૩૩ : Me By Me અર્થાત્ સેક્સવર્કર બહેનોને ફોટોગ્રાફીની તાલીમ. દેહવ્યાપાર કરતી બહેનોને સમાજની મુખ્ય ધારામાં જોડવા જ્યોતિ સંઘે એક દાયકા સુધી અનેક પ્રયત્નો કર્યા. તેમનો એક મહત્ત્વનો અને પ્રયોગશીલ પ્રયત્ન એટલે બહેનોને ફોટોગ્રાફીની તાલીમ. UNDPના ઉપક્રમે અને TAHA (Prevention of Trafficking, HIV and AIDS in Women and Girls) દ્વારા તારીખ ૫થી ૮ ફેબ્રુઆરી, ૨૦૦૭ દરમિયાન એક વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું.
દિલ્હીના જાણીતા ફોટોગ્રાફરને નિમંત્રણ આપવામાં આવ્યું. ૩૦થી વધુ બહેનોને દરેકને એક કૅમેરા અને રોલ્સ ભેટ આપવામાં આવ્યા. કૅમેરાની રચના અને કાર્ય સમજાવવામાં આવ્યા. ફોટા કેવી રીતે પાડવા એ માટે લાઇટ, ઍંગલ વગેરે પાસાંઓની પ્રેક્ટિકલ સમજ આપવામાં આવી. ત્યાર બાદ દરેક બહેનને કહેવામાં આવ્યું કે તેઓ તેમના એક દિવસને કૅમેરામાં કેદ કરે તેમ જ તેઓને મનપસંદ તસ્વીર ખેંચે. પ્રાકૃતિક ફોટોગ્રાફી માટે અમદાવાદ નજીકના સ્થળે લઈ જઈ તાલીમ આપવામાં આવી.
૪ દિવસ દરમિયાન બહેનોએ ખેચેલી સેંકડો તસ્વીરોમાંથી પસંદ કરી તસ્વીરોનું એક પ્રદર્શન જ્યોતિ સંઘમાં આયોજિત કરવામાં આવ્યું. અમદાવાદનાં જુદાં-જુદાં ક્ષેત્રોની વ્યક્તિઓને પ્રદર્શન જોવા બોલાવ્યાં. તે સૌએ બહેનોનાં આ નવીન કામને વખાણ્યું. આમ, બહેનોએ પોતાનાં જીવનને તસ્વીર દ્વારા જીવંત કર્યું. એટલે એ પ્રોજેક્ટને Me By Me તરીકે નવાજવામાં આવ્યું. એ સમયના ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના ડિરેક્ટર ડૉ. સક્સેનાસાહેબે વર્કશૉપનું ઉદ્ઘાટન કર્યું હતું.
૩૪. : નિખાલસ પ્રતિભાવો સેક્સવર્કર બહેનોના : સેક્સવર્કર બહેનો સાથેની વાતચીત કે તેઓ વિશેના એમ.ફિલ, પીએચ.ડી. અભ્યાસો દરમિયાન મળેલા કેટલાક પ્રતિભાવો તેઓની જિંદગીને સમજવા ઉપયોગી છે.
(૧) મારા ધંધાને કારણે છોકરાંઓને ભણાવી શકતી નથી. સમય જ મળતો નથી.
(૨) તમે મારી વાત કોઈને ના કરશો. મેં જિંદગીમાં જે પણ કઈ કર્યું છે, તેનો મને ખૂબ અફસોસ છે. મારી મૂંઝવણ કોને કહેવી ?
(૩) સ્કૂલમાં હું શિક્ષિકા હતી. ત્યાં પગાર બહુ ઓછો મળતો હતો અને વધારે રૂપિયા જોઈતા હોય. તો આચાર્ય કહે એમ કરવું પડતું. પછી વિચાર્યું કે સોબસો રૂપિયા માટે આવું કરવું પડતું હોય, તો હું જ આ કામ ન કરું જેથી વધારે રૂપિયા તો મળે. એમ વિચારી આ લાઇન પકડી.
(૪) મારો એક મિત્ર છે એ મારા માટે જીવ આપી દે એવો છે. એ પરણેલો છે, પણ મારા માટે એનાં બૈરી-છોકરાં છોડવા તૈયાર છે. મને ખૂબ પૈસા મોકલે છે. એ મને કહે, હું પૈસા મોકલું છુંને! તું ઘરે રહી છોકરાંઓનું ધ્યાન રાખ. પણ મેં એને કહ્યું કે તું તારાં બૈરી-છોકરાં છોડીને જોખમની નોકરી કરે છે. દિવસો સુધી તેમનાથી દૂર રહે છે. એ રૂપિયા પર એ લોકોનો હક્ક છે, એ રીતે હું એને સમજાવું છું.
(૫) મેં તમને જે વાત કરી એ તમે બિન્દાસ લખજો. મને કોઈ વાંધો નથી. લોકોને ખબર તો પડે કે અમને કેવી-કેવી તકલીફો પડે છે! આ કામ કરીએ છીએ તો શું થયું, અમારી પણ જિંદગી અને તકલીફો સામાન્ય માતા, પત્ની કે ગૃહિણી જેવી જ હોય છે.
(૬) મેં હજુ સુધી લગ્ન જ નથી કર્યાં. હું કૉલેજમાં હતી ને મારો હસબન્ડ મને પ્રેમ કરીને લાવ્યો હતો. એણે પહેલાં પણ લગ્ન કરેલાં હતાં પણ મને પછીથી ખબર પડી. તે બહુ જ રંગીન મિજાજનો અને શોખીન હતો. હું એને બહુ સમજાવતી કે આવા ધંધા છોડી દે. પણ તે બિન્દાસ હતો. હું કહું એની કશી અસર જ થતી ન હતી. બે છોકરાંઓના જન્મ પછી હું તેનાથી અલગ થઈ ગઈ. ત્યારથી છોકરાંઓ મારી પાસે જ છે. મેં જ ઉછેરીને મોટાં કર્યાં.
(૭) મારા વ્યવસાયને કારણે હું દીકરાઓની કારકિર્દી ના બનાવી શકી. મારા લીધે આ લોકોએ પણ ભોગ આપ્યો. આ વ્યવસાયને કારણે મારે બહુ જ ઘર બદલવા પડ્યાં છે. તેથી છોકરાંઓને ના ભણાવી શકી.
(૮) દીકરાઓનાં લગ્નમાં અપાર મુશ્કેલી પડી છે. કોઈ છોકરી જ આપતા નહોતા. બધા કહે, મા આ ધંધો કરે છે, તો આપણી દિકરીની એ ઘરમાં શુ સલામતી ! કારણ કે બધાને મારા ધંધાની ખબર હતી.
(૯) તમારે જો ફિલ્મ બનાવવી હશે, તો હું મુખ્ય પાત્ર ભજવીશ. મને કોઈનો ડર નથી. સમાજ વચ્ચે હું મારી હકીકત કહેવા તૈયાર છું.
(૧૦) મારા આખા કુટુંબને મારા કામની ખબર છે, પણ બધા મારી કદર કરે છે. સાસરીમાં બધા કહે છે કે તારા પર તો અમારું કુટુંબ ચાલે છે
(૧૧) હું જે પણ કરું છું, તે ઘર માટે કરું છું અને મારી જાત પર કરું છું. કોઈની પાસેથી એક પાઈ પણ લેતી નથી. મરી જઈશ તો ખાપણના રૂપિયા પણ મૂકીને જઈશ. મારા રૂપિયાથી જ ખાપણ ખરીદવાનું. કોઈનું કશું જ ના જોઈએ.
(૧૨) જો મારે છોકરી હોત, તો છોકરા કરતાં પણ વધારે માથાભારે બનાવું. પંજાબી તો પહેરાવું જ નહીં, પૅન્ટશર્ટ પહેરાવું અને શર્ટના ઉપલાં બે બટન ખુલ્લાં રાખીને ફરે એવી બનાવું. કરાટે અને બૉક્સિંગ શિખવાડું.
(૧૩) આપણો સમાજ મારા કામને સ્વીકારતો નથી. પણ હું એવું નથી માનતી કે આ લાઇન ખરાબ છે. બધા મજબૂરીને કારણે જ અહીં આવે છે. એમને એમ કોઈ આવતું નથી. કોઈ પણ સ્ત્રી પોતાનાં અરમાનોનું ગળું ઘોંટીને આ કામ કરે છે. આ કામ કરવામાં એને બહુ જ માનસિક તકલીફ પડે.
૩૫ : સેક્સવર્કર બહેનોએ સર્જ્યાં દિવાળી કાર્ડ : જ્યોતિ સંઘના અમારા પ્રોજેક્ટમાં સલામત જાતીય સંબંધો અંગે અદ્દભુત જાગૃતિ દર્શાવી બહેનો રાષ્ટ્રીય કક્ષાએ રોલમૉડેલ બની રહી હતી. દેશભરમાંથી તેઓના અનુભવોના બોધપાઠ લેવા અનેક રાજ્યોના પ્રતિનિધિમંડળો આવવા લાગ્યાં. તેને સમાંતર આ બહેનોને એ અનિવાર્ય લાગ્યું કે તેઓ સમાજની મુખ્ય ધારામાં તેઓની પ્રભાવી હાજરી નોંધાવે અને પોતાની નવી ઓળખ સર્જે. આ દિશામાં તેઓએ પ્રતિ વર્ષ સ્વહસ્તે તૈયાર કરેલાં દિવાળીકાર્ડ અને નવા વર્ષનાં કાર્ડ બનાવવાનું શરૂ કર્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને શહેરના એલિસબ્રિજના નાકે આવેલી આર્ટગેલેરી એક અઠવાડિયા માટે આ બહેનોને આપી. ત્યાં જ બેસીને મનપસંદ રંગબેરંગી કાર્ડ બનાવવાનો સામૂહિક આનંદ સેક્સવર્કર બહેનોએ અનુભવ્યો. દિવાળીના ૧૫ દિવસ પહેલાં આ સેંકડો કાર્ડનું પ્રદર્શન અને વેચાણ પણ આ જ ગૅલેરીમાં કરવામાં આવ્યું. તેઓની દીકરીઓ-દીકરા અને કેટલાકના પતિ પણ આ કામમાં જોડાયાં.
દેશના વડા પ્રધાન, રાષ્ટ્રપતિથી માંડી અનેક મહાનુભાવોને દિવાળીકાર્ડ મોકલવામાં આવ્યાં. તેઓમાં રહેલી કલાને પ્રદર્શિત કરવાનો સામૂહિક મોકો પ્રાપ્ત કરી પોતાનું અસ્તિત્વ સમાજ સામે રજૂ કર્યું.
૩૬ : સેક્સવર્કર બહેનોના ચાતુર્માસ : તમને કદાચ આ વાંચી આશ્ચર્ય થશે કે સેક્સવર્કર બહેનોના તો વળી કેવા ચાતુર્માસ! પણ હા કેટલીક સેક્સવર્કર બહેનો ધંધા માટે ચાર મહિના ધાર્મિક સ્થળોની મુલાકાતે જતી અને પછી અમદાવાદ પરત આવતી. આપણાં ધાર્મિક સ્થળો પછી કોઈ પણ ધર્મનાં હોય એ પ્રવાસનસ્થળો પણ છે. ગુજરાતમાં દેશનાં કેટલાંક મહત્ત્વના ધાર્મિક સ્થળો આવેલાં છે. જ્યાં દેશ અને દુનિયામાંથી પણ પ્રવાસીઓ, દર્શનાર્થીઓ આવતા હોય છે. જુલાઈથી દિવાળી સુધી અમદાવાદની કેટલીક બહેનો આ તમામ સ્થળોએ ઘૂમી વળતી. ત્યાં પણ તેઓને ગ્રાહકો મળતા. ત્યાં ગેસ્ટ હાઉસ અને હોટેલોમાં તેઓ જતા ઉપરાંત ઘરઘરાઉ ગ્રાહકો પણ હોય.
ચાર મહિના પછી પાછી આવે, ત્યારે તેઓ ગમ્મતમાં કહેતા કે સર અમે ચાતુર્માસ કરી આવ્યા. છેલ્લાં વર્ષોમાં ટૂરિઝમના વિકાસ સાથે દારૂના વ્યસનથી શરૂ કરી દેહવ્યાપાર પણ અનેક ગણો વિકસ્યો છે. મોબાઇલ અને ઓટોમોબાઇલ બંનેએ અનેક ધંધાની સૂરત બદલી એમ સેક્સઈન્ડસ્ટ્રીની દશા અને દિશા પણ બદલાઇ. સેક્સવર્કર અને ગ્રાહક વચ્ચેથી વચેટિયા ઓછા થવા માંડ્યા અને મોબાઇલે ત્વરિત સંપર્કો સર્જ્યા અને ઑટોમોબાઇલ દ્વારા મળવાનું હાથ વગું થયું.
ગુજરાત સરકારની એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ ગુજરાતભરમાં એન.જી.ઓ. ને સેક્સવર્કર માટેનાં એઇડ્સ સંક્રમણ રોકવા માટેના પ્રોજેક્ટ આપ્યા. આવા કેટલાક પ્રોજેક્ટના મૂલ્યાંકન અને માર્ગદર્શક તરીકે કામ કરવાનો મોકો મળ્યો અને લગભગ આખું ગુજરાત ઘૂમી વળ્યો. દ્વારકા અને મીઠાપુરમાં એક એન.જી.ઓ.એ આ કામ ઉપાડ્યું. એક વર્ષ. પછી હું દ્વારકા ગયો, ત્યારે ૩ દિવસ આ સંસ્થાના કાર્યકરો સાથે રોકાયો. તેઓએ મને કહ્યું કે અમે પ્રોજેકટ લીધો પણ દ્વારકા તો ધાર્મિક સ્થળ છે, એટલે અહીં સેક્સવર્કર મળતી નથી. મેં કહ્યું કે વાત સાચી પણ ધાર્મિક સાથે દ્વારકા ભારતનું એક મહત્ત્વનું ઐતિહાસિક પર્યટનસ્થળ પણ છે, એટલે સેક્સવર્કર બહેનો તો હોય. પ્રવાસીઓ ગ્રાહક પણ હોઈ શકે.
બીજા દિવસે કાર્યકરો સાથે દ્વારકાની ગહન મુલાકાત લીધી અને મેં સેક્સવર્કર બહેનોને શોધી. તેઓ સાથે કેમ ઘરોબો કેળવવો તેની તાલીમ પણ આપી અને તેઓને આ સરકારી પ્રોજેક્ટ સાથે જોડી તેઓમાં સલામત જાતીય સંબંધો વિશે જાગૃતિ આવે એવા પ્રયત્નો પણ શરૂ કર્યા. (ક્રમશઃ)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2020; પૃ. 14-15