આ જગતમાં અનેક વાઇરસો આવ્યા, ગયા, અને હજુ પણ છે, અને જે છે તેની રસ્સી શોધાઈ નથી. આ જગતમાં એવી અનેક બીમારીઓ છે જેની દવા શોધવામાં આવી નથી. એટલા માટે નહીં કે બીમારીનો ઈલાજ મળતો નથી, પણ એટલા માટે કે જે ઈલાજ શોધવાનું કામ કરે છે તેને તેમાં રસ નથી.
શા માટે?
ઉત્તર બહુ આસાન છે. આધુનિક આયુર્વિજ્ઞાનનો વિકાસ સંશોધન દ્વારા થયો છે. વિજ્ઞાનીઓ પોતાની પહેલથી અથવા કોઈ વિદ્યાસંસ્થાઓની મદદથી સોશોધન કરતા હતા. હેતુ પ્રજાના કલ્યાણનો હતો. માત્ર આયુર્વિજ્ઞાનની બાબતમાં જ નહીં, બીજી અનેક બાબતે નિષ્ણાતો અને વિદ્યાસંસ્થાઓ સાથે મળીને કામ કરતા હતા. આજે માનવીનું જીવન લંબાયું છે અને તેની સુખાકારીમાં જે કાંઈ વધારો થયો છે એ આ ભાગીદારીના કારણે. જેમ કે મુંબઈની હાફકીન ઇન્સ્ટિટ્યૂટનું રસી વિકસાવવાના ક્ષેત્રમાં જે યોગદાન છે તેની તુલના જગતની કોઈ પણ પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા સાથે થઈ શકે.
પણ હવે સ્થિતિ બદલાઈ છે. હવે સંશોધનની પ્રયોગશાળાઓ વિજ્ઞાનીઓના અને વિદ્યાસંસ્થાનોના હાથમાંથી સરકી જઈને ફાર્માસ્યુટિકલ કંપનીઓના હાથમાં જતી રહી છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓએ પોતાને ત્યાં અદ્યતન પ્રયોગશાળાઓ વિકસાવી છે, નિષ્ણાત વિજ્ઞાનીઓને સીધા નોકરીએ રાખે છે અને પ્રતિષ્ઠિત વિજ્ઞાનીઓ અને વિદ્યાસંસ્થાઓ સાથે સમજૂતિ કરે છે. તેમની નજર દેખીતી રીતે નફા ઉપર હોય છે. જેમાં ઓછો નફો હોય તેમાં સંશોધન કરવા પાછળ તેમ જ દવાઓ શોધવામાં તેમને રસ નથી. આને કારણે જે બીમારીઓનું પ્રમાણ ઓછું હોય (રૅર ડીઝીઝ) તેવી અનેક બીમારીઓની દવાઓ મળતી નથી. તબીબી વિજ્ઞાનની ભાષામાં તેને ‘ઓર્ફન ડીઝીઝ’ તરીકે ઓળખાવવામાં આવે છે. કેટલીક બીમારીઓ નબાપી કે નધણિયાતી છે.
આની સામે કોવિડ-૧૯ની રસી વિકસાવવા કરતાં કોણ પહેલા બજારમાં મૂકે એ માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ વચ્ચે હોડ ચાલી રહી છે. રસી વિકસાવવાની એક પ્રક્રિયા છે અને તે ઘણી લાંબી અને અટપટી છે. માનવીની જિંદગી સાથે રમત રમવાની ન હોય. અનેક ટ્રાયલ કરવામાં આવે છે અને એનાં પરિણામ તપાસવામાં આવે છે. આજે પ્રયોગના ભાગરૂપે કોઈને રસી કે આપી કે તરત રસીનાં સારાં કે માઠાં પરિણામ મળે એ જરૂરી નથી. કેટલીક વાર મહિનાઓ પછી અસર જોવા મળતી હોય છે. શરૂઆતમાં સારી અસર જોવા મળે અને પછી તેની આડ અસર જોવા મળે એવું પણ બને. મહિનાઓ સુધી પરિણામ ચકાસ્યા પછી એકંદરે એમ લાગે કે નુકસાન વગર કે બહુ ઓછા નુકસાન સાથે રસી કામ કરે છે તો ટ્રાયલનો બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવે છે, જેની સેમ્પલ સાઈઝ પહેલા રાઉન્ડ કરતા વધુ હોય છે. એમાં પણ રસી પાસ થાય તો ટ્રાયલનો ત્રીજો રાઉન્ડ હજુ વધુ લોકોને રસી આપીને હાથ ધરવામાં આવે છે. ત્રણ રાઉન્ડ પાસ થાય એ પછી રસી વિકસાવનાર વિજ્ઞાની, વિદ્યાસંસ્થા કે ફાર્માસ્યુટિકલ કંપની વિશ્વ આરોગ્ય સંસ્થા પાસે રસ્સી મંજૂરી માટે મોકલે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) પોતાની રીતે રસી તપાસે છે અને પછી તેને મંજૂરી આપે છે કે નામંજૂર કરે છે. આ પ્રક્રિયા ઓછામાં ઓછા બે વરસની હોય છે.
પણ આ તો નીતિ આધારિત આદર્શ સ્થિતિની વાત થઈ. આજે યેનકેન પ્રકારેણ લોકોને પૈસા કમાવા છે અને એમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ અગ્રેસર છે. આજે સૌથી વધુ અનીતિ અનુક્રમે આરોગ્યના ક્ષેત્રમાં, શિક્ષણના ક્ષેત્રમાં અને સંરક્ષણના ક્ષેત્રમાં જોવા મળે છે. પહેલી બે માનવીની નિવારી ન શકાય એવી જરૂરિયાત છે અને ત્રીજી સમાજની કે દેશની જરૂરિયાત છે. પહેલા બેમાં મજબૂરીનો લાભ લેવામાં આવે છે અને ત્રીજામાં ભયનો. પહેલા બે ધંધા સેવાને નામે ચાલે છે અને ત્રીજો રાષ્ટ્રવાદ અને દેશપ્રેમના નામે.
આમ અત્યારે કોવીડ-૧૯ની રસી કોણ પહેલા બજારમાં મૂકે એ માટેની હોડ ચાલી રહી છે, પછી ભલે એ કાચી કે અધૂરી હોય. કોઈ કંપની ટ્રાયલનો પ્રોટોકોલ પાળતી નથી અને વિશ્વ આરોગ્ય સંસ્થા જાપ્તો રાખતી નથી. સર્વત્ર પૈસાનો ખેલ છે. કંપનીઓને ખબર છે કે રસી બજારમાં મુકતાની સાથે જ લોકો લાઈન લગાડવાના છે. એક તો વાઈરસ અટપટો છે, તેની અસર જલદી ધ્યાનમાં ન આવે એવી અટપટી છે અને તેને કારણે માનવી સામાન્ય જિંદગી જીવી શકતો નથી. એક વરસથી જનજીવન અસ્તવ્યસ્ત થયેલું છે. બીજી બાજુ ફાર્માસ્યુટિકલ કંપનીઓને એ વાતની પણ જાણ છે કે જો રસી વિકસાવવામાં વાર લાગી તો લોકો કોરોના વાઈરસ સાથે જીવતા શીખી લેશે. અત્યારે જ શીખવા માંડ્યા છે. લોકોની હર્ડ ઇમ્યુનિટી કોરોનાને પરાસ્ત કરવા લાગી છે. છ મહિનાનો ખેલ છે. જો છ મહિનામાં ઈલાજ ન સાંપડ્યો તો લોકો કોરોનાને જીવનના એક જોખમ તરીકે અપનાવી લેશે જેમ બીજાં અનેક જોખમો સાથે માણસ જીવે છે. માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ વચ્ચે સૌથી પહેલાં બજારમાં આવીને કમાઈ લેવાની હોડ ચાલી રહી છે.
અત્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ વિકસાવેલી રસ્સી હોડમાં પહેલા ક્રમે છે. આખું જગત તેની સામે આશા અને આદરપૂર્વક જોઈ રહ્યું છે. આદરપૂર્વક એટલા માટે કે એ પૈસાને કેન્દ્રમાં રાખ્યા વિનાનો જવાબદાર પ્રયોગ છે. પણ બન્યું એવું કે જેવો પ્રયોગ આગળ વધ્યો કે તરત જગતની મોટી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને સંશોધન લેબોરેટરીઓ તેની સાથે ભાગીદારી કે સહયોગનો કરાર કરવા માંડી. એમાંની કેટલીક પોતે પણ રસી વિકસાવે છે અને સાથે સાથે ઓક્સફર્ડ સાથે પણ સમજૂતિ કરી છે. જો પોતાની રસી નિષ્ફળ જાય અને ઓક્સફર્ડની રસી આગળ નીકળી જાય તો ઓક્સફર્ડની મંજૂરી (લાયસન્સ ફોર પ્રોડક્શન) સાથે ઉત્પાદન કરવા મળે. આવા કરાર કરનારી કંપનીઓમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ નામની કંપની પણ છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ પૂનાના સાયરસ પૂનાવાલાની માલિકીની છે જે ઘોડાના ઉછેર, તાલીમ અને રેસ માટે દેશમાં વધારે જાણીતા છે.
ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઓક્સફર્ડની રસીના ટ્રાયલનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્રીજા રાઉન્ડના ટ્રાયલના ભાગરૂપે ચેન્નાઈના એક યુવકને રસી આપવામાં આવી. જે લોકો રસી લઈને પ્રયોગમાં સાથ આપે છે તેને વોલન્ટિયર તરીકે ઓળખાવવામાં આવે છે. ચેન્નાઈના યુવકને પહેલી ઓક્ટોબરે રસી આપવામાં આવી એ પછી થોડા દિવસ વીત્યે તેણે ફરિયાદ કરી કે તેને રોજીંદા સામાન્ય કામ પણ ન કરી શકે એવી આડ અસર વર્તાય છે. જેમ કે પૈસા ગણવામાં તકલીફ પડે છે, ચેક પર સરખી સહી થતી નથી, વગેરે. વારંવાર ફરિયાદ કરવા છતાં કંપની તેની ફરિયાદને ધ્યાનમાં લેતી નથી અને જો આ રસી મંજૂરી મેળવીને બજારમાં આવશે તો પ્રજાને નુકસાન પહોંચી શકે એમ છે, એમ વિચારીને એ યુવક અને તેની પત્નીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ સામે ફરિયાદ કરી, એટલું જ નહીં ચાર કરોડ રૂપિયા નુકસાન ભરપાઈના માગ્યા. આના જવાબમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે ખુલાસા કરવાની જગ્યાએ એ યુવક સામે ૧૦૦ કરોડ રૂપિયાનો બદનામીનો કેસ ઠોકી દીધો.
હોઠે આવેલો કોળિયો એક માણસને કારણે ઝૂંટવાઈ જાય એ કેમ ચાલે. કંપનીના માલિકોને જાણ છે કે ભારતમાં ન્યાયતંત્ર પાંગળું છે. તેમને જાણ છે કે ભારતમાં ન્યાયતંત્ર ભ્રષ્ટ છે. તેમને એની પણ જાણ છે કે ભારતમાં ન્યાયતંત્ર અને કાયદો સામાન્ય માણસને ન પરવડે એટલાં મોંઘા છે. કીડી ઉપર કટક ઉતારો એટલે ડરી જશે. કંપનીના માલિકોને એક વાતની તો ધરપત છે કે ભારતના શાસકો કોર્પોરેટ કંપનીઓના ખિસ્સામાં છે, એટલે તેમના તરફથી કોઈ જોખમ નથી. મીડિયાનું તો પૂછવું જ શું!
બને કે એ યુવકની વાત ખોટી હોય. બને કે એ યુવક લાલચુ હોય. બને કે યુવકનો ભ્રમ હોય અને તેને જે આડ અસર દેખાય છે એ રસીના પરિણામે ન પણ હોય. બને કે આવી ફરિયાદ કરનારો એ એક માત્ર વોલન્ટિયર હોય. ચકાસણી કરવાની અને પારદર્શકપણે દેશની પ્રજાને વિશ્વાસમાં લેવાની કંપનીની ફરજ ખરી કે નહીં, અને તેને ફરજ પાડવાની શાસકોની ફરજ ખરી કે નહીં? એની જગાયે તેને જૂઠો, બદનક્ષી કરનારો, લાલચી ઠરાવીને પ્રચંડ રકમનો નુકસાન ભારપાઈનો કેસ કરીને મોઢું દબાવવાનું? જો અનુકૂળ પરિણામ જ જોઈતાં હતાં તો ટ્રાયલનું નાટક કરવાની જરૂરત જ શું હતી? પૈસા આપીને પરિણામ ખરીદી લેવા જોઈતાં હતાં. ભારતમાં તો પરિણામો ખરીદવાની મોટી ઇન્ડસ્ટ્રી ચાલે છે.
આવી સ્થિતિમાં આશા માત્ર ઓક્સફર્ડ યુનિવર્સિટી ઉપર રાખી શકાય એમ છે. તે આની ચકાસણી કરે અને મને ખાતરી છે કે તે કરશે. બાકી ભારતના શાસકો અને ન્યાયતંત્ર પાસે આશા રાખવી નકામી છે. ભારતની પ્રજાના આરોગ્યનો પ્રશ્ન હોવા છતાં પણ.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ડિસેમ્બર 2020