સને 1930માં જંગબારમાં અમુક શિક્ષિત બહેનોએ મળી ‘મહિલા મંડળ’ સ્થાપ્યું. તેમાંની થોડી બહેનો આ હતી : ભદ્રાબહેન માર્કન્ડેય મહેતા, મૂક્તાબહેન મોહનલાલ ઠાકર, શાન્તાબહેન હીરાલાલ જોશી, રંભાબહેન છગનલાલ જાની (મારાં માતુશ્રી), કેસરબહેન કાનજી પટેલ (શિક્ષિકા હતાં), હેમલતાબહેન કાનજી (સૂયાણી હતાં), શાન્તાબહેન ગિરધરલાલ જોશી, સવિતાબહેન કેશવલાલ હિમ્મતપુરા, ચતૂરાબહેન પ્રાગજી ભટ્ટ, દેવકુંવરબહેન તારાચંદ ગોરડિયા, રામકુંવરબહેન શામજી ઘીવાળા, દેવકુંવરબહેન પોપટલાલ ચતવાણી, વગેરે .
આમ શરૂઆતમાં લગભગ 50 બહેનોથી મંડળની શરૂઆત થઈ અને ધીમેધીમે સંખ્યા વધતી ગઈ.
શરૂઆતમાં આ મંડળની બહેનો મહિનામાં એકબે વખત બબ્બે ત્રણત્રણના ગ્રુપમાં જુદા જુદા લત્તામાં જતી અને અશિક્ષિત, નિરક્ષર, બિન કેળવાયેલ બહેનોને લખતાં, વાંચતાં, સિલાઈકામ, બાળઉછેર, દરેક પ્રકારની સ્વચ્છતા કેવી રીતે રાખવી, વગેરે શીખવતી અને જૂનાં નિરર્થક રીતરિવાજ, રૂઢિઓને ન વળગી રહેવું, વગેરે સમજાવતી. દર ગુરુવારે બપોરે 3થી 5 મહિલા મંડળની બહેનો આર્ય સમાજના હૉલમાં મળતી. તેમની મિટિંગ થતી. બે વર્ષે એક વખત રાસ, ગરબા, નાટક, ડાયલોગ, ભજનો, વગેરેના કાર્યક્રમો પણ ગોઠવતી. નવરાત્રીમાં પણ રાસગરબાના કાર્યક્રમો થતા.
પરણીને આવેલી પહેલવહેલી ગુજરાતણોએ જંગબારમાં આવી રીતે વસવાટ કરેલો. તે વખતમાં કુટુંબ, જ્ઞાતિ, કોમ, સમાજ, વગેરેમાં સંપ સારો હતો. ઘરની સફાઈ, કપડાં ધોવાં, વાસણ માંજવાં, વગેરે પોતાનાં ઘરકામો ઘણી બહેનો પોતે જ કરતી. એમ લાગતું કે સામાન્ય રીતે ગુજરાતણો તે સમય દરમિયાન સુખ, શાંતિ, સંતોષ અને આનંદથી રહેતી.