રિલ્કેનાં કાવ્યો અને તેમનું નિરાળુ સર્જનશીલ ચિન્તન બન્ને એકરૂપ છે, એકરસ છે. એવી કાવ્યસૃષ્ટિની જેમ એમની ગદ્ય-સૃષ્ટિ પણ એટલી જ મહિમાવન્ત છે.
અસ્તિત્ત્વવાદી ફિલસૂફો પ્રેમને અશક્યતા ગણે છે, કેમ કે શરણાગતિ હોય તો જ પ્રેમ સંભવે છે. પ્રેમના ઉગમકાળે વ્યક્તિ શરણે જાય પણ પોતાના સ્વાતન્ત્ર્યને ઝાઝા સમય લગી જતું ન કરી શકે, ક્યારેક તો પાછું મેળવીને જ રહે.
સાચું છે, પ્રેમના પ્રારમ્ભે તો નર-નારીને સ્વર્ગીય સુખનો અનુભવ થાય છે, પણ ક્રમે ક્રમે એ અંતરંગતાનો ક્ષય થવા માંડે છે. કોઇ કમનસીબ ઘડીએ બધું તૂટી પડે છે.
પ્રેમ વિશે રિલ્કે લગભગ એ જ પ્રકારની વાત કરે છે. તેમ છતાં, પોતે કોરા ફિલસૂફ ન્હૉતા એટલે પ્રેમને શક્યતાભરી આશા પણ ગણે છે. પ્રેમમાં સાયુજ્યનું સુખ તેમ જ વિચ્છેદ અને અલગાવનું દર્દ શું હોઈ શકે, તે માટે બન્ને પક્ષનાં દાયિત્વ શું હોઈ શકે, એ પણ કહે છે.
આ લેખમાં, એમણે પોતાના જર્મન ચિત્રકારમિત્ર રેઇનહોલ્ડ રુડોલ્ફને લખેલા પત્રની વાત છે, પ્રેમમાં વિચ્છેદ અને અલગાવની વાત છે.
રિલ્કેના કેટલાક પત્રો એમના મરણોત્તર પ્રકાશન “લેટર્સ ઑન લાઈફ”-માં સંઘરાયા છે.
૧૯૨૧ની ક્રિસ્ટમસને બીજે દિવસે, લગભગ બે દાયકા પછી, રિલ્કે પ્રતિપાદિત કરે છે કે ‘એક મનુષ્ય બીજાને પ્રેમ કરી શકે એ કઠિનમાં કઠિન કામ છે, એની આગળ બીજાં કામો તો મામૂલી શરૂઆતો લાગે.’ ચાર વર્ષ પછી કવિ એડ્ના સૅન્ટ વિન્સૅન્ટ એવા સ્વરૂપની કલાનો નમૂનો રજૂ કરે છે, જેને ‘ક્લીન બ્રેકઅપ’ કહી શકાય. ત્યારે રિલ્કે પ્રેમમાં નિષ્ફળ નીવડેલા વિચ્છેદ અને અલગાવનું દર્દ અનુભવતા એ ભગ્નહૃદયી મિત્રને પત્ર લખે છે :
વાત જો અલગાવની છે, તો એ બીજા જીવન સાથે દર્દ એની પૂર્ણ માત્રામાં રસાયેલું હોવું જોઈશે. એને બદલે, બન્ને વ્યક્તિ એકબીજા જોડે નિરન્તર જો મૃદુ રહેશે, ઢીલાંપોચાં, તો કશા જ ફળલાભ વિનાની લાચાર પીડા જનમશે. તેમ છતાં, અલગ થવાના દૃઢ નિર્ધારની પ્રક્રિયામાં દર્દ પોતે જ તાજપભરી એક નવી શરૂઆતનાં બીજ રોપી દેતું હોય છે, જો કે, એને માટે બન્ને પક્ષેથી પ્રયાસ થવા જોઇશે.
સમજી શકાશે કે વિચ્છેદને રિલ્કે કિંચિત્ શુભ લેખે છે. અલગાવની એ ક્ષણે કે એ દિવસોમાં આમ તો લોહીલુહાણ થઈ જવાતું હોય છે પણ રિલ્કે એમાં સુખનું ભવિષ્ય ભાળે છે.
ક્રમશ:
(Feb 26, 23 : A’vad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર