2,700ની દવાની MRP 27,000 વસૂલાતી હોવાની સુપ્રીમે 29 સપ્ટેમ્બરે જ તીખી ટિપ્પણી કરેલી ને આ મામલે સરકારનું ઘ્યાન દોર્યું હતું, પણ સરકાર અત્યારે પોતાનાંમાં જ વ્યસ્ત છે એટલે સુપ્રીમની ટકોર, ‘કોર’ ન કાઢે એમ બને. દવા કંપનીઓ એટલી જાડી ચામડીની છે કે તેને સ્થૂળતાની કોઈ દવા કામ લાગે એમ નથી. એક તરફ માણસ જાતે સતત વધતા ભાવોને પહોંચી વળવાનું હોય ને બીજી તરફ 2,700ના 27,000 ચૂકવવા પડે, તો સવાલ થાય કે સામાન્ય માણસે જીવવાનું ખરું કે કેમ? કેન્સરની દવાનો આટલો ભાવ ચૂકવતા તો દર્દીનાં સગાંઓ વગર કેન્સરે ગુજરી જાય એમ બને. 6,500ની દવાના 65,00૦ વસૂલાતા હોવાની વાત પણ છે. આઘાત તો એ વાતે લાગે છે કે જીવન રક્ષક દવાઓની કિંમત જીવન ભક્ષક બની ગઈ છે. દવા કંપનીઓને અનેક ગણી કિંમત વસૂલવાની છૂટ અંગે સરકારને ખબર ન હોય તો એનાં ભોળપણની દયા ખાવાની રહે ને ધારો કે ખબર હોય તો સરકારને એનો શો લાભ છે એની સ્પષ્ટતા થવી ઘટે. દવાની મહત્તમ કિંમત 27,000 જ છપાય તો 2,700 કોણ વસૂલે? એ તો 27,000 જ લૂંટશે કે બીજું કંઇ? દવા રિટેલરને જે કિંમતે મળે છે તેનાથી અનેક ગણો ભાવ દર્દીઓ પાસેથી વસૂલવો બધી રીતે અન્યાયી છે.
એમ લાગે છે કે સરકારના મેળાપીપણામાં આ ખેલ ચાલતો હોય, એટલે જ સુપ્રીમે સરકારને સોંસરું પૂછ્યું છે કે વધારાની વસૂલાતી રકમ કોને મળે છે? જો કે, સરકારનું કહેવું હતું કે વધારાનો નફો ફાર્મા કંપનીઓ નહીં, પણ ખાનગી હોસ્પિટલોને જ મળતો હોય છે. એ સાચું હોય તો પણ ફાર્મા કંપનીઓ દવાની વધારાની કિંમત તો છાપે જ છે. કિંમત જ ઓછી છપાય તો હોસ્પિટલ વધારે રકમ વસૂલી જ કઈ રીતે શકે? એટલે જ સુપ્રીમ કોર્ટે દવાઓ પર 16 ટકા માર્જિન રાખવાની વાત સરકારને કરી છે, પણ એ મામલે પણ સરકાર સળવળતી નથી.
સુપ્રીમ કોર્ટ, દવાઓની કિંમતમાં પારદર્શિતા જળવાય ને દવાઓનો ભાવ દર્દીઓને પોસાય તેવો રાખવાની હિમાયત કરે છે. દવા પાછળ ખર્ચ કરવા કુટુંબ એટલું લાચાર હોય છે કે જરૂર પડે તો તે ઘરબાર, દરદાગીના સુદ્ધાં વેચે છે કે ગિરવે મૂકે છે. એ સ્થિતિમાં દવાના અનેકગણા ભાવ ચૂકવવાનું કુટુંબને જીવ પર આવે છે. એમાં ગમ્મત તો વાહિયાત કાયદાથી એ થાય છે કે છાપેલી કિંમત કરતાં કોઈ પણ વધારે રકમ વસૂલવી ગેરકાનૂની છે, તે હોય જ ને ! 2,700ના જ 27,000 મળતા હોય તો એથી વધારે વસૂલવાનું ગેરકાનૂની જ ગણાય ને ! ખરેખર તો 2,700ના 27,000 લૂંટવા એ જ ગેરકાયદેસર છે.
29 સપ્ટેમ્બરની ટકોર પછી સુપ્રીમે ફરી એકવાર સરકાર પર લાલ આંખ કરી છે. એક જ મહિનામાં સુપ્રીમે દવાઓમાં ચાલતી લૂંટ સંદર્ભે બીજી વાર કહેવું પડે એ જ સૂચવે છે કે સરકાર આ મામલે કેટલી ગંભીર છે ! સુપ્રીમે મંગળવારે દવાઓની કિંમતોમાં ભારે તફાવતને લઈને સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમનો સોંસરો સવાલ એ હતો કે દવાઓ રિટેલર્સને ઓછી કિંમતે મળતી હોય તો તેની MRP આટલી ઊંચી કેમ રખાય છે? જસ્ટિસ વિક્ર્મનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે એવી ટિપ્પણી કરી હતી કે અહીં દર્દીઓને બદલે દવા કંપનીઓનું હિત સધાય છે. હોસ્પિટલો પણ દવાના ભાવોમાં લૂંટ ચલાવીને પોતાનો ધંધો કરે એ શરમજનક છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી(NPPA)ની કામગીરી સામે પણ શંકા કરતાં કહ્યું કે આ સંસ્થા સપૂર્ણપણે નિષ્ક્રિય જણાઈ રહી છે. આવું હોય તો દવાઓની કિંમત નિયંત્રિત રહે એ શક્ય જ કેટલું છે? કેન્દ્ર તરફથી એડિશનલ જનરલ ઐશ્વર્યા ભાટીએ દલીલ કરતાં કહ્યું હતું કે ભારતમાં અન્ય દેશોની તુલનાએ દવાઓ સસ્તી છે. 27,000ની કિંમતે વેચાતી કેન્સરની દવા જો સરકારને સસ્તી લાગતી હોય તો એનો અર્થ એ થાય કે ભારતનો ગરીબમાં ગરીબ દર્દી પણ એ ‘સસ્તી’ દવા ખરીદવા સક્ષમ છે. તેની પાસે એટલી રકમ છે કે તે કોઈ પણ મોંઘી દવા ખરીદી શકે.
જે દેશમાં 81.5 કરોડ લોકોને અનાજ મફત આપવું પડતું હોય તો એ ગરીબ એટલો સક્ષમ કઈ રીતે હોય કે 2,700ની દવા 27,000માં ખરીદી શકે? કોર્ટે ભાટીની દલીલને તોડતાં સ્પષ્ટ કહ્યું કે ભારતમાં અન્ય દેશોની તુલનાએ દવા સસ્તી હોય, તો પણ દેશમાં માથા દીઠ આવક ઓછી છે, એટલે 2,700ની કિંમત જ મોંઘી પડતી હોય, ત્યાં 27,000ની દવા ખરીદવાનું ગરીબને અશક્યવત છે. જસ્ટિસ મહેતાએ સ્પષ્ટ કર્યું કે દર્દીઓનાં હિતોની સરખામણી વેપાર સાથે ન કરવી જોઈએ. સુનાવણી દરમિયાન સુપ્રીમે કેન્સરની દવાઓ પર નફાની મર્યાદા નક્કી કરવામાં થયેલ વિલંબ અંગે સરકારને સવાલ પૂછતા નોંધ્યું હતું કે વારંવાર પૂછવા છતાં કિમતમાં રહેલ મોટા તફાવતનું કારણ સરકાર હજી સુધી આપી શકી નથી. સુપ્રીમે એ વાત પણ નોંધી હતી કે આખી સિસ્ટમ દવાની કંપનીઓને મલાઈ ખવડાવી રહી છે. સુપ્રીમે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
પ્રાઇવેટ હોસ્પિટલો તરફથી સિનિયર વકીલ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા. તેમણે દલીલ કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલોએ ચોવીસે કલાક હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવું પડે છે અને નકલી દવાઓનાં જોખમને કારણે બહારથી દવા લાવવાની છૂટ આપી શકાતી નથી. આ સદંતર વાહિયાત દલીલ છે. હોસ્પિટલે ચોવીસે કલાક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાળવવું પડે છે તે ખરું, પણ તે જાળવીને તે કોઈ પર ઉપકાર નથી કરતી. એ બધાં માટે ખાનગી હોસ્પિટલો ચામડાં ફાડી નાખે એવી ફી અનેક બહાને વસૂલ કરે જ છે. ખાનગી હોસ્પિટલો નફા સિવાય બીજું કશું વિચારતી નથી. તે ધારે તો દવાઓ સસ્તી વેચી જ શકે છે, પણ તેવું થતું નથી. MRP કરતાં સસ્તા ભાવે દવા વેચી જ ન શકાય એવો કોઈ નિયમ નથી. ખાનગી હોસ્પિટલો MRP કરતાં ઓછાભાવે દવાઓ વેચી જ શકે છે. MRPનો અર્થ એટલો જ કે તેનાથી વધુ રકમ વસૂલી ન શકાય, પણ તેથી ઓછા ભાવે વેચવાની બંધી નથી.
બીજી વાહિયાત દલીલ એવી પણ થઈ છે કે નકલી દવાઓ હોસ્પિટલમાં આવી જવાના ભયે બહારથી દવા લાવવાનું કહી શકાતું નથી. હસવું આવે એવી વાત એ છે કે બહારની દવા નકલી હોય તો હોસ્પિટલની અંદરની દવાઓ નકલી નથી એની શી ગેરંટી છે. કેમ એ દવાઓ હોસ્પિટલ જાતે બનાવે છે? એ ન બનાવતી હોય તો બહારથી અંદર આવતી દવા નકલી નથી એવું કઈ રીતે કહેવાય? ધારો કે એ દવાઓ કંપનીમાંથી સીધી ખરીદીને હોસ્પિટલમાં વેચાતી હોય તો પણ કંપની નકલી દવા બનાવતી જ નથી એવું કઈ રીતે કહેવાય? એટલે જ સુપ્રીમે દલીલોને દવાઓ પર ભારે નફો વસૂલવા માટેનો પૂરતો આધાર માન્યો ન હતો.
રોહતગી પણ ખાનગી હોસ્પિટલના વકીલ છે, તો એ હોસ્પિટલનો બચાવ કરે તેમાં નવાઈ નથી. પણ દર્દીને થઈ રહેલા અન્યાય અંગે તેમણે કંઇ કહેવાનું નથી તે આઘાતજંક છે. બેન્ચે તે મામલે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ખાનગી હોસ્પિટલો દરેક સેવા અંગે ફી વસૂલે છે, તો દર્દીઓને મોંઘી દવા વેચવાનું તે એક કારણ છે એ સ્વીકારી ના શકાય. જે દવાઓની કિંમત 10-20 રૂપિયા પણ નથી, તેની કિંમત 100થી 200 ગણી વધારીને વેચવાનું હોસ્પિટલોને કોઈ કારણ મળી જતું નથી. આમ તો આમાં સરકારની ઘોર ઉદાસીનતા જ જવાબદાર છે. સરકારને એ સવાલ થતો જ નથી કે આટલું માર્જિન અને નફો કેમ વસૂલવામાં આવે છે? ટૂંકમાં, 100થી 200 ગણી રકમ વસૂલવાનું કોઈ પણ રીતે ઉચિત નથી તે કહેવાની જરૂર નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ઑક્ટોબર 2026
![]()

