
રવીન્દ્ર પારેખ
‘તારે, યાર, સારું છે’, ‘તને તો કોઈ પૂછનાર જ નથી, જ્યારે મારે તો ડગલે ને પગલે હિસાબ આપવાનો’, મને એ નથી સમજાતું કે આટલા પગારમાં તું મેનેજ કઇ રીતે કરે છે? મારે તો લાખ રૂપિયા પગાર છે ને અમે બંને કમાઈએ છીએ, તો ય પૂરું પડતું નથી’, જેવી વાતો આપણે કાને અથડાતી રહે છે ને આપણને એમ લાગે છે કે આપણી ફ્રેન્ડ કે આપણો ફ્રેન્ડ સુખી છે ને આપણા જેવું દુ:ખી જગતમાં બીજું કોઈ નથી. આપણને હંમેશ સુખ સામે જ વસતું લાગે છે. જે કૈં સારું છે તે સામેવાળાનાં ઘરમાં છે ને નથી તે આપણાં ઘરમાં છે. છત સામે ને અછત આપણે ત્યાં-એવું માનનારો મોટો વર્ગ છે. ખાસ કરીને સ્ત્રીઓને અસંતોષ મોટાં પ્રમાણમાં રહેતો હોય છે. સામેવાળાં બહેનને ત્યાં તો કાર આવી ને આપણે ત્યાં તો સ્કૂટર પણ ઠાઠિયાં જેવું ! સામેવાળાં બહેને તો સોનાનાં પાટલા કરાવ્યાં ને મારે તો કાચની બંગડીઓ ય આજ તૂટું ને કાલ ફૂટું જેવી ! સામે તો રોજ બાસમતી થાય ને આપણે તો કણકીનાં ય ઠેકાણાં નહીં – જેવી ઘણી ફરિયાદો ગૃહિણીઓ કરતી રહે છે, એની સરખામણીએ પતિદેવોની ફરિયાદો ઓછી હોય છે, એનો અર્થ એવો નહીં કે તેઓ સંતોષી છે. તેઓ બોલતાં નથી એટલું જ, બાકી સુખ-સગવડો તો તેમને ય ગમે છે. સ્ત્રીઓની સરખામણીએ નફાખોર માનસ પુરુષોનું હોઈ શકે છે.
એક બાબત સ્પષ્ટ છે કે દરેકમાં જેમ દોષ દેખાય એમ જ ઘણાં દોષરહિત પણ હોય છે. એ સ્વીકારીને જ ચાલવાનું રહે. કદાચ માણસ માત્રની પ્રકૃતિ લોભની રહી છે. કોઈ વાતનો અસંતોષ, વધુ મહેનત કરવા પ્રેરે ત્યાં સુધી તો ઠીક છે, પણ ઘણીવાર તે ઈર્ષા ને હિંસક સ્પર્ધા સુધી વિકસે તો વિચારવાનું રહે. કોણ જાણે કેમ પણ આ સમય સૌથી વધુ લોભ અને દેખાડાનો સમય છે. કોઈનું પણ હડપ કરી જવું કે કોઈને છેતરીને ગજવાં ભરવાં એ જ હેતુ હોય છે. પોતાની પાસે આટલું બધું છે, એ બતાવવાની એક પણ તક નાનેથી માંડીને મોટા સેલેબ્સ સુધીના કોઈ પણ છોડતાં નથી. કેક પણ હવે તલવારથી કપાય છે, ત્યારે થાય કે એ તે કેક છે કે દુશ્મન? આપણા આનંદ પણ હવે હિંસક માનસિક્તાનો પડઘો પાડતા થઈ ગયા છે.
સંપત્તિનો ફુગાવો આમ તો કોઈ છૂપા ગુનાનો જ સંકેત આપતો હોય છે. એ બધું પ્રમાણિકતાથી, મહેનતથી, નિષ્ઠાથી મેળવાયું હોય એવું અપવાદોમાં જ હશે, બાકી કોઈકને કોઈક રીતે તો એમાંથી કોઈ નિર્દોષનું લોહી ટપકતું હોવાની શક્યતાઓ જ વધુ છે. એમ લાગે છે કે મૂલ્યો ને આદર્શો આઉટ ડેટેડ થઈ ગયાં છે. સંપત્તિનાં સોર્સ હવે પ્રમાણિક રહ્યાં નથી. બધું જ ‘અતિ’ થઈ રહ્યું છે, તે ત્યાં સુધી કે સેલ્ફી કે મોબાઇલના ફોટોગ્રાફ્સ કે વીડિયોમાં પણ અતિરેક જ વધુ જણાય છે. આવો અતિરેક જ્યાં પણ જોવા મળે છે ત્યાં જેમની પાસે નથી એ વર્ગ વધુ લઘુતાથી પીડાતો હોય છે. એ સામેવાળા પાસે ઘણું છે ને પોતાની પાસે ઓછું છે એ ભાવને સપાટી પર લાવી દે છે. એને લીધે સામેવાળાને સારું છે ને પોતાને નથી, એ ભાવ બળકટ થતો જાય છે. ઘણીવાર તો દુ:ખનું કે અછતનું કારણ જ સામેવાળો લાગે છે, પણ મોટે ભાગે એ પારકે ભાણે મોટો લાડુ – જેવું જ વધારે હોય છે. સાચું તો એ છે કે સામેવાળો પણ દુ:ખનો સામનો કોઈક રીતે કરતો જ હોય છે, પણ આપણને તેની ખબર પડતી નથી. આપણને દેખાય છે તે તો તેનું બહારથી દેખાતું સુખ જ !
ખરેખર તો સાધારણ વ્યક્તિ તરીકે આપણે, આપણી મર્યાદા ને શક્તિ સમજી લેવાની જરૂર છે. દરેક વાતની એક લિમિટ હોય છે, તમે લીંબુનું બહુ બહુ તો સંતરું કરી શકો, પણ કોળું કરવા જાવ તો તકલીફો વધે. બીજી મહત્ત્વની વાત એ છે કે સુખ સામે જ હોય તો પણ, શાંતિ સામે જ હોય એવું જરૂરી નથી. ઘણીવાર સુખને અને શાંતિને બહુ બનતું નથી. ઘણું બધું ભેગું કરવાની લ્હાયમાં માણસ એટલો બધો ગરકાવ થઈ જાય છે કે બધું આવી મળે તો તે વાપરવાની સ્થિતિમાં હોતો નથી. બહુ મોટી ઇમારત ઊભી કરી હોય, રહેવા માટે, પણ સમય ઓપરેશનમાં, ટ્રીટમેન્ટમાં હોસ્પિટલમાં જ વધુ વીતતો હોય એમ બને. જે એમ માને છે કે સુખ સામે છે, તેને તો પેલી ઇમારત જ દેખાયા કરતી હોય છે. સામેવાળાની પીડાનો તેને બહુ અંદાજ જ હોતો નથી. એ પીડા તો તે એકલો જ ભોગવતો હોય છે. એના કરતાં પેલી ઓછા સુખમાં રહેતી વ્યક્તિ કદાચ વધારે સારી સ્થિતિમાં હોય છે. તે ઘરે વધારે ને દવાખાનામાં ઓછું રહેતો હોય એમ બને.
એક સરસ કવિતા કોઈ અંગ્રેજી કવયિત્રીની વાંચ્યાનું યાદ આવે છે. કાવ્યની નાયિકાને ઈશ્વર કહે છે કે તે તેની સાથે જ છે. નાયિકા મસ્તીથી રોજ દરિયા કિનારે ચાલે છે ને ઈશ્વર તેની સાથે સાથે ચાલે છે, પણ તે પ્રગટ થતો નથી. નાયિકાને એ ગમતું નથી. તે ઈશ્વરને કહે છે કે તે તેની સાથે છે તેનું પ્રમાણ નથી. ઈશ્વર કહે છે, તું ચાલે છે તેની સાથે સાથે બીજાં પગલાં પણ છે, તે જો. નાયિકા પાછળ ફરીને જુએ છે, તો તેનાં પગલાંની સાથે સાથે બીજાં પગલાંની હાર પણ ચાલી આવે છે. નાયિકા આનંદથી ઝૂમી ઊઠે છે. ત્યાં નાયિકા બીમાર પડે છે. તે તંદ્રામાં છે ને તેનાથી ચલાતું નથી. તે રડે છે કે દુ:ખનાં સમયમાં જ ઈશ્વર તેની સાથે નથી. તે દરિયે જાય છે, જેમ તેમ ચાલે છે. તેને ખબર પણ પડતી નથી કે તે ચાલે છે કે ક્યાંકથી ઊંચકાઈને આગળ વધે છે. કશું સમજાતું નથી ને જેમ તેમ જુએ છે તો દૂરથી તેનાં જ પગલાં આવ્યાં હોય એવું લાગે છે. તે અકળાઈને પોકારે છે. ઈશ્વર પ્રગટ થાય છે ને પૂછે છે – કેમ રડે છે? નાયિકા કહે છે – તમે સુખમાં સાથે હતા, પણ દુ:ખમાં તો દગો જ કરો છો. ઈશ્વરે કહ્યું – એવું નથી. નાયિકા કહે છે – એવું નથી તો કિનારે મારાં પગલાં છે, તો તમારાં કેમ નથી? ઈશ્વર હસે છે ને કહે છે – દીકરી, તું તંદ્રામાં હતી એટલે તને ખબર જ નથી. તને જે પગલાં દેખાય છે તે તો મારાં છે. તને તો મેં ઊંચકી લીધી હતી. તો પગલાં બીજાં કેવી રીતે પડે?
– તો, આ વાત છે. પીડામાં આપણી સચ્ચાઈ જ ઉગારી લેતી હોય છે આપણને. આપણને ખબર જ નથી કે આપણે કોને ટેકે બધું પાર કરી જઈએ છીએ. એમ લાગે છે કે આપણે સુખને બહુ મહત્ત્વ આપી દીધું છે ને એ નથી મળતું તો દુ:ખી થઈ જઇએ છીએ. સુખ જરૂરી છે, પણ વધારે જરૂરી છે આનંદ! સગવડોથી સુખ જરૂર મળે છે, પણ આનંદ મળે જ એની ખાતરી નથી. એસી ચાલુ હોય તો ઠંડક લાગે, પણ બરફ પડતો હોય ત્યારે એ.સી. કામ લાગશે? ત્યારે હીટર હોય તો ગમશે. એ જ રીતે ઉનાળામાં એ જ હીટર નહીં ગમે. ત્યારે એ.સી.ની અપેક્ષા રહેશે. સગવડો ન હોવી જોઈએ એવું કહેવાનું નથી. એ જરૂરી છે જ, પણ સાધનો, સગવડો હોય છતાં, શાંતિ નથી મળતી. ઘણીવાર તો સગવડો છતાં સુખ નથી પણ મળતું. કોઈના ખાંડનાં કારખાનાં ચાલતાં હોય, જોઈએ તેટલી ખાંડની ગૂણ ઘરમાં અટવાતી હોય, પણ એક દાણો ચાખવાની છૂટ નથી હોતી, કારણ, ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે કે ખાંડ ઝેરની જગ્યાએ છે. એટલે બધું છે પણ કામનું કૈં નથી.
જે મનુષ્યની બહાર છે, જે સાધન માત્ર છે, જેનો હેતુ સગવડ સાચવવાનો જ છે, તે આનંદનું કારણ તો બને છે, પણ તેનો ઉપયોગ પૂરો થાય કે પછી એ સાધન મહત્ત્વ ધરાવતું નથી. સિતાર બનાવનાર તેનો ઉપયોગ વેચાણ કિંમત નક્કી કરવા પૂરતો જ કરશે, પણ જે ખરીદશે તે આનંદ માટે. વેચનારને માટે તો તે ધન મેળવી આપનાર તાર માત્ર છે, પણ ખરીદનાર તો તે પૈસા ખર્ચીને મેળવે છે, તે કમાતો નથી. તે શો કરીને કમાતો હશે, પણ એ કમાવા માટે તે જે સાધના કરે છે, તે કેવળ નિર્વ્યાજ આનંદ માટે છે. એ સિતાર રણઝણે ને જે આનંદ મેળવે છે તે પેલા કહેવાતા સુખ કરતાં જુદી જ બાબત છે. જે આનંદ પ્રગટે છે તે બહારથી નથી આવતો, એ ભીતરથી પ્રગટે છે. જે સાધન ઉપયોગ માટે પ્રેરે તે સુખનું કારણ બને છે ને તે બહારથી અનુભવી શકાય છે, પણ જે સાધન સાધના માટે પ્રેરે છે તે આનંદનું કારણ બને છે ને તે તો ભીતરે જ અનુભવાય છે. સંગીત, ચિત્ર, સાહિત્ય જેવી કળાઓ આનંદ આપે છે. કળા માત્રનો હેતુ આનંદ આપવાનો છે ને એ આનંદ ભીતરથી પ્રગટતો હોય છે. સુખ વર્ણવી શકાય છે જ્યારે આનંદ વર્ણવી શકાતો નથી, માત્ર અનુભવી શકાય છે. …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 29 જાન્યુઆરી 2023