વૈશ્વિક ગરીબીના ઉન્મૂલન માટે કામ કરતા, 21 સેવાભાવી સંસ્થાઓના બનેલા બ્રિટન સ્થિત સંગઠન ઓક્સફામ ઇન્ટરનેશનલ દર વર્ષે અમીરી-ગરીબીની અસમાનતાનો વૈશ્વિક ડેટા જારી કરે છે. 2019માં, તેણે એક ચોંકાવનારો સર્વે આપ્યો હતો કે વિશ્વમાં 26 ધનકુબેરો વધુ ધનવાન થયા છે અને 380 કરોડ જનતા વધુ ગરીબમાં ધકેલાઈ છે. 2018માં, વિશ્વમાં 2, 200 ધનકુબેરોની સંપત્તિમાં એક દિવસમાં 900 બિલિયન ડોલરનો વધારો થયો હતો. એની સામે દુનિયાની અડધો અડધ ગરીબ જનતાની આવકમાં 11 ટકાનો ઘટાડો નોધાયો હતો.
ચાલુ વર્ષે, 16મી જાન્યુઆરીએ તેના તાજા ડેટામાં કંઇક આવું જ ચિત્ર ભારતનું હતું. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પહેલા દિવસે ભારતના આંકડા આપતાં ઓક્સફામે કહ્યું હતું કે ભારતની કુલ સંપત્તિની 40 પ્રતિશત સંપત્તિ 1 પ્રતિશત ધનકુબેરો પાસે છે. જ્યારે નીચેના 50 પ્રતિશત લોકો વચ્ચે 3 પ્રતિશત સંપત્તિ છે.
વ્યવહારિક દૃષ્ટિએ આનો શું અર્થ થાય તેનું એક કાલ્પનિક ચિત્ર આપતાં સંગઠને કહ્યું હતું કે ભારતના દસ સૌથી ધનવાન લોકો પર જો 5 પ્રતિશત ટેક્સ નાખવામાં આવે, તો એટલા પૈસામાંથી દેશનાં તમામ ગરીબ બાળકોની સ્કૂલનો ખર્ચો નીકળી જાય.
બીજી કલ્પના કરતાં ઓકસફામે કહ્યું હતું કે માત્ર એક જ અબજપતિ, ગૌતમ અદાણીના 2017-2021ના અનરિયલાઇઝ્ડ ગેઇન્સ પર એક જ વારનો ટેક્સ લેવામાં આવે તો, એક વર્ષ માટે 50 લાખ પ્રાથમિક શિક્ષકોનો પગાર નીકળી જાય. ભારતમાં 2020માં અબજપતિઓની સંખ્યા 102 હતી, જે 2022માં વધીને 166 પર પહોંચી ગઈ હતી. મતલબ બે વર્ષમાં 64 અબજપતિઓ વધ્યા હતા. દેશના 100 સૌથી અમીર લોકોની સંપત્તિ 660 અબજ ડોલર(લગભગ 12 હજાર કરોડ રૂપિયા)ને પાર ગઈ છે. એનાથી 18 મહિના સુધી ભારતનું બજેટ ચાલે.
અમીરી વધે એનો વાંધો નથી. વાસ્તવમાં, વિશ્વની તમામ આર્થિક વ્યવસ્થાઓ અને રાજકીય વિચારધારોઓનો છેવટનું લક્ષ્ય તો ભૌતિક સુખાકારીનું જ છે, પરંતુ અમીરી વધવાની સાથે ગરીબી ઘટે તો પ્રગતિ સાર્થક કહેવાય. જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને એકવાર સવાલ કર્યો હતો કે ચારેબાજુ ગરીબી હોય ત્યારે અમીર થવું યોગ્ય છે?
ભારતમાં કુલ વસ્તીના 16.4 પ્રતિશત એટલે કે 23 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. એમાં 4.2 પ્રતિશત ગરીબ એવા છે જેમની પાસે ન તો ઘર છે કે ન તો બે ટંક ખાવાનું. સંયુક્ત રાષ્ટ્ર સંઘ કહે છે કે ભારતમાં ધીમે ધીમે ગરીબી ઘટી રહી છે. છેલ્લાં 15 વર્ષોમાં ભારતમાં 41.5 પ્રતિશત લોકો ગરીબી રેખાની બહાર નીકળી ગયા છે. મતલબ આ લોકો મધ્યમ વર્ગના દાયરામાં આવી ગયા છે.
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીના ડિરેક્ટર રથિન રોયે 2019માં કહ્યું હતું કે “ભારત માળખાકીય મંદી તરફ જઈ રહ્યું છે. છેક 1991થી અર્થવ્યવસ્થા નિકાસના પાયા પર નથી વિકસતી, પણ ટોચના 10 કરોડ લોકો શું ઉપભોગ કરે છે તેના પર ભારતનો વિકાસ થઈ રહ્યો છે. એનો મતલબ એ થયો કે આપણે દક્ષિણ કોરિયા નહીં બની શકીએ, આપણે ચીન નહીં બની શકીએ, આપણે બ્રાઝિલ બનીશું, આપણે દક્ષિણ આફ્રિકા બનીશું. આપણે એક એવો મધ્યમ આવકવાળો દેશ બનીશું, જેમાં એક વિશાળ ગરીબ વર્ગ ગુનાખોરીનો સામનો કરશે. દુનિયાના ઇતિહાસમાં દેશો મધ્યમ આવકની ટ્રેપ ટાળતા રહ્યા છે, પણ કોઈ દેશ એકવાર એ ટ્રેપમાં આવી જાય પછી બહાર નથી નીકળી શક્યો.”
બ્રાઝિલનો ઇતિહાસ કહે છે કે ત્યાં ક્રોની કેપિટાલિઝમનું ચલણ હતું જેથી આર્થિક વિષમતા વધી હતી. બહુ વખત પહેલાં, ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામન રાજને કહ્યું હતું કે ક્રોની કેપિટાલિઝમ એવી સ્થિતિ પેદા કરે છે જેમાં દેશનાં સંશાધનો પર અમુક લોકોનું નિયંત્રણ આવી જાય છે, જેનાં પરિણામે આર્થિક વૃદ્ધિનો દર ઓછો થઇ જાય છે.
ક્રોની કેપિટાલિઝમ એટલે મૂડીવાદની એવી અર્થવ્યવસ્થા જેમાં બિઝનેસની સફળતા બજારની તાકાતો પર નહીં, પરંતુ રાજકીય વર્ગ અને બિઝનેસ વર્ગ વચ્ચેના સંબંધ પર નિર્ભર કરે છે. તેમાં સરકાર એવી નીતિઓ બનાવે છે જેથી એક વિશેષ વર્ગને લાભ થાય છે અને એ વિશેષ વર્ગ બદલામાં સરકારને આર્થિક લાભ આપતો રહે છે. ક્રોનીનો (ગ્રીક) અર્થ થાય છે લંગોટિયો દોસ્ત. રાજકારણીઓ અને બિઝનેસમેનો એકબીજાનાં હિતોનું રક્ષણ કરવા માટે એક થઇ જાય તેની ક્રોની કેપિટાલિઝમ કહે છે.
દુનિયાના ઘણા દેશોમાં રાજકીય વર્ગ એવું માનતો હોય છે કે દેશની અર્થવ્યવસ્થામાં મુઠ્ઠીભર ઉદ્યોગોનો જ સિંહફાળો હોય છે એટલે દેશે જો પ્રગતિ કરવી હોય તો એવા વર્ગને પ્રોત્સાહન આપવું જોઈએ. જો કે દુનિયાનો અનુભવ એવું કહે છે કે રાજકીય સત્તા અને આર્થિક સત્તાની ઈજારાશાહીમાં સરવાળે સમાજનું નુકસાન થાય છે.
ભારતમાં ૭૦ના દાયકાથી ક્રોની કેપિટાલિઝમનું ચલણ વધ્યું હતું. ત્યારથી રાજકીય અને બિઝનેસ વર્ગમાં ભરપૂર તાકાત એકઠી થઇ હતી. ભારતમાં જ્યારે મુક્ત બજારનું ચલણ નહોતું ત્યારે સરકારોએ બિઝનેસ પર પોતાનો અધિકાર સ્થાપ્યો હતો. જનકલ્યાણ કરવા માટે ઉધોગો અને બિઝનેસને પ્રોત્સાહન આપવું પડશે એવું સરકારોને લાગ્યું હતું. ત્યારે સરકારે લાઈસન્સ રાજ સ્થાપ્યું હતું. તેમાં કોણ કેવો અને કેટલો બિઝનેસ કરશે તે સરકાર નક્કી કરતી હતી. આર્થિક અસમાનતા અને ભ્રષ્ટાચારની શરૂઆત પણ ત્યારથી જ થઇ હતી.
અર્થવ્યવસ્થા માત્ર જનકલ્યાણ માટે નથી. એ રાજકીય તાકાત પણ છે. દરેક સરકાર તેની તાકાત બરકરાર રાખવા માટે અર્થવ્યવસ્થાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. જેના હાથમાં અર્થવ્યવસ્થા હોય, તેના હાથમાં રાજકીય તાકાત હોય છે. એટલા માટે સરકાર બહુમતી સમાજ પાસેથી આર્થિક તાકાત છીનવી લઈને તેના માનીતા-પાળેલા મુઠ્ઠીભર લોકોને સમૃદ્ધ બનાવે છે, જેથી રાજકીય તાકાત સીમિત હાથોમાં સલામત રહે. આર્થિક સ્વતંત્રતાનો અર્થ જ રાજકીય સ્વતંત્રતા થાય છે. સરકાર જ્યારે આર્થિક વ્યવસ્થા પર નિયંત્રણ બનાવી રાખે છે, ત્યારે તે બુનિયાદી રૂપે બહુમતી લોકોને રાજકીય સ્વતંત્રતાથી વંચિત રાખવા માટે હોય છે.
ક્રોની-કેપિટાલિઝમનો મૂળ આશય પૈસાને નીચેથી ઉપરની તરફ વાળવાનો અને સમાજમાં ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ વચ્ચેની અસમાનતા બરકરાર રાખવાનો હોય છે. સમાજમાં વધુને વધુ અસમાનતા હોય, બે ટંક ભેગી કરવાનો સંઘર્ષ હોય અને લાગણીઓમાં ખેંચાઈ જવાય તેવી ‘સમસ્યાઓ’ હોય, તો તે સમાજને દબાયેલો રાખવાનું સરકાર માટે આસાન રહે છે. એટલા માટે સરમુખત્યારશાહી અને ગરીબી સાથે-સાથે જ ઉછરે છે. સુખી અને સશક્ત સમાજ આંખો બતાવે એ સરકારને ન પોષાય. સરકાર લોકોનું આર્થિક કલ્યાણ ઈચ્છે છે એ એક મોટો ભ્રમ છે. એવું સાચે હોત તો અમુક સમસ્યાઓ ક્યારની ય ઉકેલાઈ ગઈ હોત.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 26 ફેબ્રુઆરી 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર