ટોળાની શૂન્યતા
ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી
હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી
શૂળી ઉપર અજીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી
નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી
સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી
– જવાહર બક્ષી
બહુ જ જાણીતી અને માનીતી આ ગઝલ વિષે શું લખું અને શું ના લખું – એ બહુ મોટી સમસ્યા છે. શા માટે લખું તે પણ! પણ આ ‘વા’ ઉપડે, એ ચળ ઊઠે – એટલે એનું નિવારણ કર્યે જ ઉગાર થાય – એ તો સમદુખિયા જ સમજી શકે ને?
આધુનિક સમાજની વ્યર્થતાનું આવું સરસ નિરૂપણ બહુ ઓછા કવિઓ કરી શકે. કદાચ કરી પણ શકે. પણ તે પહેલાં બક્ષીજીને, એમની આ રચનાને પ્રણામ કરીને જ કરી શકે. એ વિષે આ અવલોકન પણ તેમને સાદર પ્રણામ બાદ જ.
પશુજીવનમાંથી અભૂતપૂર્વ વિકાસ પામેલ માનવે સહસ્ત્ર-હરણફાળ ભરી છે; પણ અંતરમાં આ શૂન્યતા એનો અભિશાપ છે. ઢોલની, ઈશુની, નામર્દ શહેનશાહની, બીડીના ઠૂંઠાની ઉપમાઓ બક્ષીજી જ સર્જી શકે.
બાઅદબ, બામુલાએજા સલામ!
હવે મારો ઢોલ પીટીને શું? એમ કરો – મને જ પીટો! દિલથી પીટશો તો બહુ આત્મીયતા લાગશે!
બીજી એક આરઝૂ – એક પ્યાસ.
આનો કોઈ ઉકેલ તમારી પાસે છે?
e.mail : surpad2017@gmail.com
![]()

