અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને એમનાં માબાપો ગુજરાતી માધ્યમમાં ભણતાં બાળકો સાથે રમવાની ના પાડે છે. ‘આઈ એમ નોટ કમ્ફર્ટેબલ ઈન ગુજરાતી’ એવું ગર્વભેર કહેતા ગુજરાતીઓની સંખ્યા વધતી જાય છે. લઘુતાગ્રંથિની આ કઈ હદ છે? માત્ર ગુજરાતી નહીં, ભારતની અને વિશ્વની ઘણીખરી ભાષાના આ જ હાલ છે. ભાષાવિદ્દ ગણેશ દેવી કહે છે કે આવતાં પચાસ વર્ષમાં દુનિયાના પટ પરથી 4,000 ભાષાઓ વિલુપ્ત થઈ જશે. વિશ્વ માતૃભાષા દિવસે આપણી ગુજરાતી ભાષાને થોડું વહાલ કરી લઈએ …
‘શું થયું?’ દાદા-દાદી પાર્કની બેંચ ઉપર ઉદાસ બેઠેલાં માયાબહેને અંજુબહેનને પૂછ્યું. ‘આ નવી પેઢી કેવી છે – મારા પૌત્ર નિર્મયને વાર્તા કહેતી હતી કે એક હતી ચકીબહેન … તો કહે, હુ ઈઝ ચકીબહેન?’ ‘એમાં શું? આપણે સ્પેરો કહીને વાર્તા કહેવાની. વાત તો મઝા પડવાની છે ને?’ ‘પણ સૂરજદાદા અને ચાંદામામાનું અંગ્રેજી કેવી રીતે કરવું?’
દરેક ભાષામાં એવા શબ્દો હોય છે જેનું ભાષાંતર થઈ ન શકે. કરવા જઈએ તો તેની મઝા ચાલી જાય, તેનું ખમીર ચાલ્યું જાય. 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિન છે એ નિમિત્તે વાત કરીએ માતૃભાષા ગુજરાતીની. જે ભાષામાં બાળક હસ્યું, રડ્યું, જે ભાષાનો શબ્દ બાળકે સૌ પ્રથમ સાંભળ્યો, જે ભાષામાં તેણે કાલું-કાલું બોલવાની શરૂઆત કરી, જે ભાષામાં એ વિચારતા ને વ્યક્ત થતા શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા. માતૃભાષા તો દૂધભાષા – અખૂટ હૂંફ, અખૂટ આકર્ષણ, અખૂટ સ્નેહથી તરબતર અને છલોછલ. માને કેમ વહાલ કરવું એ બાળકને શીખવવું નથી પડતું તેમ વાતાવરણ આપીએ તો બાળક માતૃભાષાને આપોઆપ ચાહે છે. ૨૦૦૦ની સાલથી યુનેસ્કો દ્વારા ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઊજવાય છે, જેનો ઉદ્દેશ છે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું.
ભારત 1947માં આઝાદ થયું, ઈઝરાયેલ 1948માં. ઈઝરાયલનો 4,000 વર્ષનો ગુલામીકાળ પૂરો થયો અને ભારતનો 1,000 વર્ષનો. ઈઝરાયેલના પ્રમુખને પૂછવામાં આવ્યું, ‘આપની રાષ્ટ્રભાષા તેમ જ શિક્ષણનું માધ્યમ કઈ ભાષા રહેશે?’ ‘ચોક્કસ જ હિબ્રુ ભાષા! આ તે કાંઈ પ્રશ્ન છે?’ ‘પરંતુ વિશ્વનું તમામ જ્ઞાન અંગ્રેજી ભાષામાં છે, હિબ્રુ ભાષામાં એક પણ ગ્રંથ તૈયાર નથી, તેનું શું?’ જાણીને આશ્ચર્ય થશે કે ઈઝરાયલના વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના દિવસના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હિબ્રુમાં ભાષાંતરણનું કામ સાત વર્ષમાં પૂરું કર્યું, ત્યારબાદ જ ત્યાં શિક્ષણ શરૂ થયું.
માતૃભાષા સાથે માણસ ઘનિષ્ટતાથી જોડાયેલો હોવાથી તે ભાષામાં અપાતું શિક્ષણ માણસમાં એવી રીતે ઊગી નીકળે છે જાણે કે કોઈ બીજ, છોડ કે કલમને અનુકૂળ જમીન, સારું ખાતર, ભરપૂર પાણી, વિપુલ સૂર્યપ્રકાશ તથા યોગ્ય સંભાળ મળી ગયું હોય. માતૃભાષા દિન, દુનિયાના કુલ 190 દેશોમાંથી 129 દેશોમાં વસતા ગુજરાતી લોકોનો દિવસ છે. ભારતની બીજી કોઈ ભાષા બોલનારા લોકો આટલી મોટી સંખ્યામાં આટલા બધા દેશોમાં જઈને વસ્યા નથી. આમ છતાં આપણે ગુજરાતી ભાષાના અસ્તિત્વની ચિંતા કરવી પડે છે કેમ કે ગુજરાતી જેની અધિકૃત ભાષા છે તે ગુજરાત રાજ્ય અને દીવ-દમણમાં પણ ગુજરાતી ભાષા ધીરે ધીરે કથન અને શ્રવણમાં સમેટાતી જાય છે. વાચન અને લેખનની સ્થિતિ ઉત્તરોત્તર કથળતી જાય છે. ગુજરાતી માધ્યમની શાળાઓ અને તેના વિદ્યાર્થીઓ ગરીબ બિચારા જેવા થઈ ગયાં છે. અંગ્રેજી માધ્યમમાં ભણતાં બાળકોને એમનાં માબાપો ગુજરાતી માધ્યમમાં ભણતાં બાળકો સાથે રમવાની ના પાડે છે. ‘આઈ એમ નોટ કમ્ફર્ટેબલ ઈન ગુજરાતી’ એવું ગર્વભેર કહેતા, અંગ્રેજી બોલવામાં ભૂલ કરનારની હાંસી ઉડાવતા ને પાછા ફેશનેબલ ગણાતા ગુજરાતીઓની સંખ્યા વધતી જાય છે. લઘુતાગ્રંથિની આ કઈ હદ છે? માત્ર ગુજરાતી નહીં ભારતની અને વિશ્વની ઘણીખરી ભાષાના આ જ હાલ છે. ભાષાવિદ્દ ગણેશ દેવી કહે છે કે આવતાં પચાસ વર્ષમાં દુનિયાના પટ પરથી 4,000 ભાષાઓ વિલુપ્ત થઈ જશે.
1947માં દેશનું વિભાજન થયું. પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એમ બે ભાગમાં વહેંચાયું. બન્ને પાકિસ્તાન ભાષા, સંસ્કૃતિ અને રહેણીકરણીની રીતે ઘણાં જુદાં હતાં. એટલે પાકિસ્તાને ઉર્દૂને રાષ્ટ્રભાષા જાહેર કરી ત્યારે બંગાળીભાષી પૂર્વ પાકિસ્તાનમાં તેનો વિરોધ થયો. ધીરેન્દ્રનાથ દત્તના નેતૃત્વમાં આંદોલન શરૂ થયું. સરકાર દમન પર ઊતરી આવી, વિદ્રોહ ઉગ્ર બન્યો. 1952ની 21મી ફેબ્રુઆરીએ પોલિસે એક સરઘસ પર ગોળીબાર કર્યો જેમાં પાંચ યુવાનો માર્યા ગયા. અનેક ઘાયલ થયા. વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો, છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો. માતૃભાષા માટે લોકોએ જીવન આપ્યાં હોય તેવો દાખલો ઇતિહાસમાં દુર્લભ છે. ત્યારથી બાંગલા દેશમાં 21 ફેબ્રુઆરી નેશનલ હોલિડે અને શોકદિન છે. 1998માં કેનેડાવાસી બાંગલાદેશીઓ રફિક-ઉલ-ઇસ્લામ અને અબ્દુસ્સલામે યુ.એન. સેક્રેટરી જનરલ કોફી અન્નાનને પત્ર લખી વિશ્વની ભાષાઓને મરતી બચાવવા એક આંતરરાષ્ટ્રીય ભાષાદિન ઘોષિત કરવાની વિનંતી કરી અને ઢાકાના શહીદોને અંજલિ આપવા માટે એ દિન 21 ફેબ્રુઆરીએ ઊજવાય એવો પ્રસ્તાવ મૂક્યો.
બીજા વર્ષથી વિવિધ થીમ સાથે આ દિન ઊજવવાની શરૂઆત થઈ. 2005માં બ્રેલ અને સાઇન લેંગ્વેજ, 2007માં વિવિધ ભાષાઓમાં શિક્ષણ, 2013માં માતૃભાષા શિક્ષણમાં પુસ્તકોનું સ્થાન, 2014માં લોકલ લેંગ્વેજિસ ફૉર ગ્લૉબલ સિટિઝનશીપ આવી થીમ હતી. 2020માં સરહદમુક્ત ભાષા અને 2021માં વિવિધ ભાષામાં શિક્ષણ તેમ જ ભાષાવૈવિધ્યને અપનાવતા સમાજની થીમ હતી. 2022ની થીમ હતી ડિજિટલ વિશ્વમાં માતૃભાષાને પડકાર અને 2023ની થીમ છે બહુભાષી વિશ્વમાં બહુભાષી શિક્ષણની અનિવાર્યતા.
ભાષાનું એક શાસ્ત્ર હોય છે; તેનો એક ઇતિહાસ, એક ભૂગોળ, એક વિજ્ઞાન અને એક રાજકારણ પણ હોય છે. આ તમામ પાસાં ખૂબ રસપ્રદ છે. દુનિયાની તમામ સાત હજાર ભાષાઓ દસ ભાષાકુળોમાંથી જન્મી છે. ગુજરાતી ભાષા ઈન્ડો યુરોપિયન કુળમાંથી જન્મી છે. આ ભાષાકુળ સૌથી મોટું છે, જેમાંથી જન્મેલી 437 ભાષા દુનિયાના ત્રણ અબજ લોકો બોલે છે. યુરોપ, રશિયાની ભાષાઓ અને સંસ્કૃત આ કુળમાંથી જન્મ્યાં છે. વિગતમાં જઈએ તો ગુજરાતી ભાષાનો વંશવેલો આ પ્રમાણે બને : ઈન્ડો યુરોપિયન ઈન્ડો ઈરાનિયન ઈન્ડો આર્યન (સંસ્કૃત) પશ્ચિમ ઈન્ડો આર્યન(પ્રાકૃત-અપભ્રંશ) જૂની ગુજરાતી (ઈ.સ. 1100થી 1500) ગુજરાતી. ગુજરાતી ભાષાની કુલ 14 બોલીઓ છે જેમાંથી ચાર મુખ્ય છે:
વર્લ્ડ લેન્ગવેજ ડેટાબેઝના 22મા સંસ્કરણ મુજબ વિશ્વભરની 25 સૌથી બોલાતી ભાષાઓમાં સાત ભારતીય ભાષાઓ છે, જેમાં હિન્દી ત્રીજા સ્થાન પર છે. વિશ્વભરમાં 61.5 કરોડ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. હિન્દી પછી બંગાળી વિશ્વભરમાં બોલાતી ભાષાઓમાં સાતમા સ્થાને છે. વિશ્વભરમાં 26.5 કરોડ લોકો બંગાળી ભાષાનો પ્રયોગ કરે છે. 17 કરોડ લોકોની સાથે 11મા ક્રમે ઉર્દૂ, 9.5 કરોડ લોકોની સાથે 15મા સ્થાને મરાઠી, 9.3 કરોડની સાથે 16મા ક્રમે તેલુગુ, 8.1 કરોડ લોકોની સાથે 19મા ક્રમે તમિલ અને 5.6 કરોડ લોકો સાથે ગુજરાતીનું સ્થાન 24મું છે.
ભારતમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં ગુજરાતીનો ક્રમ છઠ્ઠો છે. દેશની વસતીના સાડાચાર ટકા લોકો ગુજરાતીમાં વાતો કરે છે, વિચારે છે ને સપનાં જુએ છે. જૂની ગુજરાતી ભાષાને ગુર્જર રાજસ્થાની અને ગુજરાતી ભાષા તેમાંથી જન્મી છે.
ગુજરાતી ભાષાને પોતાનું પોત છે. માધુર્ય, સૌંદર્ય અને લાલિત્ય છે તેમ ચોકસાઈ અને વૈજ્ઞાનિકતા પણ છે. દરેક ભાષાની બોલીઓની જેમ જુદા જુદા પ્રાંતમાં બોલાતી ગુજરાતીને આગવી મીઠાશ છે. આપણે ગુજરાતી ભાષાને વર્ષમાં બે વાર ઊજવીએ છીએ : નર્મદના જન્મદિન 24 ઑગસ્ટે વિશ્વ ગુજરાતી દિન મનાવીએ છીએ અને 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિન ઊજવીએ છીએ.
શબ્દો રત્નો કરતાં પણ વધારે કિંમતી છે. ભાષાની કિંમત સમજનારે આઠ ગુણ કેળવવા જોઈએ : મધુરતા, નિપુણતા, અર્થપૂર્ણતા, સહજતા, લાઘવ, શોભા, વિચારપૂર્ણતા અને સત્ય. યુ.એન. કહે છે, ‘ભાષા આપણા વર્ણ્ય-અવર્ણ્ય વારસાને સાચવવા અને વિકસાવવાનું સૌથી અસરકારક માધ્યમ છે. માતૃભાષાઓને પ્રોત્સાહિત કરવાથી ભાષાવૈવિધ્યને પ્રોત્સાહન મળે છે એટલું જ નહીં, તેનાથી આખા વિશ્વમાં ભાષા અને સંસ્કૃતિ માટેની જાગરુકતા વધે છે અને વિશ્વ સમજ, સહિષ્ણુતા અને સંવાદના પાયા પર જુદી રીતે એક થાય છે.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 ફેબ્રુઆરી 2023