Opinion Magazine
Number of visits: 10,302,885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—363

દીપક મહેતા|Opinion - Opinion|25 October 2026

આનંદીને અભિનંદન આપ્યાં હતાં મહારાણી વિક્ટોરિયાએ?  

આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં

જાય કરેથી મર્મ સરી ત્યાં.

આનંદીના જીવનમાં આવું જ કૈંક બન્યું. ચૌદ વરસની ઉંમરથી સપનું સેવ્યું, ડોક્ટર બનવાનું. અનેક અવરોધોનો સામનો કરીને અમેરિકા ગઈ. સ્ત્રીઓ માટેની મેડિકલ કોલેજમાં દાખલ થઈ. પરદેશનાં હવા-પાણી માફક ન આવે તો ય પરંપરાગત હિંદુ ધર્મના બધા આચાર-વિચારને વળગી રહી. આસપાસના બધા લોકોની માનીતી બની. ખંતપૂર્વક અભ્યાસ કરી MDની ડિગ્રી મેળવી. કોલ્હાપુરની જનાના હોસ્પિટલના વડાની નોકરી સામે ચાલીને મળી ગઈ. ખૂબ નબળી તબિયતે મુસાફરી કરી સ્વદેશ પાછી ફરી. સૌથી પહેલાં મુંબઈથી ગઈ જન્મભૂમિ પુણે. અને, અને, તેની જન્મભૂમિ જ તેની મૃત્યુભૂમિ બની. ફક્ત એકવીસ વરસની વયે વિદાય લીધી. એટલે દેશની પહેલવહેલી પ્રેક્ટિસિંગ ડોક્ટર ન બની.

અગાઉ આનંદી વિષે અહીં જે પ્રગટ થયું તે વાંચ્યા પછી એક મિત્રે ફોન કરીને પૂછ્યું: ‘તમે આનંદી વિષે આટલું વિગતવાર લખો છો, પણ તેને ડિગ્રી મળી તે દિવસે રાણી વિક્ટોરિયાનો અભિનંદન આપતો સંદેશો મળ્યો હતો એ વાત કેમ ન લખી?

કારણ હકીકતમાં એવો કોઈ સંદેશો એ દિવસે તેને મળ્યો જ નહોતો. આ અંગે જે બન્યું હતું તેની વિગતવાર નોંધ ૧૮૮૮માં પ્રગટ થયેલી આનંદીની જીવનકથામાં નોંધાઈ છે, જે આ પ્રમાણે છે: કોન્વોકેશન થઈ ગયા પછી કોલેજના વડા ડો. રચેલ બોડલેએ કોન્વોકેશન સમારંભનો વિગતવાર અહેવાલ રાણી વિક્ટોરિયાને મોકલ્યો હતો. કેમ વારુ? કારણ, એક તો આનંદી તાજના રાજની રૈયત હતી. બીજું, હિન્દુસ્તાનના વાઈસરોય અને ગવર્નર જનરલથી માંડીને ઘણા અફસરો આનંદીને મદદરૂપ થયા હતા. ડો. બોડલેને જવાબ રાણીએ પોતે નહિ પણ તેમના પ્રાઈવેટ સેક્રેટરી સર હેન્રી પોનસોનબીએ ૧૮૮૬ના જુલાઈની ૧૪મી તારીખે લખ્યો હતો, જે આ પ્રમાણે હતોમ:

FROM WINDSOR

July 14th, 1886.

I am commanded by the Queen to request that you will kindly thank Dr. Bodley for having sent to her Majesty the account of Dr. Joshee’s graduation at the Woman’s Medical College of Pennsylvania, and to assure you that the Queen has read it with much interest.  

પહેલી વાત એ કે આનંદીનું કોનવોકેશન હતું ૧૮૮૬ના માર્ચની ૧૧મી તારીખે. ઉપરનો સંદેશો લખાયો છે એ જ વરસના જુલાઈની ૧૪મી તારીખે, એટલે કે કોન્વોકેશન પછી લાંબા સમયે. બીજું, એ લખાયો છે રાણીના સેક્રેટરીની સહીથી. ત્રીજું, એમાં આભાર માન્યો છે અહેવાલ મોકલવા માટે ડો. બોડલેનો. અને તેમાં લખ્યું છે કે રાણીએ બહુ રસપૂર્વક એ અહેવાલ વાંચ્યો છે. ડો. આનંદી જોશીને મહારાણી તરફથી અભિનંદન પહોંચાડશો, કે એવી મતલબનું કશું જ લખ્યું નથી. અને સેક્રેટરી એવું કશું ન લખે કારણ રાણી વિક્ટોરિયા સ્ત્રીઓના ઉચ્ચ શિક્ષણનાં વિરોધી હતાં. સ્ત્રીઓને રોજિંદા વ્યવહારમાં ઉપયોગી થાય તેવું અને તેટલું જ શિક્ષણ આપવું જોઈએ, વધુ નહિ, એમ તેઓ માનતાં હતાં. એટલે ઉપરનો સંદેશો એ માત્ર પહોંચનો છે, અભિનંદનનો નહિ. 

બીજી વાત. ડિગ્રી મેળવીને આનંદીએ અમેરિકા છોડ્યું એ સાથે તેનો અમેરિકા સાથેનો સંબંધ પૂરો થયો? જવાબ છે : હા અને ના. ના એટલા માટે કે હિન્દુસ્તાન પાછા ફર્યા પછી થોડા જ વખતમાં આનંદીનું અવસાન થયું એટલે અમેરિકા સાથેનો દેખીતો સંબંધ તો પૂરો થયો. પણ આનંદીના અંતિમ સંસ્કાર પછી પરંપરાગત રીતે ગોપાળરાવે અસ્થિ અને ચિતાની ભસ્મ એકઠાં કર્યાં હતાં. આનંદીને અમેરિકા માટે અને ત્યાંનાં તેના યજમાનો, મિત્રો, સાથીઓ વગેરે માટે અનહદ પ્રેમ અને આદર હતો. એ આદર પ્રગટ કરીને તેનું સંભારણું કાયમ માટે સાચવી રાખવાના ઈરાદાથી ગોપાળરાવે આનંદીની ચિતાની ભસ્મ (કે અસ્થિ?) અમેરિકામાં આનંદીના ખાસ મિત્ર અને યજમાન મિસિસ કાર્પેન્ટરને મોકલ્યાં હતાં. અને પોતાના કુટુંબના અંગત કબ્રસ્તાનમાં મિસિસ કાર્પેન્ટરે તેને પધરાવ્યા હતા અને ઉપર તખ્તી મૂકી હતી. અલબત્ત, એ જમાનામાં હિન્દુસ્તાનથી છેક અમેરિકા સુધી આનંદીના છેલ્લા અવશેષો ગોપાળરાવે કઈ રીતે મોકલ્યા, તે ક્યારે અમેરિકા પહોંચ્યા, વગેરે વિગતો જાણવા મળતી નથી. ફક્ત એ અવશેષો ઉપરની તખ્તી અને તેના પરનું લખાણ સચવાયાં છે. 

પણ ગોપાળરાવનું શું? આનંદીના અવસાન પછીના તેમના જીવન અંગે પ્રમાણમાં ઓછી માહિતી મળે છે. કારણ અગાઉ ગોપાળરાવનું નામ ગાજતું થયું હતું તે આનંદીનાં પતિ તરીકે. અલબત્ત, આનંદી અભ્યાસ માટે અમેરિકા જાય તે માટે ગોપાળરાવે ઘણા પ્રયત્નો કર્યા હતા, અને છેવટે તેને અમેરિકા મોકલી હતી. પણ આનંદી અને ગોપાળરાવના સ્વભાવ અને વિચારો એકમેકથી ઘણા જુદા હતા અને અમેરિકન મિત્રોએ તેની નોંધ પણ લીધી હતી. વળી ગોપાળરાવ ઘણી વાર વિચિત્ર કહી શકાય એવી હરકતો કરતા. જેમ કે અમેરિકાથી પાછા ફરતી વખતે સ્ટીમરની ટિકિટ બુક કરાવતી વખતે પોતાની જાતને આનંદીના નોકર તરીકે ઓળખાવાવી. લંડનથી મુંબઈની ટિકિટ કઢાવવા જતી વખતે શિપિંગ કંપનીના સ્ટાફ સાથે ઝગડો કરવો, વગેરે. મીરાં કોસંબીએ કરેલા સંશોધનમાં જણાવાયું છે કે ઘણી વાર ગોપાળરાવના વિચારો પરસ્પરવિરોધી રહેતા. ગોપાળરાવ સ્ત્રી શિક્ષણ અને વિધવાવિવાહના ટેકેદાર હતા. તો બીજી બાજુથી કેટલાક રૂઢ અને દૃઢ સામાજિક આચાર-વિચારને તેઓ ટેકો આપતા. જેમ કે સુધારક ગણાતા ગોપાળરાવ બાળલગ્નની પ્રથાને ટેકો આપતા! અને આનંદીના અવસાન પછી તો ગોપાલરાવની સમાજ સુધારા માટેની ધગશ ધીમે ધીમે ઘટતી ગઈ. 

તો બીજી બાજુ ગોપાળરાવે અખબારો અને સામયિકોમાં લખવાનું ચાલુ રાખ્યું હતું. તેઓ ખાસ કરીને પુણેના અંગ્રેજી અખબાર ‘મરાઠા’માં અવારનવાર લખતા. તેમાં ઘણી વાર પોતાના જીવનની વાતો પણ લખતા. આનંદી સાથેનાં લગ્ન એ ગોપાળરાવનાં બીજાં લગ્ન હતાં. અને આનંદીનું અવસાન ઘણી નાની ઉંમરે થયું. તો શું ગોપાળરાવે આનંદીના અવસાન પછી ફરી લગ્ન કરેલાં? આ સવાલનો સ્પષ્ટપણે ‘હા’ કે ‘ના’માં જવાબ આપી શકાય એવો કોઈ પુરાવો મળતો નથી. 

એક અહેવાલ પ્રમાણે આનંદીના અવસાન પછી ગોપાળરાવ ‘ધાર્મિક’ વૃત્તિના બન્યા હતા અને એક ‘અગ્નિહોત્રી’ તરીકે આખા હિન્દુસ્તાનની જાતરા કરી હતી. તો એક અહેવાલ પ્રમાણે નજીકના સગા ‘વાસુકાકા’ની મદદથી ગોપાળરાવે વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ શરૂ કરી હતી. પણ તે ઝાઝો વખત ચાલી નહોતી. પછી તેમણે મદ્રાસ જઈને ચિત્રો વેચવાની દુકાન કાઢી હતી, જે ચાલી નહિ. 

ગોપાળરાવ વિષે એક બીજી વાતનો ઉલ્લેખ પણ જોવા મળે છે. એક વખત પુણેમાં એક મિશનરી સંસ્થાની જગ્યામાં ચા-પાણી માટે તેમણે બાળ ગંગાધર ટીળક, મહાદેવ ગોવિંદ રાનડે, વાસુકાકા જોશી, વગેરેને નોતર્યા. પછી એ અંગે જાહેરમાં લેખ લખ્યો. ત્યારે કેટલાક રુઢિચુસ્ત હિંદુઓએ તેનો ઉગ્રપણે વિરોધ કર્યો હતો. છેવટ ૧૯૧૨માં ગોપાળરાવનું અવસાન થયું. પણ નથી મળતી અવસાનની તારીખ કે નથી મળતું સ્થળ. કેટલાકના કહેવા પ્રમાણે તેમનું અવસાન નાશિકમાં થયું હતું.

આનંદીબાઈનું એક જીવનચરિત્ર ૧૯૦૩માં પ્રગટ થયું હતું, અને તે લખાયું હતું બંગાળીમાં, પણ એક મરાઠીભાષીને હાથે. તેમનું નામ સખારામ ગણેશ દેઉસકર. મૂળ મરાઠીભાષી, પણ જન્મથી જ કલકત્તામાં, એટલે બંગાળીમાં લખતા. તેમનો જન્મ ૧૮૬૯ના ડિસેમ્બરની ૧૭મી તારીખે, અવસાન ૧૯૧૨ના નવેમ્બરની ૨૩મી તારીખે. મહર્ષિ અરવિંદ ઘોષ તો લખે છે કે ‘સ્વરાજ્ય’ શબ્દનો પહેલવહેલો ઉપયોગ દેઉસકરે કર્યો હતો. અને તેમણે બંગાળીમાં લખેલા જીવનચરિત્રનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો હતો ૧૯૧૨માં. અનુવાદક હતા કોટા-રાજપુતાનાના શિવપ્રસાદ દલપતરામ પંડિત. પ્રકાશન કર્યું હતું મુંબઈના સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે, જે પછીથી અમદાવાદ ખસેડાયું હતું. પહેલી આવૃત્તિની ૨,૩૦૦ નકલ છપાઈ હતી, અને કિંમત હતી કાચું પૂંઠું બે આના (આજના બાર પૈસા) અને પાકું પૂંઠું ત્રણ આના! એ જમાનામાં એક મરાઠી સ્ત્રી વિષેના બંગાળી પુસ્તકનો ગુજરાતી અનુવાદ થાય એટલું જ નહિ, તેની પહેલી આવૃત્તિની ૨,૩૦૦ નકલ છાપાય. આજે આમ થવું લગભગ અશક્ય.

અલબત્ત, આનંદી વિશેનું સૌથી જાણીતું પુસ્તક તે તો શ્રી. જ. (શ્રીકૃષ્ણ જનાર્દન) જોશીની નવલકથા ‘આનંદી ગોપાળ.’ ૧૯૬૮માં તેની પહેલી આવૃત્તિ પ્રગટ થયા પછી તે અવારનવાર ફરી છપાતી રહી છે. તેનો અંગ્રેજી અનુવાદ આશા દામલેએ કર્યો હતો. એક જમાનામાં દૂરદર્શન પર આવતી હિન્દી સીરિયલ ખૂબ લોકપ્રિય થઈ હતી. તેનું દિગ્દર્શન કમલાકર સારંગે કર્યું હતું. તો રામ જોગળેકરે કરેલું મરાઠી નાટ્ય રૂપાંતર તખ્તા પર ખૂબ જ લોકપ્રિય થયું હતું. ૨૦૧૯માં પહેલાં મરાઠી ફિલ્મ રજૂ થઈ હતી, અને પછીથી તેને જુદી જુદી ભાષાઓમાં ‘ડબ’ કરવામાં આવી હતી. આ નવલકથાનો સુવાચ્ય ગુજરાતી અનુવાદ ગોદાવરી પ્રદ્યુમ્ન દેસાઈએ કર્યો છે.  

મૂળ મરાઠી નવલકથા અંગે એક હકીકત નોંધ્યા વગર આનંદીની આ વાત પૂરી ન કરાય. અને એ વાતની એંધાણી પુસ્તકના કવરથી જ મળી જાય છે. અહીં કથાના કેન્દ્રમાં આનંદી છે, એટલે કે એક નારી છે, પણ પૂંઠા પર ગોપાળરાવનું ચિત્ર કદમાં સૌથી મોટું છે અને આનંદીનું ઘણું નાનું, અને એ પણ બીજી પાંચ-છ વ્યક્તિઓ સાથે મૂકાયું છે. નવલકથાના નામાંકન ઉપર પણ આનંદીની સાથોસાથ ગોપાળરાવનો સ્કેચ મૂક્યો છે. અને વાત આટલેથી અટકતી નથી. આખી નવલકથામાં આનંદીની સિદ્ધિ માટે જેટલું શ્રેય તેને પોતાને અપાયું છે તેના કરતાં વધુ ગોપાલરાવને અપાયું છે. એટલે કે પુસ્તકના બાહ્ય તેમ જ અંતરંગ પર પિતૃસત્તાનો પૂરેપૂરો પ્રભાવ રહ્યો છે. એ જોઈને ખેવના દેસાઈના એક કાવ્યની આ પંક્તિઓ યાદ આવે :

બાજી એની, મહોરાં એનાં, તારી કેવળ ચાલ,

હેઠા મૂકી હાથ, શોધીએ હથેળીઓમાં કાલ.

ઇતિ આનંદી પુરાણમ્ સમાપ્તમ્

e.mail : deepakbmehta@gmail.com 

XXX XXX XXX             

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 24 ઓક્ટોબર 2026

Loading

25 October 2026 Vipool Kalyani
← ટોળાની શૂન્યતા – ગઝલાવલોકન
બેટા, હવે થઈ શકે એટલાં પાપ કર, કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે અમે છીએને!  →

Search by

Opinion

  • બેટા, હવે થઈ શકે એટલાં પાપ કર, કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે અમે છીએને! 
  • ટોળાની શૂન્યતા – ગઝલાવલોકન
  • નમૂનાઓ નપાસ કે તપાસ …?
  • શું રાજ્યપાલનું પદ અપ્રસ્તુત થઈ ગયું છે?
  • દશેરા સંબોધન 

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • वे हर स्तर पर मनुष्य को आजाद देखना चाहते थे 
  • નિરાધાર, દીન, હીન, સર્વને સમાવતો ગાંધી-સમાજવાદ 
  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved