
રાજ ગોસ્વામી
જે વર્ષે અમિતાભ બચ્ચનની પહેલી સુપરહિટ ફિલ્મ ‘ઝંઝીર’ આવી (મે 1973), તેના ત્રણ મહિના પછી જુલાઈમાં ‘અભિમાન’ આવી. નિર્દેશક ઋષિકેશ મુખરજીની અમિતાભ સાથે એ પહેલી ફિલ્મ હતી. તેની પાછળ તરત, ચાર મહિનામાં, ‘નમક હરામ’ આવી. પછી તો ઋષિ’દાએ અમિતાભ સાથે ‘ચુપકે ચુપકે,’ ‘મિલી,’ ‘આલાપ,’ ‘જુર્માના’ અને ‘બેમિસાલ’ પણ આપી હતી. ‘ઝંઝીર’ જેવી મારધાડવાળી એક્શન ફિલ્મ પછી અમિતાભે ઓછા બજેટની, સમાંતર અને ‘સાફ-સુથરી’ ફિલ્મો કરવાનું ચાલુ રાખ્યું હતું, તેની શરૂઆત ‘અભિમાન’થી થઇ હતી.
‘અભિમાન’ એક અસાધારણ ફિલ્મ હતી. ગીત-સંગીતના એક જ વ્યવસાયમાં કામ કરતાં દંપતી વચ્ચે, એકબીજાંની પ્રતિભા અને લોકપ્રિયતાને લઈને અભિમાનની ટક્કર થાય, તેવી વાર્તાનો વિચાર ઋષિકેશ મુખરજીને તો જ આવ્યો હોય, જ્યારે તેમને સિનેમાના પરિવારોની આંતરિક ખટપટોની ખબર હોય. ફિલ્મ એટલી બધી વાસ્તવિક અને પ્રમાણિક લાગતી હતી કે તેની પાછળ કોઈ અસલી દંપતીનો સંદર્ભ ન હોય તો જ નવાઈ. એ વખતે, અને આજે પણ, લોકોને પ્રશ્ન થયો હતો કે આ કોની વાર્તા છે, જેણે ઋષિ’દાએ પરદા પર સાકાર કરી છે.
તેને લઈને બે વાત છે. એક, ઋષિ’દાને આ ફિલ્મની પ્રેરણા સિતારવાદક રવિ શંકર અને તેમની પહેલી પત્ની અન્નપૂર્ણા દેવી વચ્ચેના ગજગ્રાહ પરથી મળી હતી અને બીજી વાત એવી છે કે તેમાં ગાયક કિશોર કુમાર અને તેની પહેલી પત્ની રૂમા દેવીની વાર્તા હતી.
બ્રિટિશ રાજમાં (મધ્ય પ્રદેશના) મૈહર સ્ટેટના મહારાજા બ્રિજનાથ સિંહના દરબારમાં સરોદવાદક બાબા અલ્લાઉદ્દીન ખાનને ત્યાં તાલીમ લેવા આવતા 18 વર્ષના રવિશંકર અને 13 વર્ષની તેમની દીકરી અન્નપૂર્ણાનાં લગ્ન થયાં હતાં. બંને શાસ્ત્રીય સંગીતમાં માહેર હતાં. એટલે જ ભેગાં થયાં હતાં, પરંતુ સમય જતાં એ જ વિખવાદનું કારણ બન્યું. કહેવાય છે કે અન્નપૂર્ણાને રવિશંકર કરતાં વધુ કાર્યક્રમો અને વાહવાહી મળતી હતી.
એમાં રવિશંકરનો ‘પુરુષ અહમ્’ ઘવાયો હતો. પરિણામે, અન્નપૂર્ણા દેવી પંડિતીજીના અને જાહેર જીવનમાંથી ખસતાં ગયાં. ૧૯૬૨માં પંડિતજીથી છૂટા થઈને તેમણે મુંબઈના ફલેટમાં પોતાની જાતને કૈદોબંધ કરી દીધી. ‘માનુષી’નાં નારીવાદી સંપાદક મધુ કિશ્ચર ટ્વિટર પર લખે છે કે, “રવિશંકરે અન્નપૂર્ણાની સંગીતની કારકિર્દી બરબાદ કરી નાખેલી. એ પંડિત કરતાં ય પ્રતિભાવાન હતાં અને એક કાર્યક્રમમાં તો પંડિતે ક્રૂરતાથી એમને ઘસીટ્યાં હતાં. એ દિવસથી એમણે કાર્યક્રમ બંધ કરી દીધા.”
‘અભિમાન’માં આવી જ વાર્તા હતી. એક પ્રોફેશનલ ગાયક સુબિર (અમિતાભ) ગામડાની ગોરી ઉમા(જયા બચ્ચન)ને મળે છે અને તેની પ્રકૃતિદત્ત ગાયકીથી આકર્ષાઈને લગ્ન કરે છે. લગ્ન પછી, ઉમાની કારકિર્દી રંગ લાવે છે અને સુબિરની કારકિર્દી ગબડવા લાગે છે. એમાં એનો અહંકાર ઘવાય છે અને લગ્નમાં ખટરાગ શરૂ થાય છે. પરિણામે, ઉમા ગાવાનું છોડીને પાછી પિયર જતી રહે છે.
ગુજરાતી લેખક-કાર્ટૂનિસ્ટ આબિદ સુરતીના પુત્ર આલિફ સુરતીએ, 2002માં ‘મેન્સ વર્લ્ડ’ નામના અંગ્રેજી સામાયિક માટે અન્નપૂર્ણા દેવીનો એક દુર્લભ ઈન્ટરવ્યુ કર્યો હતો (અન્નપૂર્ણા દેવી ન તો એ ફ્લેટમાંથી બહાર આવતાં હતાં કે ન તો કોઈને મળતાં હતાં). એમાં તેમણે કહ્યું હતું કે, “હું જ્યારે પરફોર્મ કરતી અને લોકો દાદ આપતા હતા તે પંડિતજીને ગમતું નહોતું. મને તો આમ પણ પરફોર્મ કરવામાં કોઈ રસ નહોતો એટલે મેં બંધ કરી દીધું અને સાધના ચાલુ રાખી.”
સુરતી લખે છે કે “‘અભિમાન’ ફિલ્મ શરૂ કરતાં પહેલાં ઋષિકેશ મુખરજીએ અન્નપૂર્ણા દેવી સાથે વાર્તાની ચર્ચા કરી હતી. ફિલ્મમાં તો દંપતી પાછાં ભેગાં થાય છે, પણ અસલ જીવનમાં રવિશંકર અને અન્નપૂર્ણા દેવીએ છૂટાછેડા લઇ લીધા હતા. લગ્નને બચાવવા માટે દેવીએ બાબા અને શારદા માતાની પ્રતિમા સમક્ષ પણ મુક્યું હતું કે તે ક્યારે ય જાહેરમાં પરફોર્મ નહીં કરે. જો કે એ બલિદાન પણ લગ્નને બચાવી શક્યું નહોતું.”
વરિષ્ઠ ફિલ્મ-પત્રકાર રાજુ ભારતનનો દાવો એવો છે કે ‘અભિમાન’ની વાર્તા કિશોર કુમાર અને રૂમા દેવી પર આધારિત હતી. એક જગ્યાએ તે લખે છે, “આપણે જાણીએ છીએ તે પ્રમાણે, કિશોરની પત્ની (અમિતની માતા) રૂમા કૈં ઓછી પ્રતિભાશાળી નહોતી. કિશોરને તેની કારકિર્દીની શરૂઆતમાં સંઘર્ષ કરવો પડ્યો હતો, પણ તેને એ ખબર હતી કે રૂમામાં કુદરતી રીતે જ સંગીતની પ્રતિભા હતી. ઋષિ’દા એક અચ્છા વાર્તાકાર હતા અને તેમણે આ વિષયને પકડીને ‘અભિમાન’માં સરસ વાર્તા ઘડી હતી.”
કિશોર કુમાર તો ખેર મોટા ભાઈ અશોક કુમારની દેખાદેખી ફિલ્મોમાં આવ્યો હતો, પણ સંગીત તો રૂમા દેવી ઠાકુરતાના પરિવારમાં જ હતું. તેની માતા સત્યજીત રેના સંબંધમાં હતી. રૂમા નાનપણથી નૃત્ય શીખી હતી. તેણે દિલીપ કુમારની પહેલી ફિલ્મ ‘જ્વાર ભાટા’માં કામ કર્યું હતું. 1951માં, કિશોર સાથે લગ્ન કરીને તે મુંબઈ આવી હતી, પણ 8 વર્ષ પછી છૂટાછેડા લઈને પાછી કલકત્તા જતી રહી હતી. એવું કહેવાય છે કે રૂમા કારકિર્દી પસંદ સ્ત્રી હતી અને કિશોરને ‘ઘરેલું પત્ની’ જોઈતી હતી, એમાં બંને વચ્ચે વાંકું પડ્યું હતું.
રવિશંકર-અન્નપૂર્ણા અને કિશોર-રૂમાના લગ્નમાં આમ ઘણું સામ્ય હતું અને બની શકે કે ઋષિ’દાને આ બંને પરથી જ ફિલ્મ બનાવાનો વિચાર આવ્યો હોય. એ જે હોય તે, પણ ‘અભિમાન’માં તેમણે વૈવાહિક સંબંધની જટિલતાને નારીવાદી દૃષ્ટિકોણથી જે રીતે પેશ કરી હતી તેને દર્શકોએ બહુ સરાહના કરી હતી. એક તો તેની વાર્તા ખૂબ સશક્ત હતી, બીજું તેના મુખ્ય કલાકારો(અમિતાભ, જયા, બિંદુ, અસરાની, એ.કે. હંગલ, દુર્ગા ખોટે)એ ઉમદા અભિનય કર્યો હતો અને ત્રીજું તેનું સંગીત (સચિન દેવ બર્મન) લાજવાબ હતું. ફિલ્મને 1974નો બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ મ્યુઝિક અને બેસ્ટ સપોર્ટીંગ એક્ટર અને એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
અમિતાભ અને જયાનાં લગ્ન થયાને થોડા જ મહિનામાં ફિલ્મ રિલીઝ થઇ હતી અને ફિલ્મમાં પણ નવવિવાહિત દંપતીની જ વાત હતી એટલે ફિલ્મની વાસ્તવિકતા વધુ નીખરી હતી. ખાસ કરીને એમાં સુબિરના ‘પુરુષ અહમ્’ જે રીતે પેશ કરવામાં આવ્યો હતો તેનાથી લોકોને લાગ્યું હતું કે કારકિર્દી પસંદ પુરુષો આવા જ હોય છે અને પત્નીઓએ તેમનો પડછાયો બનીને જ રહેવું પડે છે. પત્નીની એ મજબૂરીને મજરૂહ સુલતાનપુરીએ ખૂબસુરત રીતે આ શબ્દોમાં વ્યક્ત કરી હતી;
પિયા એસે રૂઠે, કે હોંઠોં સે મેરે, સંગીત રુઢા
કભી જબ મૈ ગાઉં, લગે મેરે મન કા, હર ગીત જૂઠા
એસે બિછડે, હો … એસે બિછડે મોસે રસિયા
પિયા બિના, પિયા બિના પિયા બિના, બસિયા
ફિલ્મમાં અભિમાનની લડાઈ એટલી તીવ્ર હતી કે એક ચાહક ઉમાને જોઇને જોરથી ‘રાધા … રા આ આ ધા’ બોલે છે ત્યારે ઈર્ષાથી સળગી ઊઠેલો સુબિર દાઢમાં બોલે છે, “વાહ, ક્યા ક્લાસિક નામ હૈ!” એવી રીતે સુબિર ઉમાને પૂછે છે કે તને મારાં ગીત ગમે છે? ત્યારે ઉમા તેનાં ગીતોને ‘હા હૂ, ચીખના ચિલ્લાના’ જેવાં ગણાવે છે. ત્રીજા એક દૃશ્યમાં સુબિર તેની દોસ્ત ચિત્રા(બિંદુ)ને ત્યાં શરાબના પેગમાં તેના દુઃખને ડુબાડતો હોય છે ત્યારે કહે છે, “પહેલે અકેલા થા, અબ ભી અકેલા હૂં.”
ઋષિ’દાએ ફિલ્મ નકારાત્મક ન બની જાય એટલા માટે પિયર જતી રહેલી ઉમાને ગર્ભપાત થઇ જાય છે અને સુબિરનું હૃદય પરિવર્તન થાય છે તેવો અંત મૂકીને ફિલ્મને પાછી પારિવારિક ફિલ્મોના પાટે ચઢાવી હતી. એમાં પણ એક ગીતમાં મજરૂહ સા’બ અને બર્મન’દાએ કમાલ કરી હતી. ફિલ્મની શરૂઆત કિશોર કુમારના સોલો ગીત ‘મિત ના મિલા રે મન કા’ ગીતથી થાય છે (જે ઉમાને મન ‘ચીખના ચિલ્લાના’વાળું ગીત છે) અને ફિલ્મનો અંત કિશોર-લતાના ડ્યુએટથી થાય છે. એમાં પતિ-પત્નીનું પુર્નમિલન તો છે જે, ઉમાની ગાયકીની વાપસી પણ છે. એમાં સુબિર ગાય છે;
તેરે મેરે મિલન કી યે રૈના, નયા કોઈ ગુલ ખીલાયેગી
તેનો સાથ આપીને ઉમા કહે છે;
નન્હા સા ગુલ ખીલેગા અંગના, સૂની બૈયા સજેગી સજના
આ એક પંક્તિમાં સૂના હાથ ફરીથી સજાવાનો અને એક નવા જીવનને શરૂ કરવાનો આશાવાદ હતો. એ ‘અભિમાન’નો અંત પણ હતો.
(પ્રગટ : ‘સુપર હિટ’ નામક કોલમ, “સંદેશ”, 01 ફેબ્રુઆરી 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર