દેશના ચૂંટણીકારણમાં ડાબેરી રાજકીય પક્ષો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. સાડા ત્રણ દાયકાનું પશ્ચિમ બંગાળનું એક ચક્રી ડાબેરી શાસન ગુમાવ્યે હવે દાયકો થવા આવશે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની ૪૦માંથી ૩૯ બેઠકો પર ડાબેરી ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી હતી. બંગાળનો ૨૦૧૪નો તેમનો ૩૧ ટકાનો વોટશેર ૨૦૧૯માં ૭.૫ ટકાના તળિયે પહોંચી ગયો હતો. આઝાદી પછી પહેલીવાર ૨૦૧૯માં સામ્યવાદી પક્ષોના માત્ર પાંચ જ સાંસદો લોકસભામાં ચૂંટાયા છે. ૧૯૯૧ની લોકસભા ચૂંટણીમાં ડાબેરીઓને ૮.૬૨ ટકા મત મળ્યા હતા. ૨૦૧૯માં તે ઘટીને ૨.૩૩ ટકા જ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળ પછી ત્રિપુરામાં પણ તેમણે સત્તા ગુમાવી છે. હવે એક માત્ર કેરળનો ગઢ સલામત છે.
સંસદીય રાજનીતિમાં ડાબેરીઓનાં વળતાં પાણીના માહોલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમનો વિજ્ય તેઓ હજુ લુપ્ત થઈ ગયા ન હોવાની ગવાહીરૂપ છે. બિહાર વિધાનસભાની ૨૦૨૦ની ચૂંટણીમાં ત્રણ મુખ્ય સામ્યવાદી પક્ષોએ આર.જે.ડી. અને કૉન્ગ્રેસના મહાગઠબંધનમાં સામેલ થઈ, સોળ બેઠકો મેળવી છે. જેમ કેરળમાં દેશની સૌ પ્રથમ બિનકૉન્ગ્રેસી સામ્યવાદી સરકાર રચાઈ હતી અને તેના મુખ્ય મંત્રી ઈ.એમ.એસ. નાંબુદ્રીપાદ વિશે એક જમાનામાં 'નેહરુ કે બાદ નાંબુદ્રીપાદ’નું સૂત્ર પ્રચલિત થયું હતું, તેમ બિહારના કેટલાક વિસ્તારોમાં સામ્યવાદી પક્ષની દમદાર મોજુદગી હતી. બિહારનો બેગુસરાય ઈલાકો ભારતીય સામ્યવાદી પક્ષના એવા તો પ્રભુત્વ હેઠળ હતો કે તે બિહારના લેનિનગ્રાડ કે મોસ્કો તરીકે જાણીતો હતો. ૧૯૭૨માં ૩૫ બેઠકો સાથે સી.પી.આઈ. બિહાર વિધાનસભામાં મુખ્ય વિપક્ષી પાર્ટી હતી. પરંતુ મંડલ રાજનીતિ પછી જાતિકેન્દ્રી રાજકારણ બળવત્તર બનતાં, સામ્યવાદી પક્ષોનો સામાજિક આધાર ઘટતાં, બિહારમાં તેમનું રાજકીય વર્ચસ ઘટતું ગયું.
૨૦૧૫ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બે સામ્યવાદી પક્ષો, સી.પી.આઈ. અને સી.પી.આઈ.(એમ.)ને એક પણ બેઠક મળી નહોતી. જ્યારે ‘માલે’ તરીકે જાણીતા ઉગ્ર ડાબેરી પક્ષ સી.પી.આઈ. (એમ.એલ.)(એલ.)ને ત્રણ બેઠકો મળી હતી. ૨૦૨૦માં આ ત્રણેય સામ્યવાદી પક્ષો લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ અને કૉન્ગ્રેસ સાથે ભા.જ.પ. વિરોધી મતોના વિભાજનને ખાળવા ચૂંટણી જોડાણ કરીને ૨૪૩ બેઠકોના ગૃહમાં ૨૯ બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. માલેએ ૧૯, સી.પી.આઈ.એ ૬ અને સી.પી.આઈ.એમ.એ ૪ બેઠકો પર મહાગઠબંધનના ભાગરૂપે ઉમેદવારી કરી હતી. માલેનો ૧૨ અને બાકીના બે સામ્યવાદી પક્ષોનો બે-બે બેઠકો પર વિજય થયો છે. બે જૂના સામ્યવાદી પક્ષો માટે આ વિજ્ય સંજીવની કે પુનરુત્થાન જેવો છે તો ‘માલે’ માટે તે મોટી છલાંગ કે નવ ઉભાર છે.
બિહારના રાજકારણમાં ડાબેરી પક્ષોનો ચોક્કસ વિસ્તારોમાં જનાધાર છે.૧૯૬૦ના દસકના નકસલબારી આંદોલનની પેદાશ એવી ‘માલે’એ ભૂમિગત રહ્યા બાદ ૧૯૮૦થી સંસદીય રાજકારણનો માર્ગ અખત્યાર કર્યો હતો. તે પૂર્વે ઇન્ડિયન પિપલ્સ ફ્રન્ટના નામે તે ચૂંટણીમાં ઝૂકાવતી હતી. ૧૯૯૦માં બિહારમાં તેના સાત ધારાસભ્યો હતા. ૧૯૮૯માં આરામાંથી તે લોકસભા બેઠક પણ જીતી હતી. લગભગ દર વખતે તેના બે પાંચ ઉમેદવારો જીતતા હતા. પરંતુ ૨૦૨૦માં તેના ધારાસભ્યોની સંખ્યા બે આંકડા વટાવીને ૧૨ પર પહોંચી ગઈ છે. માલે માત્ર એક રાજકીય પક્ષ નથી. તે ગ્રામીણ બિહારના ગરીબોનો ચહેરો પણ છે. કોમવાદી અને લોકતાંત્રિક મૂલ્યો માટે ખતરારૂપ રાજકીય બળોનો તે વિરોધ કરે છે. ગ્રામીણ ગરીબો, ખેતકામદારો અને દલિત-આદિવાસીઓના અધિકારો માટે તે સતત સંઘર્ષશીલ છે. બિહારના જમીનદારોની ખાનગી ભૂમિસેનાઓએ કરેલા દલિત હત્યાકાંડો વખતે તે દલિતોની પડખે અડીખમ ઊભી હતી. ભૂમિહીનોને જમીનો અપાવવા તેણે સતત આંદોલનો કર્યા છે. જો કે પોતાને ‘અહિંસક નકસલ’ ગણાવતા અને સામ્યવાદી પક્ષો પ્રત્યે કૂણી લાગણી ધરાવતા લાલુ પ્રસાદ યાદવે બિહારના રાજકારણનું જે યાદવીકરણ કે લાલુકરણ કર્યું હતું, તેણે માલે સહિતના ડાબેરી પક્ષોને પણ ઘણું નુકસાન કર્યું હતું.
‘ન શિક્ષા-રોજગાર, ન ભૂમિસુધાર, બદલો સરકાર, બદલો બિહાર’ના નારા સાથે ચૂંટણી લડેલા ડાબેરીઓ ભલે સરકાર બદલી નથી શક્યા, પણ એન.ડી.એ. ગઠબંધનને સત્તા સુધી પહોંચવું અઘરું જરૂર બનાવી દીધું.હતું. માલેના ૧૯માંથી ૧૨ ઉમેદવારો જીત્યા હતા અને ૭ બીજાક્રમે હતા. સી.પી.આઈ.ના ૬ માંથી ૨ જીત્યા હતા અને ૩ બીજાક્રમે હતા. તો સી.પી.એમ.ના ૪માંથી ૨ જીત્યા હતા અને ૧ બીજાક્રમે હતા. ભારતીય જનતા પક્ષે ૧૧૦ બેઠકો પર ઉમેદવારો ઉતારી ૭૪ બેઠકો જીતતાં તેનો સ્ટ્રાઈક રેટ ૬૭.૩ ટકાનો હતો. તે પછીના ક્રમે ૧૯ બેઠકો પર ઉમેદવારી કરી ૧૨ બેઠકો જીતનાર માલેનો સ્ટ્રાઈક રેટ ૬૩.૧ ટકાનો હતો. આ સફળતા નોંધપાત્ર છે. માલેના ઉમેદવારોમાં એકેય કથિત ઉચ્ચ વર્ણના નહોતા. રાજ્યની અનુસૂચિત જાતિ માટેની ૩૬ અનામત બેઠકોમાંથી માલેએ પાંચ બેઠકો પર ઉમેદવારી કરી ૩ જીતી હતી જ્યારે સી.પી.આઈ.એ ૧ અનામત બેઠક પર ઉમેદવાર ઉતારીને તે બેઠક જીતી હતી. સૌથી વધુ મતે જીતેલા પાંચ ઉમેદવારોમાં માલેના બે છે તો ૧,૦૦૦ કરતાં ઓછા મતે હારનારા ૧૦ ઉમેદવારોમાં પણ બે ડાબેરી પક્ષોના છે. એ રીતે પણ ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરીઓનો દેખાવ શાનદાર રહ્યો છે
ચોક્કસ રાજકીય વિચારધારાને વરેલા ડાબેરી પક્ષોના બિહારમાં ચૂંટણી જોડાણો તકવાદ તો નથી ને એવો સવાલ થવો સહજ છે. બિહારના બંને પ્રાદેશિક પક્ષો અને કૉન્ગ્રેસ સાથે ડાબેરીઓ અગાઉ ચૂંટણી સમજૂતિઓ કરી ચૂક્યા છે. ડાબેરીઓની મુખ્ય ઓળખ તો તેમની આર્થિક વિચારધારા છે ત્યારે તેમના કરતાં સાવ સામા છેડાની વિચારધારાના પક્ષો સાથેનું તેમના ચૂંટણી જોડાણને સમજવું અઘરું છે. શું ડાબેરીઓ બદલાઈ રહ્યા છે ? કે તેમણે બદલાવું જોઈએ ? તેવો પણ સવાલ કરી શકાય. અપારદર્શી અને સિદ્ધાણતહીન ગઠબંધનો કદાચ થોડી વધુ બેઠકો મેળવી આપે પણ જે રાજકીય વિચારધારાને તેઓ વરેલા છે તેનું શું ? જે.એન.યુ. સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ પ્રમુખ સંદીપ સૌરભ ‘માલે’ના ઉમેદવાર તરીકે આર.જે.ડી.ના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનના ઉમેદવાર તરીકે આ વખતે ચૂંટાયા છે. ત્યારે આર.જે.ડી.ના નેતા શહાબુદ્દીન જે.એન.યુ. સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ પ્રમુખ અને માલે નેતા ચન્દ્ર્ શેખર ઉર્ફે ચંદુની હત્યાના આરોપી છે તે ભૂલી શકાશે ? બિહારમાં ડાબેરીઓનો ઉભાર માત્ર બેઠક વધારો ન બની રહેતાં નવું નેતૃત્વ અને નવા લોકતાંત્રિક સમાજવાદી કાર્યક્રમોનું ટાણું પણ બનવો જોઈએ. ડાબેરી નેતાઓએ આ ચૂંટણીને જનાંદોલન બનાવ્યું હતું. હવે તેને ગંભીર વૈચારિક આયામ આપી આમ આદમીના સવાલોને વાચા આપતા સામાજિક-રાજકીય આંદોલનમાં બદલવાની જરૂર છે.
(તા.૦૨-૧૨-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com