ કે એ એક વિકેન્દ્રિત ફાઇનાન્સ પ્રોટોકોલ છે જેના મારફતે સોશ્યલ રોકાણો થાય છે. પરંતુ બોર્ડરલેસ મનીની આ જ તાકત છે – તે વિશ્વના સૌથી ધનિક ગણાતા માણસના પગ તળેથી 8,000 કિલોમીટર દૂરથી ય જમીન ખસેડી શકે છે.
અદાણી જૂથ સામે હિન્ડનબર્ગની આ લડાઇએ આપણને આર્થિક વૈશ્વિકરણના બોધપાઠ શીખવ્યા છે. હિન્ડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યો પછી થોડા દિવસ તો અદાણી જૂથ ‘ડિનાયલ’ એટલે કે અસ્વીકારમાં રહ્યું કે તેમને સ્ટૉક પ્રાઇઝને મામલે કોઇ પણ ચેડાં કર્યા છે, કોઇ પણ છેતરપીંડી પણ થઇ હોવાની વાતને રદિયો આપ્યો એમાં પછી ફોલો-ઓન પબ્લિક ઑફરનું પગલું તો લેવાયું જ. અદાણી જૂથનો આ જ આત્મવિશ્વાસ અને શૅરનું વેચાણ હિન્ડનબર્ગના રિપોર્ટમાં કહેવાયેલી વાતોની નક્કરતા સાબિત કરવાનું માધ્યમ બની ગયા. ગૌતમ અદાણી પાસે બચાવના કીમિયા ખૂટી પડ્યા, રોકાણકારોને 400 પાનાંથી વધુ પાનાંની ચોખવટ પણ ગળે ન ઊતરી, અદાણી જૂથના ચિફ ફાઇનાન્શિયલ ઑફિસરે રાષ્ટ્રવાદનું ગાન ગાયું અને અદાણી જૂથ પર આંગળી ઉઠાવવી દેશ વિરોધી ગણાય પ્રકારની વાતો કરી, હિન્ડનબર્ગના રિપોર્ટને સામ્રાજ્યવાદી અંગ્રેજોએ કરેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડ સાથે સરખાવ્યો. આટલી બધી કાગારોળ પછી પણ સ્ટૉકનો ભાવ ગગડ્યો પણ અદાણીએ ફોલો ઓન ઓફર પાછી ન ખેંચી, ભાવ ઘટાડાનું જોખમ પણ વહોર્યું. બીજા ધનિકોની મદદથી જોર લગાડ્યું અને રિટેલ ઇન્વેસ્ટરે તેમને માટે અનામત રખાયેલા 12 ટકા શેર જ ખરીદ્યા. જરાક સફળ કહી શકાય તેવા શૅર વધારે મ્હોં ભેર પછડાયા જ્યારે ક્રેડિટ સુઇસ ગ્રૂપ એ.જી. અને સિટી બેંકે અદાણી કંપનીના બોન્ડ્ઝ ખાનગી બેંકિંગ ક્લાયન્ટ્સ માટેની માર્જિન લોન્સ માટે સ્વીકારવાનું બંધ કર્યું હોવાની જાહેરાત કરી. આખરે અદાણી એન્ટરપ્રાઇઝનો સ્ટૉક દિવસને અંતે 28 ટકા નીચે ધસી ગયો અને બંદરો – એરપોર્ટ્સના માલિક અદાણીએ ફોલો-ઓન ઑફર પાછી ખેંચી લીધી. અદાણીના ખાનગી ઑફ શોર ટ્રસ્ટ્સ, ઑફ શોર કંપનીઝ, મોરેશિયસ ફંડ્ઝ અને શેલ એન્ટિટિઝમાં કઇ રીતે અદાણી જૂથના પૈસા ફરતા હતા તેની વાસ્તવિકતાઓ ઉઘાડી પડી ગઇ છે.
અદાણી અને વિવાદને સારી પેઠે બને છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તાજેતરમાં તો કેરળના માછીમારો અદાણીને માથે માછલાં ધોવા બેઠા હતા કારણ કે ત્યાં 900 મિલિયન ડોલર્સને ખર્ચે બંદરનું બાંધકામ ચાલી રહ્યું હતું અને આ વિરોધ પ્રદર્શનો સામે ગૌતમ અદાણીએ માછીમારોના નેતાઓ અને કેરળ રાજ્ય સરકાર સામે કેસ માંડ્યો. વળી ઑસ્ટ્રેલિયામાં પણ પર્યાવરણવાદીઓએ વર્ષો સુધી અદાણીના કારમાઇકલ કોલ માઇન પ્રોજેક્ટનો ભારે વિરોધ કર્યો જેના કારણે ગ્રેટ બેરિયર રીફને નુકસાન થઇ રહ્યું હતું અને કાર્બનનો ફેલોવા પણ મોટા પ્રમાણમાં થાય તેમ હતું.
એફ.પી.ઓ. પાછો ખેંચાયા પછી અબુ ધાબીના આઇ.એચ.સી.ને અદાણી ગ્રૂપના એફ.પી.ઓ.માં રોકાયેલા 400 મિલિયન ડૉલર્સ પાછા અપાયા, બાંગ્લાદેશે અદાણી પાવરને 2017ના એક્સેસિવ પ્રાઇસિંગના પેક્ટની પુનઃચકાસણી કરવા કહ્યું છે, અદાણીના શૅરની માર્કેટ વેલ્યુ અત્યાર સુધીની સૌથી નીચા સ્તરે છે, એસ.બી.આઇ. પાસેથી અદાણીને મળેલી 2.6 બિલિયન ડૉલર્સની લોન પણ ચર્ચામાં, રિઝર્વ બેંકે પણ બીજી બેંક્સ પાસેથી અદાણી ગ્રૂપ સાથેની તેમની કડીઓ જાહેર કરવા માંગ કરી છે – વિરોધ પક્ષે પણ હોબાળો કર્યો છે અને તપાસની માંગ કરી છે.
સત્યમ કૌભાંડ પણ તોતિંગ કૌભાંડ હતું અને તેના પ્રમોટર રાજુએ જેલવાસ પણ ભોગવ્યો. અદાણી જૂથનો આ ક્રેશ એશિયાનો સૌથી ઐતિહાસિક ક્રેશ ગણાય. આપણે ત્યાં કોર્પોરેટ ગવર્નન્સ પર સરકારી નિયમન એજન્સીની નજર હોવી જરૂરી છે. અદાણી જૂથના શૅરની કિંમતો ઇન્ફ્લેટેડ હતી તે બધા જાણતા જ હતા પણ આપણા દેશની નિયમનકારી સંસ્થાઓ હિન્ડનબર્ગના રિપોર્ટ પછી જાગે એની પાછળ કયા પરિબળો જવાબદાર છે? આ લખાઇ રહ્યું છે ત્યારે અદાણી જૂથના માર્કેટ લોસિઝનો આંકડો અંદાજે 100 બિલિયન ડૉલર્સ જેટલો થયો છે.
બાય ધી વેઃ
શૅરના વેચાણથી આવનારાં નાણાંથી અદાણી જૂથ જે નાણાંકીય ખર્ચ કે દેવાઓ ભરી દેવાનું પ્લાનિંગ કરીને બેઠું હતું તે અત્યારે હવામાં છે. કેન્દ્ર સરકાર અને અદાણી વચ્ચેના સંબંધો હવે કેવા હશે? નરેન્દ્ર મોદીને અદાણીને માથે ચડાવવાની ભૂલને લીધે કંઇ ભોગવવાનું આવશે? આ બધા સવાલોના જવાબ વખત આવ્યે જ મળશે. અદાણીનું જે થવાનું હશે એ થશે પણ વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય રોકાણકારો ભારતમાં રોકાણ કરતાં પહેલાં ચાર વાર વિચારશે એ ચોક્કસ, જેમણે રોકાણ કર્યા હશે તે પોતાની મિલકતોનું પુનઃમુલ્યાંકન પણ કરશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 05 ફેબ્રુઆરી 2023