એક અકેલા ઇસ શહર મેં, રાત મેં ઔર દોપહર મેં
આબોદાના ઢૂંઢતા હૈ, આશિયાના ઢૂંઢતા હૈ …
દિન ખાલી ખાલી બરતન હૈ ઔર રાત હૈ જૈસે અંધા કુઆં
ઈન સૂની અંધેરી આંખોં મેં આંસુ કી જગહ આતા હૈ ધુઆં
જીને કી વજહ તો કોઈ નહીં, મરને કા બહાના ઢૂંઢતા હૈ …
ઇન ઉમર સે લંબી સડકોં કો, મંઝિલ પે પહૂંચતે દેખા નહીં
બસ દૌડતી ફિરતી રહતી હૈ હમને તો ઠહરતે દેખ નહીં
ઇસ અજનબી સે શહર મેં જાના પહચાના ઢૂંઢતા હૈ …
શહેરોની મોહિની અજબ છે. શહેરના સંઘર્ષોને જાણવા છતાં લોકો તેના તરફ ખેંચાય છે. તેનું કારણ કદાચ એ હોય કે શહેરની જિંદગી માણસને દુનિયાની સાથે હોવાની અને ભીડ વચ્ચે એકલા થઈ શકવાની અનુભૂતિ આપે છે. મુંબઈ માટે તો કહેવાય છે કે જે મુંબઇમાં એકવાર આવે તે પછી તેને છોડી ન શકે. પણ માણસને પાયાની જરૂરિયાતો માટે અહીં જેટલો સંઘર્ષ કરવો પડે છે તેટલો બીજે ક્યાં ય નહીં કરવો પડતો હોય. મુંબઈની જિંદગીને, એની દોડધામ વચ્ચે પાંગરી લેતી પ્રેમકથાને વણી લેતી ઘણી ફિલ્મો બની છે.
મુંબઈના મધ્યમવર્ગની, કઠોર વાસ્તવ અને કોમળ હૃદય વચ્ચે ટક્કર લેતી રિયાલિસ્ટિક ફિલ્મોની એક જુદી મઝા હોય છે. આ સંદર્ભે 1977માં આવેલી ફિલ્મ ‘ઘરૌંદા’ને આજે યાદ કરવાનું મન એટલે થાય છે કે 18 ઑગસ્ટે તેના પટકથાકાર અને ગીતકાર ગુલઝારનો જન્મદિન ગયો. ફિલ્મમાં ત્રણ જ ગીત હતાં, જેમાનું રુના લયલાએ ગાયેલું ‘મુઝે પ્યાર તુમસે નહીં હૈ’ નક્શ લાયલપુરીએ લખ્યું હતું અને એક સિક્કાની બે બાજુ જેવા બે ‘દો દિવાને શહર મેં’ અને ‘એક અકેલા ઇસ શહર મેં’ ગુલઝારે લખ્યાં હતાં. બંનેની પોતપોતાની અપીલ હતી. પહેલા માટે તો એમને ઍવોર્ડ પણ મળ્યો હતો.

ગુલઝાર
ગુલઝાર વિષે વિચારીએ ત્યારે એમના ત્રણ ચહેરા સામે આવે. પટકથા અને સંવાદલેખક (‘આશીર્વાદ’, ‘આનંદ’, ‘ખામોશી’), દિગ્દર્શક (‘મેરે અપને’, ‘પરિચય’, ‘કોશિશ’) અને ગીતકાર (મોર ગોર અંગ લઇ લે’, ‘મેરા કુછ સામાન’, ‘વો શામ કુછ અજીબ થી’). ઉપરાંત યાદ આવે ‘મિર્ઝા ગાલિબ’ જેવી અદ્દભુત ટી.વી.સિરિયલ અને ‘પોટલી બાબા કી’ અને ‘જંગલબુક’ જેવી સિરિયલોનાં મસ્ત શીર્ષકગીતો. કુલ મળીને સત્ય, શિવ અને સુંદરના સંગમ સમી શાંત-શીતળ સર્જકપ્રતિભા. નેવું દાયકાની સફર કરી ચૂકેલા આ સર્જકની ઘરઆંગણાની અને આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓની વાત કરવા બેસીએ તો પાનાં ભરાય – આપણે તો તેમણે સલામ કરીને પ્રવેશીશું સીધા એમના શબ્દોમાં – સ્વચ્છસુઘડ ને સાદગીભર્યા આ શબ્દોને એનું પોતાનું સૌન્દર્યવિશ્વ છે.
વાત કરીએ ‘ઘરૌંદા’ની. એ વર્ષે ‘અમર અકબર એન્થની’, ‘હમ કિસીસે કમ નહીં’, ‘ચાચા ભતીજા’, ‘દૂસરા આદમી’ જેવી વ્યાવસાયિક અને સત્યજિત રેની ‘શતરંજ કે ખિલાડી’, શ્યામ બેનેગલની ‘ભૂમિકા’ ને રાજશ્રીની ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે’ જેવી હટકે ફિલ્મો ગાજતી હતી. મોટાં બેનર, મોટા કલાકાર, મોટા દિગ્દર્શક. તેની સામે ‘ઘરૌંદા’માં કશું ભવ્ય ન હતું. અમોલ પાલેકર-ઝરીન વહાબ જેવાં સીધાસાદા અદાકારો અને એવી સીધીસાદી વાર્તા. દિગ્દર્શક ભીમસેન અને સંગીતકાર જયદેવ નિષ્ણાતો તરીકે જાણીતા, પણ વ્યવસાયીઓની ઝળહળ હેઠળ ઢંકાઈ જાય. એવું જ ભૂપેન્દ્રનું. પણ આ સાદગી જ ફિલ્મનું આકર્ષણ બની રહી અને કમર્શલ ફિલ્મોની ધમાલ વચ્ચે ધીરેથી ‘ઘરૌંદા’એ પોતાની જગ્યા કરી લીધી.
વાર્તા હતી મુંબઈની એક ઓફિસમાં કામ કરતાં છાયા (ઝરીન વહાબ) અને સુદીપ(અમોલ પાલેકર)ની. સુદીપ એક ચાલમાં ત્રણ મિત્રો સાથે રૂમ શેર કરીને રહે છે ને છાયા બીજી એક ચાલમાં પોતાના ભાઈઓ અને ભાભી સાથે રહે છે. સુદીપ અને છાયા પ્રેમમાં છે. સંસાર માંડવાનું મન પણ છે. એક બંધાઈ રહેલા બિલ્ડિંગમાં બંને બધી બચત હોમી દઈને એક ફ્લેટ બુક કરાવે છે – પણ સ્વપ્ન તૂટી જાય છે, જ્યારે બિલ્ડર પૈસા લઇ રફુચક્કર થઈ જાય છે.
હતાશાના આ ગાળામાં કંપનીના માલિક મિ. મોદી (ડૉ. શ્રીરામ લાગુ) અચાનક છાયા સાથે લગ્ન કરવાની ઇચ્છા દર્શાવે છે. સુદીપ કઠોરતાથી કહે છે, ‘પરણી જા. બુઢ્ઢો કેટલુંક જીવવાનો – પછી બધું આપણું.’ છાયા આઘાત પામી જાય છે, પણ મોદીની મદદથી નાનો ભાઈ સેટલ થશે એ વિચારે એની સાથે પરણી જાય છે. મોદી સારો માણસ છે, પણ છાયા અજંપ છે. ભાંગી પડેલો દિશાહીન સુદીપ ‘એક અકેલા ઇસ શહર મેં, રાત મેં ઔર દોપહર મેં આબોદાના ઢૂંઢતા હૈ, આશિયાના ઢૂંઢતા હૈ’ ની સ્થિતિમાં મુંબઈની સડકો પર ભટકે છે.
‘દિન ખાલી ખાલી બરતન હૈ ઔર રાત હૈ જૈસે અંધા કુઆં, ઈન સૂની અંધેરી આંખોં મેં આંસુ કી જગહ આતા હૈ ધુઆં’ ભૂપેન્દ્રના ઘેર-ગંભીર કંઠમાંથી સરતા શબ્દો દર્શકોના અસ્તિત્વમાં પણ ગરમ ધુમાડો ફરતો કરી દે છે. દોડાવ્યા કરે પણ ક્યાં ય પહોંચાડે નહીં એવી સડકો પર ફરતા રહેવાનો થાક નસોમાં નવેસરથી જામવા માંડે છે અને તેઓ નાયકના સંવેદન ‘જીને કી વજહ તો કોઈ નહીં, મરને કા બહાના ઢૂંઢતા હૈ’ સાથે સંમત થઈ જાય છે. જેની કોઈ સવાર નથી એવી હતાશાની રાત દર્શકોની આંખોમાં ક્યારે માળો બાંધી લે તેની પછી ખબર ન રહે. થોડાં વર્ષ પછી આવેલી શહરિયારની ગઝલ ‘સીને મેં જલન, આંખોં મેં તૂફાન સા ક્યોં હૈ, ઇસ શહર મેં હર શખ્સ પરેશાન સા ક્યોં હૈ’ પાછળ ગુલઝારના આ ગીતની પ્રેરણા કદાચ હોઈ શકે. પાંચ દાયકા થવા આવ્યા છતાં આ એકલા માણસની વ્યથા આપણને પોતાની લાગે છે એ ગુલઝારની મોટી સિદ્ધિ છે. અને એકલું કોણ નથી – ગ્લેમર અને પ્રસિદ્ધિથી વીંટળાયેલા હોવા છતાં ગુલઝાર પણ એકલા જ નથી? એક તબક્કે એકલતા જ જીવનનું સત્ય બની જતી હોય છે. પણ આ જ ગુલઝાર પાછા એમ પણ લખે, ‘હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છૂટા કરતે, વક્ત કી શાખ સે લમહેં નહીં ટૂટા કરતે’ ઓહ ઈશ્વર, છૂટવું, તૂટવું ને છતાં પ્રેમનું ન ખૂટવું – સંબંધોની આ કેવી નિયતિ છે! ફિલ્મમાં પછી જે જબરદસ્ત યુ ટર્ન આવે છે, તેની વાત અત્યારે કરવી અપ્રસ્તુત છે.
શબ્દો અને સંવેદનો સાથે કામ કરવાની ગુલઝારની રીત નિરાળી છે. ‘થોડા હૈ, થોડે કી જરૂરત હૈ, જિંદગી ફિર ભી યહાં ખૂબસૂરત હૈ’, ‘વક્ત રહેતા નહીં કહીં છૂપ કર, ઉસકી આદત ભી આદમી સી હૈ’, હમ જહાં થે વહાં પે અબ તો નહીં, પાસ રહને કા ભી સબબ તો નહીં, તુમ ભી કુછ અજનબી સી લગતી હો, મૈં ભી કુછ અજનબી સા લગતા હૂં’, ‘કોઈ રિશ્તા રહા નહીં ફિર ભી, એક તસ્લીમ લાઝમી સી હૈ’ ચાંદની ઊગને લગી હૈ બાલોં મેં, ઉમ્ર તુમપે હસીન લગતી હૈ’ – સાદા શબ્દોમાં ભાવ અને અભિવ્યક્તિની લાજવાબ સૃષ્ટિ ગુલઝાર રચી શકે.
યાદ આવે છે ‘ઈજાઝત’ ફિલ્મની નઝમ: મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ, સાવન કે કુછ ભિગએ ભિગએ દિન રખે હૈં, ઔર મેરે એક ખત મેં લિપટી રાત પડી હૈ, વો રાત બુઝા દો, મેરા વો સામાન લૌટા દો’ સામાન જેવી સ્થૂળ ચીજ પણ ગુલઝારના સ્પર્શથી કવિતા બની જાય. ગુલઝાર સાહબ, હમારા ભી બહોત કુછ પડા હૈ આપકે પાસ, સબ ભિજવા દો …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 21 ઑગસ્ટ 2026
![]()

