કોરોનાના દિવસોમાં મારા વકીલાતના વ્યવસાયને સંબંધિત કાંઈ કરતાં કાંઈ કામ ન હતું, ત્યારે કૉર્ટ અને કાયદાને લગતી વાત હોય તેવું એક પુસ્તક અનોખો રોમાંચ કરાવી ગયું – “ધી સ્ટ્રેંજ આલ્કેમી ઑફ લાઈફ ઍન્ડ લૉ”. લેખક છે 1994થી 2009 સુધી દક્ષિણ આફ્રિકાની બંધારણીય અદાલતના ન્યાયાધીશ રહી ચૂકેલા Albie Sachs – આલ્બિ સાક્સ.
શ્વેત હોવા છતાં યુવા વયે નેલ્સન મંડેલાની ચળવળને ટેકો આપવા બદલ એમને જેલ થયેલી; એમના પર અત્યાચાર ગુજારવામાં આવેલો અને એમને દેશનિકાલ કરવામાં આવેલા. પછી ઇંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ કર્યા બાદ એ મોઝામ્બિકમાં કાયદા મંત્રાલયમાં કાર્યરત હતા ત્યારે એમની મોટર પર દક્ષિણ આફ્રિકી ગોરી સરકારના કહેવાથી બૉમ્બ ફેંકવામાં આવેલો. એમને ગંભીર ઇજા થયેલી – એક હાથ અને એક આંખ એમણે ગુમાવી; પણ દૃઢ મનોબળ અને આંતરસૂઝ સાથેનો આત્મવિશ્વાસ એમની આગવી મિરાત હતાં. 1993માં નેલ્સન મંડેલાએ એમને બંધારણ ઘડવાની સમિતિમાં આમંત્રણ આપ્યું અને પછી ત્યાંની સર્વોચ્ચ અદાલત – બંધારણીય કૉર્ટ -ના ન્યાયાધીશ તરીકે એમને નીમ્યા. પુસ્તકની પ્રસ્તાવનામાં ઇંગ્લેન્ડની સર્વોચ્ચ અદાલતના તે સમયના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ લૉર્ડ વુલ્ફે નોંધ્યું છે કે ‘ન્યાયની પ્રક્રિયામાં રસ ધરાવનાર તમામ માટે આ પુસ્તક ખૂબ રસપ્રદ છે અને જો મારા પર કૈં પણ જવાબદારી હોય તો તે કહેવાની જવાબદારી છે કે દરેક ન્યાયાધીશ જેની નિયુક્તિ માટે હું જવાબદાર છું તેણે આ પુસ્તક વાંચવું જોઈએ.’
લગભગ 300 પાનાંનું પુસ્તક હું તો એકીબેઠકે વાંચી ગયો. મુખપૃષ્ઠ ઉપર જુડિથ મેસન નામની એક કલાકારે ભૂરા રંગના પ્લાસ્ટિકમાંથી બનાવેલું એક ફ્રૉક છે. જુડિથે એ કેમ બનાવ્યું? એના નિવેદનમાં એ નોંધે છે કે ફિલા એન્ડવાન્ડવે નામની એક શ્યામ સ્ત્રીએ મૌન રહીને અત્યાચાર સહ્યો પણ પોતાના સાથીદારોનાં નામ ગોરી સરકારને ન આપ્યાં. એની હત્યા કરવામાં આવી તે પહેલાં તેને દિવસોના દિવસો નગ્ન હાલતમાં રાખવામાં આવી હતી. ભૂરા રંગના પ્લાસ્ટિકની બેગ વડે તેણે પોતાની નગ્નતા ઢાંકી હતી. જુડિથે બનાવેલ ડ્રેસ પર તેણે ફિલાને ઉદ્દેશીને એક પત્ર ચીતર્યો છે. જસ્ટિસ આલ્બિ સાકસના કહેવાથી આ ડ્રેસ દક્ષિણ બંધારણીય અદાલતમાં ભૂતકાળમાં થયેલા અત્યાચારોની યાદગીરી રૂપે મૂકવામાં આવ્યો છે. આમ તો આખું પુસ્તક નિતાંત રસપ્રદ છે; પણ એમાંની, મને અંદરથી ભીંજવી ગયેલી, કેટલીક વાત વહેંચવી છે –
– રંગભેદ નીતિ નાબૂદ થયા પછી દક્ષિણ આફ્રિકામાં ટ્રુથ ઍન્ડ રિકન્સીલિએશન ઍક્ટ (સત્ય અને મનમેળ કાયદો) ઘડવામાં આવ્યો. એ કાયદા નીચે નિયુક્ત થયેલ કમિશન સમક્ષ જે કોઈ ગોરી સરકારના કહેવાથી કાળા લોકો પર પોતે ગુજારેલા અત્યાચારની સંપૂર્ણ જાહેરાત અને સાચી કબૂલાત કરે તેને દિવાની કે ફોજદારી કોઈ પણ સ્વરૂપની કાનૂની કાર્યવાહી સામે રક્ષણ આપવાની જોગવાઈ હતી. આ કાયદાની બંધારણીયતા દક્ષિણ આફ્રિકાની અદાલતમાં પડકારાઈ હતી. આ કાયદો સંપૂર્ણપણે બંધારણીય છે એવું નોંધતા અદાલતે ઠરાવ્યું કે દક્ષિણ આફ્રિકી બંધારણનો હેતુ દેશના નવનિર્માણનો છે. ભૂતકાળની ભૂલનો દસ્તાવેજ આંખ સમક્ષ હોવો જોઈએ અને સાથે સાથે નિખાલસ અને સાચો એકરાર કરનારને સંપૂર્ણ માફી આપી એવા અત્યાચારો ફરીથી ન થાય તે ધ્યાનમાં રાખી દૃષ્ટિ ભવિષ્ય તરફ રાખીને આગળ વધવાનું છે. “ક્ષમા વીરસ્ય ભૂષણમ્”ને અહીં બંધારણીય માન્યતા મળે છે.
અનિલ જોશીનું ગીત છે –
કાળો વરસાદ મારા દેશમાં નથી કે નથી ધોળો વરસાદ તારા દેશમાં
આપણે તો નોધારા ભટકી રહ્યાં છીએ ચામડીના ખોટા ગણવેશમાં.
– ત્યાંની બંધારણીય અદાલતનું મકાન ગાંધીજી અને મંડેલાને જોહાનિસબર્ગની જે જેલમાં રાખવામાં આવ્યા હતા તે જેલના પરિસરમાં બનાવવામાં આવ્યું છે એમ લેખક નોંધે છે. આ મકાનની ડિઝાઇન નક્કી કરવાની જ્યુરીમાં ભારતના પ્રખ્યાત આર્કિટેક્ટ ચાર્લ્સ કોરિયા અધ્યક્ષ પદે હતા. બંધારણીય અદાલતમાં ન્યાયાધીશોને બેસવાનું સ્થળ એ રીતે બનાવાયું છે કે જ્યાંથી તેમને બહાર અવરજવર કરતા લોકોના પગ માત્ર દેખાય, ચહેરાઓ નહીં – એટલે કે – લોકોના ચહેરા જોયા વગર સર્વને સમાન ન્યાય મળી રહે તેવી વિભાવના આ અદાલતની ડિઝાઇન પાછળ છે.
– પોતે આપેલ ચુકાદાઓનાં તારણો પર એ કઈ રીતે પહોંચ્યા તે આ લેખકે સાહિત્યિક રીતે સમજાવ્યું છે. એ નોંધે છે કે ઘણી વાર ન્હાતાં ન્હાતાં, આર્કિમિડિઝની જેમ, એમને તારણો ને કારણો જડ્યાં છે. કેસની અંદર સમાયેલ માનવીય અધિકારોના ભંગના પ્રશ્નો જોઈને કેટલી ય વાર આ ન્યાયાધીશ રડ્યા છે તેનો પણ અહીં એકરાર છે. ન્યાયાધીશે અનુભવેલું મનોમંથન આપણે પણ અનુભવી શકીએ એટલું અદ્દભુત આ આલેખન છે. “લાફ ઈટ ઑફ” નામના પ્રકરણમાં લાફ ઈટ ઑફ નામની એક કંપની ઉપર ટ્રેડમાર્ક ભંગનો કેસ થયેલો તેની વાત છે. આ કંપની પૅરડી-વક્રોક્તિ-નો ઉપયોગ કરીને ટી-શર્ટ બનાવતી હતી. બ્લેક લૅબલ નામના એક બિયરની પૅરડી “બ્લૅક લૅબર વ્હાઇટ લાય” એ રીતે કરીને બનાવેલ ટી-શર્ટ માટે બ્લૅક લૅબલ બિયર બનાવતી કંપનીએ લાફ ઈટ ઑફ ઉપર ટ્રેડમાર્ક ભંગનો કેસ કર્યો હતો. પ્રશ્ન વાણી સ્વાતંત્ર્ય અને ટ્રેડમાર્કના હક્કો વચ્ચેના ઘર્ષણનો હતો. લાફ ઈટ ઑફની તરફેણમાં ચુકાદો આપતા આ ન્યાયાધીશે નોંધ્યું છે –
“Does the law have a sense of humor?… A society that takes itself too seriously risks bottling up its tensions and treating every example of irreverence as a threat to its existence. Humor is one of the great solvents of democracy. It permits the ambiguities and contradictions of public life to be articulated in non-violent forms. It promotes diversity. It enables a multitude of discontents to be expressed in a myriad of spontaneous ways. It is an elixir of constitutional health.”
(“શું કાયદા પાસે હાસ્ય મળી શકે? જે સમાજ પોતાને અત્યંત ગંભીરતાથી લે છે તે પોતાના તણાવોને બાટલીમાં પૂરી દેવાનું જોખમ ધરાવે છે અને અનાદરના દરેક ઉદાહરણને પોતાના અસ્તિત્વ સામે ધમકીરૂપે જુએ છે. હાસ્ય લોકશાહી માટે ઉત્તમ દ્રાવક પદાર્થ છે. તે જાહેર જીવનની સંદિગ્ધતાઓ અને વિરોધાભાસોને અહિંસક રીતે અભિવ્યક્ત કરી શકે છે. તે વિવિધ સ્વરૂપના અસંતોષોને વ્યક્ત કરવા અસંખ્ય સ્વયંસ્ફૂર્ત રસ્તાઓ કરી આપે છે. હાસ્ય એ (દેશના) બંધારણીય સ્વાસ્થ્ય માટે ઉત્તમ રસાયણ છે”)
– એમના પર બૉમ્બ ફેંકાયો તે અંગેના કાવતરામાં સક્રિય ભાગ લેનાર હેન્રી આલ્બિ સાકસને મળે છે અને પશ્ચાતાપ અનુભવે છે; આલ્બિ એને કમિશન પાસે જઈને સત્ય વાત જાહેર કરવા કહે છે, અને એ પછી એની સાથે પોતાના એકમાત્ર હાથ વડે “શૅક હૅન્ડ” કરવાનું વચન આપે છે. થોડો સમય બાદ એક કાર્યક્રમમાં આલ્બિ અને હેન્રીનો અનાયાસ ભેટો થાય છે. એ મુલાકાત કમિશન પાસે નિખાલસ કબૂલાત પછીની છે. બન્ને “શૅક હૅન્ડ” કરે છે. છૂટા પડ્યા પછી હેન્રી બે અઠવાડિયા સુધી સતત રડતો હતો એમ કાર્યક્રમના આયોજકો આલ્બિને જણાવે છે. વાંચીને મને કલાપી યાદ આવે છે –
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
કાયદાનું સકારાત્મક પાસું કેવું હોઈ શકે અને કાયદો સમાજને અને વિચારધારાને બદલવા માટે કઈ રીતે ઉપયોગી થઇ શકે તે આ પુસ્તકમાંથી જાણવા મળે છે.
ત્રીસ વર્ષથી વકીલાતના ક્ષેત્રમાં હોવા છતાં આપણે તો કશું કર્યું જ નથી એવી અનુભૂતિ આ પુસ્તક વાંચીને થઇ. ક્યાંક વાંચેલા ગીતના આ શબ્દો યાદ આવી ગયા –
ગાયું જે કહેવાય એવું ક્યાં ગાયું?
સપ્ટેમ્બર 2020માં કોરોના આવ્યે 6 માસ થયા. આ વ્યાધિનો કેર ઓછો ન થયો. મૃત્યુ આંક વધતો ગયો. ઘેર બેઠા રમેશ પારેખના સમગ્ર કાવ્યોમાંથી પસાર થઈ રહ્યો હતો. મીરાંની મનોદશામાં પહોંચીને લખાયેલું ર.પા.નું એક ગીત સ્વરબદ્ધ કરવાનો આનંદ લીધો. એમાં પણ કાયદાની પરિભાષાના બે શબ્દો છે- “ગુનો” અને “માફી”.
ગિરધર ગુનો અમારો માફ
તમે કહો તો ખડખડ હસીએ, વસીએ જઈ મેવાડ
માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ
સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએ સાફ
મીરાં કે પ્રભુ દીધું અમને સમજણનું આ નાણું
વાપરવા જઈએ તો જીવતર બનતું જાય ઉખાણું
પેઢી કાચી કેમ પડી છે જેના તમે શરાફ
મનની વ્યગ્રતાએ આ ગીત પણ તાર સ્વરે ગવડાવ્યું. સંગીતની પરિભાષામાં કહું તો સાધારણ રીતે હું કાળી 1 સૂરથી ગાઉં છું, પણ આ ગીત એના મધ્યમ(“મ” સ્વર)થી એટલે કે કાળી 3ને “સા” માનીને સ્વરાંકિત થયું. ર.પા.ના આ મીરાંકાવ્યમાંના અંતરાની પ્રથમ પંક્તિમાં “વસ્તુ અમોલિક દી મેરે સત્ગુરુ”ના સ્વરો અને અંતરાની બીજી પંક્તિમાં પણ એ જ ઢાળ, પણ બીજા સ્કેલથી, બેસી ગયા. ગાર્ગી વોરાના અવાજમાં સાંભળો.
સપ્ટેમ્બર 2020માં અમેરિકાની સુપ્રીમ કૉર્ટનાં જસ્ટિસ શ્રીમતી રૂથ બૅડર ગિન્સબર્ગ(વ્હાલસોયું નામ આર.બી.જી.)નું અવસાન થયું. આખા અમેરિકાએ આ ઉદારમતવાદી ન્યાયાધીશના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. “નૉટોરિયસ આર.બી.જી.” તરીકે જાણીતાં આ ન્યાયાધીશ જાતિવિષયક ભેદભાવને વખોડતા એમના ચુકાદાઓ માટે પ્રખ્યાત હતાં. એમના જીવન પર આધારિત ફિલ્મ “ઑન ધ બૅઝિસ ઑફ સૅક્સ” ઘેર બેઠા માણી. આર.બી.જી.ના પાત્રમાં અભિનેત્રી ફૅલિસિટી જૉન્સનો અભિનય અત્યંત આકર્ષક છે. આર.બી.જી. ન્યાયાધીશ બન્યાં તે પહેલાંની એમની વકીલ તરીકેની કારકિર્દીમાં જાતિભેદ નાબૂદી અને બન્ને જાતિઓને સમાન તક મળે તે માટે આર.બી.જી.એ કરેલા સંઘર્ષની કથા છે. મજાની વાત એ હતી કે સ્ત્રીઓને પુરુષો જેવા જ હક્ક મળે તે માટેની એમની લડત શરૂ થઈ એક પુરુષ તરફથી સમાન અધિકાર માટે તેમણે કરેલા એક કેસથી. એક હાર્વર્ડ લૉ સ્કૂલમાં નવમાંનાં એક વિદ્યાર્થી તરીકે એડમિશન લીધા બાદ એમને જાતિભેદનો અનુભવ અનેક વાર થયો. પુરુષપ્રધાન વ્યવસાયમાં એક સ્ત્રીની હાજરી અને એમાં પણ આટલી વિખ્યાત યુનિવર્સિટીમાં સ્થાન એમનો જાતિવિષયક ભેદભાવ સામેનો પ્રથમ કેસ એ પુરુષ તરફથી લડ્યાં હતાં. અમેરિકાના ટૅક્સ કૉડ અંતર્ગત નીચેના કરદાતાને પોતાનાં આશ્રિતોની સંભાળ રાખવાનો ખર્ચ કરમાં મજરે મળી શકે તેવી જોગવાઈ હતી –
1. જો કરદાતા સ્ત્રી હોય,
2. જો કરદાતા વિધુર હોય અથવા
3. જો કરદાતા એવો પતિ હોય કે જેનાં પત્ની શારીરિક અક્ષમતા ધરાવતાં હોય અથવા કોઈ સંસ્થામાં સારવાર અર્થે દાખલ હોય.
કોઈ અવિવાહિત પુરુષને પોતાનાં માતાપિતાની સંભાળ રાખવાનો ખર્ચ ટૅક્સ કૉડ નીચે મજરે મળી ન શકે. ચાર્લ્સ મૉરિત્ઝ અવિવાહિત પુરુષ હતો અને તેનાં માતાની સંભાળ લેવા તેણે એક નર્સ રાખેલ હતી તેનો ખર્ચ તેને મજરે ન મળ્યો. આર.બી.જી.એ ચાર્લ્સ મૉરિત્ઝ વતી આ જોગવાઈ સમાનતાના અધિકારનો ભંગ કરે છે તેવી દલીલ કરીને આ જોગવાઈની બંધારણીયતા પડકારી. અમેરિકાના બંધારણમાં સમાનતાનો અધિકાર છે જેમાં “કાયદા સમક્ષ સર્વની સમાનતા અને સર્વને કાયદાનું સમાન રક્ષણ” હોય એવી વિભાવના છે. (ભારતના બંધારણ નીચે પણ આ મૂળભૂત હક્ક છે. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો છે.) ત્યાંની ફેડરલ કૉર્ટે આર.બી.જી.ની દલીલ સ્વીકારી અને આ જોગવાઈ સમાનતાના હક્ક વિરુદ્ધની ઠરાવી. પછી તો જાતિભેદના અનેકાનેક કેસો સ્ત્રીઓ વતી પણ કર્યા. કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત આર.બી.જી.ને પ્રમુખ રોનાલ્ડ રેગને વૉશિન્ગટન ડી.સી., ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયાની ફેડરલ કૉર્ટમાં ન્યાયાધીશ નિયુક્ત કર્યા. મારા કોલંબિયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લૉના વિદ્યાર્થી તરીકેના એક વર્ષમાં અમે આર.બી.જી.ને અલપઝલપ મળેલા તે યાદ આ ફિલ્મ જોઈને તાજી થઇ. 1993માં પ્રમુખ બિલ ક્લિન્ટને એમને અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નીમ્યાં, ત્યારથી 2020 સુધી એમણે લોકોનાં જીવનને સ્પર્શે તેવી બાબતો પર અનેકવિધ ચુકાદાઓ આપ્યા અને બંધારણના સર્જનાત્મક અર્થઘટન દ્વારા લોકોને રાજ્ય સામે વિવિધ વ્યક્તિગત હક્કો આપીને એમનાં જીવન સમૃદ્ધ કર્યાં.
આ ફિલ્મમાં આર.બી.જી.એ સમાનતાની તરફેણમાં કરેલી દલીલનું એક વાક્ય સ્પર્શી ગયું –
“We are not asking you to change the Country. That has already happened without the Court’s permission. We are asking you to protect the right of the Country to change.”
ફિલ્મને અંતે આર.બી.જી.ને પોતાને (એમનો અભિનય કરનાર અભિનેત્રીને નહીં) અમેરિકાની સુપ્રીમ કૉર્ટનાં પગથિયાં ચડતાં બતાવાયાં છે તે દૃશ્ય જોઈને મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. આમ, પુસ્તક, કાવ્ય અને ફિલ્મ ત્રણેયમાં કાયદાની પારિભાષિક શબ્દાવલી હોઈ જીવને થોડી ટાઢક વળી.
e.mail : amarbhatt@yahoo.com
પ્રગટ : “બુદ્ધિ પ્રકાશ”; ફેબ્રુઆરી 2023