જન્મ દિનની મુબારકબાદી પાઠવતા આપણે ‘શતમ્ જીવેમ શરદ:’ કહીએ છીએ. માનવીનું આયુષ્ય સો વરસનું મનાય છે. પરંતુ સો વરસ જીવનારા બહુ ઓછા લોકો હોય છે. દર દસ લાખે જપાનમાં ૪૮૦, ઈટલીમાં ૩૧૫, ચીનમાં ૩૬, અમેરિકામાં ૨૨ અને ભારતમાં ૨૧ લોકો જ સો વરસ જીવે છે. એટલે જન્મ દિને સો શરદ જીવવાની શુભેચ્છા કે આશીર્વાદ આપવામાં આવે છે. દુનિયામાં સૌથી લાંબુ, ૮૫ વરસનું, આયુષ્ય જપાનના લોકોનું છે. જે તે દેશ, સમાજ કે સમૂહમાં વ્યક્તિના જન્મ અને મૃત્યુ દરના આધારે આયુષ્યની આંકણી થાય છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમની આ પ્રકારની ગણનાના આધારે ૨૦૨૨ના મધ્યમાં જાહેર થયેલા ૨૦૧૫-૧૯ના આંકડા મુજબ હવે ભારતીયોનું આયુષ્ય ૬૯.૭ વરસનું થયું છે. ૨૦૦૯-૧૩માં તે ૬૭.૫ વરસ હતું. એટલે એક દાયકામાં આપણી આવરદા બે વરસ વધી છે.
આઝાદી સમયે ૧૯૫૦-૫૧માં ભારતના લોકોનું આયુષ્ય ૩૨.૧ વરસ હતું. સિત્તેર વરસમાં તે બમણા કરતાં વધુ વધીને ૬૯.૭ વરસ થયું તે મોટી સિદ્ધિ છે. ૧૯૫૦-૫૧માં ૩૨.૧, ૧૯૬૦-૬૧માં ૪૧.૩, ૧૯૭૦-૭૫માં ૪૯.૭, ૧૯૮૬-૯૦માં ૫૭.૭, ૧૯૯૫-૯૯માં ૬૧.૫, ૨૦૦૯-૧૩માં ૬૭.૫ અને ૨૦૧૫-૧૯માં ૬૯.૭ વરસનું આયુષ્ય અંદાજવામાં આવ્યું છે. આ આંકડાઓ પરથી જોઈ શકાય છે કે આઝાદી પછીના તરતના દસકોનો લગભગ દસ વરસનો આયુ વધારો ક્રમશ: ઘટતો રહ્યો છે અને છેલ્લા દાયકામાં તો માત્ર બે જ વરસની વૃદ્ધિ થઈ છે !
જ્યારે વૈશ્વિક આયુષ્ય ૭૨.૬ વરસનું છે ત્યારે ભારતીયોનું આયુષ્ય ૬૯.૭ વરસ છે. એશિયા ખંડના અન્ય દેશોમાં જપાનમાં ૮૫, ચીનમાં ૭૬.૯, શ્રીલંકામાં ૭૪, બાંગ્લાદેશમાં ૭૨.૧ અને નેપાળમાં ૭૦.૫ વરસનું આયુષ્ય છે. વૈશ્વિક આવરદા કરતાં ભારતીયોની આવરદા ૨.૯ વરસ ઓછી છે. એટલું જ નહીં એશિયા ખંડના ગરીબ ગણાતા શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ કરતાં પણ ઓછી છે. આ હકીકત વિશ્વગુરુ કે મહાસત્તા બનવા માંગતા ભારત માટે આઘાતજનક નથી શું ? આયુષ્યની બાબતમાં વૈશ્વિક સરેરાશે પહોંચતા હજુ ભારતને વીસેક વરસ લાગશે તેવા અંદાજ પછી તો દેશની વૈશ્વિક સ્તરે ઉભરતી શક્તિની જે છાપ ઊભી થઈ છે તે આભાસી છે કે વાસ્તવિક તેવો સવાલ ઊઠે છે.
ભારતીયોની જે રાષ્ટ્રીય આવરદા આશરે સિત્તેર વરસની અંદાજવામાં આવી છે તેમાં રાજ્ય, શહેરી અને ગ્રામીણ વસ્તી તથા પુરુષ અને મહિલાની દૃષ્ટિએ અંતર જોવા મળે છે. દેશમાં સૌથી વધુ આયુષ્ય ધરાવતા પાંચ રાજ્યોમાં દિલ્હી, કેરળ, જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબ છે. સૌથી ઓછું આયુષ્ય ધરાવતા રાજ્યો છતીસગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અસમ અને રાજસ્થાન છે. સૌથી વધુ આયુષ્ય દિલ્હીના લોકોનું ૭૫.૯ (વૈશ્વિક સરેરાશથી પણ વધુ) વરસ છે. જ્યારે સૌથી ઓછું આયુષ્ય છત્તીસગઢનું ૬૫.૩ વરસ છે. બંને વચ્ચે દસ વરસ કરતાં વધુનો તફાવત છે.
સામાન્ય રીતે ભારતમાં પુરુષોની તુલનામાં મહિલાઓનું આયુષ્ય વધુ જોવા મળે છે. ભારતના લોકોનું જે ૬૯.૭ વરસનું આયુષ્ય છે તેમાં પુરુષોનું ૬૮.૪ અને મહિલાઓનું ૭૧.૧ વરસ છે. દિલ્હીમાં મહિલાનું આયુષ્ય ૭૭.૫ અને પુરુષોનું ૭૪.૩ છે. એટલે દેશમાં અને દેશના સૌથી વધુ આવરદા ધરાવતા રાજ્ય દિલ્હીમાં મહિલાઓ વધુ જીવે છે. પરંતુ સૌથી ઓછી આયુ ધરાવતા છતીસગઢમાં મહિલાઓ (૬૩.૭ વરસ) કરતાં પુરુષો (૬૫.૩ વરસ) વધુ જીવે છે. બિહાર અને ઝારખંડની મહિલાઓ પણ ઓછું આયુષ્ય ધરાવે છે. ગુજરાતના કુલ ૭૦.૨ વરસના આયુષ્યમાં મહિલાઓનું ૭૨.૮ અને પુરુષોનું ૬૭.૯ વરસનું છે.
શહેરી ભારતના ૭૩ વરસના આયુષ્યની સરખામણીએ ગ્રામીણ ભારતનું આયુષ્ય ઓછું એટલે કે ૬૮.૩ વરસ છે. દુનિયા અને ભારતનું સૌથી વધુ વાયુ પ્રદૂષિત શહેર રાજધાની દિલ્હી છે. પરંતુ દિલ્હી રાજ્યના લોકોનું આયુષ્ય દેશમાં સૌથી વધુ છે ! એ જ રીતે શુદ્ધ હવા-પાણી મેળવતા ગામડાંના લોકો કરતાં અશુદ્ધ હવા-પાણીમાં જીવતાં શહેરોના લોકો વધુ જીવતા હોય તે સહેલાઈથી ના ઉકેલી શકાય તેવો કોયડો છે.
ભારતીયોના અલ્પાયુ-દીર્ઘાયુનો આધાર આર્થિક-સામાજિક સ્થિતિ, શિશુ મૃત્યુ દર, કુપોષણ, પ્રસૂતા માતા મૃત્યુ, આરોગ્યની સ્થિતિ અને તબીબી સવલતો સુધીની પહોંચ, પર્યાવરણ, વધુ વસ્તીનું દબાણ, સરકારી નીતિઓ ખાસ કરીને રાજ્યનું આરોગ્ય ખર્ચ તથા જીવનની ગુણવત્તાનો દર કે જીવન જીવવાની સ્થિતિ પર રહેલો છે. ભારતીયોના આયુષ્યમાં નિ:શંક અસામાન્ય વધારો થયો છે પરંતુ તે પર્યાપ્ત નથી.
જન્મ સમયની અને એકથી પાંચ વરસની ઉંમર પછીની આવરદામાં પણ તફાવત જોવા મળે છે. જન્મ સમયની ૬૯.૭ વરસની આવરદા જો બાળકનું ૧થી ૫ વરસમાં મરણ ના થાય તો ૭૧.૩ વરસની થઈ શકે છે. તે પ્રમાણે ૬૦ વરસ પાર કરી ગયેલા લોકો વધુ ૧૮.૩ અને ૭૦ વરસ પછી વધુ ૧૧.૮ વરસ જીવી શકે છે.
વલ્ડ પોપ્યુલેશન રિવ્યુ મુજબ ૧૯૫ દેશોના શિશુ મૃત્યુ દરમાં ભારત ૧૩૮મા ક્રમે છે. ૧૯૭૦માં ભારતમાં દર એક હજારે ૧૩૨ બાળકોના મોત થતા હતા. ૨૦૨૦માં તે ઘટીને ૩૨ અને ૨૦૨૨માં ૨૭.૮ થયા છે. આવરદાની વૃદ્ધિમાં શિશુ મૃત્યુ દર બાધક છે. જેટલા બાળ મરણ વધારે એટલી આવરદા ટૂંકી. ૧૯૯૦માં દર દસ હજારે ૫૫૬ પ્રસૂતાઓના મોત થતાં હતા. ૨૦૧૮માં તે ઘટીને ૧૧૩ થયાં છે. પરંતુ તે લાંબી આવરદા માટે પર્યાપ્ત નથી. પુરુષો કરતાં મહિલાઓને તબીબી સવલતો ઓછી મળે છે, ઘરનું વૈતરું તેના શિરે જ હોય છે અને ખાવાનું પણ પૂરતું મળતું નથી. છતાં તેની જીવટ તેને લાંબુ જીવાડે છે.
વધુ આયુષ્ય ધરાવતા દેશો અને રાજ્યોમાં આરોગ્ય પાછળ થતો ખર્ચ પણ કારણભૂત છે. દિલ્હીના મહોલ્લા ક્લિનિક, કેરળમાં શિક્ષણ અને આરોગ્ય પ્રત્યેની લોક જાગ્રતિ તથા જીવનશૈલીને કારણે આ રાજ્યોના લોકો લાંબુ જીવે છે. અમેરિકા જી.ડી.પી.ના ૧૭.૯ ટકા, ફ્રાન્સ ૧૧.૬ ટકા, જપાન ૯.૩ ટકા, ચીન ૫ ટકા અને ભારત ૩.૯ ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે. જપાનના લોકોના દીર્ધાયુનું કારણ કદાચ જેનેટિક કે નૃવંશીય છે. પરંતુ દુનિયાના વિકસિત દેશોમાં અમેરિકા જ એક માત્ર એવો દેશ છે જેના નાગરિકોનું આયુષ્ય લાંબુ નથી. મરણની જેમ જીવનની રેખા પણ કદાચ રહસ્યમય છે. એટલે ઝાઝું પિષ્ટપેષણ કર્યા વિના જીવનરેખા બે વરસ લંબાઈ છે તો, ચાલો, મોજથી જીવી લઈએ.
e.mail : maheriyachandu@gmail.com