આ દશેરા વખતે ફાફડા 600 રૂપિયે ને જલેબી 700 રૂપિયે કિલો વેચાઈ. અજમો, તેલ, બેસન, કારીગરોનાં મહેનતાણાંનાં ભાવ વધતા ફાફડા-જલેબીનાં ભાવ વધ્યા. બધી જ વસ્તુઓ મોંઘી થઈ છે તો ફાફડા-જલેબી શું કામ રહી જાય? તહેવારો આમ તો બધું મોંઘુ કરવા જ આવે છે. આમ તો કોઈ કારણ ન હોય તો પણ દર વર્ષે મીઠાઈ, ફરસાણના ભાવ વધતા જ રહે છે. દિવાળી, દશેરાના તહેવારમાં ભાવ વધારુઓ ભાવ વધારે છે ને ચીજ વસ્તુઓમાં ભેળસેળ પણ વધે છે. ગમે એટલા ભાવ વધે કે ગમે એટલી ભેળસેળ થાય, ખાનારાઓ તો ખાય જ છે. ફાફડા જલેબીનો ઉપાડ ઘટતો નથી. ગ્રાહકો ફાફડા-જલેબી લેવા રાતથી લાઈનમાં લાગી જાય છે. હવે ઘારી પડવો આવશે ને ત્યારે પણ સૂકો મેવો, ઘી, માવો … વગેરેના ભાવમાં વધારો થવાથી ઘારી મોંઘી થઈ છે, એવી વાતો વહેતી થશે ને ગ્રાહકો એની જરા ય ચિંતા વગર મોંઘી ઘારી ખરીદશે ને ખાશે. આડે દિવસે ઘણી દુકાનોમાંથી માવાના સેમ્પલ્સ લેવાય છે ને હજારો કિલો માવાનો નાશ કરાય છે, ઘારી પડવાને દિવસે એવી ચિંતા કોઈ કરતું નથી ને મોંઘી તો મોંઘી ઘારી ઊપડી જ જાય છે ને કરોડો રૂપિયાના ફાફડા-જ્લેબીની જેમ ઘારી પણ વેચાય છે.
આ સુરતની જ તાસીર છે કે અન્ય શહેરોની જ છે, તે નથી ખબર, પણ અન્ય શહેરો કદાચ આટલાં શોખીન કે ઉડાઉ નથી. દુનિયાભરમાં ઘારીનો ઉત્સવ માત્ર ને માત્ર સુરતમાં જ ઊજવાય છે. એટલે એ શોખ ને શાખ સુરતને જ પરવડે છે. સુરતીઓ એટલા ઘારી પ્રેમીઓ છે કે સ્મશાનમાં આવેલા ડાઘુઓને ઘારીભૂસું થોડાં વર્ષો પર પીરસતા હતા. એમાં શોખ કરતાં પણ ખાંધિયાભાર ઉતારવાનો હેતુ હતો. પહેલાં એવું હતું કે કોઈ ઘરડું વરડું ગુજરી જતું તો તે વખતે આજના જેવી બસ, રિક્ષાની સગવડો ન હતી. ડાઘુઓનો આખો દિવસ ચાલતાં સ્મશાન જવા આવવામાં ને ત્યાં રોકાવામાં જ જતો. આખા દિવસમાં ભૂખ પણ લાગતી તો મરનારના મોભા પ્રમાણે ઘારીભૂસું પીરસાતા. ટૂંકમાં, ઘારીભૂસું શોખમાં ને શોકમાં કામ લાગતાં. હવે ઘારી પડવામાં સૌથી વધુ ઘારી, ભૂસું ખવાય છે ને દુકાનોમાં ખલાસ થઇ જાય ત્યાં સુધી ખવાય છે.
દશેરો ગયો તો કરોડોનાં ફાફડા-જલેબી ખવાયાં. એ કેટલાં શુદ્ધ હતાં તે જાણવા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય ખાતું જુદી જુદી દુકાનેથી ફરસાણ, મીઠાઈ, માવો, ઘી … વગેરેના નમૂના એકત્રિત કરે છે ને તેની લેબોરેટરીમાં તપાસ થાય છે. બજારમાં મીઠાઈ, ફરસાણનો ઉપાડ વધે છે તો લોકોનાં આરોગ્ય માટે ફૂડ વિભાગ દ્વારા નમૂના કલેક્ટ કરવામાં આવે છે. ચેકિંગ દરમિયાન જે મીઠાઈઓ પર યુઝ-બાય ડેટની તારીખ ન મારેલી હોય, તેવા વેપારીઓને નોટિસ ફટકારીને દંડવામાં આવે છે અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવે છે. 16 ઓક્ટોબર, 2026થી અત્યાર સુધીમાં 27 ફરસાણ અને મીઠાઈની દુકાનોમાંથી 50 જેટલા નમૂના તપાસ માટે લેબમાં મોકલાયા છે. એનો સાદો અર્થ એ થાય કે આખા સુરતમાંથી 27 દુકાનો જ એવી હતી, જેના નમૂના તપાસ માટે મોકલવાના થયા. મતલબ કે બાકીની દુકાનો શુદ્ધ સામગ્રીઓ વેચતી હતી. આમ તો આ નમૂના રેન્ડમલી લેવાતા હોય છે, પણ એવું દરેક વખતે ન પણ હોય. ક્યારેક કોઈ દુકાન ટાર્ગેટ પણ કરાતી હશે, તો કોઈ દુકાનમાં તોડ પાડવાનો હોય એમ પણ બને. કમાલ તો એ છે કે ફાફડા-જલેબીની કે ઘારીભૂસાની હજારો દુકાનો આ શહેરમાં હશે. તેમાંથી 27 દુકાનો જ નમૂના કલેક્ટ કરવા જેવી લાગી એનું આશ્ચર્ય જ છે.
ઘારી પડવા નિમિત્તે પણ પાલિકાનું આરોગ્ય ખાતું આમ જ નમૂના લેવા મેદાને પડશે ને નમૂનાઓ લેબમાં મોકલી આપશે. એ તો મોકલે કે ન મોકલે, પણ ફાફડા-જલેબીના નમૂના તો લેવાયાં જ છે. લોટ, તેલ, ઘીમાં ભેળસેળ કે બિનઆરોગ્યપ્રદ તત્ત્વો મળી આવશે તો કોર્પોરેશન તેને દંડશે. આવો દંડ થતો જ રહે છે ને એક નહીં તો બીજી દુકાનમાંથી બિન આરોગ્યપ્રદ સામગ્રીઓ મળી જ આવતી હોય છે. એકને દંડ થતાં બીજો દુકાનદાર ગભરાવો જોઈએ, પણ એવું થતું નથી. દંડ ભલે થયા કરે, બીજો દંડ ભરવા તૈયાર જ હોય છે. એમાં એવું પણ ખરું કે દંડ તો એકાદ દિવસ થાય, બાકીના દિવસે તો લોકોને છેતરી શકાયને ! આટલા દંડ છતાં એક દિવસ એવો નથી જતો કે જીવજંતુ કે ભેળસેળવાળી ચીજવસ્તુઓ વેચાતી ન હોય.
ઘોડદોડની એક જાણીતી દુકાનમાંથી ત્રણેક દિવસ પર જ એક ગ્રાહક છોલેભટુરેનો ઓર્ડર આપી નાસ્તો કરતા હતા, એ વખતે પ્લેટમાંથી વાંદો નીકળ્યો. ગ્રાહકે સંચાલકો અને સ્ટાફનું ધ્યાન દોર્યું તો સંચાલકે બેદરકારીભર્યું વલણ અખત્યાર કર્યું. ગ્રાહક અને સંચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ગ્રાહકે પુરાવો રાખવા બિલ માંગ્યું તો એનો પણ ઇનકાર કરી દેવાયો. ગ્રાહકે પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. હવે કોર્પોરેશન પર છે, એ શું પગલાં લે છે તે ! આમાં કોર્પોરેશન કંઇ ન કરે એમ પણ બને, પણ સૌથી ખરાબ વાત તો એ છે કે સંચાલકો કે માલિકોએ ભૂલનો સ્વીકાર કરવાને બદલે ગ્રાહક સાથે બહુ ઉદ્ધતાઈ ભરેલું વર્તન કરે છે. તે એટલે કે તેને દુકાનની પ્રતિષ્ઠા જવાનો ડર હોય છે ને બીજું એ કે એક ગ્રાહક જતા બીજો મળી રહેશે એવી ધરપત હોય છે. ધારો કે કોર્પોરેશન તપાસ કરે છે તો મામલો રફેદફે કરવાનું બધા જ વેપારીઓ જાણતાં હોય છે. વેપારીઓ ગ્રાહકોની જરા ય ચિંતા કર્યા વગર વધારેમાં વધારે નફો રળવાની દાનતે ગંદું, બિનઆરોગ્યપ્રદ, ભેળસેળવાળું કંઇ ને કંઇ તો વેચ્યે જ રાખે છે.
આખા શહેરમાંથી માંડ પચીસ સત્તાવીશ દુકાનમાંથી નમૂના લેવાય ને તેમાં મોટે ભાગના નમૂના જોખમી હોય છે, તો પણ તેનો ઈમ્પેક્ટ આખા શહેર પર ઓછો જ પડે છે. એટલે એવા નમૂનાથી ખાસ કંઇ વળતું નથી. એને માટે તો આખા શહેરમાં કોર્પોરેશનના આરોગ્યવિભાગે સતત ઝુંબેશ ચલાવવી પડે. એવી હવા બાંધવી પડે કે સજા અને દંડથી કોઈ પણ માલેતુજાર દુકાનદાર પણ કાંપે. ભાગ્યે જ કોઈ દુકાન સીલ થતી હશે, બાકી દંડથી જ વાત પતી જતી હોય છે. મોટે ભાગે કોર્પોરેશન તહેવારો વખતે જ જાગે છે. તેને ખાતરી હોય છે કે આડે દિવસે કોઈ દુકાનદાર કોઈ પણ પ્રકારની રમત કરતો નથી. તે તહેવારો પૂરતો જ ભ્રષ્ટ થાય છે, એટલે આડે દિવસે તો કોઈ વેપારી વાંકમાં આવતો જ નથી.
આમ તો ઘી, ફરસાણનું તેલ, માવો … વગેરેની તપાસ કરવામાં આવે છે. પણ આ નમૂનાઓ મોટેભાગે જે દિવસે તહેવાર હોય, ત્યારે જ લેવામાં આવે છે. સામાન્ય રીતે આવા નમૂનાની તપાસનો રિપોર્ટ ચૌદેક દિવસમાં આવે છે, ત્યારે એ તહેવાર ને મીઠાઈ, ફરસાણ વગેરે પરવારી ચૂક્યાં હોય છે. ગ્રાહકોએ પણ એ પદાર્થો ઝાપટી લીધાં હોય છે, પરિણામે, જે નુકસાન થવાનું હોય તે તો થઈ ચૂક્યું હોય છે. એટલે એવી તપાસ દંડથી વિશેષ કોઈ મૂલ્ય ઊભું કરી શકતી નથી.
જો કે, આ વખતે કોર્પોરેશને સુરતમાં ફૂડ સેફટી ડ્રાઈવ શરૂ કરી છે, પણ એનો રિપોર્ટ આવતા ચૌદ દિવસ લાગે છે. એટલે આ કિસ્સામાં પણ ઘારી ખવાઈ ચૂકી હોય છે ને રિપોર્ટનો કોઈ અર્થ રહેતો નથી. આખું અભિયાન એક તુક્કો થઈને રહી જાય છે. ખરેખર તો સેમ્પલ લેવાના નાટકને બદલે તહેવારને દિવસે જ સ્પોટ ટેસ્ટિંગ કરી જોખમી ખોરાક જપ્ત કરવો જોઈએ, તેને બદલે અખાદ્ય પદાર્થ લોકો ખાઈ રહે પછી ચૌદપંદર દિવસે રિપોર્ટ આવે તો તેનો કોઈ મતલબ રહેતો નથી ને તેનો ખર્ચ પણ માથે પડ્યા જેવું જ થાય છે. એ રીતે તો આ આખી બબાલ ખાતર પર દિવેલ જેવી જ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઑક્ટોબર 2026
![]()

