હા, હું તો સીધું જ પૂછું છું કે તમને તમારી ઈચ્છા જેવું કૈં છે કે પછી, બીજા જીવાડે છે એમ જ તમે જીવો છો? આ સવાલ તમે તમને પણ પૂછો ને વિચારો કે કેટલી બાબતોમાં તમે તમારી ઈચ્છા મુજબ જીવી શકો છો, વર્તી શકો છો? પહેલે તબક્કે તો તમને એમ જ લાગશે કે હું મારી ઈચ્છા મુજબ જ તો જીવું છું, વર્તું છું? મારી ઈચ્છા મુજબ ભણ્યો, પરણ્યો, નોકરી કરી તો આ કેમ એમ પૂછે છે કે મને મારી ઈચ્છા જેવું કૈં છે કે નહીં? તમે પૂરેપૂરા ગુલામ છો એવું કહેવાનું નથી, તમે તમારી રીતે જ રહો છો એ ય માની લઉં, પણ જરા આજુબાજુ જુઓ, જે ચાલે છે તે જુઓ ને વિચારો કે કોઈ તમારી જાણ બહાર તમારી ઉપર વર્ચસ્વ તો નથી જમાવતું ને? તમારી જાણ બહાર કોઈ તમારા પર હાવિ તો નથી થઈ રહ્યું ને? સવારથી ઊઠો છો ને રાત્રે પથારીમાં પડો છો ત્યાં સુધીમાં એમ જ જરા પોતાને પૂછજો કે કઇ કઇ બાબતમાં તમારો કક્કો ખરો થયો છે ને કઇ વાતમાં તમે બીજાની વાતમાં આવી જઈને તે પ્રમાણે કર્યું છે? જે જવાબ આવશે તેમાં થોડું એવું પણ હશે કે તમે બીજાની સૂચના કે ઈચ્છા પ્રમાણે વર્ત્યા હો. આમ થવું સ્વાભાવિક છે. આટલી મોટી દુનિયામાં અનેક બાબતોની અસર આપણા પર મોડી વહેલી ને ઓછી વત્તી થતી જ રહે છે, એટલે કોઈ પ્રભાવ વગર જ જીવી જવાય એ શક્ય નથી.
આપણે છાપાં વાંચીએ છીએ, મેગેઝિન્સ જોઈએ છીએ, ટી.વી. પર ફિલ્મો, સિરિયલો જોઈએ છીએ. એમાં અનેક ફેશન જોઈએ છીએ, રીત-રિવાજો જોઈએ છીએ, ખાવા-પીવાનું જોઈએ છીએ, એમાંનું ઘણું આપણને નથી ગમતું તો ઘણું ગમે પણ છે. એવું કૈં જોવા-કરવાનું, ખરીદવા-વેચવાનું ગમે છે. આ બધું, જાણ્યે -અજાણ્યે થાય છે. માણસ જન્મથી એકલો હોય ને તેને કોઈના સંપર્કમાં આવવાનું ન થાય તો તે કશા ય વૈવિધ્ય વગરનો, જંગલી જેવો જ રહે, પણ એવું બહુ બનતું નથી. માણસને આપણે સામાજિક પ્રાણી કહ્યો છે એટલે તે સમાજમાં તો ભળવાનો જ. ભળે એટલે અન્યની અસરમાં આવવાનો ને સારુંનરસું બધું જ શીખવાનો. બલકે, આવું કશું શીખવા-જાણવાનું થાય એટલે તો સમાજ અસ્તિત્વમાં આવ્યો. માણસ બીજાની અસરમાં ન આવે એવું તો ઈચ્છવા જેવું પણ નથી. મુદ્દો એ છે કે કોઇકની કે કશાકની અસરમાં કેટલું આવવું? કોઈ અસરથી જાતને રોકવી કે કોઈ ખેંચે તો તે પ્રવાહમાં તણાયા કરવું?
અત્યારે સમૂહ માધ્યમો, બજારો અને ટેક્નોલોજીનો જે પ્રભાવ માનવ સમાજ પર પડી રહ્યો છે તે પરથી તો માણસ એટલી ખરાબ રીતે ફસાઈ રહ્યો છે કે તેમાંથી તે છૂટે એ અશકયવત છે. આવી ફસામણીમાંથી એ છૂટી શકે એ પણ મુશ્કેલ છે. મુશ્કેલ એટલે કે એ ફસાયો છે એવી ખબર પણ એને શરૂઆતમાં તો પડતી જ નથી. ખબર પડે તો છૂટે ને ! જરા વિચારીએ કે ટૂથબ્રશ કે પેસ્ટ કઇ વાપરવી ત્યાંથી માંડીને રાત્રે મચ્છરથી બચવા કઇ કોઈલ વાપરવી ને તે ય તમારી પસંદગીની જ હોય એવું ઓછું જ બનવાનું. તમારે પેસ્ટ, કોલગેટ વાપરવી નથી એવું નક્કી કરો ત્યાં સુધીમાં તો ડાબર, સેન્સોડાઈન, વિકોથી માંડીને અનેક વિકલ્પો તમારી સામે હાજર થઈ જાય છે. આમ તો એ બધી પેસ્ટમાંથી કોઈનો પણ વિચાર તમારા મનમાં નથી, પણ એટલી બધી પેસ્ટ અનેક પ્રકારનાં માધ્યમોમાં તમારી સામે અથડાતી રહે છે કે કશુંક જુદું વિચારી શકો એટલી જગ્યા જ તમને મળતી નથી ને છેવટે જે સતત દેખાયા કરે છે તેમાંથી જ કોઈ એક પર તમારી પસંદગી ઊતરે છે. આવું બીજી ચીજ વસ્તુઓની બાબતમાં પણ બને છે. દરેક વખતે આ બધું ઇરાદાપૂર્વક થાય છે એવું પણ નથી. કેટલુંક અજાણતાં થતું હશે તો કેટલુંક ઇરાદાપૂર્વક પણ થતું હશે, પણ એ બધાંની વત્તીઓછી અસર આપણા પર થાય છે તેની ના પાડી શકાશે નહીં.
સ્ત્રીઓની વાત કરીએ તો એમણે શું પહેરવું. કેવાં સેન્ડલ પહેરવાં, કેવી વાનગીઓથી પતિને રાજી રાખી શકાય, સારો પતિ મેળવવા કયું વ્રત કરવું, ચોમાસામાં છત્રીનો કલર કયો સારો કે ઉનાળામાં લિપસ્ટિકનો કયો શેડ વધુ સારો કે આઇબ્રો કેવી હોય તો બોય ફ્રેન્ડને આકર્ષી શકે કે લગ્ન પછી હનીમૂન પર કયું હિલસ્ટેશન સારું કે અથાણાં, પાપડ, વડીની જાળવણી કેવી રીતે કરી શકાય કે બર્થડે પર પાર્ટનરને કઇ ગિફ્ટ આપવી કે ડેટ પર કયા પ્રકારની સુરક્ષા રાખવી, પાર્ટનરને ઇમ્પ્રેસ કરવા કેવો મેકઅપ કરવો કે ઇન્ફેક્શનમાં કઈ ટ્રીટમેન્ટ વધુ સારી કે ડિલિવરી વખતે પેટ પર પડેલા સ્ક્રેચ કેવી રીતે દૂર કરી શકાય, શું કરવાથી બેડ પર પાર્ટનર એકદમ એક્સાઇટ થઈ જાય, હેરસ્ટાઇલ કેવી કરવાથી પ્રેમી ઓવારી જાય જેવી એટલી બધી ટિપ્સ અપાતી રહે છે કે તમ્મર આવી જાય. આવી ટિપ્સ પાછાં માધ્યમો પોતપોતાની રીતે આપતાં હોય ને તે સાવ સામા છેડાની હોય એમ પણ બને. ઘણીવાર તો સમજ જ ન પડે કે કોનું માનવું ને એમ માનવામાં પોતાનું માનવું તો કૈં જુદું જ હોય. મોટા ભાગની સ્ત્રીઓને તો માર્ગદર્શન પણ મળતું હશે, પણ જે સેન્સિટિવ છે, પોતાની રીતે વિચારે છે એને તો આવાં ટિપ્પણી-મારથી અકળામણ પણ થાય. આવું સ્ત્રીઓ માટે જ છે એવું નથી, પુરુષોને પણ ઘણી બધી રીતે માધ્યમો ખેંચે જ છે. કઈ બ્લેડ વાપરવી, શેવિંગ ક્રીમ કયું સારું, શર્ટિંગ, પરફ્યુમ કયું સારું જેવી અનેક બાબતે પુરુષોને પણ મીડિયા ખેંચે જ છે.
ઘણીવાર તો સ્ત્રી કે પુરુષને પસંદગી કે ટિપ્સને મામલે એવા સવાલો થાય છે કે મને મારા જેવું કૈં છે કે નહીં? મને મારી પસંદગી જેવું કૈં ખરું કે કેમ? મારે કયું શેમ્પૂ વાપરવું કે કયા બૂટ પહેરવા એ બીજા નક્કી કરી આપે? મારે શું ખરીદવું કે શું ન ખરીદવું એ બીજા નક્કી કરી આપે? કેમ, મને એટલી પણ સમજ કે પક્વતા નથી કે હું મારે માટે છોકરી કે નોકરી શોધી શકું? એવું કેમ લાગે છે કે કોઈ મારું બ્રેઇન વોશ કરે છે? મને મદદની જરૂર હશે તો હું જરૂર પ્હોંચીશ મીડિયા પાસે, પણ મારી ઈચ્છા વિરુદ્ધ કોઈ કંપની તેની પ્રોડક્ટ લઈને મારાં બેડરૂમ સુધી આવી જાય એ તો બરાબર નથી ને ! ઘણીવાર તો એવો વહેમ પડે કે મારું મગજ હવે મારું રહ્યું નથી, મારા મગજનું સંચાલન બહારનાં તત્ત્વો કરે છે. એ ઈંજેક્ટ કરે છે, મારે કેમ વર્તવું, કેમ રહેવું, શું ખરીદવું, ક્યાંથી, કઈ બ્રાન્ડ લેવી, વગેરે પર મારું કોઈ નિયંત્રણ નથી. કોઈ મારામાં રહીને મારે બદલે વિચારે છે ને હું એવા વહેમમાં છું કે આ બધું હું કરું છું. કોઈ વાર તો એમ લાગે છે કે હું કોઈ કમાન્ડ ઉઠાવનાર રોબોટથી વિશેષ કૈં નથી. ઘણીવાર તો એવી ગૂંગળામણ પણ થાય છે કે એક ટાંકણી ખરીદવા જેટલી મોકળાશ પણ મારાંમાં કેમ નથી? ઘણાંને આવાં સવાલો થાય છે ને ઘણાંને એમાં કશું જ અજુગતું લાગતું નથી. ‘એ તો એમ જ હોય ને !’ – જેવું રાષ્ટ્રીય આશ્વાસન એમને હાથવગું હોય છે. આમાં થોડી અતિશયોક્તિ કોઈને લાગે એમ બને, પણ આવી અસરોમાંથી સંવેદનશીલ વ્યક્તિ મુક્ત છે એવું લાગતું નથી. રાજકારણ, ધર્મ, શિક્ષણ, બજાર .. વગેરેની ઘણી વાતો આપણાં મનનો, આપણાં જ્ઞાનતંતુઓનો કબજો લઈ લે છે ને અમુક સમય સુધી તો બધું સહન પણ થાય છે, પણ પછી અસહ્ય થતાં મન બળવો પોકારે છે. જો કે, એથી બહુ ફેર પડતો નથી. મોડા વહેલાં નિયતિ તો આપણી, શરણાગતિની જ હોય છે. કોઈ આપણે બદલે તો આપણામાં નથી જીવતુંને એ આજનાં સંવેદનશીલોનો સજીવ પ્રશ્ન છે. એ સમસ્યા તો છે જ, પણ એનો ઉકેલ દેખાતો નથી. વધારે તો શું કહું?
000
e.mail : ravindra21111946@gmail.com