· “રાહુલ ગાંધી ઘૂસપેઠિયાઓનો બચાવ કરી રહ્યા છે અને તેને રક્ષણ પૂરું પાડી રહ્યા છે.”
· “૨૦૨૯ની સામાન્ય ચૂંટણીમાં અમે (એન.ડી.એ.) પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછા આવીશું.”
(અમિત શાહ, ૧૩મી ઓકટોબર, ૨૦૨૬, પત્રકાર પરિષદ)
જ્ઞાનેશ કુમારનાં કારનામાંઓ સામે દેશમાં પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે ત્યારે અને જ્યારે મૂંગા રહેવું શક્ય નહોતું ત્યારે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ઉપર ટાંક્યા એ બે વક્તવ્યો આપ્યાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો ત્યારે જ બોલે છે જ્યારે દરેક રીતે સુવાણ હોય. મુશ્કેલીમાં સાહેબ મૂંગા રહે છે. અમિત શાહ પણ બને ત્યાં સુધી પોતાની વાત કહીને અને પત્રકારોના એકાદ બે પ્રશ્નોના ઉડાઉ જવાબ આપીને અને બાકીના પ્રશ્નોને સાંભળ્યા ન સાંભળ્યા કરીને જતા રહે છે. “જાહેરમાં ઐસે સવાલ નહીં કરતે” એમ કહેતા તમે અમિત શાહને અનેકવાર સાંભળ્યા હશે. પત્રકારને ટપારે અને શિખામણ આપે.
તો બે વાત અમિત શાહે કહી છે તેની વાત કરીએ. જ્ઞાનેશ કુમારે અને આઈ.ટી. સેલનાં સીમા ખન્નાએ મળીને સાડા તેર કરોડ લોકોનાં નામ મતદાર યાદીમાંથી હટાવી દીધાં છે જે અમિત શાહના કહેવા મુજબ ઘૂસપેઠિયા છે. કેટલા? સાડા તેર કરોડ. એસ.આઈ.આર.(સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રીવિઝન)ની પ્રક્રિયા દેશનાં ૨૦ રાજ્યોમાં પૂરી થઈ ગઈ છે, ૧૬ રાજ્યોમાં ચાલી રહી છે અને ત્રણ રાજ્યોમાં હજુ હાથ ધરવાની બાકી છે. ચૂંટણી પંચના દાવા મુજબ અત્યાર સુધીમાં ૯૫ કરોડ ૪૦ લાખ મતદાતાઓની ચકાસણી પૂરી થઈ ચુકી છે જેમાંથી ૧૩ કરોડ ૩૯ લાખ મતદાતાઓનાં નામ રદ્દ કરવામાં આવ્યાં છે. ટકાવારી કાઢીએ તો ૧૪% ટકા થયા. ૧૪% મતદાતાઓ અનધિકૃત છે અને એમાંથી મોટાભાગના ઘુસપેઠિયા છે. હજુ છ કરોડ મતદાતાઓની ચકાસણી બાકી છે અને તેમાં મુસલમાન અને ખ્રિસ્તીઓની બહોળી વસ્તી ધરાવતા સરહદી પ્રાંતોનો સમાવેશન થાય છે એટલે ત્યાં હટાવવાનું પ્રમાણ વધારે હોવાનું એટલે સહેજે એમ કહી શકાય કે દેશના એક અબજ મતદાતાઓમાં ૧૫ ટકા મતદાતા ઘુસપેઠિયા છે.
અને હા, અહીં એક બાબત તરફ તમારું ધ્યાન દોરવું જરૂરી છે. એક અબજ મતદાતાઓમાંથી ૧૫ ટકા અર્થાત ૧૫ કરોડ લોકો પુખ્ત વયના છે. ચૂંટણીપંચે માત્ર મતદાન કરવાની વયના લોકોની ચકાસણી કરી છે, સગીર વયના લોકોની નથી કરી. એ પુખ્ત વયના લોકોમાંથી ઘણાને બાળકો પણ હશે. જો સગીર વયના સંતાનોની સંખ્યા જોડો તો આ દેશમાં અંદાજે ૨૫થી ૩૦ કરોડ ઘુસપેઠિયા છે. અંદાજે પચીસ ટકા અથવા દર ચોથો માણસ! આ ધરતી પર એવો કોઈ દેશ છે જ્યાં તેની વસ્તીનો દર ચોથો કે પાંચમો માણસ ઘુસપેઠિયો હોય? વિદેશી હોય એ તો સમજી શકાય, ઘૂસપેઠિયો?
બાર વરસથી કેન્દ્રમાં શાસન કરો છો અને શાસન પણ તમારા દાવા મુજબ નો નોનસેન્સ લોખંડી છે તો એ પછી પણ ઘુસપેઠિયાઓનું આટલું મોટું પ્રમાણ? ડૂબી મરવું જોઈએ. અંધભક્તો કહેશે કે ૧૨ વરસ કોઈ મોટો સમયગાળો ન કહેવાય તો ચાલો આપણે ગુજરાતનાં આંકડા તપાસીએ, જ્યાં ૧૩ વરસ નરેન્દ્ર મોદી અને અમિત શાહનું અને કુલ મળીને ત્રણ દાયકાથી ભા.જ.પ.નું રાજ છે. આ રાજ્યમાં ઘુસપેઠિયાનું પ્રમાણ ૧૩.૪૦ ટકા છે. આવું જ ભા.જ.પ. શાસિત બીજાં રાજ્યોનું છે. આટલો લાંબો સમય અને એ પણ લોખંડી સંકલ્પ સાથે કેન્દ્રમાં અને રાજ્યોમાં રાજ કર્યા પછી પણ ઘુસપેઠિયાઓનું આટલું મોટું પ્રમાણ હોય અને તેને હટાવી ન શકતા હોય તો એનો અર્થ એ થયો કે કાં શાસક તરીકે તમે નમાલા છો અથવા જેનાં નામ હટાવવામાં આવ્યાં છે એ ઘુસપેઠિયા નથી, તમારા વિરોધી છે.
બીજું આ ખુલાસો અમિત શાહે કરવો જોઈએ કે જ્ઞાનેશ કુમારે? આ કામ કોનું છે? શા માટે જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચના બચાવમાં ગૃહ પ્રધાન અને ભા.જ.પ. આવે છે? શું તમે લાભાર્થી છો? ગુનેગાર પકડાઈ ગયો અને ગુનેગાર લાભાર્થીના લાભ માટે કામ કરતો હતો એ સાબિત થઈ ગયું છે એટલે આ ચચરાટ છે? જ્ઞાનેશ કુમાર તો ૨૩મી સપ્ટેમ્બરે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં સ્ટોરી છપાઈ ત્યારથી ઘરની બહાર નથી નીકળ્યા. ઘરમાં છે કે નહીં એ પણ ખબર નથી. કોઈને મોઢું જ બતાવ્યું નથી.
ત્રીજું, શું અમિત શાહ દેશને ખાતરી આપશે કે અંદાજીત ૧૫ કરોડ (પરિવારના સગીર વયના સંતાનો જોડો તો ૨૫થી ૩૦ કરોડ) ઘુસપેઠિયાઓનો દેશનિકાલ કરવામાં આવશે? જે રાજ્યોમાં છ મહિના પહેલાં એસ.આઈ.આર.ની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને ત્યાં લાખોની સંખ્યામાં ઘુસપેઠિયા મળ્યા છે તેમાંથી કેટલાને અત્યાર સુધીમાં દેશબહાર કર્યા? જેમ કે પશ્ચિમ બંગાળમાં ૯૧ લાખ મતદાતાઓને છ મહિના પહેલાં મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, પણ તેમાંથી એક પણ માણસને દેશની બહાર ખદેડવામાં આવ્યો નથી. આ કસરત ચૂંટણી જીતવા માટે અને રાજ કરવા માટે કરવામાં આવે છે કે દેશની સુરક્ષા ખાતર? જો દેશની સુરક્ષા ખાતર કરવામાં આવતી હોય તો ૨૫ કરોડ લોકોને દેશમાંથી રવાના કરી બતાવે. અરે એક કરોડને દેશનિકાલ કરી બતાવે તો પણ હું સલામ કરવા તૈયાર છું.
અને ચોથી વાત જે અત્યંત મનોરંજક છે. કયા એવા પાડોશી દેશ છે જ્યાંથી ભારતમાં લોકો આવે છે? કોઈ શ્રીલંકન ભારત આવતો નથી, કારણ કે તે આપણા કરતાં વધારે સુખી છે. તિબેટ માર્ગે કોઈ તિબ્બતી કે ચીની આવતો નથી કારણ કે એ પણ આપણા કરતાં સુખી છે. કોઈ બર્મી ભારત આવતો નથી, કારણ કે પશ્ચિમે ભારત જવા કરતાં પૂર્વ એશિયાના અને અગ્નિ એશિયાના દેશોમાં તેને વધારે સંસ્કૃતિક નજદીકી અને સુખાકારી મળે છે, એટલે તે ત્યાં જવાનું પસંદ કરશે. પાકિસ્તાની માટે સરહદ ઓળંગવી જોખમી છે, એટલે વળી કોઈ ત્રાસવાદી જોખમ ઉઠાવીને આવી શકે, પણ સામાન્ય માણસ જાનનું જોખમ ઉઠાવીને ભારતમાં ન આવે. તો ભારત આવવા માટે કોની પાસે કારણ છે? જવાબ છે, બંગલાદેશ અને નેપાળ. આમાંથી નેપાળીઓ વગર વિઝાએ અને વગર રોકટોકે કાનૂની માર્ગે ભારત આવી શકે છે તો રહ્યું બંગલાદેશ.
હવે બંગલાદેશની હકીકત જુઓ : બંગલાદેશની કુલ વસ્તી ૧૭ કરોડ ૭૮ લાખ છે. આમાંથી પુખ્ત વયના નાગરીકોની વસ્તી ૧૨ કરોડ ૮૭ લાખ છે. તો શું બંગલાદેશમાં કોઈ પુખ્ત વયનો માણસ બચ્યો જ નથી, બધા ભારતમાં આવીને વસ્યા છે? ચાલો આપણે તેમાં પાકિસ્તાનને પણ જોડી દઈએ. પાકિસ્તાનની કુલ વસ્તી ૨૬ કરોડ છે. પુખ્ત વયના નાગરીકોની સંખ્યા ૧૩ કરોડ ૬૮ લાખ છે. તો શું બંગલાદેશ અને પાકિસ્તાનના ૬૦ ટકા પુખ્તવયીના લોકો ભારતમાં વસે છે? ઘડીભર માની લઈએ કે ભારતમાં વસતા બંગલાદેશીઓ અને પાકિસ્તાનીઓએ પોતાના દેશમાં નાગરિકત્વ નોંધાવ્યું જ નથી તો શું એ બે દેશોની કુલ વસ્તી ૬૦ કરોડ જેટલી છે? કોઈ રીતે તાળો મળી શકે એમ નથી અને માટે જ્ઞાનેશ કુમાર ઘરની બહાર નીકળતા નથી. અમિત શાહ પાળીતા પત્રકારો સમક્ષ પોતાની વાત કરીને અને ઉડાઉ જવાબ આપીને ભાગી જાય છે. ચોરી સિવાય આનો કોઈ જવાબ જ નથી.
અમિત શાહે બોલવું એટલા માટે પડ્યું કે જ્ઞાનેશ કુમારના પાપનો ભા.જ.પ. લાભાર્થી છે અને એ હવે સાબિત થઈ ગયું છે. સર્વોચ્ચ અદાલત અત્યાર સુધી જ્ઞાનેશ કુમારને ગુનો કરવા દેતી હતી અને લાભાર્થીને તેનો લાભ લેવા દેતી હતી. જો જ્ઞાનેશ કુમારનું પાપ પ્રગટ થાય તો સર્વોચ્ચ અદાલતનું પણ પાપ પ્રગટ થાય અને થઈ ગયું છે. અહીં મેં આંકડાની જે વાસ્તવિકતા બતાવી એ સર્વોચ્ચ અદાલતના જજો પણ જાણે છે. તેમને ખબર છે કે ક્યારે ય કોઈ દેશમાં ૧૫ ટકા ઘુસપેઠિયા ન હોય, આ તો ભા.જ.પ.ના વિરોધી મતદાતાઓને હટાવવામાં આવી રહ્યા છે. સર્વોચ્ચ અદાલત અત્યારે ભીંસમાં છે. કાં ન્યાયતંત્રની, વિશેષ કરીને સર્વોચ્ચ અદાલતની આબરૂ બચાવે અને કાં કપડાં ફગાવીને નિર્વસ્ત્ર થઈ જાય. કયો માર્ગ અપનાવશે એ થોડા દિવસમાં સ્પષ્ટ થઈ જશે.
અમિત શાહે બીજું નિવેદન પ્રચંડ બહુમતી સાથે ૨૦૨૯ની સામાન્ય ચૂંટણી જીતવા વિષે કર્યું છે. જો આટલી ખાતરી છે તો પછી આટલો ડર શેનો છે? શા માટે જ્ઞાનેશ કુમાર જેવા એક નીચ અધિકારીનો બચાવ કરો છો? હકીકત તો એ છે કે જો ચૂંટણી સંપૂર્ણપણે મુક્ત અને ન્યાયી હોય તો ભા.જ.પ. કોઈ સંજોગોમાં જીતી શકે એમ નથી. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં પણ ૨૦૦ કરતાં વધારે બેઠક ન મળી હોત. કેટલાંક રાજ્યોમાં વિજય ન થયો હોત. અમિત શાહ આ જાણે છે. હા, જ્ઞાનેશ કુમાર છૂટા આખલાની જેમ ચૂંટણી યોજી શકશે તો બી.જે.પી.નો વિજય નિશ્ચિત છે.
અને છેલ્લે, શા માટે જ્ઞાનેશ કુમારને નિવૃત્તિ પછી કાયદાકીય રક્ષણ આપવામાં આવ્યું છે? નિવૃત્તિ પછી ચૂંટણીપંચના કોઈ સભ્યો સામે અનુગામી સરકારો કાયદાકીય કારવાઈ નહીં કરી શકે એવો કાયદો ઘડીને ચૂંટણી પંચના સભ્યોને બખ્તર પહેરાવવામાં આવ્યું છે. બેટા, હવે થઈ શકે એટલાં પાપ કર, કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે અમે છીએને!
ગયા સપ્તાહના મારા લેખમાં લખ્યું હતું એમ આ લોકોનું હિંદુ રાષ્ટ્ર સત્તાનિર્ભર છે, પ્રજાનિર્ભર નથી અને સત્તા શાશ્વત નથી. ગમે એટલી કિલ્લેબંધી કરો, સત્તા એક દિવસ જાય છે. પ્રજાકીય સ્વીકાર શાશ્વત છે જે જન્તર મન્તર અને દેશમાં અન્યત્ર જોવા મળ્યું છે. લોકો જાનનું જોખમ ઉઠાવીને પોતાની કલ્પનાના ભારતને બચાવવા રસ્તા પર ઉતરે છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 ઑક્ટોબર 2026
![]()

