૧૯૮૦માં ‘વૉશિંગ્ટન પોસ્ટ’ જેવા અમેરિકાના પ્રતિષ્ઠિત ગણાતા અખબારમાં એક ૨૫ વર્ષીય અશ્વેત પત્રકાર યુવતીએ પ્રવેશ કર્યો ત્યારે સ્ટાફમાંથી ઘણાની નજર એની ઉપર પડી હતી. કેટલાકને આશ્ચર્ય પણ થયું હતું. ‘વૉશિંગ્ટન પોસ્ટ’માં કામ કરવું એટલે ખૂબ પ્રતિષ્ઠાજનક ગણાતું. ‘ટોલેડો બ્લેડ’માં પત્રકાર તરીકે કામ કરતી જેનેટ કૂકનું સી.વી. પોસ્ટના પ્રસિદ્ધ ઍક્ઝિક્યુટિવ એડિટર બેન બ્રેડલીની નજરમાંથી પસાર થયું, તો એમણે તરત પોસ્ટમાં નોકરી માટે બોલાવી લીધી હતી.
અંદાજે નવ મહિના પછી, ૨૮ સપ્ટેમ્બર, ૧૯૮૦ના દિવસે જેનેટ કૂકે લખેલ સ્ટોરી ‘જિમ્મીસ વર્લ્ડ’ પોસ્ટના પ્રથમ પાને પ્રસિદ્ધ થઇ. હેરોઇનના બંધાણી, ૮ વર્ષીય બાળક-જિમ્મીની સ્ટોરીએ હલચલ મચાવી દીધી હતી. એક બાળકને એની માતાનો પ્રેમી ડ્રગ્સ આપતો હતો. આખા અમેરિકામાં આ વાત વાઇરલ થઈ ગઈ હતી. વૉશિંગ્ટનના મેયર, હેલ્થ-ઑફિસરો અને પોલીસ આ બાળકને શોધી એનાં માતાપિતા વિરુદ્ધ કેસ ચલાવી જેલમાં ધકેલી દેવા માંગતા હતા, પરંતુ ‘વૉશિંગ્ટનનાં પોસ્ટ’ પ્રાઇવસીના અધિકારની રૂએ બાળકનું સરનામું આપવા માગતું ન હતું. અર્થાત્ પોતાના પત્રકારે કરેલી સ્ટોરી માટે પોસ્ટ કૂકની પડખે ઊભું રહ્યું. આ માટે પોસ્ટની આલોચના પણ કરવામાં આવી. પત્રકારોને એની જોરદાર શૈલી અને લખાણ તથા સામાજિક અસરને કારણે બ્લૉકબસ્ટર સ્ટોરી લાગી રહી હતી, તો લોકોને બાળક ઉપર દયા આવી રહી હતી, બાળકને એમની જરૂરિયાત લાગી રહી હતી, તો કેટલાક સામાજિક કાર્યકર્તાઓને અશ્વેત લોકોના જીવનની કઠોર વાસ્તવિકતા લાગી રહી હતી.
૧૩ એપ્રિલ, ૧૯૮૧ના દિવસે કૂકને પુલિત્ઝર-પુરસ્કાર આપવામાં આવ્યો. પત્રકારત્વમાં કોઈ આફ્રિકન-અમેરિકન (અશ્વેત) વ્યક્તિએ આ પુરસ્કાર જીત્યો હોય એ ઇતિહાસની પહેલી ઘટના હતી.
પોતાના ભૂતપૂર્વ પત્રકારે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો એ ગૌરવની વાત હતી એટલે ‘ધી ટોલેડો બ્લેડ’ કૂક વિષે સ્ટોરી છાપવા માંગતું હતું. પોતાના કર્મચારીઓના બાયોડેટા મુજબ એ કૂક વિષે લખવા માંગતા હતા. પરંતુ એસોસિયેટેડ પ્રેસના વાયર પર પુલિત્ઝર પુરસ્કાર – વિજેતાઓનાં જીવનચરિત્રો તપાસતા કૂકના બાયોડેટામાં વિસંગતતાઓ જણાઈ. કૂકે વાયરને આપેલ માહિતી મુજબ તેણીએ ખૂબ સારા ગ્રેડથી વસ્સાર કૉલેજમાંથી સ્નાતક કર્યું હતું અને ટોલેડો યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. જ્યારે બ્લેડના રેકૉર્ડ મુજબ વસ્સાર કૉલેજમાં એક વર્ષ ગાળી ટોલેડો યુનિવર્સિટીમાંથી માત્ર બેચલર ઑફ આટ્ર્સમાં સ્નાતક કર્યું હતું. બ્લેડના સંપાદકે વાયરને આ વાત જણાવી દીધી.
બપોર સુધીમાં વસ્સાર કૉલેજ અને ટોલેડો યુનિવર્સિટીમાં તપાસ પૂર્ણ કરી લેવામાં આવી. લગભગ ૧૦ કલાક સુધી પોસ્ટના સંપાદકો કૂકની પૂછપરછ કરતા રહ્યા અને બીજી બાજુ એના બે ઉપસંપાદકો જિમ્મીનું ઘર શોધતા રહ્યા.
આખરે, રાત્રે પોણા બે વાગે કૂક ભાંગી પડી અને સ્વીકાર્યું કે “જિમ્મી નામનો કોઈ છોકરો નથી, નથી એનું કોઈ કુટુંબ … મેં જ આખી કાલ્પનિક વાર્તા ઘડી નાખી હતી. હું પુરસ્કાર પાછો આપવા માગું છું.”
અપમાનિત અને લજ્જિત પોસ્ટના સંપાદકોએ પુલિત્ઝર-પુરસ્કાર પાછો આપ્યો, જે ‘વિલેજવૉઇસ’ની ટેરેસા કાર્પેન્ટરને આપવામાં આવ્યો.
માત્ર બે દિવસ પછી કૂકે વૉશિંગ્ટન પોસ્ટમાંથી રાજીનામું આપ્યું. આ રીતે એક હોનહાર પત્રકારની કારકિર્દીનો અંત આવી ગયો.
આ ઘટના પછી અમેરિકન પત્રકારત્વમાં ઘણું બધું બદલાઈ ગયું. પોસ્ટે પોતાના નિયમો વધુ કડક બનાવ્યા. કોઈ સંદર્ભ કે સ્રોત વિના સ્ટોરી છાપવામાં વધારે ધ્યાન આપવું, એવો વણલખ્યો નિયમ કરી દીધો. માત્ર અમેરિકા જ નહિ, યુરોપનાં ઘણાં બધાં અખબારોએ પણ પોતાની પૉલિસીમાં ફેરફાર કર્યો.
જેનેટ કૂક અખબારી દુનિયા છોડી ફ્રાન્સના કોઈ નાનકડા શહેરમાં વસવા ચાલી ગઈ હતી. ૧૯૯૬મા અચાનક જાહેરમાં આવી. પોસ્ટમાં પોતાના જુનિયર અને પછી પ્રેમી પત્રકાર માઇક સેજર સમક્ષ પ્રગટ થઈ દુનિયા સમક્ષ પોતાની વાતો રજૂ કરી. એમાં એની ગ્લાનિ જ ઝળકતી રહી.
જેનેટ કૂક કંઈ પહેલી પત્રકાર નહોતી, જેણે ખોટું કર્યું હતું. બીજા ઘણા બધા અમેરિકન અને યુરોપીય પત્રકારોએ આવું ખોટું કર્યું હતું, પરંતુ એમનાં નામ છાપરે ચઢ્યાં નહિ, કદાચ એટલા માટે કે તેઓ ગોરી ત્વચાવાળા હતા.
આ ઘટના જૂની હોવા છતાં ય આજના સમયમાં ઉપયુક્ત છે. આજથી ૩૮ વર્ષ પહેલાં ‘વૉશિંગ્ટન પોસ્ટ’ જેવાં અખબારો સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવવામાં કોઈ કચાશ રાખતાં નહોતાં. જેનેટ કૂકે પોતાની ભૂલ સ્વીકારી પુરસ્કાર પાછો આપ્યો. પરંતુ આજે આપણા દેશમાં જોઈએ છીએ કે કેટલાક પત્રકારો પોતાનું અંતઃકરણ વેચી ‘પત્તર-કારિતા’ કરી રહ્યા છે. કોઈ એક રાજકીય પક્ષના હિતમાં સમાચારો તોડીમરોડીને રજૂ કરવામાં આવે છે. ગરીબી, બેકારી, બેરોજગારી, સમાજમાં વધતું વૈમનસ્ય, જેવાં મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. એના બદલે ક્ષુલ્લક બાબતો પર ચર્ચા કરવામાં આવી રહી છે. એક ફિલ્મી હીરોએ આત્મહત્યા કરી, એની પ્રેમિકા એના મોત માટે જવાબદાર છે એવું ચિત્ર મીડિયાએ લોકમાનસમાં ઠસાવી દીધું. એમાંથી વાત ડ્રગ્સ પર પહોંચી ગઈ અને કયા ફિલ્મી સિતારાઓ ડ્રગ્સના બંધાણી છે, એની ચર્ચાઓ થવા લાગી. એમાં અસલ મુદ્દો તો ભુલાવી દેવામાં આવ્યો. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાનો હોબાળો એટલા માટે કરવામાં આવ્યો કે એ મૂળ બિહારનો હતો, અને બિહારમાં ચૂંટણીઓ આવી રહી હતી. હવે જો કે બિહારનાં પરિણામો પણ આવી ગયાં છે અને ભા.જ.પ.ની આગેવાનીમાં એન.ડી.એ.એ બહુમતી મેળવી છે. સુશાંતે ‘કેદારનાથ’ ફિલ્મમાં મુસ્લિમનું પાત્ર ભજવ્યું, ત્યારે આ જ ભા.જ.પ.ના સમર્થકોએ એનો વિરોધ કર્યો હતો, અને જ્યારે ચૂંટણી આવી ત્યારે એ જ વિરોધીઓ સુશાંતના સમર્થનમાં આવી ગયા હતા. જ્યારે કોઈ મુદ્દો ન હોય ત્યારે કેવા મુદ્દા ઊભા કરવા એ કોઈએ ભા.જ.પ. પાસેથી શીખવું જોઈએ! અને આ મુદ્દાઓને ચગાવતા રહેવું એ આપણા મીડિયા પાસેથી કોઈ શીખે! કોઈ એક પક્ષની તરફેણ કરનાર મીડિયાને કેટલાક લોકો ‘ગોદી મીડિયા’ તરીકે યોગ્ય રીતે જ ઓળખે છે. આ ગોદી મીડિયા સમાજને માહિતી, મનોરંજન અને શિક્ષણ પૂરું પાડવાની પોતાની ફરજથી વિમુખ થઈ રહ્યો છે. પ્રશ્ન ઉદ્ભવે છે કે શું મીડિયાએ તટસ્થ રહેવું જોઈએ કે કોઈ એકનો પક્ષ લેવો જોઈએ? ઘણા લોકો કહેશે કે મીડિયાએ તટસ્થ રહેવું જોઈએ, કોઈનો પક્ષ ન લેવો. જે આજે શાસનમાં છે, કાલે ના પણ હોય અને જે આજે વિરોધપક્ષમાં છે એ શાસનમાં પણ હોઈ શકે છે. રાહત ઇન્દોરીએ કહ્યું હતું એમ ‘આજ જો સાહિબે મસનદ હૈ કલ નહિ હોંગે – કિરાયેદાર હૈ જાતી મકાન થોડી હૈ.’
પરંતુ કેટલાક લોકો એવું પણ કહેશે કે મીડિયાએ તો એક જ પક્ષ લેવો જોઈએ – પીડિતોનો. કેમ કે પીડિતોનું દર્દ મીડિયા નહિ જણાવે તો કોણ જણાવશે?
એક ત્રીજો વર્ગ પણ છે – અને એ મોટો વર્ગ છે – જે કહે છે કે અમે તો એનો જ પક્ષ લઈશું જે અમારી ખાતરદારી કરે – અર્થાત્ અમને માલમલીદો આપે.
આ નિરાશાજનક માહોલમાં રણમાં વીરડી સમાન દિલાસાની એક બાબત પણ છે. એ છે ઈમાનદારીથી પોતાનો પત્રકારત્વધર્મ નિભાવી રહેલા કેટલાક પત્રકારો અને મીડિયાહાઉસ. ભલે આંગળીના વેઢે ગણાય એટલાં જ છે આ સાચા પત્રકારો. આવા પત્રકારોથી જ પત્રકારત્વ હજી જીવી રહ્યું છે, એ જ આપણા માટે આશ્વાસનની વાત છે ! એક દીપક બળે એટલે અંધકાર પણ ધ્રૂજી ઊઠે છે અને પલાયન કરી જાય છે.
સત્યને પ્રકાશવા માટે એક સાચો પત્રકાર પણ પૂરતો છે.
૧૬મી નવેમ્બર નૅશનલ પ્રેસ ડે તરીકે ઊજવાય છે. બધા જ સાચા અને સારા પત્રકારોને દિલથી સલામ.
કન્સલ્ટિંગ અને ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયર, લેખક, કટારલેખક, IGNOUમાંથી માસ કૉમ્યુનિકેશન અને જર્નાલીઝમનો કોર્સ કરેલ છે.
email : msaeed181@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 08