(એકવાક્યીય ચેતનાપ્રવાહનું ગદ્યકાવ્ય)
અચાનક એક યુવાન પોતાના ભીતરના ઓરડામાં પ્રવેશવાનો સંકલ્પ કરે વળી એની સાથે એ સમજવા લાગે કે આ પ્રવેશ કોઈ દરવાજાથી થતો નથી પરંતુ એક અદૃશ્ય સ્વીકારથી શરૂ થાય તેમ જ આ સ્વીકારમાં એ પોતાના ભૂતકાળના અસંખ્ય અંશોને ફરીથી જીવતો અનુભવે ને એ અંશો ક્યારેક ઉજાસ જેવા લાગે તો ક્યારેક ઘેરા ધુમ્મસ સમ છતાં પણ એમાં એક અજાણી આકર્ષણશક્તિ અનુભવાય કારણ કે એ ધુમ્મસમાં જ એનું સત્ય છુપાયેલું હોય તેથી એ ધુમ્મસથી ભાગવાનો વિચાર છોડે જેથી કરીને તે પોતાની અંદરના અજાણ્યા પ્રદેશોને ઓળખી શકે જ્યારે એ આ અજાણ્યા પ્રદેશોથી આગળ વધે ત્યારે અંદર એક મૌનનો મહાસાગર પ્રસરી જાય ત્યારબાદ મૌન એની સાથે એવી રીતે સંવાદ શરૂ કરે કે એ સંવાદમાં શબ્દોની જરૂર પડે નહીં કિંતુ એક અનુભૂતિ જ પૂરતી બને તેમ છતાં એ અનુભૂતિને સમજવી સરળ નથી માટે તે પોતાના ધબકારને માર્ગદર્શક બનાવે જ્યાં સુધી અંદરનો અવાજ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી રાહ જોવાનું શીખે અથવા તો એ અધીરાઈને સ્વીકારી લે નહિ તો પોતાની જ યાત્રામાં ખોવાઈ જાય અથવા તો એ વિશ્વાસને પકડી રાખે કિંવા તો શંકાના ભાર નીચે વળી જાય કેમ કે યુવાનનું મન હંમેશાં બે સરહદો વચ્ચે ઊભું રહે મતલબ કે એ દરેક ક્ષણે પોતાનું જ મૂલ્યાંકન કરતો રહે પરિણામે તે સમજવા લાગે કે જીવન કોઈ તૈયાર ઉત્તર નથી પરંતુ એક સતત પુછાતો પ્રશ્ન છે જેમ કે આકાશમાં ઊડતું પંખી કોઈ નકશા વિના પોતાની દિશા શોધી લે ખાસ કરીને જ્યારે અંદરથી એકલતાનો અહેસાસ તીવ્ર બને ત્યારે સમજવા લાગે કે એકલતા કોઈ ખાલીપણું નથી પરંતુ પોતાની સાથેનો સૌથી પ્રામાણિક સંવાદ છે આમ તે એકલતાને સ્વીકારવા લાગે પછી એ પોતાની અંદરના વિચારોને નવા સ્વરૂપમાં ગૂંથવા લાગે ત્યારબાદ તે અનુભવે કે એનો ભય હવે એટલો ભારરૂપ લાગતો નથી કારણભૂત બનેલી એની જ શંકાઓ હવે ધીમે ધીમે ઓગળવા લાગે આથી જ એ પોતાના અસ્તિત્વમાં એક નવી સ્થિરતા અનુભવવા લાગે એટલે કે હવે એ પોતાને સ્વીકારવાની પ્રક્રિયામાં પ્રવેશી ગયો હોય ત્યારબાદ એ પોતાના દરેક શ્વાસમાં એક નવી શરૂઆતનો સંકેત શોધે જેથી એ સમજવા લાગે કે સમય કોઈ શત્રુ નથી પરંતુ એક સહયાત્રી છે જોકે સમય ક્યારેક નિષ્ઠુર લાગે તોપણ તે એની સાથે ચાલવાનું પસંદ કરે માટે એ પોતાના દરેક ક્ષણને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરે કે જેથી એ પોતાના અસ્તિત્વને સંપૂર્ણ રીતે અનુભવી શકે ત્યારબાદ એ સમજવા લાગે કે જીવનની સૌથી મોટી જીત કોઈ બાહ્ય સિદ્ધિમાં નથી તેમ છતાં પોતાની અંદરના ભયને પાર કરવામાં છે જ્યાં સુધી એ પોતાને ઓળખતો રહે ત્યાં સુધી એ ક્યારેય ખાલી રહી શકે નહિ અંતે તે પોતાના અંદરના પ્રકાશને સ્વીકારી લે અને આમ એ યુવાન પોતાના અસ્તિત્વની અનંત યાત્રામાં આગળ વધતો રહે ને આખરે તે સમજવા લાગે કે એ પોતે જ પોતાની અંદરના બ્રહ્માંડનો સર્જક અને સાક્ષી બંને છે અને સાથે સાથે એ અનુભવે કે દરેક શ્વાસમાં એક નવી સંભાવના જન્મે તેમજ દરેક સંભાવનામાં એક નવી ઓળખ છુપાયેલી હોય વળી એ ઓળખ કોઈ એક સ્થિર આકારમાં બંધાતી નથી પરંતુ સતત બદલાતી રહે છતાં પણ એ બદલાવમાં એક અદૃશ્ય સતતતા અનુભવાય કારણ કે એ સતતતા જ જીવનનો મૂળ સ્વર હોય તેથી એ બદલાવથી ડરવાનું બંધ કરે જેથી કરીને એ પોતાના અસ્તિત્વને વહેતા પ્રવાહ તરીકે સ્વીકારી શકે જ્યારે એ આ સ્વીકારમાં સ્થિર થાય ત્યારે અંદર એક ગહન શાંતિ ઊતરે ત્યારબાદ એ શાંતિ એને પોતાના અસ્તિત્વનો સત્ય સ્પર્શ કરાવે અને એ સ્પર્શમાં કોઈ પ્રશ્ન બાકી રહેતો નથી કિંવા એક નિર્વિકાર સ્વીકાર જન્મે તેમ છતાં યાત્રા પૂર્ણ થતી નથી માટે એ ફરી આગળ વધે જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી શોધ ચાલુ રાખે અથવા તો એ શોધને જ પોતાનું ઘર બનાવી લે નહિ તો એ ફરી અનભિજ્ઞતાના અંધકારમાં ખોવાઈ જાય યા તો એ પોતાના અંદરના પ્રકાશમાં વિલીન થઈ જાય અગર તો એ ફરી એક નવા પ્રશ્ન સાથે જન્મે કેમ કે યુવાનનું અસ્તિત્વ ક્યારેય સ્થિર રહેતું નથી અર્થાત્ એ સતત રચાતો અને વિખરાતો રહે પરિણામે એ સમજવા લાગે કે જીવન કોઈ અંતિમ મંજિલ નથી પરંતુ એક અનંત યાત્રા છે જેમ કે નદી સમુદ્રમાં મળીને પણ પોતાની ઓળખ ગુમાવતી નથી ખાસ કરીને જ્યારે એ પોતાને સંપૂર્ણ સ્વીકારી લે ત્યારે એ અનુભવ કરે કે એ જ પ્રશ્ન છે અને એ જ ઉત્તર છે આમ એ યુવાન પોતાની આંતરિકતાના અનંતમાં વિલીન થઈને પણ સતત સર્જાતો રહે ને આખરે તે સમજવા લાગે કે એ પોતે જ પોતાની યાત્રાનો આરંભ અને અંત બંને છે.
પ્રગટ : “નવનીત સમર્પણ”, ઓક્ટોમ્બર ૨૦૨૬; પૃ. 58-60
Email – e.mail : panchalbrijeh02@gmail.com
![]()

