સમાચાર છે પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયીના જીવન પર બાયોપિક બનશે. ‘ગેંગ્સ ઓફ વાસ્સેપુર’થી પ્રકાશમાં આવેલા ‘સિંઘમ રીટર્ન્સ,’ ‘દિલવાલે,’ ‘ગુંજન સક્સેના,’ ‘કાગઝ,’ ‘મિમિ’ અને ‘ન્યુટન’ જેવી સફળ ફિલ્મો આપનારા એક્ટર પંકજ ત્રિપાઠી વાજપેયીની ભૂમિકા કરશે. તાજેતરમાં આ બાયોપિકની જાહેરાત કરતાં ત્રિપાઠીએ કહ્યું હતું કે, “આવા સહૃદયી રાજનેતાની ભૂમિકા કરવાની મળે એ મારા માટે ગૌરવની વાત છે. એ માત્ર રાજનેતા જ નહોતા, એ ઉમદા લેખક હતા અને પ્રખ્યાત કવિ પણ હતા. તેમના પેંગડામાં પગ ઘાલવો એ મારા જેવા એક્ટર માટે નસીબની વાત છે.”
ફિલ્મનું નિર્દેશન ત્રણ નેશનલ એવોર્ડ વિજેતા મરાઠી નિર્દેશક રવિ જાધવ કરવાના છે. ફિલ્મનું શિર્ષક ‘મૈં રહું યા ના રહું યે દેશ રહેના ચાહીએ – અટલ’ છે. આ ફિલ્મ ‘ધ અનટોલ્ડ વાજપેયી : પોલિટિસિયન એન્ડ પેરાડોક્સ’ નામના પુસ્તક પરથી બનાવામાં આવશે. આ પુસ્તક એન.પી. ઉલ્લેખ નામના પત્રકાર-લેખકે લખ્યું છે. આ પુસ્તક વાજપેયીનું રાજકીય જીવનચરિત્ર છે અને તેમાં સાત દાયકાની ભારતીય રાજનીતિનું પણ એક વિહંગાવલોકન છે.
વાજપેયીના રાજનૈતિક જીવનની એ એક વિડંબના રહી છે કે યુવાવસ્થામાં તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આક્રમક પૃષ્ઠભૂમિમાંથી આવતા હોવા છતાં પાછળથી સહિષ્ણુતાના માર્ગ પર વળ્યા હતા. લેખક ઉલ્લેખ બી.બી.સી.ના તેમના એક લેખમાં લખે છે કે, “વાજપેયી બહુ જલદી બે નાવમાં સવારી કરવાની રાજનીતિ કરવા લાગ્યા હતા. એક તરફ તેઓ નહેરુના ઉદારવાદના સમર્થક હતા, તો બીજી તરફ આર.એસ.એસ.ની હિન્દુત્વવાદી રાજનીતિના સૈનિક પણ હતા. આપણને એ ખબર નથી કે તેમણે માત્ર રાજનીતિક ફાયદા માટે કર્યું હતું કે પછી બીજા કોઈ કારણસર. એટલું સ્પષ્ટ છે એ સમય કાઁગ્રેસના રાજકીય દબદબાનો હતો.”
આજે ભલે પંડિત નહેરુનું ચરિત્ર્યહનન કરવાનો ઉદ્યોગ પૂરજોશમાં ચાલતો હોય પણ વાજપેયીને નહેરુ માટે દિલથી પ્યાર અને સન્માનની ભાવના હતી, એમાં કોઈ શંકાને સ્થાન નથી (વાજપેયી આજે હયાત હોત તો તેમણે આવી હરકતો માટે શું કહ્યું / કર્યું હોત તે વિચારવા જેવું છે). સન્માનની એ ભાવનાનો કે કિસ્સો ખુદ વાજપેયીએ સંસદમાં એકવાર કહ્યો હતો. એક ચર્ચામાં ભાગ લેતાં તેમણે કહ્યું હતું ;
“કાઁગ્રેસના મિત્રો વિશ્વાસ નહીં કરે, પણ સાઉથ બ્લૉકમાં નહેરુનું એક ચિત્ર લટકતું હતું. આવતાં-જતાં હું તેને જોતો હતો. નહેરુજી સાથે સંસદમાં બોલાચાલી પણ થતી હતી. એ સમયે હું નવો હતો, અને ગૃહમાં પાછળ બેસતો હતો. ઘણીવાર બોલવા માટે મારે વોક આઉટ કરવો પડતો હતો, પણ ધીરે ધીરે મેં જગ્યા બનાવી અને આગળ વધ્યો.
“હું વિદેશ મંત્રી બન્યો તે પછી તો એક દિવસ મેં જોયું કે કોરિડોરમાં લટકતો નહેરુજીનો ફોટો ગાયબ થઇ ગયો છે. મેં પૂછ્યું કે આ ચિત્ર ક્યાં ગયું? કોઈએ જવાબ ના આપ્યો, પણ એ ચિત્ર ત્યાં ફરીથી લગાવી દેવામાં આવ્યું. શું આ ભાવનાની કદર છે? શું દેશમાં આવી ભાવના ઉછરવી જોઈએ?
“એવું નથી કે નહેરુજી સાથે મારે મતભેદ ન હતા, અને મતભેદ ગંભીર રૂપમાં બહાર આવતા હતા. મેં એકવાર પંડિતજીને કહી દીધું હતું કે તમારું વ્યક્તિત્વ ભેળસેળવાળું છે. તમારામાં ચર્ચિલ પણ છે અને ચેમ્બરલીન પણ છે. એ નારાજ નહોતા થયા. સાંજે કોઈ બેન્કવેટમાં મુલાકાત થઈ, તો તેમણે કહ્યું કે આજે તો તમે જોરદાર ભાષણ કર્યું, અને હસીને જતા રહ્યા. આજકાલ આવી ટીકા કરવી એ દુ:શ્મનીને આમંત્રણ આપવા જેવું છે. લોકો હવે બોલવાનું બંધ કરી દેશે.”
એવું જ થયું છે. રાજકારણમાં હવે એટલું ઝેર ફેલાઈ ગયું છે કે પ્રતિસ્પર્ધી નેતાઓ વચ્ચે બોલવાનું બંધ થઇ ગયું છે, સન્માન તો દૂરની વાત છે. આનું કારણ એ છે કે રાજનીતિ હવે એટલી સ્વાર્થી બની ગઈ છે કે તેણે ઉમદા ચરિત્રો પેદા કરવાનાં બંધ કરી દીધાં છે.
1998માં પ્રધાન મંત્રી બન્યાના સાત મહિનામાં જ એક સમાચાર પત્રિકાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “જેવી રીતે સત્તામાં આવવું એને મેં ક્યારે ય સિદ્ધિ ગણી નથી, તેવી જ રીતે સત્તામાં ટકી રહેવાને પણ મેં ઉપલબ્ધિ માની નથી. મને સત્તાની કોશિશ રહી નથી. હું 40 વર્ષ સુધી વિરોધ પક્ષમાં બેઠો છું, પણ સત્તા પક્ષમાં જવા માટે થઇને મેં પાયાનાં સિદ્ધાંતોમાં બાંધછોડ કરી નથી.” આવા નેતા અને આવી ભાવના હવે ક્યાં રહી છે?
ભારતીય રાજનીતિમાં વાજપેયી સૌથી સન્માનનીય અને પ્રશંસિત લીડર એટલા માટે નથી કે તેઓ બહુ મહાન પ્રધાન મંત્રી હતા, પણ એટલા માટે છે કે તેઓ બહુ અચ્છા ઇન્સાન હતા અને એની અસર એમની લીડરશિપ ઉપર પડી હતી. પ્રધાન મંત્રીપદથી કોઇ વ્યક્તિ મહાન નથી બનતી, વ્યક્તિની ઇન્સાનિયત પ્રધાન મંત્રીની ખુરશીને શાનદાર બનાવે છે. વાજપેયીમાં પણ એવું જ થયું હતું.
પાવર એટલે કે સત્તાના આ આયામને બહુ ઓછા લોકો સમજે છે કે અનુસરે છે. 2012માં બરાક ઓબામાની પાર્ટીનું નેશનલ કન્વેન્શન મળ્યું હતું ત્યારે મિશેલ ઓબામાએ બરાકના પ્રમુખ પદને વ્યાખ્યાઇત કરતાં કહ્યું હતું, “પ્રેસિડેન્ટ બનવાથી તમે જેવા છો તે બદલાઇ જતા નથી, પણ તમે જેવા છો તે વધુ સ્પષ્ટ રીતે બહાર આવે છે. અંતે તો પ્રેસિડેન્ટ તરીકે તમે જે નિર્ણયો કરો તેનો આધાર તમારા આદર્શ, તમારા ખયાલાત અને જીવનના તમારા અનુભવો ઉપર નિર્ભર કરે છે.”
સત્તા અને શખ્સિયત વચ્ચે સીધો સંબંધ છે. સદાચારી અને ઉત્તરદાયી વ્યક્તિ આચાર અને વિચારમાં અનુકૂળ, ઇમાનદાર, વિનમ્ર અને સહકારી હોય છે. એનાથી વિરોધી વ્યક્તિ સ્વ-કેન્દ્રિત, કપટી અને હાવિ હોય છે. બંને શક્તિશાળી છે અને બંને મહામાનવ છે. ફર્ક એટલો જ છે કે રામનું સામર્થ્ય ધર્મ અને સદાચાર માટે છે, રાવણની તાકાત અધર્મ અને દુરાચારમાં છે. રામનો પાવર એમની બુદ્ધિની એરણ પર તપીને વિવેકશીલતામાં બહાર આવે છે. રાવણની અંદર એ જ પાવર વૃત્તિમાં રંગાઇને ઇન્દ્રિયોમાં પ્રતિબિંબિત થાય છે.
રામરાજ્ય અને રાવણરાજ્યમાં પણ આ જ ફર્ક છે. રામ માટે અયોધ્યાના નાગરિકોનું કલ્યાણ પ્રથમ છે, સત્તા નહીં. રામરાજ્યમાં સત્તા સ્વ-કેન્દ્રિત નહીં, પર-કેન્દ્રિત હોય છે. એ જ લોકતંત્રની પણ વ્યાખ્યા છે. રામાયણમાં રાવણ અને મહાભારતમાં દુર્યોધન સ્વ-કેન્દ્રી છે. એમના માટે એમના નગરવાસીઓ પ્રથમ નથી એટલા માટે જ રાવણરાજમાં લંકાવાસીઓ ભયભીત, ચિંતાતુર છે, પણ રામના શાસનમાં અયોધ્યાવાસીઓ આશ્વસ્ત અને સાહસી છે.
ટૂંકમાં કહીએ તો, કોઇ વ્યક્તિ પાવર હાંસિલ કરે એ પછી એ એના અગાઉના વ્યવહાર કરતાં જુદી રીતે વર્તે એવી અપેક્ષા વધુ પડતી છે. અચ્છો ઇન્સાન પાવરમાં આવીને અચાનક દુષ્ટ નથી બની જતો અને ઘટિયા માણસ ઑટોમેટિકલી કલ્યાણકારી સાબિત નથી થતો. કોઇ જોતું ન હોય ત્યારે તમે કેટલી નાગાઇ બતાવો છો તેના આધારે અનુમાન બાંધી શકાય કે બધા જોતા હોય ત્યારે તમે કેટલા ઢંકાયેલા રહેશો.
(પ્રગટ : ‘બ્રેકિગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 26 ફેબ્રુઆરી 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર