Opinion Magazine
Number of visits:
10194117
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાધા ક્યોં ગોરી, મૈં ક્યોં કાલા … 

સોનલ પરીખ|Opinion - Opinion|17 September 2026

કૃષ્ણના શ્યામ રંગમાં ભળેલી આકાશના નીલ વર્ણની છાંટ એમને અત્યંત ભવ્ય અને આકર્ષક બનાવે છે. આપણે જેમને જોઈ અમસ્તા અમસ્તા ઝંખવાઈ જઈએ છીએ એ ગોરાઓ ‘ટેન્ડ સ્કીન’ મેળવવા ખાસ તડકો ખાય છે કેમ કે શ્યામ વર્ણની પોતાની એક આભા છે, શ્યામ ત્વચામાં જીવંત તેજ હોય છે. તો પછી આપણને શ્વેત રંગ માટે પક્ષપાત અને શ્યામ રંગ માટે અભિયાનો ચલાવવા પડે એવો પૂર્વગ્રહ કેમ છે?  

સોનલ પરીખ

કૃષ્ણ માટે વપરાતો શ્યામસુંદર જેવા શબ્દ એમનું નામ પણ છે અને વિશેષણ પણ. કૃષ્ણ, રામ અને શિવના શ્યામ રંગમાં આકાશના નીલ વર્ણની આભા છે, જે એમને અત્યંત ભવ્ય અને આકર્ષક બનાવે છે. જો કે શિવને ગૌર પણ બતાવાય છે. શિવ માટે ‘કર્પૂરગૌર’ અને કૃષ્ણને માટે ‘ઘનશ્યામ’ વિશેષણ વપરાય છે. શ્યામ રંગ પ્રકાશકિરણોની તમામ તરંગલંબાઈને પોતાનામાં સમાવી લે છે. કાળો રાગ અનંતતા અને ઊંડાણ દર્શાવે છે. માતાજીના વર્ણનમાં ‘તું કાળી ને કલ્યાણી રે મા’ જેવા શબ્દો આવે છે. કૃષ્ણ ‘કાળા ને કામણગારા’ તરીકે ઓળખાય છે. દ્રૌપદી શ્યામવર્ણની હતી, પણ તેની સુંદરતા અલૌકિક ગણાતી. લયલા શબ્દનો અર્થ જ રાત્રિ જેવી કાળી એવો થાય છે. મજનૂ એ શ્યામ સૌંદર્ય પાછળ જ પાગલ બન્યો હતો. કાલિદાસની નાયિકાઓ ‘તન્વી’ અને ‘શ્યામા’ હોય છે. 

આ બધી વાતોને જૂની ગણીએ ને સ્મિતા પાટિલ કે નંદિતા દાસની વાત કરીએ તો આ અભિનેત્રીઓ જો ગોરી હોત તો કદાચ આટલી આકર્ષક ન લાગતી હોત. આપણે જેમની ચામડીનો રંગ જોઈ અમસ્તા અમસ્તા ઝંખવાઈ જઈએ છીએ એ ગોરાઓ ‘ટેન્ડ સ્કીન’ મેળવવા ખાસ તડકો ખાય છે. મારી એક મિત્રનો પતિ એના કરતાં ઘણો ગોરો છે. કોઈ પત્નીના રંગ માટે કૉમેન્ટ કરે તો કહે છે કે ‘શ્યામ વર્ણની પોતાની એક આભા છે. શ્યામ ત્વચામાં જીવંતતાની ચમક હોય છે.’  

પણ આપણને શ્યામ રંગ માટે પૂર્વગ્રહ અને શ્વેત રંગ માટે પક્ષપાત છે. એક બંગાળી અભિનેત્રીના રંગ માટે સોશ્યલ મિડિયા પર કૉમેન્ટ થઈ તેથી તેણે એફ/આઈ.આર. લખાવી એ કિસ્સો જાણીતો છે. વીતેલા યુગની અભિનેત્રી સુરેખા સિક્રી ઉમદા અભિનય હોવા છતાં ઘણા વખત સુધી એના રંગને કારણે ઉપેક્ષિત રહી હતી. 

ગોરાપણા માટેના આ વળગણને લીધે ફેરનેસ ક્રીમથી શરૂ થઈ ટેબ્લેટ્સ અને ઈન્જેક્શનો સુધી, એની જોખમી આડઅસરો છતાં સૌંદર્ય ઉદ્યોગ અબજો રૂપિયાનો ધંધો કરે છે. ઈન્જેક્શનો કેવી રીતે લેવા એના વીડિયો મળે છે. અમુક થેરપિથી વાળ ઊતરવા, થાઈરોઈડ, કિડનીની સમસ્યાઓ, કેન્સર, શ્વાસમાં મુશ્કેલી જેવી તકલીફો થાય છે, છતાં લોકો તેની પાછળ હોંશે હોંશે હજારો રૂપિયા ખર્ચે છે. ફેરનેસ ક્રીમ સૌમ્યથી જલદ સુધીના બજારમાં પ્રિસ્ક્રીપ્શન વગર મળે છે. તેમાં સ્ટીરોઈડ હોય છે. તેનાથી ચામડીનું ઉપરનું પડ ઊતરી જાય છે અને અંદરની કૂણી, તાજી ત્વચા સૂર્ય અને પ્રદૂષણ સામે ખુલ્લી થાય છે. ચામડીને પછી એના વિના ચાલતું નથી. જેવું ક્રીમ વાપરવાનું બંધ કરો, ચકામા અને ઉઝરડા પડી જાય છે. ત્વચાનિષ્ણાતો કહે છે કે એમના દર્દીઓમાં ફેરનેસ પ્રોડક્ટ્સ વાપરવાથી ખરાબ થઈ ગયેલી ત્વચા ‘રિપેર’ કરાવવા આવનારાઓની સંખ્યા મોટી હોય છે.

ગોરા થવાની આવી ઘેલછા સામે દુનિયાભરમાં અભિયાનો થાય છે. ‘ડાર્ક ઈઝ બ્યૂટિફૂલ’ કેમ્પેઈનમાં સક્રિય નંદિતા દાસ કહે છે, ‘મારા વિશે લખાય ત્યારે મારી ડાર્ક-ડસ્કી સ્કીનનો ઉલ્લેખ અચૂક થાય. મને રમૂજ પડે એ જોઈને, કે કોઈ કરીના કે ઐશ્વર્યા વિશે લખતું હોય ત્યારે એમની ફેર સ્કીનનો ઉલ્લેખ કરતું નથી. કોઈ વળી ઘોષણા કરે છે કે મને શ્યામ સ્ત્રીઓ વધુ ગમે છે. પણ હું એમ કહું છું, કે કોઈ ગમે કે ન ગમે એમાં એનો ગોરો કે કાળો રંગ નિર્ણાયક શા માટે બનવો જોઈએ? રંગ એટલી મોટી બાબત છે કે એની સામે એની બીજી ક્ષમતાઓ નગણ્ય બની જાય?’

વિચારવા જેવું છે ને? પણ સ્થિતિ શું છે? એક મા લખે છે, ‘મારી આઠ વર્ષની દીકરી થોડા દિવસથી અરીસા સામે વધારે વખત ગાળતી હતી. કારણ એ હતું કે એ સ્વીમિંગ શીખવા જતી અને તેને લીધે તેની ત્વચા થોડી ઘેરી બની હતી. એને એ ગમ્યું નહોતું. એટલે એ અરીસામાં જોયા કરતી કે રંગ ઊઘડ્યો છે કે નહીં. બહુ મહેનતે મેં એના ગળે ઉતાર્યું કે તે સુંદર જ લાગે છે અને અમે બધા એને એટલું જ ચાહીએ છીએ. અને સારો મોકો હતો એટલે મેં એને એ પણ સમજાવ્યું કે ત્વચાના રંગને સુંદરતા કે વ્યક્તિત્વ સાથે કોઈ સંબંધ નથી.’ 

સુંદરતા એટલે ગૌર વર્ણ એ વાત આપણા લોહીમાં ભળી ગઈ છે. ટેલિવિઝન ચેનલો પર ફેરનેસ પ્રોડક્ટની જાહેરાતનો મારો સતત ચાલુ હોય છે. એવું ઠસાવવામાં આવે છે કે ખુશખુશાલ અને સફળ જિંદગી માટે ગોરા હોવું અનિવાર્ય છે. ગોરા હો તો જ લોકો આકર્ષાય, દોસ્તો મળે ને પ્રેમપાત્ર બનાય. લગ્ન આપણાં કોય કે બીજા કોઈનાં, ગોરી ત્વચા વિના ન ચાલે. નોકરી માટેનો ઈન્ટરવ્યૂ હોય તો પણ ગોરા હોવું જરૂરી! મા કે દાદી દીકરીને નાનપણથી ચણાના લોટ અને મલાઈ વડે નવડાવે. તડકામાં રમવા ન દે. 

સમાજ તરીકે આપણને યુગોથી શ્વેત રંગનું વળગણ છે. ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડીસ’માં એક બહેનને ગોરી અને આકર્ષક બતાવી છે, તેને મળવા યુવાનો ખૂબ ઉત્સુક હોય છે. બીજી બહેન બુદ્ધિશાળી અને હાજરજવાબી છે. એની બૌદ્ધિક ક્ષમતાનું સૌંદર્ય ઓછા લોકોને દેખાય છે. ઘેરો રંગ ધરાવતાં ક્લિયોપેટ્રા અને નેફરટિટી બેનમૂન સુંદર હતા. ‘રોમિયો અને જુલિયેટ’માં શેક્સપિયર કહે છે, ‘જૂલિયેટ સૂર્ય જેવી ઊજ્જવળ હતી. એના ગાલની ચમક તારાઓને શરમાવતી.’ નાયિકાઓનું વર્ણન આવું જ હોય – ગોરી, સુંદર, ચંદ્રમુખી. ગોરાપણાની ઘેલછા વધારવામાં લેખકોનો મોટો હાથ છે. પ્રતિભા તો ત્યાર પછી, સુંદરતાના વિકલ્પ તરીકે વર્ણવાય છે. આપણા દેવીદેવતાઓ સમા મોટા સ્ટાર્સને ફેરનેસ પ્રોડક્ટ્સ માટે મોડેલિંગ કરતા જોઈ વ્યક્તિપૂજક અને લિંગભેદમાં માનનારો આપણો દેશ ઝડપથી રંગભેદનો ઉપાસક થઈ જાય છે. મનમગજમાં સુંદરતા એટલે ગોરાપણું એ સમીકરણ એવું જડબેસલાક બેસી જાય છે કે પુરુષોને ગોરા બનાવતા ઉત્પાદનો બનાવતી કંપનીઓ પણ સદ્ધર બની જાય છે. 

ફિલ્મોમાં વાસ્તવિક કે ગરીબ પાત્રોનો રંગ શ્યામ અને વ્યાવસાયિક ફિલ્મોના કે શ્રીમંત પાત્રોનો રંગ ગોરો બતાવે છે. આ માનસિકતા જ ગોરાપણા માટે ગાંડપણ, વળગણ અને દબાણ સર્જે છે. માણસની ચામડીનો રંગ અમુક હોય તે માટે તેને આત્મવિશ્વાસ, પોતાપણું ગુમાવવા પડે એ કેવું વિચિત્ર છે! બુદ્ધિની ક્યાં ય જગ્યા જ નથી? એવી દીકરીઓ સદ્દભાગી છે જેનાં માબાપ તેના રંગ કરતાં તેની ક્ષમતાઓના વિકાસ માટે વધુ ચિંતિત હોય.

આ વળગણનો અંત ક્યારે? એનો અંત શક્ય છે ખરો? શ્યામ વર્ણ એક અભિશાપ હોય એવું વર્તન શા માટે? અમેરિકામાં ‘બ્લેક ઈઝ બ્યુટિફૂલ’ મૂવમેન્ટ ચાલે છે. ભારતમાં ‘ડાર્ક ઈઝ બ્યુટિફૂલ’ કૅમ્પેઈન 2013માં ફાતિમા લોદી નામની યુવતીએ પાકિસ્તાનમાં ‘ડાર્ક ઇઝ ડિવાઈન’ અભિયાન છેડ્યું હતું. 2016માં ટેકસાસની ત્રણ યુવતીઓએ ‘અનફેર એન્ડ લવલી’ આંદોલન ચલાવ્યું હતું. 

ગોરા રંગ સાથે જે સત્તા અને શ્રેષ્ઠતાનો ભાવ લોકોના માનસમાં ઘર કરી ગયો છે એ કાઢવો મુશ્કેલ છે. પણ સૌંદર્યની વ્યાખ્યામાં પરિવર્તન લાવવું જરૂરી તો છે જ. સેલિબ્રિટીઓએ વિધાનો કરતા પહેલા જવાબદારીથી વિચારવું જોઇએ, કારણ કે લોકમાનસ પર એમની ખૂબ અસર હોય છે. સ્ત્રીઓ હવે શિક્ષણ, નોકરી અને આર્થિક સ્વાતંત્ર્યને લીધે આત્મવિશ્વાસસભર બની છે. શ્વેત ત્વચા એ જ એમની ઓળખનો એકમાત્ર આધાર નથી. તેઓ જાણે છે કે કાળું એ કદરૂપું ને શ્વેત એ સોહામણું એ બહુ જ ઉપરછલ્લો નિર્ણય છે. સુંદરતા માત્ર ‘ફેર એન્ડ લવલી’ શબ્દોમાં બંધાઈ ન જતી હોય એ દિવસની રાહ જોઈએ!

 e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 ઑગસ્ટ 2026

Loading

17 September 2026 Vipool Kalyani
← ભા.જ.પ.નું સેવા સંકલ્પ અભિયાન : જેન-ઝી મશાલ વિ. દીપ -જશન

Search by

Opinion

  • ભા.જ.પ.નું સેવા સંકલ્પ અભિયાન : જેન-ઝી મશાલ વિ. દીપ -જશન
  • દીવાલો પાછળ ઢંકાયેલા સૂર્યો … 
  • આલ્બર્ટ આઈન્સ્ટાઈનની સામાજિક-રાજકીય નિસબત
  • ‘હિંદુ હોને કા ધર્મ’: દેશના કોમી ઇતિહાસનો એક અધ્યાય
  • સ્લમમાં સફર

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved