પટણા જતી બસની છેલ્લી લાંબી સીટ પર રમા અને રાધિકા બેઠાં હતાં. આમ તો વચ્ચેની ઘણી સીટ ખાલી હતી પણ આ મા-દીકરીમાં ત્યાં બેસવાની હિંમત નહોતી. માના ખોળામાં સૂતેલી રાધિકાની આંખ તો મીંચાઈ ગઈ પણ રમાને ઊંઘ ક્યાંથી આવે? જ્યાં કામ કરતી હતી એ ઘરે વિનંતી કરી ત્યારે માંડ પટણા જવા માટે ત્રણસો રૂપિયા મળ્યા હતા. કોઈ આ પૈસા પડાવી લે તો? ના ભાઈ ના, એના કરતાં જાગતા રહેવું સારું.
રાધિકાના મોં પર આવેલી લટ સરખી કરતાં એને બળવંત યાદ આવ્યો. એ ય તે આવો જ દેખાવડો હતો. એટલે જ તો રમાને ચીડવવા કહેતો,
“ગામની કેટલી ય છોકરીઓ મારી પર મરી ફીટતી, પણ કોણ જાણે કેમ હું તને પરણવાની ભૂલ કરી બેઠો!” રમા ય એને ધબ્બો મારીને ખોટો ખોટો ગુસ્સો કરતી. કેવા મજાના એ દિવસો હતા ને કેવો સુખી સંસાર! બાકી હતું તે રૂડી રૂપાળી દીકરી જન્મી! પણ એ દિવસો ઝાઝું ના ટક્યા. બળવંત એવી ખોટે સોબતે ચઢી ગયો કે, અંદર-બહારથી સાવ ખોખલો થઈ ગયો. લાખ પ્રયત્ને પણ રમા એને બચાવી ન શકી. એ ગયો ને રમા માટે કઠણાઈના દિવસો શરૂ થયા.
પારકાં કામ કરીને રાધીને મોટી તો કરવા માંડી પણ એને ભણાવવાની રમાની તીવ્ર ઇચ્છા હતી એ પૂરી શી રીતે કરવી? એ તો ભલું થાજો શ્યામબાબુનું જેમણે આશ્રમશાળાનું સરનામું આપ્યું જ્યાં ભણીને રાધિકા આજે બારમી પાસ થઈ ગઈ હતી. ઈ સ્કૂલમાં મૂકી તે દી શ્યામબાબુએ બહુ હિંમત આપેલી, “રમા, તારા આખા ય ગામમાંથી તું પહેલી એવી મા છે જે દીકરીને ભણવા લઈ આવી છે. જોજે, રાધી ભણીને તારું નામ ઉજાળશે.”
રાધીએ આર્મીમાં ભરતી થવાનું નક્કી કરેલું. જાતે જ બધી તપાસ કરેલી, ફોરમ ભરેલા અને પહેલી પરીક્ષા પાસ પણ કરેલી. છોકરીએ રાત-દિવસ જોયા વિના મહેનત કરેલી, તાલીમ લીધેલી ત્યારે આ દિવસ જોવા મળેલો. આજે આખા દેશમાંથી આવેલી ૨૦૦ છોકરીઓ વચ્ચે થનારી અત્યંત આકરી કસોટીમાંથી પસાર થવા પટણા જઈ રહી છે.
જવાનો દિવસ નજીક આવતો હતો ત્યારે રમાએ અચકાતાં અચકાતાં શેઠાણીને કહેલું, “ભાભી, મારી રાધી લશ્કરની પરીક્ષા આપવા જવાની છે. એમાં બધું જાત જાતનું કરવાનું આવે. દોડવાનું, વજન ઉપાડવાનું, ઊંચો કૂદકો મારવાનો .. કેટલું બધું ? એક મે’રબાની કરશો? આ છોડીઓને અંદર પે’રવાનાં કપડાં આવે ને, ઈ તમારી કને વધારાનાં હોય તો આલસો ?”
માયાએ એક થેલીમાં જૂનાં કપડાં આપતાં કહ્યું હતું, “આ આપું તો છું પણ મારાં માપનાં છે એટલે રાધી માટે દોરા ભરવા પડશે. સાથે એકતાનો ટ્રેક સૂટ પણ મૂક્યો છે. દોડતી વખતે પહેરશે તો એને સારું પડશે.”
આખી રાતની મુસાફરી કરી મા-દીકરી સ્ટેડિયમમાં પહોંચ્યાં ત્યારે બેઉ ડઘાઈ જ ગયાં. કેટલી બધી છોકરીઓ? એમનાં નવાં નક્કોર દોડવાનાં કપડાં ,બ્રાન્ડેડ બૂટ અને આત્મવિશ્વાસથી છલકાતી છોકરીઓ. સ્ટેડિયમનો રખેવાળ મુરારિ બધાંને પાણી પાતો પાતો રાધી પાસે આવ્યો અને પ્રેમથી પૂછ્યું, “બેટા, તરસ લાગી છે? પાણી આપું ?”
રાધીએ ધીમેથી ડોકું ધુણાવ્યું. એને પાણીનો ગ્લાસ આપતાં મુરારિનું ધ્યાન એના પગ પર ગયું. “બેટા, તારા બૂટ ક્યાં?”
“કાકા, મારી પાસે બૂટ નથી. હું તો ખુલ્લા પગે જ દોડું છું.”
“ઓહ, બહુ અઘરું છે બેટા, પણ હિંમત ન હારીશ. એક વાત યાદ રાખજે, દોડવાનું પગથી જ નહીં પણ મનથી અને મગજથી હોય છે.”
એ તો પાણી આપીને ચાલ્યો ગયો પણ એણે કહેલું વાક્ય રાધિકાને હૈયે કોતરાઈ ગયું. એ ક્ષણે જ એણે એકસાથે બે નિર્ણય કરી લીધા. એક – માએ આજ સુધી એના ઉછેર પાછળ કરેલી મહેનત એળે નથી જવા દેવી અને બે – મન અને મગજથી દોડવું છે.
એક પછી એક કસોટીમાંથી બસોમાંથી જે દસ છોકરીઓ ઉત્તીર્ણ થઈ એમાં રાધિકાનું નામ પણ હતું. છેલ્લી અને સૌથી અઘરી દોડવાની કસોટી શરૂ થઈ. સીટી વાગી. બધાંને પાછળ છોડીને રાધી તીરવેગે દોડી રહી હતી. પગમાંથી લોહી વહી રહ્યું હતું, શ્વાસ ફૂલી રહ્યો હતો પણ એની સામે એક જ લક્ષ હતું – જીત. છેલ્લી વીસેક સેકન્ડ બાકી હશે ને જે ઘટના બની એ સૌ સ્તબ્ધ બનીને જોઈ રહ્યાં. રાધિકાએ પહેરેલા ઢંગધડા વિનાના ટ્રેકસૂટનું પેન્ટ નીચે સરકવા લાગ્યું. મુઠ્ઠી ભીડીને દોડી રહેલી રાધિકાનું એ તરફ ધ્યાન જ નહોતું. એને એક ખૂણામાંથી આવી રહેલો માનો અવાજ સંભળાતો હતો. ‘દોડ રાધી, દોડ. અટકતી નહીં, ગભરાતી નહીં. તારે જીતવાનું છે.’ તો એ સાથે જ બીજા ખૂણામાંથી મુરારિનો અવાજ પણ આવતો હતો, ‘બેટા, દોડ. પગ ભલે થાકે, તારે તો મન અને મગજથી દોડવાનું છે.’
ટાર્ગેટ પાર કરી ગયા પછી રાધીને એકાએક પોતાની હાલતનું ભાન થયું. શરમથી એનો ચહેરો લાલચોળ થઈ ગયો. એ બે હાથમાં મોં છુપાવીને રડી પડી. એની પાસે દોડી આવેલા મુરારિએ પોતાના યુનિફોર્મની પાઘડી ખોલી નાખી અને રાધીની કમરે બાંધતાં એ જોશભેર બોલી ઊઠયો, ‘રાધિકા બેટી, જિંદાબાદ.’ સૌએ એના સૂરમાં સૂર પુરાવ્યો.
સાર્જન્ટ મેજરે રાધિકાને માથે હાથ મૂકીને કહ્યું, ‘પ્રાઉડ ઓફ યુ. મને ઑફિસમાં આવીને મળજે.’
પાછી ફરી રહેલી બસમાં મા-દીકરી બેઠાં ત્યારે રાધિકાના શરીર પર નવો ટ્રેકસૂટ અને પગમાં દોડવા માટેના ખાસ બૂટ હતા. રાધિકાના ખભે માથું મૂકીને જાણે જીવનભરનો થાક ઉતારી રહી હોય એમ રમા નિરાંતે સૂતી હતી પણ રાધીની આંખમાં તો માને રાજરાણી બનાવવાનું સપનું અંજાયેલું હતું. એણે માના ચહેરા પર આવેલા વાળ સરખા કર્યા અને ઝૂકીને માને ચુંબન કર્યું.
એકાએક એનું ધ્યાન ગયું કે અત્યારે એ બંને બસની આગલી સીટ પર બેઠાં હતાં.
(રમેશચંદ્રની હિન્દી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2023; પૃ. 24