ખબર નથી કેમ આ વિશ્વાસ તૂટ્યો કે તૂટી ગયો. કેટલો ભરોસો હતો ! સંપૂર્ણ જવાબદારીથી આ દાયિત્વ નિભાવવામાં આવતું હતું. પરંતુ દરેક વાસણમાંનું પાણી જેમનું તેમ ભરેલું રહે છે; પક્ષીઓ આવે, દૂરથી જુએ, તેમાંનું કોઈક વળી આ વાસણો પાસે પણ આવે પરંતુ કોઈ પણ આ પાણીમાં પોતાની ચાંચ નથી ડુબાડતું. વાસણોમાંનું પાણી અમે રોજ બદલી નાંખતા, તેની આસપાસ થોડા દાણા, ચણ, રોટલીના નાના ટુકડા પણ નાંખતા, પરંતુ પાણીની જેમ એ પણ વણસ્પર્શ્યા જ પડી રહેતા. હા, કીડીઓ એ બધા ટુકડાઓની આસપાસ ભેગી થઈ જાય છે ખરી ….
પક્ષીઓની આ ઉદાસીનતા ખૂબ જ ચિંતાજનક અને દુ:ખદ બની રહી છે. આખો દિવસ, આખી રાત એ વિચારમાં વીતી જાય છે કે આ શકોરાઓમાં ભરેલું પાણી પક્ષીઓ પીતાં કેમ નથી ? દાણા ચણતાં કેમ નથી? શું તેમને તરસ નથી લાગતી કે તેમને હવે પાણીની જરૂર જ નથી રહી? પરંતુ એવું તો કંઈ હોઈ શકે કે આ પરિંદાઓને પાણીની જરૂર ન રહે? તેમને તો પાણીની જરૂર વધુમાં વધુ હોય છે. જીવ-વિજ્ઞાનમાં વાંચ્યું હતું કે પક્ષીઓનું શરીર ગરમ લોહી વાળું હોય છે. તેથી તેમને દરેક ઊડાન પછી પાણીની જરૂર રહે છે. પાણી વગર તેમનું જીવન શક્ય જ નથી.
આસપાસ તપાસ કરી કે ક્યાંક કોઈએ દાણા-પાણીની વ્યવસ્થા તો નથી કરી ને, જ્યાં પક્ષીઓ દાણા ચણવા જતાં હોય અને પાણી પીતાં હોય ? પરંતુ ના, ક્યાં ય કોઈએ શકોરાં કે બીજાં કોઈ વાસણોમાં ન તો પાણી મૂક્યું છે, ન કોઈ તેમને દાણા નાંખે છે, તો ? થયું છે શું ?
કેટલો બેચેન છું હું ! તેમની ભાષા, તેમની જરૂરિયાત, એમના કિલકિલાટમાંથી વ્યક્ત થતો એમનો આનંદ, એમની ચીસો, એમના આર્તનાદ – આ બધાને હું કેવી રીતે સમજું ? વિશ્વવિદ્યાલયોની ડિગ્રી, જ્ઞાન-વિજ્ઞાન એ બધું જ આ પક્ષીઓની સામે કેટલાં વામણાં છે ! આ પક્ષીઓ આપણે વિશે શું વિચારતાં હશે તે જાણવા માંગું છું. પરંતુ કેવી રીતે ?
ક્યાંક એવું તો નથી ને કે આપણે જે રીતે તેમની દુનિયાને ઉજાડી દીધી છે, તેમના માળા, તેમનાં વૃક્ષો, તેમનાં જળાશયો, તેમની હરિયાળી બધું ખતમ કરી દીધું. આખા આકાશમાં ધુમાડો અને ઝેર ભરી દીધાં, પર્યાવરણને જ્વાળામુખી બનાવી દીધું. નદી-નહેર, કૂવા, વાવમાં પણ ઝેર વહાવડાવ્યું છે, તેનાથી નારાજ પરિંદાઓનો આ સત્યાગ્રહ છે ? વાદળોમાંથી આવનારાં પાણીનાં નિર્દોષ ટીપાં, માનવે પ્રદૂષિત કરેલી હવામાંથી પસાર થઈને આવતાં ઝેર વરસાવે છે, તેનો ગુસ્સો તો આ પક્ષીઓ નથી કાઢી રહ્યાં ને ? આ પક્ષીઓનો ‘સવિનય આજ્ઞાભંગ આંદોલન’ તો નથી ને ? હું બેહદ ચિંતિત છું. કહેવા માંગું છું, બૂમ પાડીને કહેવા માંગું છું કે હે પક્ષીઓ તમે જરૂર આવજો ! શકોરાં(વાસણો)માં ભરેલું પાણી તમારું છે, દાણે દાણે તમારું નામ લખાયેલું છે. તમને મારા ઘરના છજ્જાઓ પર, આંગણામાં જોવા માંગું છું. રોજ રોજ હું પાણીનાં શકોરાં ભરું છું, દાણા નાંખું છું, તમારી વાટ જોઉં છું. હું પોતાની જિંદગીના વિશ્વાસને વારંવાર, રોજ જીવવા માંગું છું.
પરંતુ હું ન બોલી શકું છું, ન બૂમ પાડી શકું છું. હું જાણું છું કે હવામાં ઝેર ઘોળાયેલું છે; ટી.વી., મોબાઈલના તરંગોનું દુષચક્ર બિછાવાયેલું છે. પાણીમાં એટલી જાતનાં પ્રદૂષકો છે જેને કારણે પાણી પીવાલાયક રહ્યું નથી. જે દાણા તમને નાંખું છું તે પણ જાણે રસાયણોથી ભરેલા વિકૃત ખજાના છે ! કેવી રીતે કહું કે તમે જરૂર આવજો ? હે પક્ષીઓ તમે હમણાં નહીં આવતાં !! આ દુનિયાને તમારે લાયક બનાવું પછી તમે આવજો !!
પરંતુ હું કેટલો ભોળો, કેટલો મૂરખ છું, જે એક અસંભવ-શું આશ્વાસન આપી રહ્યો છું. ના, મારો આત્મા કહે છે કે પક્ષીઓ, હવે આશ્વાસનો પર ભરોસો નહીં કરતાં … હું એક માનવી છું. બીજું કંઈ ન કરી શકું તો એક વધુ સારી દુનિયામાં તમારા હોવાનું સપનું તો જોઈ શકું ને. તેથી ધડકતા સ્વરે ભલે પરંતુ મારા કલેજામાં જેટલું જોર છે તે બધું લગાવીને તમને પોકાર કરું છું :
હે ચકલી … હે ચકલીઓ …. હે પક્ષીઓ …. તમે જરૂર આવજો. આવીને ઘર-ઘરના દરેક ખૂણાને તમારા ગુંજનથી ભરી દેજો. આખું વિશ્વ તમારા કિલકિલાટથી ભરાઈ જાય અને મારાં, તેમનાં, આપનાં સહુનાં બાળકોની કિલકારીઓ તેમાં ભળી જાય તેવી આશા રાખું છું. હા, જરૂર આવજો કારણ કે આ બધો મેલ, આ સમગ્ર વિશ્વ, મન-વચનમાં ભરાયેલો અંધકાર તમે જ, માત્ર તમારો કિલકિલાટ જ તેને દૂર કરી શકશે !
હે પક્ષીઓ, હે ચકલીઓ તમે જ્યાં પણ હો ત્યાંથી વળીને પાછાં જરૂર આવજો !
(‘ગાંધીમાર્ગ’માંથી સાભાર અનુવાદિત)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 11