રઘુવીરસિંહ કડક, ઈમાનદાર, ફરજ પરસ્ત, અને કર્તવ્યનિષ્ઠ ફોરેસ્ટ ઓફિસર હતા. તેના નામથી ભ્રષ્ટાચારીઓ ભયથી થથરતા, કિંમતી લાકડાની ચોર ચોરી કરવી બંધ કરી દેતા. એવા રઘુવીરસિંહની એક વિશાળ જંગલમાં ફોરેસ્ટ ઓફિસર તરીકે બદલી થઈ. ગણપતભાઈ ફોરેસ્ટના ક્વાર્ટરમાં રહેતા હતા પણ તેની પહેલાનાં ફોરેસ્ટ ઓફિસર ફોરેસ્ટનાં ક્વાર્ટરમાં રહેવાના બદલે બાજુનાં શહેરમાં રહેતાં હતાં. રઘુવીરસિંહે પણ ગણપતભાઈની જેમ ફોરેસ્ટનાં ક્વાર્ટરમાં રહેવાનું નક્કી કર્યું જેથી ફોરેસ્ટનું સંપૂર્ણ પણે ધ્યાન આપી શકાય અને ફેમિલીમાં પણ પત્ની અને ચાર વર્ષનો દીકરો હતો એટલે ફોરેસ્ટના ક્વાર્ટરમાં રહેવામાં કોઈ અગવડ નહોતી.
રઘુવરસિંહ આખો દિવસ ફોરેસ્ટમાં જીપ લઈને ફરતાં રહેતાં એટલે જે કંઈ ઓફિસ કામ હોય તે મોડી રાત સુધી જાગીને કરવું પડતું.
એક રાત્રિએ રઘુવીરસિંહ ઓફીસ કામમાં વ્યસ્ત હતાં. રસોડામાં કંઈક ખખડાટ થયો. રઘુવીરસિંહે એમ માન્યું કે પત્ની કંઈક લેવા ઉઠી હશે. થોડીવાર પછી ફરી રસોડામાં ખખડાટ થયો હોય એવું લાગ્યું. રઘુવીરસિંહે ઊભા થઈ જોયું તો પત્ની અને દીકરો તો ગાઢ નિંદ્રામાં સૂતા હતાં. બિલાડી જેવું કોઈ જનાવર હશે એમ માનીને રઘુવીરસિંહ પણ ઊંઘી ગયા.
બીજે રાત્રીએ બારીઓ ખખડતી હતી. રઘુવીરસિંહે ઊભા થઈને બહાર જોયું કે શું પવનનો વંટોળ ઉડ્યો કે વાવાઝોડું આવ્યું છે. પણ બહાર આવીને જોયું તો કોઈજાતનો પવનનો વંટોળ કે વાવાઝોડું નથી છતાં બારીઓ કેમ ખખડે છે? કંઈક તો છે ખરું? પણ સમજાતું નથી. આજે પણ વાત ઉપર વધુ ધ્યાન આપ્યા વગર રઘુવીરસિંહ ઊંઘી ગયા.
ત્રીજી રાત્રીએ રઘુવીરસિંહ ઓફીસ કામમાં વ્યસ્ત હતાં. તેને એવો આભાસ થયો કે ઓફીસના રૂમમાં કોઈ આમથી તેમ જાય છે પણ દેખાતું નથી મનમાં જરા ડર પણ બેઠો; કાલે આ ક્વાટર વિષે કોઈ અગમ્ય વાત હોય તો એ કોઈક ને જાણવી પડશે. આજે મોડે સુધી જાગીને કામ કરવાના બદલે વહેલું કામ પૂરું કરી દીધું.
ફોરેસ્ટના માણસોને વાત પૂછતાં જાણવા મળ્યું કે ક્વાટરમાં કોઈ ભૂત, પ્રેત હોય એવો કોઈને અનુભવ હજી સુધી થયો નથી કે કોઈએ ક્વાર્ટરમાંથી આવતાં બિહામણા અવાજો પણ સાંભળ્યા નથી. આ પહેલાં ગણપતભાઈ ફોરેસ્ટ ઓફિસર તરીકે અહીયા રહેતા હતા ત્યારે તેમની પત્ની આકસ્મિક ક્યાં ય ગુમ થઈ ગઈ હતી અને ત્યારબાદ તેની કોઈ ભાળ મળી નહોતી એટલે ગણપતભાઈ પણ બદલી કરાવીને અહિયાથી જતા રહ્યા હતા.
રઘુવીરસિંહે નક્કી કર્યું કે વાતનો તાગ તો લેવો પડશે કે ખરેખર હકીકત શું છે? આજે રાત્રે મોડે સુધી કામ કરવાનું નક્કી કર્યું. રઘુવીરસિંહને આભાસ થયો કે કોઈક ઊભું છે. દૂર સફેદ ઓળા જેવું લાગ્યું. રઘુવીરસિંહને સમજાઈ ગયું કે એ સફેદ ઓળો કોઈ સ્ત્રીનો છે.
રુઘુવીરસિંહે જોરથી પૂછ્યું, `કોણ છે ત્યાં? જે કોઈ હોય પોતાના મૂળ સ્વરૂમમાં સામે આવો, દીકરી, બહેન, કે માતા, માટે તમારી લાયક ઉમર હશે; તે પ્રમાણે હું તમારું સન્માન કરીશ; ડર રાખ્યા વગર મારી સામે આવો અને તમારી જે કંઈ હકીકત હોય એ જણાવો.`
`ભાઈ, હું તમને મારી વાત કાલે કરીશ`.
`ભલે, બહેન, તારી જેવી ઇચ્છા. તારી મુક્તિ માટે મારાથી જે કંઈ થઇ શકશે એ બધું હું કરીશ.
`ભાઈ, મારુ નામ પૂનમ છે. ગણપત મારા પતિનું નામ છે. હું, માબાપ વગરની સગાં સંબંધીઓમાં મોટી થઈ; ગણપત સાથે લગ્ન પછી અમે અહીયાં બદલી થતા આવ્યાં હતાં. હું ખુશ હતી પણ ભાઈ મારા નસીબ ફૂટ્યા કે ગણપતને અહીયાંની લાકડાં વીણવા આવતી અલ્લડ અને રખડુ ગોરી સાથે આંખ મળી ગઈ. મને ખબર પડી; મેં ગણપત સાથે ઝઘડો કર્યો, વિરોધ કર્યો. ગણપતને ખબર હતી હું માબાપ વગરની છું. મને કોઈ મદદ કરવા આવશે નહીં. મારા પિયરનું ગામ પણ અહીથી બહુ દૂર હતું. હું ગણપત માટે એક નિઃસહાય સ્રી હતી.`
`ભાઈ, પછી ગણપત અને ગોરીનો ત્રાસ વધતો ગયો. બંને મારી સામે ઘરમાં રંગરેલિયા મનાવા લાગ્યાં. એક દિવસ મે જોરદાર વિરોધ કર્યો અને બધાને વાત કરવાની ધમકી આપી એટલે ગોરીએ પાછળથી મારા માથામાં લાકડાનાં ધોકાથી જોરદાર ફટકો માર્યો અને મારું મૃત્યુ થઈ ગયું. મારી લાશને પાછળ વાડામાં ખાડો કરી દાટી દીધી. ગણપતે બધાને એવી વાત કરી કે હું અચાનક ગુમ થઈ ગઈ છું; ક્યાંક જતી રહી છું.`
`મારા અકાળ મોતથી હું ખૂબ ગુસ્સામાં હતી. એક વખત ગણપત અને ગોરી રંગ રેલિયામાં મસ્ત હતાં અચાનક મેં મારું વિકરાળ સ્વરૂપ ગણપત અને ગોરી સામે પ્રગટ કર્યું. ગોરી તો બીકથી અડધાં પડઘાં કપડાં પહેરી ભાગી અને બીકથી દોડતી દોડતી કૂવામાં પડી અને મરી ગઈ. ગણપત પણ બદલી કરાવી ભાગી ગયો. પણ ભાઈ મારો અતૃપ્ત આત્મા અહીં ભટકે છે. હજી સુધી મેં કોઈને નુકશાન નથી કર્યું કારણ કે અહીયા રહેતા લોકોનો તો કોઈ વાંક નહોતો. મેં તમારામાં મારા ભાઈની છબી જોઈ અને તમારી સમક્ષ પ્રગટ થઇ.`
`બહેન, તારા આત્માની શાંતિ અને મુક્તિ માટે જે કરવું પડશે એ બધું હું કરીશ.`
રઘુવીરસિંહે શહેરમાં પંડિતને વાત કરી. પૂનમને જ્યાં દાટી હતી એ જગ્યા ઉપર જરૂરી વિધિઓ કરવા માટે ખુદ રઘુવીરસિંહ પૂજામાં બેઠા. પૂજા સંપન્ન થયા પછી કાર્ય પૂર્ણ થયાનો રઘુવીરસિંહને અહેસાસ થયો અનુભૂતિ થઈ અને મનને શાંતિ મળી.`
`ભાઈ, મારી મુકિત માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમે જ્યાં પણ હશો ત્યાં મારા આશીર્વાદ સદૈવ તમારી સાથે રહેશે.`
`બહેન, મેં તો એક ભાઈ તરીકે તારી મુક્તિ માટે કર્તવ્ય નિભાવ્યું છે. તારા આત્માને મુક્તિ મળી ગઈ … એ જ મારા માટે તારા આશીર્વાદ છે.`
(ભાવનગર)
e.mail : Nkt7848@gmail.Com
![]()

