દેશના લાગણીશીલ નાગરિકને ખળભળાવી દે તેવું, પૂરેપૂરું યુવાઓએ તૈયાર કરેલું ‘એન્ટર એટ યુઅર ઓન રિસ્ક’ (Enter at Your Own Risk) નામનું નાટક અમદાવાદના સ્ક્રૅપયાર્ડ થિએટરમાં ગઈકાલ, શનિવારે, રાત્રે ભજવાયું.
અનિવાર્યપણે અસ્વસ્થ કરે તેવું લખનારા ઉર્દૂ લેખક સઆદત હસન મન્ટો(1912 -1955)ની ચાર વાર્તાઓ પર આધારિત આ નાટકનું દિગ્દર્શન 28 વર્ષના સાવન ઝાલરિયાએ કર્યું છે.
માઇકનો ઉપયોગ સદંતર ન હોય એવું આ પરફૉર્મન્સ ક્ષણે ક્ષણ કલાકારોની શારીરિક ઉર્જા બતાવે છે, અને પ્રેક્ષકોને લગભગ સતત નાના-મોટા ઝાટકાથી ધૂજાવે છે.
નાટકના અંતે પ્રેક્ષકો એવા સુન્ન બની જાય છે કે તેમનાથી તાળીઓ પડતી નથી, તેને બદલે કેટલીક ક્ષણો માટે એક ભેદી મૌન છવાઈ જાય છે.
જાણકારોને ખ્યાલ જ હોય કે આવી દાદ પરફૉર્મન્સની દુનિયામાં વિરલ હોય છે, જે સાવન અને તેની મંડળીને મળે છે એવું ફરીથી એક વાર દેખાયું.
ભારત-પાકિસ્તાનના ભાગલાની ભીષણતા, ઇશ્વર-અલ્લાહ અને ધર્મ-મજહબ, ધર્મઝનૂન, લડાયક રાષ્ટ્રવાદ, કોમવાદનું રાજકારણ, રાજ્યસત્તાનો જુલમ,અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ જેવા વિષયોને આવરી લે છે. દેશ અને ધર્મનાં પ્રતીકો, ચિહ્નો, નારા, ગીતો જેવી બાબતો તરફ નાટક ક્રિટિકલી જુએ છે.
આ બધાનો ભોગ સ્ત્રીઓ કેવી રીતે બને છે તેની ચોંકાવી નાખે તેવી રજૂઆત મંચ પર જોવા મળે છે, જેના માટે કલાકાર યુવતીઓને સલામ કરવાની થાય.
મન્ટોની કલમે શબ્દદેહ પામેલા, ભારત-પાકિસ્તાનના ભાગલા સમયના પાગલોના અમર પાત્રોની ધમાચકડીથી નાટક શરૂ થાય છે. દેખીતી શારીરિક ધાંધલ-ધમાલ તેમ જ વાતની રમૂજો સાથે માનવસ્વભાવ અને સમાજ પરનો વેધક કટાક્ષ જોડાયેલો હોય છે.
નાટક આગળ વધે છે તેમ હાસ્ય પાંખું અને કડવું બને છે. ભય અને હિંસા છવાતાં જાય છે. નાટકના અંત તરફ ફરી પાગલખાનામાં મસ્તીમજાક, પછી હિંસાચાર અને બધે મોત, આખરે મન્ટોનું ભાષ્ય.
ધર્મસંસ્થા અને રાજ્યસંસ્થાની સત્તાએ સીંચેલાં ઝનૂનથી પાગલ થઈ જતા સમાજના મોટા હિસ્સાની વાત પાગલોનાં માધ્યમથી આપણી સામે આવે છે, દેશકાળ અંગે પ્રેક્ષકોને ખિન્ન બનાવી દે છે.
મન્ટોની ભારત-પાકિસ્તાન ભાગલા પરની વાર્તાઓ પર આધારિત સંહિતા(સ્ક્રિપ્ટ)ના લેખકો રાશિ મિશ્રા, સુક્રિતિ ખુરાના અને અને રાજેશ ખુરાના છે. સાવને થોડાંક દૃશ્યો ઉમેર્યાં છે.
પંચોતેર વર્ષ પહેલાંની વિભીષિકા પરની વાર્તાઓ સાથે લેખકો 2020-21 સુધીના કેટલાક બનાવો મૂકે છે. નાટકનાં દૃશ્યોમાં અતીત અને સાંપ્રત, વિસ્મૃતિ અને અનુભૂતિ, કલ્પના અને વાસ્તવ, ગાંડપણ અને શાણપણ, દેશ અને રાષ્ટ્ર – આવી વિભાવનાઓ એકબીજા સાથે ભળતી રહે છે, વિખરાતી રહે છે.
આ ગતિશીલતા નાટકની દૃશ્યરચનાઓમાં પણ છે. માત્ર બે પાત્રો વચ્ચેનાં દૃશ્યો પણ પાત્રોની મૂવમેન્ટથી મંચને ભરેલો રાખે છે. એવાં દૃશ્યોમાં બે પાત્રો જે તાકાતથી કમાલ કરી જાય છે, તે સમૂહ દૃશ્યોમાં પણ છે જ.
પાત્રો સીડી પર અને ઝાડ ચઢે છે, સાવ ઓછી ઊંચાઈવાળા ખાટલા નીચે સૂએ છે, કાર્ટૂન સ્ટ્રીપમાં હોય તેમ એકબીજાનો પીછો કરે છે, ઝાટકા ખાય છે, નાટકના પોલીસનું ટૉર્ચર ઝીલે છે, પળવાર ઊંધે માથે ઊભા રહે છે, વીંઝોળાય છે, ખેંચાય છે, ફેંકાય છે – અને આવું કેટલું ય !
માઇકનો બિલકુલ ઉપયોગ ન કરવા છતાં લગભગ દરેક કલાકારની અવાજની તાકાત અને ફેંક દાદ માગી લે છે. થકવી નાખે તેવી અૅક્શનવાળા અભિનયમાં કોઈ કલાકાર કચાશ રાખતી/તો નથી.
રંગબેરંગી દુપટ્ટા, પાયજામા, કાપડના ટુકડા, તૂટેલો પૃથ્વીનો ગોળો, સીવવાનો પોર્ટેબલ સંચો જેવી વસ્તુઓનો આબાદ ઉપયોગ થયો છે. ઓછા ઉપયોગ છતાં પ્રકાશ આયોજન બિલકુલ ધારી અસર ઉપજાવે છે.
પાર્શ્વધ્વનિ અને સંગીતનો અત્યંત અસરકારક ઉપયોગ અહીં છે. કાર્ટૂન સ્ટ્રીપનો સાઉન્ડટ્રૅક, બારણે ટકોરા, રમખાણોની ચીસાચીસ, સાયરનોની કિકિયારીઓ, હથિયારોના ધણણાટી, સુરક્ષા દળોના પડઘમ. તેની સાથે અહીં અમૃતા પ્રીતમનો જાણીતો મરસિયો ‘આજ આખાં વારિસ શાહનુ’ અને જાણે ભૈરવી તરીકે ફૈઝ અહેમદ ફૈઝની ‘બોલ કે લબ આઝાદ હૈ તેરે’ જેવી ગઝલ કાને પડતાં રહે છે.
સ્ક્રૅપયાર્ડ ચલાવનાર સમર્પિત રંગકર્મી કબીર ઠાકોર જણાવે છે કે દિલ્હીના અક્ષરા થિએટર્સ નામના વૃંદે આ નાટક દેશના કેટલાંક શહેરોની જેમ અમદાવાદમાં પણ માર્ચ 2019માં ભજવ્યું હતું.
તેનાથી કબીર અને સાવન અતિશય પ્રભાવિત હતા. મૂળ નાટકના નિર્માણની ઘેરી છાપ સ્ક્રૅપયાર્ડએ કરેલા નાટ્યપ્રયોગ પર હોવાનું કબીર વિગતવાર જણાવે છે.
Enter At Your Own Risk જેવાં નાટકો બહુ ઓછા થાય છે. સહુ નાગરિકોએ અને તેમાં ય સિવિલ સોસાયટી, અર્થાત્ નાગરિક સમાજ જેવી વ્યાપક સંજ્ઞામાં માનતા સહુએ તો આ નાટક અચૂક જોવા જેવું છે.
આ નાટક યુવાઓએ કરેલું નાગરિક સમાજ માટેનું એક સ્ટેટમેન્ટ છે, તે જોવું એ આપણી સામેલગીરી – સાઝેદારી છે.
નાટકની નિષ્ઠાવાન મંડળી આ મુજબ છે :
- કલાકારો : અઝાજ, અનન્યા, અમન, આયુષી, પ્રિતેશ, યશ, રાકેશ, રિકેશ, લક્ષ્ય, શર્વરી, શિલ્વા, સૂરજ, હેત, ક્ષિતિજ.
- સાથીદારો – પ્રકાશ : સાવન; સંગીત અને બૅનર્સ : હર્ષિલ;
- વીડિયો પ્રોજેક્શન : હાર્દિક; પોસ્ટર : કલ્પેશ
- સહાયક દિગ્દર્શક : ચૈતાલી
*** આ નાટક આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ રાત્રે સાડા આઠ વાગ્યે ફરીથી ભજવાશે. સ્થળ પર ટિકિટો મળી શકશે.
ઑનલાઇન ટિકિટ માટેની લિન્ક : https://allevents.in/…/enter-at-your-own…/80002076540875
26 ફેબ્રુઆરી 2023
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર