આ દેશ વિષે મંત્રીઓ બોલે છે તો એટલું બધું ભવ્ય કાને પડતું રહે છે કે આટલું ગ્લેમર બીજે ક્યાં ય નહીં હોય એમ લાગે. કોઈ વિપક્ષ બોલે છે તો ક્યાં ય કશું સારું નથી એવી વાતો જ કાન કોતરતી રહે છે. સાચું બંનેમાં ખૂટે છે. સાચું એ છે કે કોઈ સાચું સ્વીકારવા તૈયાર નથી ને ભ્રષ્ટતા એટલી વ્યાપક અને ઊંડી છે કે સચ્ચાઈ સુધી નથી તો સાધારણ માણસ પહોંચતો કે નથી તો કોઈ નેતાની ઈચ્છા હોતી ત્યાં સુધી પહોંચવાની. આમ જોવા જઈએ તો આ દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. એકમાં ભક્તો છે ને એકમાં વિરોધીઓ છે. સૌથી દુ:ખદ બાબત એ છે કે આ બધાંમાં સાચું કહેનારા અને માનનારાની સંખ્યા નગણ્ય છે.
એક તરફ જી.એસ.ટી. ને પેટ્રોલ વગેરેમાંથી કરવેરા ઉપરાંત સરકાર જ લાખો કરોડોની કમાણીની જાહેરાત કરતી રહે છે, અનેક રીતે બજેટમાં લાખો કરોડો ફાળવાતા રહે છે, બીજી તરફ જરૂરી ચીજવસ્તુઓ કે વ્યક્તિઓ બાબતે આ દેશ ભયંકર અછત કે દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. ગરીબો માટેની અનેક મફત યોજનાઓ છતાં આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધતી જ આવે છે. નોકરીમાં ઘણી બધી જગ્યાઓ તો ભરાતી જ નથી ને સૌને એડહોકથી જ કામ લેવાની ટેવ પડી ગઈ છે. એથી પૈસાની બચત થતી હશે, પણ જે તે જગ્યા પર બજાવાતી ફરજ ઓછી જ વિશ્વસનીય રહે છે. જ્યાં વ્યક્તિની જરૂર છે ત્યાં વિકલ્પોથી કામ લેવાય છે, એક તરફ શિક્ષિત બેકારોની સંખ્યા વધતી જ જાય છે ને બીજી તરફ હજારોની સંખ્યામાં છટણીનો ઉપક્રમ ચાલે છે, તે ત્યાં સુધી કે હવે તો રોબોટ્સને પણ છૂટા કરવામાં આવે છે. આમાં સાચું શું તે સમજાતું નથી. એ શરમજનક છે કે કેટલા ય શિક્ષિતોને નોકરી આપી શકાતી નથી ને કેટલાયને નોકરીએથી છૂટા કરવામાં આવે છે. શિક્ષણની જ વાત કરીએ તો જરૂરી શિક્ષકોની ભરતી થતી નથી ને બીજી તરફ પ્રવાસી શિક્ષકો અને વિદ્યા સહાયકોની હજારોની સંખ્યામાં ભરતી કરવાનો વાંધો નથી આવતો. એ સનાતન સત્ય સરકાર પોતે કબૂલે છે કે સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ પૂરવા સરકારે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવા માંડી છે. પહેલાં એ નિમણૂક ગ્રેજ્યુએટ ઉમેદવારથી થતી હતી. એ પછી એવું જ્ઞાન લાધ્યું કે એમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ જોખમાય છે, તો હવે ઉચ્ચ લાયકાતવાળા શિક્ષકો નિમાશે. મતલબ કે અત્યાર સુધી લાયકાત વગરના શિક્ષકોથી કામ કાઢીને શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓનું શિક્ષણ તો દાવ પર લગાવ્યું જ. વધારે કમાલ એ છે કે હવે ‘લાયકાતવાળા’ અધિકારીઓ લાયકાતવાળા પ્રવાસી શિક્ષકો નીમશે. અહીં સવાલ એ થાય કે એવા લાયકાતવાળા શિક્ષકોને પ્રવાસી શિક્ષકો તરીકે નીમવાને બદલે શિક્ષકોની જે ઘટ છે એમાં જ સમાવાય તો એટલી ઘટ પૂરી થાય એવું નહીં? પૂરી લાયકાતવાળા શિક્ષકોને નિમણૂક આપ્યા પછી પણ જો એ પ્રવાસી શિક્ષક જ ગણાવાનો હોય તો જેની ઘટ છે એવા શિક્ષકો ક્યાંથી ને ક્યારે આવવાના છે ને તે આ પ્રવાસી શિક્ષકો કરતાં કઇ રીતે વિશિષ્ટ હશે એનો ફોડ શિક્ષણ વિભાગે પાડવો જોઈએ. વારુ, બધી રીતે લાયક હોય તે શિક્ષકને પ્રવાસી શિક્ષક તરીકે નિમણૂક આપીને શિક્ષણ વિભાગ શોષણના જ નવા પાઠ ભણાવશે કે બીજું કૈં? કારણ, ગરજનો માર્યો શિક્ષક તો પ્રવાસી શું, સ્વર્ગવાસી થવા પણ તૈયાર થશે, પણ એવી રીતે નિમણૂક કરીને શિક્ષણ વિભાગ પોતાની કેવીક શોભા વધારશે તે વિચારવા જેવું છે. લાગે છે તો એવું કે શિક્ષકોની ખરી ઘટ સરકાર પૂરવા જ નથી માંગતી. એમ ઘટ પૂરે તો શિક્ષકોને મળવાપાત્ર લાભો આપવા પડે, પણ એ લાભોની બચત કરીને શિક્ષણ વિભાગ ઓછો પગાર આપીને પ્રવાસી શિક્ષક કે વિદ્યા કે શિક્ષણ સહાયકોથી જ કામ કાઢવા માંગે છે. પ્રવાસી શિક્ષકોથી જ કામ કાઢવા સરકારે 300 કરોડનું બજેટ વધારીને 2023-‘24 માટે 531 કરોડ ફાળવ્યા છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 38,867 કરોડ ફાળવ્યા છે ને શિક્ષણનું કુલ બજેટ તો 43,651 કરોડ છે જે આ વખતનાં બજેટની સૌથી વધુ ફાળવણી છે. આટલું બજેટ ફાળવવા છતાં શિક્ષકોની ઘટ પુરાતી ન હોય ત્યારે પ્રશ્ન થાય કે એવી તે કેવીક ઘટ છે કે વર્ષોથી પુરાતી જ નથી? પુરાતી નથી કે પૂરવી નથી એનો ખુલાસો થવો જોઈએ. ખરેખર તો દર વર્ષે શિક્ષણ વિભાગે શિક્ષકોની ઘટ કેટલી પૂરી તેના વિગતવાર આંકડા બહાર પાડવા જોઈએ. વહેમ તો એવો પડે છે કે સાચી નિમણૂક કરવાને બદલે પ્રવાસી શિક્ષકોથી જ વિભાગ કામ કરવા માંગે છે, પણ એમ આંગળાં ચાટે પેટ ભરવાનો અર્થ નથી. જો આપણે પ્રવાસી રાષ્ટ્રપતિ, પ્રવાસી વડા પ્રધાન, પ્રવાસી જજ, પ્રવાસી રાજ્યપાલોથી ન ચલાવતા હોઈએ તો શિક્ષણ જેવાં સૌથી મહત્ત્વનાં ક્ષેત્રમાં પ્રવાસી શિક્ષકો કે વિદ્યાસહાયકો જેવી તકલાદી શૈક્ષણિક વ્યવસ્થાઓથી શું કામ ચલાવવું જોઈએ? એ શરમજનક છે કે આવી કામચલાઉ વ્યવસ્થાઓને કાયમી કરવાની માનસિકતાથી શિક્ષણ વિભાગ પીડાય છે.
આ અવદશા શિક્ષણની જ છે એવું નથી. ન્યાયની પણ આ જ હાલત છે. શનિવારે જ સુપ્રીમકોર્ટે એ મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે કે જુલાઇ, 2022 સુધીમાં ઘરેલુ હિંસાના 4.71 લાખ કેસો પેન્ડિંગ છે. સુપ્રીમે સરકારનું ધ્યાન એ મુદ્દે દોર્યું છે કે મામલાઓના નિરાકરણમાં અને મહિલા સુરક્ષાના કાયદાના અમલમાં નડતી મુશ્કેલીઓ દૂર થાય તે માટે રાજ્યોના સચિવોની ત્રણ અઠવાડિયામાં બેઠક બોલાવવામાં આવે ને પડતર કેસોના નિકાલ અંગે નિર્ણય કરવામાં આવે. એ નોંધનીય છે કે ઘરેલુ હિંસા કાયદા અંતર્ગત થતી સંરક્ષણ અધિકારીઓની નિમણૂક ન્યાયિક કરકસરની ચાડી ખાય છે. એક જિલ્લામાં એક જ સુરક્ષા અધિકારીથી ચલાવાય છે ને તેની પાસે સરેરાશ 500થી 600 કેસ આવતા હોય છે. આ સ્થિતિ હોય તો કાયદાનો અસરકારક અમલ કરવાનું મુશ્કેલ જ છે. સુપ્રીમ ભલે કેન્દ્ર કે રાજ્યને આદેશ આપે, પણ 2001થી 2018 સુધીમાં ઘરેલુ હિંસામાં 53 ટકાનો વધારો થયો હોય તો ઓછી નિમણૂકોથી પણ આંગળાં ચાટીને પેટ ભરવા જેવું જ થશે કે બીજું કૈં? બીજે બધે જ ભવ્યતા ને ભરચકતાનો વાંધો ન આવતો હોય તો શિક્ષણ કે ન્યાયનાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં નિમણૂકની કરકસર અક્ષમ્ય છે.
‘વી ધ વુમન ઑફ ઇન્ડિયા’ એ મહિલાઓ પરના ઘરેલુ હિંસાના નિરાકરણ સંદર્ભે સુપ્રીમમાં અરજી કરી ત્યારે એની સુનાવણીમાં પડતર કેસોની વિગતો બહાર આવી હતી. કોઈ પણ કોર્ટના પડતર કેસો ન્યાયનાં મૂળ તત્ત્વની અવગણનાનું જ પરિણામ છે એવું ખરું કે કેમ?
આ તો ઘરેલુ હિંસાના પડતર કેસોની વાત થઈ, પણ કોર્ટના કુલ પડતર કેસોની સંખ્યા 4.90 કરોડથી વધુ છે એવી જાહેરાત સ્વયં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ શનિવારે જ કરી છે. આટલી મોટી સંખ્યા માટે કાયદા મંત્રીશ્રીએ ન્યાયાધીશને નહીં, પણ સિસ્ટમને જવાબદાર ઠેરવી છે. સરકાર પગલાં લઈ રહી છે એવું રાબેતા મુજબનું વિધાન કરીને તેમણે બિનજરૂરી કાયદાઓ રદ્દ કરવાની વાત પણ કરી છે. કોર્ટને ટેક્નોલોજીથી સજ્જ કરવાની જરૂર પણ તેમને વર્તાઇ છે. એ જે હોય તે, પણ આટલા પેન્ડિંગ કેસો રાતોરાત થયા નથી. એક જ દિવસમાં ન્યાયાધીશ 50થી 60 કેસો સાંભળતા હોય, તો પણ કેસોની સંખ્યા વધે જ છે. તેનું સાદું કારણ એ કે નિકાલ થતાં કેસો કરતાં નવા આવનારા કેસોની સંખ્યા બમણી હોય છે. ટેક્નોલોજીથી કોર્ટો સજ્જ થાય તેનો તો વાંધો જ નથી, પણ કોર્ટની ને ન્યાયાધીશોની અછત પણ એક મહત્ત્વનું કારણ છે. કોર્ટો પાળીઓમાં ચલાવવી પડે એ સ્થિતિ હોય ત્યારે કોઈ પણ પ્રકારની રજા કોર્ટમાં ન પાળવામાં આવે એ પણ એક ઉપાય તરીકે વિચારવા જેવું છે. કોર્ટોએ સ્વતંત્રતા પછી વર્ષો સુધી વેકેશન ભોગવ્યું છે. અંગ્રેજોની એ વ્યવસ્થા એટલે ચાલુ રાખવાની જરૂર ન હતી, કારણ એસી કેબિનમાં કેસો ચાલતા હોય ત્યાં આવાં વેકેશન લકઝરી ગણાય ને કરોડો કેસો પેન્ડિંગ હોય ત્યારે આવી સગવડ ગુનાહિત ગણાવી જોઈએ. એસી ન હોય ત્યાં એવી સગવડ ઊભી કરીને પણ કેસોનો નિકાલ થાય એ અંગે વિચારાવું જોઈએ. હજી કેટલીક કોર્ટો વેકેશન પાળે છે, તો ત્યાં કેસો પડતર નથી એમ માનવાનું છે? ખરેખર તો ખૂટતી વ્યવસ્થાઓ ઊભી કરીને રાતદિવસ કોર્ટો ચાલુ રહેવી જોઈએ. એવું નહીં થાય તો પડતર કેસોની સંખ્યામાં વધારો જ થવાનો છે એ કહેવાની જરૂર નથી. આમ પણ કોર્ટમાં કોઈ બહુ જવા નથી કરતું. તેનું એક કારણ એ પણ ખરું કે ન્યાયમાં અસહ્ય વિલંબ હવે સહજ બાબત થઈ ગઈ છે. લોકો માણસો રોકીને કોર્ટની બહાર જ ન્યાય મેળવી લેતા થયા છે. આ રીતે ન્યાય મેળવવો પડે એ સ્થિતિ જ સૂચવે છે કે કોર્ટનો ન્યાય તેમને આશ્વસ્ત કરી શકે એવી સ્થિતિ રહી નથી.
એ અત્યંત દુ:ખદ છે કે પૂરતી કમાણી છતાં સરકારો જરૂરી જગ્યાઓ ન ભરીને, તેનાં સસ્તા વિકલ્પો સ્વીકારીને, ગુણવત્તાને ભોગે જે ધંધો કરે છે એનાથી નફો થતો હશે, પણ આમ કરીને તેણે શિક્ષણ અને ન્યાયનાં મહત્ત્વનાં ક્ષેત્રોની ગુનાહિત ઉપેક્ષા કરી છે ને એના પડઘા આવનારા સમયમાં દૂર દૂર સુધી પડવાના છે. જે સત્તા જ સ્વાર્થનો પર્યાય છે તે વર્તમાનને તો અસર કરે જ છે, પણ ભવિષ્ય પર પણ ચોકડી મારે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 ફેબ્રુઆરી 2023