Opinion Magazine
Number of visits:
10189632
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્લમમાં સફર

સુરેશ જાની|Opinion - Opinion|15 September 2026

1999ની સાલની આ વાત છે. હું તે વખતે ઈલેક્ટ્રીસિટી કમ્પનીના એક ઝોનમાં કામ કરતો હતો. મોટા શહેરોમાં વીજળીના વિતરણના કામને પહોંચી વળવા શહેરના જુદા જુદા વિસ્તારોના નાના ઝોન અથવા વિભાગ બનાવવામાં આવે છે. મારા ઝોનના ચાર્જમાં હું હતો એટલે, બધા મને રિપોર્ટ કરતા હતા. આવા ઝોનમાં તો જાતજાતનાં  અને ભાતભાતનાં કામો હોય. એક નાનકડી કમ્પની જ જોઈ લો. વીજળીની ચોરી પકડવાનું અને અટકાવવાનું કામ પણ આના એક ભાગ રૂપે. બહુ જ ગંદું અને મુશ્કેલ પણ અત્યંત જરૂરી આ કામ. મારો ઝોન અમારી કમ્પનીમાં સૌથી મોટો. એટલે બધી જાતના ઘરાકો અમારા વિસ્તારમાં હતા.

એક દિવસ અમારા મીટર રીડીંગ ખાતાના અધિકારીએ ચર્ચા દરમિયાન એવો રિપોર્ટ આપ્યો કે, એક ગામ પાસે આવેલ …..નગર નામના સ્લમ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ચોરીઓ થાય છે. મેં મનોમન ત્યાં ધાડ પડવાનું નક્કી કર્યું. અમે આવા નિર્ણયો અગાઉથી જાહેર નથી કરતા હોતા. બધી તૈયારીઓ પતે પછી છેલ્લી ઘડીએ જ, જગાથી એકાદ માઈલ દૂર હોઈએ, ત્યારે સ્થળનું નામ, જાહેર કરીએ, જેથી ગુપ્તતા જળવાય અને માહિતી ગુનેગારોને પહોંચી ન જાય.

બહુ મોટો  વિસ્તાર હતો, અને મને પણ સ્લમ  વિસ્તાર જોવાની ઇચ્છા હતી, માટે હું પણ આ ધાડની કામગીરીમાં જોડાયો. અમારી ફોજ બહુ મોટી હતી. બીજા બે ખાતાંઓનો સહકાર પણ લીધેલો હતો. મારી સાથે સોએક માણસોનો સ્ટાફ, વાહનો, બંદૂકધારી સિક્યોરીટી ગાર્ડ અને બીજી સામગ્રી હતાં. મારી સરદારી નીચે બધું હાઉસન જાઉસન ત્યાં પહોંચ્યું. અમે કામગીરી શરૂ કરી.

આમ તો એ ઝૂંપડપટ્ટી ન હતી. સરકારી ખાતાએ બાંધેલાં પાકાં મકાનો હતાં. પણ એક રૂમ અને રસોડાનાં એ મકાનો ઝૂંપડપટ્ટીને પણ શરમાવે તેવાં હતાં. મકાનોની દરિદ્રતાની સાક્ષી પૂરતાં બધાં ચિહ્નો ચારે બાજુ દૃષ્ટિગોચર થતાં હતાં. દરેક મકાનને એક કેબલ  વડે પાવર આપવામાં હતો. અમે  જોયું કે મોટા ભાગના મકાનોમાં આવા કેબલ પર એક જગ્યાએ કાળી ટેપ મારેલી હતી, અને તેમાંથી એક પાતળો વાયર ઘરમાં જતો હતો. અમે ટેપ ખોલીને જોયું, તો તેમાં બે પાતળી ખીલીઓ ઠોકેલી હતી, અને તે ખીલીઓ સાથે પેલો પાતળો વાયર જોડેલો હતો. આમ મિટરની આગળથી જ, સાવ અણઘડ રીતે, પાવર ચોરી લેવામાં આવતો હતો.

અમે તે બધી સામગ્રી કાઢી નાંખી, અને તે મકાનને સપ્લાય આપતી સ્વિચમાંથી ફ્યુઝ કાઢી નાંખ્યા.  આ અંગેની કાયદાકીય નોટિસ પણ તે મકાનમાં હાજર બાઈને આપી દીધી. તે બાઈ તો ઓશિયાળી નજરે અમારી સામે જોઈ રહી. રડું રડું થતી તેની આંખ કાંઈક કહી રહી હતી. મને જરા ઉત્કંઠા થઈ.

ડુમાથી રુંધાયેલા અવાજે તે બોલી.”સાયેબ! હો રૂપિયા દાદાને આપવાના ચ્યાંથી લાઈશું?”

મેં તે બાઈને પૂછ્યું -” તમારે કાંઈ  કહેવું છે?”

મને થયું -‘ આ કોની વાત કરે છે?  મારી સાથેના આ વિસ્તારના જાણકાર ઈલેક્ટ્રીશિયને મને કહ્યું –  ”આ વિસ્તારના નામચીન ….દાદાની તે વાત કરે છે. આપણે જઈએ પછી, સો રૂપિયા લઈને ‘દાદા’નો માણસ ફરી પાછો સપ્લાય આપી દેશે! જેની પાસે રૂપિયા હોય તે જલસા કરે. દર મહિને પચાસ રૂપિયા‘દાદા’ને આપવાના. આપણી કમ્પનીને ડીક્કો !”

હું તો હેબત જ ખાઈ ગયો. આખું સમાંતર તંત્ર ચાલે! અને અમારા પાવરના જોરે ‘દાદા’ નો પાવર વધતો જાય. હવે મને અમારા આખા ઓપરેશનની વ્યર્થતા સમજાઈ. કશો અર્થ જ નહોતો. ઊલટાનું અમારી ધાડથી તો ‘દાદા’ને બીજી વધારાની આવક થવાની હતી! વધારે દૂષણો પોસાવાનાં હતાં. વ્યગ્ર ચિત્તે હું તે મકાનથી આગળ જવા નીકળ્યો. 

બાજુના ઘરની બહાર એક ખાટલા પર ધોમધખતા તડકામાં એક દમિયલ ડોસો ખાંસતો પડ્યો હતો. ઘરમાં તેના તુટેલા ફુટેલા ખાટલા માટે કોઈ જગા ન હતી. આ ‘એરકંડીશન’ (!) જગા તેને ફાવી ગઈ લાગતી હતી. સૂતાં સૂતાં જ તે આજુબાજુ ગળફા થુંકતો  હતો. બાજુમાં જ બે સાવ નાગાંપુગાં બાળકો ઘૂળમાં મજાથી રમતાં હતાં.

થોડેક આગળ ગયા. દૂરથી બિહામણા દેખાવવાળા, લુખ્ખા જેવા બે ત્રણ માણસો અમારી પ્રવૃત્તિ નિહાળી રહ્યા હતા. મેં પેલા જાણકારને પૂછ્યું કે, તે કોણ હતા.

તેણે કહ્યું – ” ‘દાદા’ના માણસો છે. આપણા જવાની રાહ જોઈ રહ્યા છે. આપણે જઈએ પછી તેમની ઉઘરાણી અને રિપેરની(!) કાર્યવાહી  શરૂ. આપણા પર એ લોકો વારી ગયેલા છે – વધારાની આવક થવાની ને!”  

થોડે આગળ ગયા. ત્યાં એક મકાનના બારણામાં આવા બીજા બે લુખ્ખાઓ બેઠેલા હતા. મને કહેવામાં આવ્યું કે તેઓ ‘બેવડા’નું વેચાણ કરે છે. તેમણે મને પણ કહ્યું – “સાયેબ! દેશીનો ‘ટેસ’ કરવો સં ? વિલાયતીય સં – તમને મફતમાં ‘ટેસ’ કરાવહું.”  આ હતું ગાંધીજીના  ગુજરાતના  મુખ્ય શહેરમાં દારૂબંધીનું વરવું ચિત્ર!

વળી આગળ ગયા. એક મકાનના બારણાંમાં આંખોના નિર્લજ્જ ઈશારા કરતી, સોળેક વરસની બે છોકરીઓ ઊભેલી  હતી. અડધી ખુલ્લી છાતીમાંથી ખીલતું જોબન લુંટાવા માટે લચકી રહ્યું હતું. તેમણે સાવ નાની ચદ્દી પહેરેલી હતી, અને તેમનો એક હાથ પોતાની ખુલ્લી સાથળ ઉપર સૂચક  રીતે ફરી રહ્યો હતો.

હવે તો મારી ધીરજનો અંત આવી ગયો. હું મારી જાતને બહુ જ અસહાય અને અકાર્યક્ષમ થયેલી જોઈ શક્યો. હું મોટેથી મારા અધિકારીઓને બરાડીને બોલ્યો ”ચાલો, પાછા. ઓપરેશન બંધ. આ ધાડનો કોઈ અર્થ જ નથી.”

અમે બધા વ્યગ્ર ચિત્તે ઓફીસે પાછા ફર્યા. પણ ત્રણ દિવસ સુધી મેં જોયેલાં એ વરવાં દૃશ્યો સ્મૃતિપટલને કોરતાં, આક્રોશતાં રહ્યાં. 

ચીસો પાડી પાડીને સ્લમની એ દુનિયા મારી સભ્યતાને પડકારી રહી હતી. આખા સમાજને પડકારી રહી હતી. સુફિયાણી પંડીતાઈની, સ્વપ્નીલ, રૂડી અને રૂપકડી આલમની હાંસી કરી રહી હતી. મારા દંભના પડદા વિદારી રહી હતી.

e.mail : surpad2017@gmail.com

Loading

15 September 2026 Vipool Kalyani
← એક અકેલા ઇસ શહર મેં 

Search by

Opinion

  • એક અકેલા ઇસ શહર મેં 
  • હૈયું પરબીડિયું
  • દિલ્હીમાં પી.જી. બેસી ગયું, પેરિસમાં BAPS ઊભું થયું, વડોદરામાં રૅમ્પ વૉક થયું  
  • દરેક દેશે પોતાની થોડી થોડી આઝાદી વિશ્વને સમર્પિત કરવી પડશે 
  • મુક્તિ

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved