પ્રૉફૅસર યુવલ નોઆ હરારીની વૅબસાઇટ ynharari.com પર એમની ઓળખાણ ઇતિહાસકાર, તત્ત્વચિંતક અને સૅપયન્સ: અ બ્રીફ હિસ્ટરી ઑફ મૅનકાઇન્ડ, હોમો ડૅઓસ: અ બ્રીફ હિસ્ટરી ઑફ ટુમૉરૉ, ૨૧ લૅસન્સ ફૉર ધ ટવૅન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી અને સૅપયન્સ: અ ગ્રાફિક હિસ્ટરીના પ્રખ્યાત લેખક તરીકે આપવામાં આવી છે. ૬૦ ભાષાઓમાં એમનાં પુસ્તકોની ૨૭.૫ મિલિયન નકલો વેચાઈ ચૂકી છે. એમની ગણના વિશ્વના જાહેરજીવનના સૌથી પ્રભાવશાળી બુદ્ધિજીવીઓમાં થાય છે. ૧૯૭૬માં હાઇફા, ઇઝરાયેલમાં જન્મેલા હરારીએ ૨૦૨૦માં યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી છે અને હાલ હિબ્રૂ યુનિવર્સિટી ઑફ જેરૂસલેમમાં ઇતિહાસ વિભાગમાં અધ્યાપક છે.
નીચે રજૂ કરેલી હિબ્રૂ યુનિવર્સિટી ખાતે, મહિના પહેલાંની, ખૂબ પ્રસ્તુત મુલાકાતમાં મૌલિક અને વિશ્લેષણાત્મક ચિંતન માટે જગવિખ્યાત પ્રૉફૅસર હરારીનું ઇઝરાયેલ તથા આખા વિશ્વમાં પ્રવર્તમાન મહામારીથી સર્જાયેલી સમસ્યાઓ, ‘ન્યુ નોર્મલ’ કહેવાતા પરિવર્તનો, એનાં ફાયદા-ગેરફાયદા, ઑનલાઇન શિક્ષણ, શિક્ષકો-વિદ્યાર્થીઓ સામેનાં જોખમો, જૉબ માર્કેટના સંકટે, કમ્પ્યુટર ટૅકનૉલૉજીના યુગમાં નીતિશાસ્ત્રના શિક્ષણની આવશ્યક્તા, ભવિષ્યમાં આર્ટિફિશ્યલ ઇન્ટૅલિજન્સ વગેરેથી ઊભી થવાની મુશ્કેલીઓ, આવનારા સમયના હજુ મોટાં સંકટો, લોકશાહી અને નાગરિક્તાના પ્રશ્નો અને આ બધાંને પહોંચી વળવા જરૂરી પગલાં અંગેનું ગાઢ, આંખ ઉઘાડનારું, સમગ્રલક્ષી ને ખૂબ ઝીણવટભર્યું ચિંતન એક સાથે હચમચાવી નાખનારું અને આશા જગાવનારું છે.
હિબ્રૂ યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના પ્રૉફેસર યુવલ નોઆ હરારી સાથે પત્રકાર રોમી નોઇમાર્કની અંગ્રેજીમાં મુલાકાત :
— રૂપાલી બર્ક
નોઇમાર્ક : પ્રૉફેસર યુવલ નોઆ હરારી, તૅલ અવીવમાં તમારી સુંદર ઑફિસમાં ઇન્ટરવ્યૂ આપવા માટે સંમત થયા તે બદલ આપનો આભાર.
હરારી : આભાર. તમને અહીં આવકારતાં આનંદ અનુભવું છું. અન્યોનો પણ આ મુલાકાતમાં પરસ્પર આવકાર છે.
નોઈમાર્ક : આ તમારું શૈક્ષણિક ઘર છે, આમ તો જેરૂસલમમાં. આ મહામારી, કોવિડ-૧૯, વૈશ્વિક મહામારીના સમયમાં, તમને લાગે છે કે કામકાજ બદલાઈ રહ્યું છે, જે રીતે આપણે વિચારીએ છીએ, તમે જે પ્રૉજૅક્ટ વિકસાવ્યો છે?
હરારી : હિબ્રૂ યુનિવર્સિટીમાં હું વિદ્યાર્થી તરીકે આવેલો ૧૯૯૩માં ને ત્યાર બાદ વ્યાખ્યાતા તરીકે એટલે હિબ્રૂ યુનિવર્સિટી મારું ઘર રહ્યું છે, મારા જીવનનાં મોટા ભાગનાં વર્ષો માટે. આ ઘર લગભગ એવું ને એવું જ રહ્યું છે. આખું વિશ્વ બદલાઈ રહ્યું હતું પરંતુ આ ઘર સ્થાયી અને એવું જ રહ્યું. ૨૦૧૯માં હું એ જ વર્ગમાં ભણાવવા આવ્યો જ્યાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી તરીકે ભણેલો. ૧૯૯૩માં બધું હતું એવું જ ૨૦૧૯માં હતું, સારા સંદર્ભમાં કહું છું, ખરાબ સંદર્ભમાં નહીં. જીવનમાં અમુક વસ્તુઓ સ્થાયી, હૂંફાળી ને આવકારદાયક હોય છે. ને થોડાંક જ અઠવાડિયામાં બધું સંપૂર્ણપણે ડામાડોળ થઈ ગયું. નવી ટર્મ શરૂ થવાની હતી. હું ત્રણ કોર્સ ભણાવવાનો હતો. માર્ચ ૨૦૨૦માં શરૂઆત કરવાની હતી ત્યાં તો એક કે બે અઠવાડિયામાં બધું ઑનલાઇન થઈ ગયું. હા, મારે બધું પુન:નિર્મિત કરવું પડ્યું. ઓનલાઈન શિક્ષણમાં વર્ગના વાતાવરણનો તાગ મેળવવો ઘણો અઘરો પડે છે. હું જ્યારે કંઈક સમજાવું છું ત્યારે કહી નથી શકતો કે વિદ્યાર્થીઓને સમજણ પડી છે કે નહીં, મારા ભણાવવામાં ધ્યાન આપી રહ્યાં છે કે નહીં. હું જોક કહું ત્યારે પણ કહી નથી શકાતું કે એ હસ્યાં કે મરક્યાં. તેથી વર્ગના અંતે હું શારીરિક ધોરણે પણ થાક અનુભવું છું કારણ કે મારે ખૂબ સજાગ રહીને નાના ચિહ્નો દ્વારા વિદ્યાર્થીઓનો, વર્ગનો શો હાલ છે એની ભાળ મેળવતા રહેવું પડે છે. મારાં બીજાં કાર્યોને પણ આ લાગુ પડે છે, જેવાં કે જાહેર કાર્યક્રમો, ઇનટરવ્યુ. કોવિડ-૧૯ પહેલાં, દા.ત. હું કોઈ અમૅરિકન ટી.વી. માટે કે ચીનમાં કોઈ કાર્યક્રમ હોય તો બધાંની માંગણી હતી કે મારે રૂબરૂ હાજર રહેવું, એટલે વિમાન, ઍરપોર્ટ, હોટેલ, બધું હોતું. આ બધું ઘરેથી થઈ શકે એ અકલ્પનીય હતું — સ્ક્રીન પર, ઑનલાઇન માધ્યમથી. હવે આ શક્ય બની ગયું છે. એટલે ફાયદા છે ને ગેરફાયદા પણ છે.
નોઇમાર્ક : તમે જે પ્રૉજૅક્ટ વિકસાવી રહ્યા છો એની પર અસર પડશે કે કેમ? તમારી વિચારવાની કે તૈયારીની રીત, જેરૂસલમમાં આવતા સૅમૅસ્ટરમાં ભણાવવાની વાત દા.ત. લઈએ તો?
હરારી : હા, વર્ગમાં ભણાવું છું એ અંગે પુન:વિચાર કરવો જ પડશે મારે. થોડા સમય પહેલાં મેં ત્રણ વર્ગમાં ભણાવ્યું એમાં પરિવર્તન તો આવી જ ગયેલું. વર્ગનું આયોજન કરવાની રીત માટે મારે ફેરવિચારણા કરવી પડેલી. આ સાથે સામગ્રીમાં પણ પરિવર્તન લાવવું પડેલું કારણ કે નવું માધ્યમ હતું. એવું નથી કે બધું ખરાબ છે. દા.ત. બટનની એક જ ક્લીકથી વર્ગને નાના નાના ચર્ચાના જૂથોમાં વહેંચી શકાય છે. આ કમાલનું ઓજાર છે. હું પ્રશ્ન કરું ને બટન દબાવું કે તરત જ આપમેળે જ વિદ્યાર્થીઓ નાનાં જૂથોમાં પોતાને પામે છે, ૫-૬ વિદ્યાર્થીઓનાં જૂથમાં ચર્ચા કરવા. બધાં બોલતાં હોય ને હું એમની વચ્ચે ફરી શકું. સામાન્ય રીતે વર્ગ ચાલતો હોય એના કરતાં આનાથી એમને અને મને એક પ્રકારનો વિરામ મળી રહે છે. વધુમાં, આ વ્યવસ્થામાં બધાંને બોલવાનો મોકો મળી રહે છે, અમુક શાંત વિદ્યાર્થીઓ હોય છે ને, જે સામાન્ય ઢબે ચાલતા વર્ગમાં એક પણ શબ્દ બોલતા નથી હોતા, પરંતુ આ નાનાં નાનાં જૂથોમાં બધાં બોલવા લાગે છે. આ બાબત એવી છે જે ટૅકનૉલૉજીએ સહેલી બનાવી આપી છે કારણ કે ભૌતિક વર્ગમાં મારે આમ કરવું હોય તો કોણ કયા જૂથમાં જશે એ નક્કી કરવામાં સમય પણ બહુ જાય અને એટલી જગ્યા પણ ના થાય, ભૌતિક દૃષ્ટિએ વર્ગ એટલો મોટો હોય જ નહીં.
નોઈમાર્ક : પરંતુ બીજી તરફ, ડિસ્ટન્સ ઍજ્યુકેશનથી સામાજિક અંતર વધવાની પણ શક્યતા છે, ટૅકનૉલૉજીકલ સામગ્રીની આવશ્યક્તાના સંદર્ભમાં. ભાવિ શિક્ષણને અથવા ભાવિ યુનિવર્સિટીને આવનાર દસકામાં તમે કઈ રીતે જુઓ છો?
હરારી : હું કહી શક્તો નથી. આપણે જે નિર્ણયો કરીશું એના પર આધાર રહેશે. ટૅકનૉલોજી નિર્ણાયક હોતી નથી. તમે એક જ પ્રકારની ટૅકનૉલૉજીથી ભિન્ન પ્રકારનાં શૈક્ષણિક માળખાં તૈયાર કરી શકો છો. ઘણી બધી પસંદગી કરવાની હોય છે. ઑનલાઇન ટિચીંગ અંગે વર્ષોથી ચર્ચાઓ થતી આવી છે પરંતુ વાસ્તવમાં નહીંવત્ થતું હતું, ને એકાએક અમુક જ અઠવાડિયામાં યુનિવર્સિટીની કાર્યશૈલીમાં જબરદસ્ત બદલાવ આવી ગયો. આનો શો અર્થ કરી શકાય?
નોઇમાર્ક : આનાથી કયા જોખમો ઊભા થઈ શકે છે?
હરારી : ઘણાં જોખમો, વિદ્યાર્થીઓના અનુભવોથી લઈને … દા.ત. હું નવા વિદ્યાર્થીનો વિચાર કરું છું, પ્રથમ સૅમૅસ્ટરના વિદ્યાર્થીની વાત કરીએ, હમણાં જ યુનિવર્સિટીમાં પગ મુક્યો છે — યુનિવર્સિટીનો એનો આખો અનુભવ, અન્ય વિદ્યાર્થીઓને મળવાનો, વર્ગ પત્યા બાદ કાફૅટૅરિયામાં બેસીને જીવંત ચર્ચાઓ કરવાનો. ઘણાં કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગ પત્યા બાદ સૌથી અગત્યની ચર્ચાઓ કાફૅટૅરિયામાં થતી હોય છે, વર્ગમાં નહીં. હવે આ વ્યવસ્થા એમને કેવી રીતે પૂરી પાડી શકાય? ઝૂમ ઉપર આ થઈ જ ના શકે. આ એક બહુ મોટો સવાલ છે. આથી, એ ખ્યાલ આવે છે કે યુનિવર્સિટીને માત્ર ભણતર સાથે જ લેવાદેવા નથી, સામાજિક અનુબંધ સાથે પણ છે. આ બહુ જ અગત્યનું છે. આ સાથે આર્થિક અને માળખાંકીય પ્રશ્નો પણ છે. દા.ત. જ્યારે બધું ઑનલાઈન હોય ને બધું રૅકૉર્ડ કરવામાં આવતું હોય, એની બહુ મોટી અસર વ્યાખ્યાતાઓના દરજ્જા પર પડી શકે છે. એક જ વાર વ્યાખ્યાનને રૅકૉર્ડ કરીને વ્યાખ્યાતાને, ખાસ કરીને હંગામી ધોરણે નિમાયેલાં, નોકરીમાંથી છૂટા કરતા અને રૅકૉર્ડીંગને વારંવાર વાપરતાં યુનિવર્સિટીને કોણ રોકી શકે? ચીની તત્ત્વજ્ઞાનનો સૅમિનાર હોય તો અઘરું પડે પરંતુ વિષયની પ્રાથમિક માહિતી આપવાની હોય તો રૅકૉર્ડીંગથી કામ ચાલી જાય. આવા સંજોગોમાં સ્ટાફના દરજ્જાનું કે સામાજિક સુરક્ષાનું શું થાય? બીજી વાત, જો બઘું ઑનલાઇન થઈ જાય તો સ્ટાફ ઇઝરાયેલમાંથી પણ નિમવાની જરૂર ના રહે. દા.ત. કમ્પ્યુટર સાયન્સનો કોઈ કોર્સ ૧૦૦ વિદ્યાર્થીઓને ઝૂમ દ્વારા ભણાવવાનો હોય તો પ્રૉફૅસર જેરૂસલમમાં કે ઍલાટમાં શું કામ હોવા જોઈએ?
નોઇમાર્ક : તો મારે પણ જેરૂસલમ કોર્સમાં શા માટે જોડાવું પડે?
હરારી : હા. પ્રૉફૅસર બૅંગ્લૉરમાં કે અન્ય સ્થળે હોય અને ઇઝરાયેલમાં ચુકવવા પડે એના ૧૦% જ એંને ચુકવવા પડે. કોઈ સામાજિક લાભ નહીં. બહુ ઊંડો વિચાર માગી લે તેવી આ બાબત છે, ખાસ કરીને શૈક્ષણિક જૉબ માર્કૅટનાં પરિવર્તન પામતાં માળખાંનાં અને યુનિવર્સિટી માટે એના પરિણામો.
નોઇમાર્ક : માળખાંમાં થઈ રહેલાં પરિવર્તનને પહોંચી વળવા અને ભવિષ્યમાં ઉમદા રીતે કાર્ય કરવા માટે કઇ નિપુણતા કેળવવાની જરૂર પડશે? આપણે વિદ્યાર્થીઓની વાત કરી, એ લોકો જીવનના તમામ પાસાઓમાં મોટા વૈશ્વિક પરિવર્તનોનો સામનો કરી રહ્યા છે.
હરારી : ૨૦ કે ૩૦ વર્ષોમાં વિશ્વ અને જૉબ માર્કૅટનું સ્વરૂપ કેવું હશે એનો કોઇને કંઇ ખ્યાલ નથી. આ પરિસ્થિતિ ન ભૂતો ન ભવિષ્યતિ છે. ઇતિહાસના કોઈ પણ તબક્કે આપણે આવી પરિસ્થિતિમાં નહોતા કે જ્યાં કોઈને, તજ્જ્ઞોને પણ, ખ્યાલ ના હોય કે જૉબ માર્કૅટનું સ્વરૂપ આવનાર ૨૦ વર્ષોમાં કેવું હશે, કેવા પ્રકારની નોકરીઓ ઉપલબ્ધ હશે અને કયા પ્રકારની નિપુણતા આવશ્યક હશે. નોકરીઓ ઉપલબ્ધ હશે, હું નથી માનતો કે ઑટોમેશન અને એ.આઈ. (આર્ટિફિશ્યલ ઇન્ટૅલિજન્સ) બધી નોકરીઓનો નાશ કરી શકશે, પરંતુ ઘણી બધી નોકરીઓ જોખમાશે. સાથે જ નવી નોકરીઓ ઊભી થશે, વ્યવસાયોમાં પરિવર્તનો સર્જાશે. વાત એ છે કે આપણે ચોક્કસપણે ભવિષ્યવાણી નથી કરી શકતા કે પરિવર્તનો કયા પ્રકારનાં હશે, એટલે લોકોને કેવા પ્રકારની નિપુણતા કેળવવાની જરૂર પડશે એ પણ કહી શકાતું નથી. જે એક બાબતની ખાતરી છે એ આ કે જૉબ માર્કૅટ અત્યંત અસ્થિર હશે. આપણે એકવારની ક્રાંતિની વાત નથી કરી રહ્યાં. એવું નથી કે ૨૦૨૫માં મોટી ઑટૉમેશન ક્રાંતિ સર્જાય ને થોકબંધ નોકરીઓ ગાયબ થઈ જાય, થોકબંધ નવી નોકરીઓ ઊભી થાય, થોડાંક કષ્ટદાયક વર્ષો વીતે ને પછી બધું થાળે પડી જાય ને ન્યુ નોર્મલ બની જાય. એવું એટલા માટે નથી બનવાનું કે એ.આઈ. ક્રાંતિની હજુ શરૂઆત જ થઈ રહી છે, હજુ આપણે કાંઈ જોયું નથી. આપણે એક લાંબી ચાલનારી ક્રાંતિકારી પ્રક્રિયામાં પ્રવેશ્યાં છીએ, જે હજુ વધુ મોટી ઊથલપાથલ સર્જશે. ૨૦૨૫ સુધીમાં મોટી એ.આઈ. ક્રાંતિ સર્જાશે પરંતુ એથી ય મોટી ક્રાંતિ ૨૦૩૫માં અને એથી ય મોટી ક્રાંતિ ૨૦૪૫માં જોવા મળશે. માટે લોકોએ પોતાને પુન:તાલીમ આપવી પડશે, પુન: નિર્માણ અનેકવાર કરતા જ રહેવાની જરૂર ઊભી થશે. એ ખ્યાલ કે યુવાન વ્યક્તિ, પછી તે સ્કૂલનો હોય કે યુનિવર્સિટીનો હોય, એ કોઈ વ્યવસાય શીખે, કોઈ નિપુણતા મેળવે ને જીવન પર્યન્ત એને વાપરે, આ હવે નહીં ચાલે, આ પુરાણું થઈ ગયું છે. હા, જીવન પર્યન્ત શીખતા રહેવાની અને અનુભવ મેળવવાની જરૂર તો લોકોને હંમેશાં પડતી જ રહી છે, પરંતુ અહીં જે વાત છે એ ખરેખર પાયાના પરિવર્તનની વાત છે. લોકોએ સતત પોતાનું પુન:નિર્માણ કરતા રહેવું પડશે. દર દસેક વર્ષે લોકોને એમના વ્યવસાયનું એકડે-એકથી પુન:શિક્ષણ લેવાની જરૂર પડશે કારણ કે જૂનો વ્યવસાય ગાયબ થઈ ગયો હશે ને તમારે પ્રયત્ન ચાલુ રાખવાનો છે પણ કશા બીજામાં. આનો અર્થ એ કે યુનિવર્સિટી કે જે પણ શૈક્ષણિક સંસ્થા હોય એણે જીવનપર્યન્તના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જે નિપુણતા તમે લોકોને આપો છો એમાં શીખતા રહેવાની, પરિવર્તન પામતા રહેવાની અને પોતાનું પુન:નિર્માણ કરતા રહેવાની ક્ષમતાનો સમાવેશ હોવો જોઈશે. અહીં ભાર ટૅકનિકલ નિપુણતા પર નથી, કારણ કે ટૅકનિકલ નિપુણતા તો આવતી-જતી રહેશે, પરંતુ ભાર ઊંડા, મનોવૈજ્ઞાનિક સ્તર પર છે — ક્ષમતાઓ પર. જીવનપર્યન્ત માનસિક પરિવર્તનક્ષમતા જાળવી રાખવાની.
નોઇમાર્ક : ટૅકનૉલૉજીના આક્રમણ સામેનું ઍન્ટીબૉડી કહો, જાણે.
હરારી : બિલકુલ, જુઓ, તમે ૨૦ વર્ષના હોવ ત્યારે તમારું કામ છે તમારી જાતનું નિર્માણ કરવાનું, તમે ગમે તે હોવ, ને એ અઘરું કામ છે, તમે ૨૦ વર્ષના હોવ તો પણ. પરંતુ વિચારો કે તમે ૩૦ના થાવ, ૪૦ના થાવ ને ૫૦ના થાવ ત્યારે પણ ફરી ને ફરી તમારે એ જ કરતા રહેવાનું આવે તો? મનુષ્યોની જીવન આવરદા વધી રહી છે, તેથી પૅન્શનની ઉંમર પણ વધી શકે છે એટલે આપણે આપણા વિદ્યાર્થીઓ વિશે વિચારવું પડશે, સામાન્યપણે યુવાન લોકો જે સખત મનોવૈજ્ઞાનિક દબાણ નો સામનો કરી રહ્યા છે. બન્ને, ભવિષ્ય તદ્દન અજાણ્યું છે, ભૂતકાળની પેઢીની વાત જુદી હતી, એ લોકો એમના વડીલોને, માતા-પિતાને, દાદા-દાદીને કે શિક્ષકોને પૂછી નહોતા શકતાં કે હું ૫૦નો/ની થઈશ ત્યારે દુનિયા કેવી હશે, કારણ કે કોઈને ખ્યાલ જ ના હોય કે દુનિયા કેવી હશે. અમે તમને એટલું જ કહી શકીએ છીએ કે સતત પરિવર્તન અને પુન:નિર્માણ કરતા રહેવાના સખત દબાણ નીચે તમારે રહેવું પડશે. એ દિવાસ્વપ્નમાં રાચવું કે હવે કંઈ કરવાનું રહેતું નથી સિવાય કે આરામ ફરમાવવાનો, બધું જ મેળવી લીધું છે એ દૌર પૂરો થઈ ગયો છે. આ બાબત બિહામણી છે. આ તમામ વ્યવસાયો ને લાગે વળગે છે. તમે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવાના હોવ કે કમ્પ્યુટર સાયન્સનો, તમારે આ પ્રકારની મનોવૈજ્ઞાનિક પરિવર્તનક્ષમતા અને સ્થિતિસ્થાપક્તાની જરૂર પડવાની, આ પ્રિમિયમ સાબિત થશે. વળી, એવું પણ બની શકે કે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનારા જૉબ માર્કૅટના સંદર્ભમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરનારા કરતાં ફાવી જાય કારણ કે કોડીંગ સહેલું છે, એ.આઈ. પણ એ કરી શકવા સક્ષમ છે. પરંતુ ગુગલને મોટી સંખ્યામાં તત્ત્વજ્ઞાનીઓની જરૂર પડશે, આપણે એ જોઈ જ રહ્યા છીએ, નૈતિક સવાલો, જે સૈદ્ધાંતિક સવાલો પર હજારો વર્ષો પૂર્વે તત્ત્વજ્ઞાનીઓ અનંત ચર્ચા કરતા જ રહેતા પરંતુ એ વ્યવહારમાં મુકાતા નહોતા. એકાએક આ સવાલો વ્યવહારિક ઍન્જિન્યરીંગના સવાલો બની રહ્યા છે, દા.ત. સવાલ મુક્ત મરજીનો અને સ્વચલિત વાહનો. હવે રસ્તા પર સ્વચલિત વાહન દોડાવવા માટે એવાં વાહનોને નૈતિક નિર્ણયો લેવાની જરૂર પડશે એ બહુ જ દેખીતી વાત છે …
નોઇમાર્ક : ઍલ્ગૉરિદમ [algorithm] કૉડ કરવો પડે —
હરારી : હા, બધાં કૉર્પોરેશનોને આવા વાહનોનું ઉત્પાદન કરતી વખતે કોડીંગ કરવા માટે તત્ત્વજ્ઞાનીઓની જરૂર પડશે, નહીં કે માત્ર કોડરોની.
નોઇમાર્ક : હવે રાજનૈતિક મુદ્દાઓ પર વાત કરીએ. સ્પ્રીંગમાં તમે લખ્યું કે લોકશાહી ને નાગરિક્તા માટે કોવિડ-૧૯ની મહામારી અંતિમ કસોટી છે. શું આપણે એવું કહી શકીએ કે અહીં ઇઝરાયેલમાં આપણે આ કસોટીમાં નાપાસ થયાં છીએ?
હરારી : ઇઝરાયેલમાં મને નથી લાગતું કે આ કસોટીમાં બહુ ઊંચાં માર્ક મળે. જુઓ, લોકશાહીનું મુખ્ય ઈંધણ વિશ્વાસ છે. લોકો અને સરકાર વચ્ચેનો વિશ્વાસ — બન્ને તરફનો, લોકો પર સરકારનો વિશ્વાસ અને સરકાર ને સત્તાધીશો પર લોકોનો વિશ્વાસ. સરમુખત્યારી સીમિત વિશ્વાસ પર ચાલે છે, કબૂલ. પરંતુ લોકશાહી માટે વિશ્વાસ આવશ્યક છે અને એ આપણી પાસે નથી, આપણે એ મહદ્દ અંશે ગુમાવી ચુક્યાં છીએ. એ માટે અગાઉની અને વર્તમાન સરકારોનાં પગલાં અને નિષ્ફળતાઓ જવાબદાર છે, એમણે સત્તાધીશોમાં રહેલા લોકોના વિશ્વાસને આયોજનબદ્ધ રીતે કોરી ખાધો છે. આપણા દેશમાં હજુ સુધી એવાં પ્રધાન મંત્રી છે જે વર્ષોથી અવિરતપણે સમૂહ માધ્યમો, યુનિવર્સિટીઓ, પોલીસ, કોર્ટો પર આક્રમણ કરી રહ્યા છે અને લોકોને કહે છે કે આમનામાં વિશ્વાસ રાખશો નહીં, આ સત્તાઓમાં વિશ્વાસ ના રાખશો. હવે કટોકટી ઊભી થઈ છે ને લોકો વિશ્વાસ કરતાં નથી. તમે શું અપેક્ષા રાખી શકો? રાજનૈતિક વ્યૂહરચનાના ભાગરૂપે, વર્ષોથી જે બીજ વાવ્યાં છે, ભાગલા પાડી ને રાજ કરવા માટે સમાજમાં બળજબરીપૂર્વક જે સપનાં દેખાડ્યાં છે, એ બહુ જૂનો પેંતરો છે — ભાગલા પાડી ને રાજ કરો, એના માટે કિંમત ચુકવવી પડે છે. હા, તમે લોકોમાં ભાગલાં પાડો ને રાજ કરી શકો છો પરંતુ જ્યારે કોવિડ- ૧૯ જેવું સંકટ ઊભું થાય ત્યારે એને પહૉંચી નથી વળાતું સામાન્ય સંજોગોમાં લોકતાંત્રિક દેશમાં વસ્તીના અડધા હિસ્સાના સહકારથી તમે રાજ કરી શકો છો, એ પર્યાપ્ત હોય છે, ૫૦% +૧, એટલું પર્યાપ્ત હોય છે. પરંતુ આવા સંકટકાળમાં અડધી વસ્તીને તમારા એક પણ શબ્દમાં વિશ્વાસ ના હોય એવામાં તમે સફળ ના થઈ શકો. એ બરાબર છે કે અમુક લોકો તમારી આરાધના કરે છે, તમે કહો કે સૂરજ દરરોજ પશ્ચિમમાં ઊગે છે ને પૂર્વમાં આથમે છે તો એ વિશ્વાસ કરશે પરંતુ બાકીના ૫૦% તમારા બોલેલા એક પણ શબ્દમાં વિશ્વાસ કરતાં નથી. આવા સંજોગોમાં તમે સંકટનું નિવારણ ના જ કરી શકો. બીજા લોકતાંત્રિક દેશો ઘણો ઘણો સારો દેખાવ કરી રહ્યાં છે. એવું નથી કે લોકશાહી તંત્રમાં પાયાની કોઈ ખામી છે. વિશ્વભરમાં ઘણા લોકતાંત્રિક દેશો કોવિડ-૧૯નો સામનો પ્રસંશનીય રીતે કરી રહ્યા છે.
નોઇમાર્ક : એટલે તમારું કહેવું એમ છે કે ઇઝરાયેલ આ સંકટનો સામનો હવે લોકતાંત્રિક દેશ તરીકે નથી કરી રહ્યો. હું વિચારું છું કે આ પ્રકારની વાતો કરવાને લીધે તમારે કિંમત ચુકવવી પડતી હશે કે કેમ?
હરારી : હું તે ઘણો સુરક્ષિત છું કારણ કે આંતર-રાષ્ટ્રિય સ્તરે મેં મુકામ હાંસલ કરેલો છે, પરંતુ શૈક્ષણિક બિરાદરીના ઘણા સભ્યોની પરિસ્થિતિ ઘણી ઘણી નબળી છે …
નોઇમાર્ક : એ લોકો બોલતાં ડરે છે?
હરારી : હા, બોલતા ડરે છે. છેલ્લાં કેટલાં ય વર્ષોથી આપણે ઇઝરાયેલમાં જોયું છે કે શૈક્ષણિક સ્વતંત્રતા ખત્મ થઈ રહી છે અને હાલના પ્રધાન મંત્રી સામે પડકાર નાખનાર શિક્ષણ મંત્રી છે જેમણે નૈતિક ધોરણો અમલી કર્યા છે જેનો અસલી હેતુ શૈક્ષણિક અભિવ્યક્તિ પર અંકુશ લાદવાનો છે અને વર્ગખંડોમાં, યુનિવર્સિટીમાં વિદ્વાનો જે બોલે છે એની પોલીસગીરી કરવાનો, એમના પર ચાંપતી નજર રાખવાનો છે. આથી એ દિશામાંથી મને કોઈ આશાનો અણસાર નથી આવતો. તમારે વિશ્વ પર નજર માત્ર ફેરવવાની જરૂર છે, હંગેરી, રશિયા જેવા દેશોમાં જે થઈ રહ્યું છે, શૈક્ષણિક સ્વતંત્રતા મુદ્દે ત્યાં જે કાંઈ બની રહ્યું છે, એ જોતાં આપણે ધારી ના લઈ શકીએ કે ઇઝરાયેલ આ પ્રક્રિયાઓમાંથી બાકાત છે.
નોઇમાર્ક : અહીં ઇઝરાયેલમાં લોકશાહીને પુન:જીવિત કરવા માટે શું કરી શકાય? બીજી ચૂંટણી પણ દુર્ઘટના સાબિત થઈ શકે છે.
હરારી : ના તો હું રાજકારણી છું કે ના તો રાજનૈતિક વૈજ્ઞાનિક. વળી, ઇઝરાયેલી સમાજનો તજ્જ્ઞ પણ નથી એટલે શું કરવું જોઈએ એ અંગે હું ચોક્કસપણે કંઈ કહી શકતો નથી, પરંતુ સામાન્યત: — અને આ ઘણા દેશોના સંદર્ભમાં સાચું છે ના કેવળ ઇઝરાયેલના સંદર્ભમાં, જેમ મેં કહ્યું તેમ, સરમુખત્યારીથી વિરુદ્ધ લોકશાહીમાં વિશ્વાસની જરૂર હોય છે. વધુમાં, રાષ્ટ્રવાદની પ્રબળ ભાવના પણ આવશ્યક છે, પરંતુ ખોટી સમજણવાળી રાષ્ટ્રવાદની ભાવના નહીં જે ઘણી વખત લોકોમાં જોવા મળે છે. સાંપ્રત સમયમાં મોટા ભાગના લોકો માને છે કે રાષ્ટ્રવાદનો અર્થ છે પરદેશીઓ અને લઘુમતીઓને ધિક્કારવા. પરદેશીઓને અને લઘુમતીઓને હું જેટલો વધુ ધિક્કારું એટલો વધુ રાષ્ટ્રભક્ત ગણાઉં. વિશ્વના ઘણા બધા નેતાઓ આવો સંદેશ આપી રહ્યા છે. આ સંપૂર્ણપણે ભૂલ છે. રાષ્ટ્રવાદનો અર્થ પરદેશીઓને ધિક્કારવાનો નહીં, પરંતુ તમારા દેશબંધુઓને પ્રેમ કરવાનો થાય છે. ઘણાં બધાં નેતાઓ જે પોતાને રાષ્ટ્રભક્તો ગણાવે છે તે એનાથી સાવ વિરુદ્ધ હોય છે. એ લોકો કેવળ પરદેશીઓ પ્રત્યે ઘૃણા કરવાની ઉશ્કેરણી નથી કરતાં, પરંતુ આંતરિક ઘૃણા કરવા પણ ઉશ્કેરણી કરે છે, એમના રાજનૈતિક વિરોધીઓને લોકતાંત્રિક રમતમાં કાયદેસરના હરીફ તરીકે જોવાને બદલે એમને દુશ્મન અને રાષ્ટ્રવિરોધી તરીકે જુએ છે. આના લીધે લોકશાહીનો વિનાશ થાય છે. સારી રીતે કાર્યરત રહેવા માટે લોકશાહીને સારા રાષ્ટ્રવાદની તીવ્ર ભાવનાની આવશ્યક્તા હોય છે. હું મારા રાજનૈતિક વિરોધીઓ સાથે સંમત ના હોઉં, એ લોકો ખોટા છે એવું હું માનતો હોઉં પરંતુ એ મારા દુશ્મન નથી, એ રાષ્ટ્રવિરોધી નથી. જો મને ચૂંટણી દ્વારા પદ હાંસલ થયું હોય તો મારે એમના હિતનું પણ ધ્યાન રાખવું પડે, ના કેવળ મારા સમર્થકોના હિતનું. આ પ્રકારના સ્વસ્થ રાષ્ટ્રવાદની આપણને તાતી જરૂર છે, જે તમામ બાબતોમાં દેખાય — રાજનૈતિક વાર્તાલાપથી લઈને ટૅક્સ ભરવાની મૂળભૂત બાબત સુધી. જો તમે યુ.એસ.નો દાખલો લો અને તાજેતરનાં પ્રકાશનો જુઓ તો કહેવાતા રાષ્ટ્રવાદી પ્રૅસિડન્ટ છે જે અબજોપતિ પણ છે જેમણે $૭૫૦નો વાર્ષિક ટૅક્સ ભર્યો છે, પ્રૅસિડન્ટ તરીકે. મારા મત મુજબ રાષ્ટ્રવાદની ખરી કસોટી ટૅક્સ ભરવામાં છે. અનેકમાંની એક મોટી કસોટી છે. પરદેશીઓને ધિક્કારવામાં નથી. તમે જે ટૅક્સ ભરો છો એનો અર્થ છે કે દેશના અન્ય ભાગમાં અજાણ્યા લોકોને, મને ખબર નથી, ઇઝરાયેલમાં લગભગ ૮ મિલિયન લોકો વસે છે, એમાંથી હું ૨૦૦ને અંગત ધોરણે ઓળખું છું, એટલે લગભગ ૭ મિલિયન ૮૦૦ જેટલા લોકોને હું ઓળખતો નથી. પરંતુ હું ટૅક્સ ભરીશ તો એમને સારું શિક્ષણ ને સારી આરોગ્ય સેવાઓ મળશે. આ રાષ્ટ્રવાદી કાર્ય કહેવાય. આધુનિક રાષ્ટ્રવાદનો આ ચમત્કાર છે કે એ પર્યાપ્ત પ્રેરણા પૂરી પાડે છે, કે જે અજાણ્યા લોકોને મળ્યા ના હોય તેમ છતાં બીજા લોકો એમની પર્યાપ્ત દરકાર કરે છે. હવે જો આ કકડભૂસ થઈ જાય, કેવળ એટલું જ નહીં કે તમે તમારા દેશમાં અમુક લોકોને તમારા દુશ્મન ગણો છો, પરંતુ તમે એમની દરકાર કરવાનું છોડી દો છો એટલે તમે ટૅક્સ ભરતા નથી. સરમુખત્યારી આવી રીતે કાર્યરત રહી શકે છે, લોકશાહી આ રીતે કામ ના કરી શકે.
નોઇમાર્ક : તમે યુ.એસ.ની વાત કરો છો અને જે રીતે એ … આવું કરવા જતા શું યુ.એસ.ના ખ્યાલો જ વિધ્વંસ થઈ જઈ શકે છે?
હરારી : હા, તમે કહો છો … ૫૦ વર્ષ પહેલાં ડૅમોક્રૅટ્સ અને રિપબ્લિકન્સ વચ્ચે દલિલો થતી, પરંતુ બન્ને રશિયનોથી ડરતા હતા. દુશ્મન બહાર હતો. રશિયનો આવશે ને આપણી જીવનશૈલી બદલી નાખશે. આજે ડૅમોક્રૅટ્સ અને રિપબ્લિકન્સ બન્ને રશિયનો ને ચીનીઓથી ડરે છે એના કરતાં અનેક ઘણા એકબીજાથી ડરે છે અને એકબીજાને ધિક્કારે છે. ડૅમોક્રૅટ્સને ભય છે કે રિપબ્લિકન્સને સત્તા મળી જશે તો એ લોકો ડૅમોક્રૅટ્સની જીવનશૈલીનો નાશ કરી દેશે. બીજી તરફ, ડૅમોક્રૅટ્સ એ જ ભયથી પીડાય છે. આ બાબત એવી છે કે લોકશાહીમાં ટકી શકે એવી નથી.
નોઇમાર્ક : મારો પ્રશ્ન એ છે કે આ માત્ર ટ્રમ્પની વાત નથી.
હરારી : એ કેવળ લક્ષણ છે. એ વાત જરૂર છે કે એમણે વાત વણસાવી કાઢી છે પરંતુ એમનાથી શરૂઆત નહોતી થઈ.
નોઇમાર્ક : એટલે ભલે જે પણ ચૂંટાય કોઇ ફરક નહીં પડે એમ છે?
હરારી : ઓહ! (હસી પડતાં.) બહુ મોટો ફરક પડે છે. ભિન્ન પ્રકારની રાજનૈતિક શૈલીઓ છે. ભાગલા પાડવાની આવી યુક્તિઓ અને આડંબરી ભાષાનો ઉપયોગ કરવા માટે આ નેતાઓને કોઈ દબાણ નથી કરતું. એવા નેતાઓ હોઈ શકે છે, એવા નેતાઓ છે વિશ્વના અન્ય ભાગોમાં. એંગલા મૅરૅકલને જુઓ. એ આ પ્રકારનાં નેતા નથી. પોતે ગમે તે કરે એમાં ટેકો આપે એવો એક મજબૂત વફાદાર આધાર ઊભો કરવાના ઈરાદાથી જર્મન સમાજને અંદરોઅંદર ભાગલા પાડવાની રમતનો હિસ્સો એ બન્યાં નથી. હું અનિશ્ચિત સમય સુધી જર્મની પર સત્તા ચલાવીશ, એ એમની રમત નથી. એટલે એક માત્ર રસ્તો છે એવું નથી. આ બાબતનું ખૂબ મહત્ત્વ છે કે કઈ રાજનૈતિક શૈલીઓ ધરાવતા રાજકારણીઓને ચૂંટવામાં આવે છે.
નોઇમાર્ક : લોકો એ નેતાઓ પર પસંદગી ઉતારે છે.
હરારી : હા …
નોઈમાર્ક : એટલે લોકોની સત્તા છે, લોકોનો નિર્ણય.
હરારી : ના … એ એક વર્તુળ છે. એવું છે કે આદર્શ રીતે લોકો અભિપ્રાયો ઘડીને, અપેક્ષાઓ રાખીને એમનું પ્રતિનિધિત્વ કરતી હોય એવી સરકારને મત આપતા હોય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે આ બેઉ તરફ કામ કરે છે. વસ્તીના અભિપ્રાયો અને અપેક્ષાઓને આકાર આપવાની વિપુલ તાકાત છે અને આજના સમયમાં માસ સર્વેલન્સ, સોશિયલ મીડિયા, વગેરે નવી ટૅકનૉલૉજીને કારણે આ શક્તિ વધતી જ રહે છે. એટલે સરકાર કેવળ લોકોની મરજી પ્રત્યે પ્રતિભાવશીલ નથી, એ લોકોની મરજીને આકાર આપી શકે છે. પરિણામે, લોકશાહી તંત્ર અસ્થિર બની જાય છે. વધુમાં, મીડિયાની આમાં જબરદસ્ત ભૂમિકા રહેલી છે. જ્યારે મીડિયા પર સરકારનું સખત નિયંત્રણ હોય છે ત્યારે એવું નથી હોતું કે જે કંઈ બની રહ્યું છે એ અંગે લોકો એમનો પોતાનો, સ્વતંત્ર અભિપ્રાય ઘડતાં હોય છે. સાંપ્રત સમયમાં આપણી પાસે એ શક્તિ છે — એટલે આપણે નહીં પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત અમુક સરકારો અને કૉર્પૉરેશનો પાસે મનુષ્યોને હૅક કરવાની શક્તિ છે. કમ્પ્યુટરોને હૅક કરવાની, સ્માર્ટ ફોન હૅક કરવાની, બૅન્ક અકાઉન્ટ હૅક કરવાની બહુ વાતો થાય છે, પરંતુ આપણા યુગની મોટી કહાણી છે — મનુષ્યોને હૅક કરવા. આવું કહેવાનો મારો અર્થ એ છે કે જો તમારી પાસે પર્યાપ્ત ડેટા હોય અને જો પર્યાપ્ત કમ્પ્યુટિંગ શક્તિ હોય તો લોકો પોતાને સમજી શકે એના કરતાં તમે એમને વધુ સારી રીતે સમજી શકો છો. ત્યાર બાદ લોકોને તમે ઇચ્છો એમ વાપરી શકો છો, જે પહેલાં કરવું અશક્ય હતું. આવી પરિસ્થિતિમાં જૂનું લોકશાહી તંત્ર કામ કરતું બંધ થઈ જાય છે. આ નવા યુગ માટે, જેમાં મનુષ્યો હવે હૅક થઈ શકાતાં પ્રાણીઓ છે, આપણે લોકશાહીનું પુન:નિર્માણ કરવાની જરૂર છે. મનુષ્યોનો આત્મા હોય છે, ચૈતન્ય હોય છે, સ્વતંત્ર મરજી હોય છે, મારી અંદર શું ચાલી રહ્યું છે એ કોઈને ખબર પડતી નથી, એટલે ભલે હું જે પણ પસંદ કરું — ચૂંટણીમાં કે સુપર માર્કૅટમાં, એ આખો ખ્યાલ સમાપ્ત થઈ ગયો છે. આપણે એ હકીકતને સ્વીકારવી જ રહી કે — અહીં તત્ત્વજ્ઞાનનો મેળાપ કમ્પ્યુટર સાયન્સ અને બાયોલૉજી સાથે થાય છે. તમે ભલે જે પણ માનતા હોવ કે ભ્રહ્માંડનું આખરી સત્ય આ છે, પરંતુ તમારે સમજવું જ પડશે કે વ્યવહારિક રીતે આજે આપણી પાસે એવી ટૅકનૉલૉજી છે જેનાથી મનુષ્યોને વ્યાપક ધોરણે હૅક કરી શકાય એમ છે. આનો અર્થ એ છે કે આપણે લોકશાહીનું પુન:નિર્માણ કરવું પડશે, માર્કૅટનું પણ પુન:નિર્માણ કરવું પડશે. ગ્રાહક હંમેશાં સાચો હોય છે, ગ્રાહક ઇચ્છે એ જ અમે કરીએ છીએ, (અવાજમાં તેજી આવી જાય છે.) એ આખો ખ્યાલ બરાબર છે પરંતુ તમે ગ્રાહકોને હૅક કરી શકો છો, એમને શું જોઇએ છે એ એમને કહીને તમે ઇચ્છો એમ એમને વાપરી શકો છો, એનું શું? એટલે આ સમગ્ર ખ્યાલ કે કૉર્પોરેશનો તો ગ્રાહકોની જરૂરિયાતોને જ પોષે છે — આ બધું સમાપ્ત થઈ ગયું છે. આ ખુલાસાઓની પાછળ હવે સંતાઈ શકાય એમ નથી.
નોઇમાર્ક : તમને સાંભળ્યા પછી એવું લાગે છે કે કદાચ આ મહામારીએ ભંગાણ સર્જ્યું છે, કદાચ આપણને જે પરિવર્તનની જરૂરિયાત છે એ માટે આ વિશ્વ વ્યાપી મહામારી એક તક છે. એ છે કે કોવિડના દસ મહિના વીતી ગયા બાદ કશું પણ આપણને ડિસેમ્બર ૨૦૧૯માં પાછું લઈ જઈ શકે એમ નથી પરંતુ શું આપણે અનુ-મહામારી (પોસ્ટ-પૅન્ડેમિક) વિશ્વની નવી વાસ્તવિક્તાની કલ્પના કરવાની શરૂઆત કરી શકીએ? જૉબ માર્કૅટ, રિયલ ઍસ્ટેટનો ધંધો, કુટુંબ, નવરાશની સંસ્કૃતિ, પર્ફોર્મિંગ આર્ટ્સ, આ સમયે બધું બદલાઇ ગયું છે.
હરારી : હા, આપણે જરૂર છે … આપણી પાસે વિકલ્પ નથી. આપણે નવા ભવિષ્યની પુન:કલ્પના કરવી જ પડશે કારણ કે આપણે ભૂતકાળમાં પાછા ફરી શકીશું નહીં. એ અશક્ય છે. આમ તો કોવિડની પૂર્વે પણ —
નોઇમાર્ક : પાછા જવામાં વૅકસિન આપણી મદદે નહીં આવે?
હરારી : વૅકસિન ચોક્કસ આપણી મદદે આવશે, પરિસ્થિતિને પહોંચી વળવામાં એ આપણી મદદ કરશે …
નોઇમાર્ક : પાછા નહીં લઈ જઈ શકે.
હરારી : ના, પાછા નહીં લઈ જઈ શકે. નવી ટૅકનૉલૉજીના બળ પર ઝડપી પરિવર્તનની પ્રક્રિયામાં આપણે પહેલેથી હતાં જ, કોવિડે કેવળ એની ગતિ વધારી દીધી છે. જે પરિવર્તનોને આવતા ૧૦-૨૦ વર્ષ લાગી જશે એવું આપણને લાગતું હતું, જેમ કે યુનિવર્સિટીમાં અમુક અભ્યાસક્રમોને ઑનલાઇન કરવાનું આયોજન હતું તેને કોવિડને લીધે ૨-૩ અઠવાડિયા કે ૨-૩ મહિનામાં કરી નાખવા પડ્યા. આ પહેલા પ્રક્રિયા ચાલુ તો કરેલી જ હતી.
નોઇમાર્ક : હવે કાર્યસ્થળની નજીક કે શૈક્ષણિક સંસ્થાની નજીક રહેવાની જરૂર નથી. આ સમયમાં શહેરોનાં કેન્દ્રો એમનું કાર્ય ખોઈ રહ્યાં છે.
હરારી : હા, બધું જ ડિજીટલાઇઝ થઈ રહ્યું છે, બધું જ નજર હેઠળ રાખવામાં આવે છે …
નોઇમાર્ક : ને વૃદ્ધો એકલતાનો ભોગ બનતા જાય છે.
હરારી : કેવળ વૃદ્ધો નહીં, યુવાનો પણ એકલતાનો ભોગ બને છે. આપણે સામાજિક ઊથલપાથલની મધ્યમાં છીએ. આપણે પાછા નથી ફરી શકતા એનો અર્થ એ નથી કે ભવિષ્ય ખરાબ હશે. એવું કહેવાય છે કે સારી કટોકટીને એળે જવા દેવી જોઈએ નહીં કારણ કે કટોકટીમાં એવાં સુધારા કરવાની તક પડેલી હોય છે, જે માટે સામાન્ય સંજોગોમાં લોકો ક્યારે ય સંમત ના થાય. પરંતુ કટોકટીમાં છુટકો નથી હોતો એટલે કરવા સંમત થાય છે. આ કટોકટી સામે આપણે ભિન્ન પ્રકારની પ્રતિક્રિયા આપી શકીએ એમ છે. તમે કટોકટી સામે ઘૃણા પેદા કરીને પ્રતિક્રિયા આપી શકો, પરદેશીઓ પર, લઘુમતીઓ પર મહામારીનો દોષ ઢોળીને પ્રતિક્રિયા આપી શકો છો, લોભ પેદા કરીને તમે કટોકટી સામે પ્રતિક્રિયા આપી શકો છે — આમાંથી વધુમાં વધુ કેટલા પૈસા બનાવવા શક્ય છે? તમે અજ્ઞાન ફેલાવીને પ્રતિક્રિયા આપી શકો છો, તમામ પ્રકારની હાસ્યાસ્પદ ષડ્યંત્ર-સિદ્ધાંતો ઘડીને એમનો પ્રસાર કરીને તમે પ્રતિક્રિયા આપી શકો છો — બિલ ગેટ્સે વિશ્વ પોતાને હસ્તક કરવા લૅબૉરૅટરીમાં આ મહામારી સર્જી છે અથવા તમે શાણપણને પ્રોત્સાહન આપીને પ્રતિક્રિયા આપી શકો છો — વિજ્ઞાનમાં વિશ્વાસ રાખીને, એ સમજણ કેળવીને કે આ કટોકટીના સમયે વિજ્ઞાનને અનુસરવું યોગ્ય છે, નહીં કે આ ષડ્યંત્ર-સિદ્ધાંતોને માનીને. તમારે ઘૃણા નહીં પરંતુ કરુણા પેદા કરીને તમારા દેશમાં અને આખા વિશ્વમાં લોકોને સહકાર આપવાના માર્ગ શોધવા જોઈએ કારણ કે વાયરસની સરખામણીમાં મનુષ્યો પાસે જે લાભ છે તે આ છે — આપણે સહકાર આપી શકીએ છીએ, વાયરસ એવું કરી શકતા નથી. લોકોને ચેપ કેવી રીતે લગાડવો એ અંગે ચીનનો વાયરસ યુ.એસ.ના વાયરસને સલાહ નથી આપી શકતો, પરંતુ ચીન, યુ.એસ., ઇઝરાયેલ અને બ્રાઝીલના ડૉક્ટરો માહિતીની, એમનાં નિરિક્ષણોની, એમનાં પ્રયોગોની આપ-લે કરી સારવાર કરવા, વૅક્સિન તૈયાર કરવા માટે એકબીજાનો સહયોગ કરી શકે છે. માત્ર વાયરસ અંગેની સૂઝ વિકસાવવા સુધી વાત સીમિત નથી, વાત મનોવૈજ્ઞાનિક સૂઝ, આર્થિક સૂઝની છે. વિશ્વભરમાં દેશો એક સરખી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. દરેક દેશે એક સરખી ભૂલ શા માટે કરવી જોઈએ? ધારો કે એક દેશે કોઈ પ્રયોગ કર્યો ને પછી એના ખોટા નિર્ણયને લીધે થયેલા મનોવૈજ્ઞાનિક અને આર્થિક નુકસાનનો ખ્યાલ આવ્યો તો એ દેશે વિના સંકોચે બીજા દેશોને આ માહિતી આપવી જોઈએ. આવા વૈશ્વિક સહકારની આપણને જરૂર છે. માનવજાતિના સૌથી નિર્બળ સભ્યોને, માત્ર મહામારીથી નહીં, પરંતુ આર્થિક પરિણામો સામે રક્ષણ પૂરું પાડવા માટે આપણને વૈશ્વિક સુરક્ષા જાળની જરૂર છે. જો આપણે આટલું કરીશું તો ના કેવળ આ મહામારીનો સામનો કરી શકીશું પરંતુ ભવિષ્યમાં આવનારા આથી ય મોટાં સંકટોનો, જેવાં કે પ્રવર્તમાન હવામાન પરિવર્તન કટોકટી, આર્ટિફિશ્યલ ઇન્ટૅલીજન્સ (એ.આઈ.) અને ઑટૉમેશનનો વધતો પ્રભાવ, સામનો વધુ સારી રીતે કરી શકીશું. બીજી તરફ … ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી જોઈએ તો કોવિડ સરખામણીમાં નાનું સંકટ છે, રોગ તરીકે સરખામણીમાં ઓછો તીવ્ર છે. નાની મહામારી છે, મૃત્યુદરના સંદર્ભે ૧%થી પણ ઓછાં મૃત્યુ થાય છે. બલૅક ડૅથ કે ૧૯૧૮નો બીગ ઇન્ફ્લુએન્ઝા કે એડ્સ. ૧૯૮૦માં તમને ઍડ્સ થાય તો તમારું મૃત્યુ નિશ્ચિત હતું, મૃત્યુદર ૧૦૦% હતો. આની સરખામણીએ કોવિડ બહુ ઓછી તીવ્રતા ધરાવતો રોગ છે. આ જાણે એવું છે કે કુદરતે આપણને પ્રૅક્ટિસ બૉલ નાખ્યો છે, જોઈએ તમે કેવો સામનો કરો છો, હું ખરેખર મોટી બંદૂકો કાઢું તે પહેલાં — જેવાં કે હવામાન પરિવર્તન અને એ.આઈ. જો આપણે આ વાયરસ સામે એક પ્રજાતિ તરીકે એકતા નહીં કેળવીએ તો પર્યાવરણીય કટોકટી, ટૅકનૉલૉજીની દેન એવાં એ.આઈ. અને બાયો-ઍન્જિન્યરીંગને કેવી રીતે પહોંચી વળીશું એ વિચાર માત્ર ખૂબ ચિંતાજનક છે.
નોઇમાર્ક : તમારા મત મુજબ આપણા યુગના નવા પડકારોને પહોંચી વળવા માટે યુનિવર્સિટીઓએ શું પરિવર્તનો લાવવાની જરૂર છે?
હરારી : ઘણું બધું થઈ શકે એમ છે ને આપણી પાસે એટલો બધો સમય નથી એટલે હું માત્ર એક વ્યવહારિક સલાહ આપીશ, ખૂબ નક્કર સલાહ. આજના સમયમાં યુનિવર્સિટીઓ જે સૌથી અગત્યના લોકોને તાલીમ આપે છે તે કોડરો છે — જે લોકો ઍલ્ગોરિદમ લખે છે, જે લોકો વધુ ને વધુ વિશ્વને ચલાવી રહ્યાં છે. હું ચિંતીત છું, દંગ પણ છું કે આપણે તાલીમ આપીએ છીએ, યુનિવર્સિટીઓ કોડરો તાલીમ આપે છે પરંતુ હું જાણું છું ત્યાં સુધી તેમના ભણતર દરમ્યાન એ લોકોને નીતિશાસ્ત્રનો અભ્યાસ કરાવવામાં આવતો નથી. નીતિશાસ્ત્રનો કોર્સ કર્યાં વિના તમે મૅડિસિનમાં ડિગ્રી સર્ટિફિકૅટના મેળવી શકો. એ અભ્યાસક્રમનો હિસ્સો છે. સાંપ્રત સમયમાં ડૉક્ટરો કરતાં પણ કોડરો વધુ મહત્ત્વ ધરાવે છે, એ લોકો વિશ્વનું પુન:નિર્માણ કરે છે, બધું જ. મારી ભલામણ એ છે કે એમના અભ્યાસક્રમના ભાગરૂપે, કમ્પ્યુટર સાયન્સમાં અને અન્ય સંબંધિત વિદ્યાશાખાઓમાં, વિદ્યાર્થીઓની પહેલ પર છોડી દેવું ના જોઈએ, તત્ત્વજ્ઞાનના, નીતિશાસ્ત્રના અભ્યાસક્રમ — જેમ મેં અગાઉ કહ્યું તેમ તત્ત્વજ્ઞાન સંબંધી પ્રશ્નો હવે તત્ત્વજ્ઞાનના વિભાગોમાંથી ઍન્જિન્યરીંગના વિભાગોમાં સ્થળાંતર કરી રહ્યાં છે, જે લોકો નક્કી કરે છે … એ લોકોએ સમજવું પડશે કે એ કમ્પ્યુટરનું કોડીંગ નથી કરી રહ્યાં, મનુષ્યોનું કોડીંગ કરી રહ્યાં છે, સમાજનું કોડીંગ કરી રહ્યાં છે અને હું માનું છું કે યુનિવર્સિટી આ કામ ખૂબ સહેલાઈથી કરી શકે એમ છે. એને અભ્યાસક્રમનો હિસ્સો બનાવી દો અને સામાન્યપણે એક તરફ, હ્યુમૅનિટિઝ અને સોશ્યલ સાયન્સીસ વચ્ચે અને બીજી તરફ, નેચરલ સાયન્સીસ અને ખાસ કરીને ઍન્જિન્યરીંગ ને કમ્પ્યુટર સાયન્સ વચ્ચે વધુ આદાનપ્રદાન જોવા મળશે કારણ કે જ્યાં સુધી તમે આ બધાંને એકબીજાથી જુદા રાખવાનો પ્રયત્ન કરશો, ત્યારે, તમે જે કાંઈ ‘ઍમ્જિન્યર’ કરશો (ક્રિયાપદ તરીકે અંગ્રેજીમાં અર્થ ‘યોજના ઘડવી’), એના પરિણામરૂપે જે સામાજિક હોનારત, માનવતાવાદને લગતી હોનારતો સર્જાશે તેનાંથી દંગ ન થશો.
નોઇમાર્ક : પ્રૉફેસર યુવલ નોઆ હરારી, અમને સમય આપવા બદલ અને આ પાઠ બદલ આપનો આભાર.
હરારી : આભાર.
~
સ્રોત : https://www.youtube.com/watch?v=ltJTRnNLYqY&feature=emb_logo