Opinion Magazine
Number of visits:
10187242
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દરેક દેશે પોતાની થોડી થોડી આઝાદી વિશ્વને સમર્પિત કરવી પડશે 

સોનલ પરીખ|Opinion - Opinion|14 September 2026

ભારત એક રાષ્ટ્રીય નહીં, પણ આંતરરાષ્ટ્રીય હસ્તી છે. આજે અણુયુગમાં રાષ્ટ્રવાદને નવી રીતે વિચારવો પડશે. જેમ એક દેશના વિવિધ રાજ્યો પોતાની થોડી થોડી સ્વતંત્રતા કેન્દ્રને અર્પણ કરે છે તે રીતે આજે દરેક દેશે પોતાની થોડી થોડી આઝાદી વિશ્વને સમર્પિત કરવી પડશે. વિશ્વના ભલામાં ભારતનું ભલું છે. હવે રાષ્ટ્રવાદ નહીં, વિશ્વવાદ જોઈશે.

સોનલ પરીખ

કોરોનાએ માનવજાત પર એક ઉપકાર એ કર્યો હતો કે ત્યારે આખું વિશ્વ અન્ય તમામ વિખવાદોને બાજુ પર મૂકી અનિષ્ટ સામે લડવા એક થયું હતું. કોરોનાએ દરેક દેશને એ પ્રતીતિ કરાવી હતી કે સૌએ પોતાના સીમાડાની બહાર પણ વિચારવું જોઈશે. કોરોનાએ સમજાવ્યું હતું કે આખી માનવજાત એક છે, સમગ્ર જડચેતન સૃષ્ટિ એક છે, પૃથ્વી પરનું સમસ્ત એકમેક સાથે સંકળાયેલું છે અને એકબીજાના સુખદુ:ખથી પ્રભાવિત થાય છે. 

હિંદ છોડો, સ્વાતંત્ર્યદિન, રક્ષાબંધન અને જન્માષ્ટમી લઈને ઑગસ્ટ આવ્યો છે. ઑગસ્ટ મહિનામાં વિશ્વના તખતા પર શું શું બન્યું છે? થોડી સદી પાછળ જઈએ તો 79ની સાલમાં વિસુવિયસ ફાટ્યો અને પોમ્પાઈ શહેર નષ્ટ થયું એ ઑગસ્ટ મહિનો હતો. 1492માં ત્રણ વહાણ લઈને કોલંબસ ભારત શોધવા નીકળ્યો એ ઑગસ્ટ મહિનો હતો. 1583માં અમેરિકામાં પહેલી બ્રિટિશ વસાહત સ્થપાઈ એ ઑગસ્ટ મહિનો હતો. 1604માં ‘ઇંડિયન’ ભાષામાં બાઈબલનો અનુવાદ કરનાર જ્હોન એલિયટનો જન્મ થયો એ ઑગસ્ટ મહિનો હતો. 1767માં નેપોલિયન બોર્નાપાર્ટનો જન્મ થયો એ ઑગસ્ટ મહિનો હતો અને 1838માં જમૈકામાંથી ગુલામી નાબૂદ થઈ એ પણ ઑગસ્ટ મહિનો હતો.

અને ગઈ સદીના ઑગસ્ટ મહિનામાં શું શું બન્યું? 1896ના ઑગસ્ટમાં 26 વર્ષના મોહનદાસ ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની અવદશા પર ‘ગ્રીન પેમ્ફલેટ’ બહાર પાડ્યું, 1910ના ઑગસ્ટમાં મધર ટેરેસાનો જન્મ થયો, 1920ના ઑગસ્ટમાં અમેરિકામાં મહિલાઓને મતાધિકાર આપતો બંધારણીય સુધારો થયો, 1921ના ઑગસ્ટમાં ‘રૂટ્સ’ના લેખક એલેક્સ હેલીનો જન્મ થયો, 1939ના ઑગસ્ટમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈને અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટને અણુશસ્ત્રોની ભયાનકતા સમજાવતો પત્ર લખ્યો, 1942ના ઑગસ્ટમાં નેલ્સન મંડેલાની ધરપકડ થઈ, 1944ના ઑગસ્ટમાં 14 વર્ષની એન ફ્રેન્કે પોતાની ડાયરીનું છેલ્લું પાનું લખ્યું, 1945ના ઑગસ્ટમાં હિરોશિમા-નાગાસાકી પર અણુબોમ્બ ફેંકાયા …  

અને ભારતમાં? 17મી સદીની શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મોગલ સમ્રાટ જહાંગીરના દરબારમાં હાજર થઈ વેપાર કરવાની પરવાનગી માગી એ ઑગસ્ટ મહિનો હતો. 1892ના ઑગસ્ટમાં ક્રાંતિકારી મહર્ષિ અરવિંદ ઘોષનો તેમ જ લાયબ્રેરી સાયન્સના પિતામહ ડૉ. રંગનાથન જન્મ્યા અને 1919ના ઑગસ્ટ મહિનામાં મહાન વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈનો જન્મ થયો. 

1920માં મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યું એ પહેલી ઑગસ્ટ હતી. 1942ની 8મી ઑગસ્ટે ગોવાળિયા ટેન્ક, જે આજએ ઑગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે ઓળખાય છે, ત્યાં ભરાયેલા કૉંગ્રેસ અધિવેશનમાં ગાંધીજીએ બે ઘોષણા કરી : ‘હિંદ છોડો’ અને ‘કરેંગે યા મરેંગે’. બીજા દિવસે એટલે કે નવમી ઑગસ્ટે ગાંધીજી શિવાજી પાર્કમાં વિશાળ જનમેદનીને સંબોધવાના હતા, પણ આઠમીની રાતે બ્રિટિશ સરકારે બાપુ અને કૉંગ્રેસના આગેવાનોને પકડી લીધા. સરકારે બાને બાપુ સાથે જેલ જવાની છૂટ આપી હતી, પણ બાએ બાપુને કહ્યું કે હું કાલની સભામાં તમારો સંદેશો આપીશ અને પકડાઈશ. બાપુ કહે, ‘પણ પછી આપણને એક જેલમાં ન પણ રાખે.’ બા કહે, ‘વાંધો નહીં.’ અને તોંતેર વર્ષના બાએ શિવાજી પાર્ક જઈ એકઠા થયેલા લોકોને ગાંધીમંત્રો આપ્યા. ‘હિંદ છોડો’ અને ‘કરેંગે યા મરેંગે’ સૂત્રોથી સભા ગાજી ઊઠી. સરકારે બાને પકડ્યાં. બે વર્ષ બાદ બાપુ સાથે આગાખાન પેલેસના જેલવાસ દરમ્યાન બા મૃત્યુ પામ્યાં. 1942માં એ જ જેલમાં મહાદેવભાઇ મૃત્યુ પામ્યા એ પંદરમી ઑગસ્ટ હતી.   

1947ની પંદરમી ઑગસ્ટે દેશ આઝાદ થયો, પણ માથા પર વિભાજનની કાળી ટીલી અને શરીરમન પર કોમી હિંસાના જખ્મો લઈને. વિભાજનની ટીલી તો હજી આપણા માથા પર લાગેલી છે. ભારતના નાગરિકો એટલા બધા મુદ્દે વિભાજિત થયેલા છે કે ચાર મિત્રો વાત કરતા હોય તો પણ ચાર મત થાય – આમાં દેશના સવા અબજ લોકો એકમત કેવી રીતે થાય? ભારત-પાકિસ્તાન ક્રિકેટ રમતા હોય ત્યારે અથવા ભારત-પાકિસ્તાન વચ્ચે લડાઈ ચાલતી હોય ત્યારે આપણું દેશાભિમાન જાગી જાય છે. બાકી તો આપણો દિવસ રોટલો રળવામાં કે પોતે જે સ્પર્ધાનો ભાગ હોઈએ તેમાં આગળ રહેવાના પેંતરા કરવામાં વીતે છે. 

દેશના બૌદ્ધિકો આજે દેશપ્રેમ અને રાષ્ટ્રવાદની ભેળસેળ માટે ખૂબ ચિંતિત છે. તો શું રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ – પેટ્રિઓટિઝમ અને નેશનાલિઝમ એ બે એક નથી? ના. રાષ્ટ્રવાદ રાષ્ટ્રપ્રેમનું ઉગ્ર સ્વરૂપ છે જેમાં બીજા પર સરસાઈની જીદ મુખ્ય બની જાય છે. રાષ્ટ્રવાદીનું દેશાભિમાન દેશની સારી બાબતોને અતિશય મોટા રૂપમાં જુએ છે અને એની ભવ્યતામાં દેશની નબળાઈઓને ઢાંકે છે; સાથે અન્ય સાક્ષત્રોની સારી બાબતો પર દુર્લક્ષ કરે છે અને તેને વખોડે છે. 

રાષ્ટ્રપ્રેમમાં દેશ માટે નિષ્ઠા, પ્રેમ અને સન્માન હોય છે, પણ દેશની ઊણપો સુધારવાની ને દેશને વધારે સારો બનાવવાની તત્પરતા પણ હોય છે. રાષ્ટ્રપ્રેમી અન્ય દેશોના વાસીઓના તેમના પોતાના દેશ પ્રત્યેના પ્રેમ અને આદરને સમજી શકે છે અને અન્ય દેશોની સારી બાબતોને માનપૂર્વક જોઈ શકે છે. 

રાષ્ટ્રપ્રેમના અતિરેક માટે અંગ્રેજીમાં શૉવિનિઝમ અને જિંગોઈઝમ એવા બે શબ્દો છે. સ્પષ્ટ છે કે રાષ્ટ્રપ્રેમ સાથે જવાબદારી અને રાષ્ટ્રવાદ સાથે આંધળી ઉગ્રતા જોડાયેલી છે, એટલે રાષ્ટ્રપ્રેમ પુરુષાર્થ અને વિકાસ તરફ અને રાષ્ટ્રવાદ યુદ્ધ અને વિનાશ તરફ લઇ જાય છે. રાષ્ટ્રપ્રેમ કહે છે, હું મારા દેશને ચાહું છું પણ તે ખોટી દિશામાં જતો હશે ત્યારે હું બોલીશ. અમેરિકાએ વિયેતનામ પર આક્રમણ કર્યું હતું ત્યારે તેની સામે અમેરિકામાંથી જ વિરોધનો મોટો જુવાળ ઉઠ્યો હતો. રાષ્ટ્રવાદી દેશ વિરુદ્ધ એક શબ્દ પણ સાંભળવા તૈયાર હોતો નથી. રાષ્ટ્રપ્રેમી દેશ માટે જીવ આપી શકે, રાષ્ટ્રવાદી દેશ માટે જીવ લઇ શકે. રાષ્ટ્રપ્રેમી કહે છે કે તમારો મારા દેશ માટેનો મત મારા કરતાં જુદો હોય તો પણ હું એ સાંભળીશ અને સમજીશ. રાષ્ટ્રવાદી કહે છે કે મારા દેશ માટે મારો મત સર્વોપરિ છે. એ ચર્ચા કરવામાં માનતો જ નથી. 

આચાર્ય વિનોબાજી

આ બે વિચારધારાઓને ટાગોરે ‘ઘરે બાહિરે’ નવલકથામાં નિખિલ અને સંદીપનાં પાત્રોના માધ્યમથી બહુ સારી રીતે મૂકી છે. નાયિકા વિમલ જાણે દેશની પ્રજાનું પ્રતીક છે, જે શાંત રાષ્ટ્રપ્રેમ કરતાં ઉગ્ર રાષ્ટ્રવાદથી વધારે અભિભૂત થાય છે, પણ પછી તેની કિંમત પણ ચૂકવે છે. 

આ વર્ષે આપણે વિનોબાજીની 130મી જયંતી ઊજવીશું. આઝાદી મળ્યા પછી તરતના ગાળામાં વિનોબાજીએ કહેલું, ‘આપણા દેશમાં રાષ્ટ્રવાદ નામની નવી સંકલ્પના બહુ ધૂમધામથી આવી છે. આજે રાષ્ટ્રવાદનો નારો ચારે તરફ ગૂંજે છે. પણ સમજી લો કે ભારત એક રાષ્ટ્રીય નહીં, પણ આંતરરાષ્ટ્રીય હસ્તી છે. આજે અણુયુગમાં રાષ્ટ્રવાદને નવી રીતે વિચારવો પડશે. જેમ એક દેશના વિવિધ રાજ્યો પોતાની થોડી થોડી સ્વતંત્રતા કેન્દ્રને અર્પણ કરે છે તે રીતે આજે દરેક દેશે પોતાની થોડી થોડી આઝાદી વિશ્વને સમર્પિત કરવી પડશે.  

‘રાષ્ટ્રવાદ દુનિયાના ટુકડા કરે છે. એક તરફ આપણું રાષ્ટ્ર, બીજી તરફ બીજાં રાષ્ટ્રો. દુનિયાનાં અન્ય તમામ રાષ્ટ્રને પારકાં ગણવા એ કેટલી હદે યોગ્ય છે? રાષ્ટ્રવાદોને આંતરરાષ્ટ્રીયવાદનું સ્વરૂપ આપવામાં આવશે તો જ આપણે ટકીશું. વિશ્વના ભલામાં ભારતનું ભલું છે. હવે રાષ્ટ્રવાદ નહીં, વિશ્વવાદ જોઈશે.

‘વિશ્વથી નાની કોઈ વસ્તુ નથી. આપણી બુનિયાદ ગ્રામપરિવાર હશે અને તેનું શિખર હશે વિશ્વપરિવાર. વસુધૈવ કુટુંબકમ્. કાર્યમાં ગામ, ચિંતનમાં વિશ્વ. કેમ કે સેવા માટે નાનું ક્ષેત્ર જોઈએ, ચિંતન માટે વિશાળતા જોઈએ. સેવાને વ્યાપક બનાવવા જઈશું તો નક્કરતા ચાલી જશે. ચિંતનને નાનું બનાવવા જઈશું તો સંકુચિત થઈ જવાશે.’ 

વિનોબાજીના આ ચિંતનની આજે ખૂબ જરૂર છે.

 e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 16 ઑગસ્ટ 2026

Loading

14 September 2026 Vipool Kalyani
← મુક્તિ

Search by

Opinion

  • મુક્તિ
  • ગણેશોત્સવ અને આપણે –
  • મારાં સ્વપ્નોનું પણ એક ભારત છે … 
  • BAPS ને કારણે બનેલા મહિલા તિરસ્કારના શરમજનક કિસ્સા, [સંકલન]: 
  • ઍફિલ ટાવરથી જર્મની સુધીઃ યુરોપનું રાજકીય કેન્દ્ર કેમ નબળું પડી રહ્યું છે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved